મેળામાં 500 ઊંટો રૃ.5 હજારથી એક લાખમાં ખરીદાયા
કાત્યોક મેળામાં રવિવારે માનવ મહેરામણ છલકાયો
ઊંટની સાથે ૫૦થી વધુ જાતવાન અશ્વોનું પણ વેચાણ, શેરડી ખરીદવામાં લોકોએ પડાપડી કરી
અમદાવાદ,
તા. ર૫ નવેમ્બર, ૨૦૧૮, રવિવાર
સિધ્ધપુર ખાતે આવેલ સરસ્વતી નદીના પટમાં ભરાતા કાત્યોકના લોક
મેળામાં રવિવારે પાંચ લાખ યાત્રાળુઓ ઉમડી પડતાં હકડેઠઠ ભીડ જામી હતી. મેળામાં ઊંટોના
વેચાણ માટે લાગતો બજાર લોકોના આકર્ષણનું કન્દ્ર બને છે.આ વર્ષે ૫૦૦ જેટલા ઊંટોની સાથે
રાજસ્થાન અને ગુજરાતમાંથી આવેલા ૫૦થી વધુ જાતવાન
અશ્વોનું પણ વેચાણ થયું હતું. ઊંટોની કિંમત રૃ.૫ હજારથી માંડીને રૃ.૧ લાખ સુધી પહોંચી
હતી. જયારે અશ્વો રૃ.૨ લાખથી ૨૦ લાખની કિંમતે શોખીનોએ ખરીદ કર્યા હતા.મેળામાં અવનવી
ચીજવસ્તુઓના લાગેલા સ્ટોલે ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
કાર્તિકી પૂનમના રોજથી
સિધ્ધપુર ખાતે શરૃ થતાં લોકમેળામાં ગુજરાતભરમાંથી હજારો લોકો મેળો માણવા માટે આવે છે.
આ વર્ષે પણ પાટણ, બનાસકાંઠા
અને મહેસાણા સહિત રાજ્યભરમાંથી પાંચ લાખથી વધુ શ્રધ્ધાળુઓ કાત્યોક મેળામાં ઉમટી પડયા હતા.
ટ્રેન, એસટી બસો અને ખાનગી વાહનોમાં લોકો પહોંચ્યા હતા જેના કારણે શહેરના તમામ માર્ગો માનવ મહેરામણથી છલકાયા હતા.શહેરના બજારો મોડી રાત સુધી ખુલ્લા રહ્યા હતા.
સિધ્ધપુરના મેળામાં શેરડી ખાવાની પરંપરા વર્ષોથી
ચાલી આવે છે તે નિભાવવા મેળામાં પહોંચેલા લોકો શેરડી ખરીદ કરવા રીતસર પડાપડી કરતા નજરે
પડયા હતા.
વળી, મેળાની મોજ સાથે શ્રધધાળુઓ તર્પણવિધી કરવામાં પણ એટલો જ ઉત્સાહ દાખવતા હોય છે. આ વર્ષે મેળા દરમિયાન અનુસૂચિત જાતીના ૧ લાખ જેટલા લોકો સહિત કુલ ૪ લાખ શ્રધ્ધાળુઓએ તર્પણવિધી કરાવી હતી.
જેના કારણે મેળાની રંગત સાથે વાતાવરણમાં ધાર્મિક રંગ ભળી ગયો હતો. આ ઉપરાંત, સિધ્ધપુરનો કાત્યોક મેળામાં ઊંટ અને અશ્વોના વેચાણ માટેનું ભરાતું બજાર પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રાજસ્થાન અને ગુજરાતભરમાંથી ઊંચી ઓલાદના અશ્વો વેચાણ માટે પહોંચ્યા હતા. જયારે પરંપરાગત રીતે ઊંટ બજાર પણ તેજીમાં જોવા મળ્યું હતું. આ વખતે ૫૦૦ જેટલા ઊંટો રૃ.૫ હજારથી માંડીને રૃ.૧ લાખની કિંમતે ગ્રાહકોએ ખરીદી કરી હતી.
જયારે ૫૦થી વધુ અશ્વો
રૃ.૨ લાખથી ૨૦ લાખની કિંમતે શોખીનોએ ખરીદ્યા હતા.નોંધપાત્ર છે કે,વેચાણ માટે આવેલી
અનેક નાચતી ઘોડીઓએ લોકોને ઘેલું લગાડયું હતું.
મેળામાં માનવ મહેરામણ ઉમટતા માનવસાંકળ રચાઇ
સિધ્ધપુરમાં ભરાયેલા કાત્યોકના લોકમેળામાં ઉમટેલા હજારો શ્રધ્ધાળુઓએ
રવિવારના દિવસે લાંબી માનવસાંકળ રચીને આકર્ષણ ઊભું કર્યું હતું.શહેરમાં આવેલા અશોક
સિનેમાથી સરસ્વતી નદીના તટ સુધી રચાયેલી માનસાંકળમાં મેળો માણવા આવેલા લોકોએ ઉત્સાહભેર
ભાગ લીધો હતો.
ચિત્ર-વિચિત્ર ટેટુ ચિતરાવવાની હોડ
સિધ્ધપુરના કાત્યોક મેળામાં દરવર્ષે શરીર પર ટેટુ ચિતરતા કલાકારો
પણ રોજીરોટી મેળવવા આવતા હોય છે.તેમની પાસે અવનવા ટેટુ પોતાના શરીર પર બનાવવા માટે
યુવક-યુવતીઓ અને ગ્રામિણ લોકોએ ભારે રસ દાખવ્યો હતો.