પાટણમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે શાકભાજીની લારીઓ માટે વ્યવસ્થા કરાઈ
- શહેરના 7 વિસ્તારોમાં ઉભી રહેશે લારીઓઃ આ જગ્યા સિવાય વેચાણ પર પ્રતિબંધ
પાલનપુર,તા.30 એપ્રિલ 2020, ગુરૂવાર
શાકભાજીની ખરીદી વખતે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થાય છે. અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી. જેથી કોરોના સંક્રમણનો ભય રહેલો છે. આ સમસ્યા નિવારવા માટે જિલ્લા કલેક્ટરે નગરપાલિકાની ટીમ દ્વારા પાટણ શહેરમાં અલગ અલગ ૭ જગ્યાઓએ લોકડાઉનના સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૃપે શાકભાજી માર્કેટ માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે જગ્યાની ફાળવણી કરી છે.
આ વ્યવસ્થામાં જુદા જુદા ૭ મેદાનો પર શાકભાજી વેચવાની પ્રક્રિયા થશે અને નાગરિકો પણ પોતાના આજુબાજુના શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદી શકશે. નાગરિકોએ પોતાનું વાહન મેદાનની બહાર પાર્ક કરીને ખરીદી કરવાની રહેશે.લોકડાઉન માટેના તમામ અન્ય નિયમો અહીં લાગુ પડશે. આમાર્કેટમાં નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૨૨ કમિટી બનાવેલી છે. જેસુપરવિઝન કરશે. શહેરમાં અન્ય કોઈપણ જગ્યાએ આ સ્થળો સિવાય શાકભાજી વેચવા પર પ્રતિબંધ રહેશે.
શાકભાજી વેચાણ માટે જે વૈકલ્પિક સાત સ્થળો નક્કી કરાયા છે.એમાં ખાડિયા શોપિંગ સેન્ટરની બાજુમાં અને શ્યામા પ્રસાદ મુખર્જી હોલ સામેની જગ્યા તથા પ્રગતિ મેદાનની બાજુની જગ્યા, પદ્મનાભ ચાર રસ્તા પાસે બકુલ પાર્ટી પ્લોટની બાજુની ખુલ્લી જગ્યા, એમ.એન.હાઈસ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડવાળી જગ્યા, પશુપાલન કચેરીની સામેની જગ્યા, પાટણ પાંજરાપોળની ખેતરવાળી જગ્યા, ટી.પી. સ્કીમ નં.૧ની નગરપાલિકાની જગ્યા, હારીજ રોડ પર ખોડિયાર નગર સોસાયટી બાજુની જગ્યા છે. અહીંથી આસપાસના રહીશો સવારે પાંચથી બપોરે બાર વાગ્યા સુધી શાકભાજીની ખરીદી કરી શકશે.