સિધ્ધપુરના ખડીયાસણના 68 વર્ષીય વૃધ્ધને કોરોના ભરખી ગયો
- પાટણ જિલ્લામાં મૃત્યુઆંક 7 થયો
- પાંચ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જિલ્લામાં શંકાસ્પદ 263 દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ
પાલનપુર,સિધ્ધપુર, તા. 04 જૂન 2020, ગુરૂવાર
પાટણ જિલ્લામાં ધીરે ધીરે કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો આંક વધતો જઈ રહ્યો છે. જેમાં પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૬ દર્દીઓના મોત નિપજ્યા હતા. ત્યારે ગુરુવારે ખડીયાસણ ગામના કોરોના પોઝિટિવ ૬૮ વર્ષીય વૃધ્ધનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૭ થઈ ગયો છે. તો બીજી તરફ પાટણ જિલ્લાના વધુ બે દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેને લઈ જિલ્લામાં કુલ ૬૭ દર્દીઓ કોરોનાને હરાવી પરત ફર્યા છે.
પાટણ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. જેને લઈ મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો છે. જેમાં ખડીયાસણ ગામના ૬૮ વર્ષીય વૃધ્ધ મુંબઈથી ખડીયાસણ ગામે આવ્યા હતા ત્યારે તેઓના અંદર તાવ અને શ્વાસના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ગત તા. ૩૦ મે ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓને ધારપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધારપુર હોસ્પિટલમાંતી તા. ૧ જૂનના રોજ અમદાવાદની ગ્લોબલ હોસ્પિટલ ખાતે સંબંદી ડોક્ટરને ત્યાં વધુ ટ્રીટમેન્ટ માટે રીફર કરવામાં આવ્યા હતા ત્યારે ગુરુવારે વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદની ગ્લોબલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જેને લઈ કોરોનાથી વધુ એક દર્દીનું મોત થતા જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૭ થઈ ગયો છે. જેને લઈ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. જ્યારે બીજી તરફ પાટણ શહેરના ૪૩ વર્ષીય પુરુષ તેમજ કમલીવાડા ગામના ૬૮ વર્ષીય પુરુષનો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેને લઈ જિલ્લામાં કુલ ૬૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. જેમાં હવે માત્ર ૧૧ દર્દીઓને સારવાર હેઠળ દાખલ રાખેલ છે.
પાટણ જિલ્લામાં શંકાસ્પદ 263 દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ
પાટણ જિલ્લામાં ગુરુવાર સાંજ સુધીમાં કુલ ૨૫૯૯ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૨૨૫૨ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેમાં ૮૫ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ૬૭ દર્દીઓ કોરોનાને હરાવી પરત ફર્યા છે તો ૧૧ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જેમાં હજુ શંકાસ્પદ ૨૬૩ દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ રહેલ છે.
અનલોક-૧માં છૂટછાટ વચ્ચે કોરોના સંક્રમણ અટકાવવું મુશ્કેલ
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આરોગ્ય વિભાગ તેમજ વહિવટી તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧ માં મોટેભાગે છુટછાટ આપવામાં આવતા પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર માટે મુશ્કેલ બન્યું છે.
પાટણ જિલ્લામાં વધુ બે દર્દીઓએ કોરોનાને હરાવ્યો
પાટણ જિલ્લામાં કોરોનાના કુલ ૮૫ કેસ નોંધાય છે. જેમાં બુધવાર સાં સુધીમાં ૬૫ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા ત્યારે ગુરુવારે પાટણ શહેરના ૪૩ વર્ષીય પુરુષ અને ૬૮ વર્ષીય પુરુષ સ્વસ્થ થતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેને લઈ બંને દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધી ૬૭ દર્દીઓને કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.