VIDEO | પંચમહાલ: ગોધરામાં બે રહેણાંક મકાનોમાં ભીષણ આગથી ઘરવખરી બળીને ખાખ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Two Houses Fire In Godhra Panchmahal: પંચમહાલના ગોધરા શહેરમાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટના ઘટી છે. જેમાં ભોઈવાડા વિસ્તારમાં એક ગરીબ વયોવૃદ્ધ પરિવારના મકાનમાં ભીષણ આગ લાગતા ઘરવખરી સહિત આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. જ્યારે બીજી ઘટના ભગવદ નગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં બની હતી. સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું હતું.
ગોધરામાં આગના 2 બનાવથી દોડધામ
ગોધરાના ભોઈવાડામાં અંકલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા મકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા વયોવૃદ્ધ ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતા. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, ભીષણ આગના કારણે ઘરવખરી સહિત આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. જ્યારે આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.
ઘરવખરી બળીને ખાખ
બીજી એક આગના ઘટના ગોધરાની ભગવદ નગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ઘટી હતી. જ્યાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોમાં ફફડાટ છવાયો હતો. આગના બનાવને પગલે ગોધરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ઘરમાં રાખેલા ગેસના ત્રણ સિલિન્ડર ફાયર જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
આગ લાગી એ સમયે પરિવારજનો ઘરની બહાર હોવાથી આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ આગના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. આમ, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.




