પંચમહાલ શિક્ષણ વિભાગમાં ₹2.78 કરોડનું કૌભાંડ, હાઈકોર્ટમાંથી રાહત મળતાં જ DPEO ગાયત્રીબહેન પટેલ ફરજ પર હાજર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Grant Scam: પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના 'સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ'માં આચરાયેલા 2.78 કરોડ રૂપિયાના ઉચાપત કૌભાંડમાં એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. સરકારી નાણાંની હેરાફેરીના આ ગંભીર કેસમાં હાઈકોર્ટમાંથી કાનૂની રાહત મળતાં જ પંચમહાલના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ગાયત્રીબહેન પટેલ ફરી એકવાર પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે. મંજૂર થયેલી રજાના 10 દિવસ પહેલાં જ તે હોદ્દા પર હાજર થઈ જતાં શિક્ષણ આલમમાં ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
સમગ્ર શિક્ષા પ્રોજેક્ટમાં આચરાયું હતું કરોડો રૂપિયાનું કૌભાંડ
મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ હેઠળ મંજૂર થયેલી ગ્રાન્ટ અને સરકારી નાણાંમાં 2.78 કરોડ રૂપિયાથી વધુની રકમની કથિત ઉચાપત આચરવામાં આવી હોવાનો ભાંડાફોડ થયો હતો. સરકારી નાણાંની ચોરી અને ગેરરીતિ અંગે ગોધરા B-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કૌભાંડની પોલીસ તપાસ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબહેન પટેલની સંડોવણી સામે આવતાં તેમનું નામ ખુલ્યું હતું.
10 દિવસ અગાઉ જ હાજર થઈ જતાં ચર્ચા તેજ
કેસમાં સંડોવણી સામે આવ્યા બાદ અને કાનૂની કાર્યવાહી વચ્ચે તેઓ રજા પર ઉતરી ગયા હતા. જોકે, હાઈકોર્ટમાંથી આગોતરા જામીન કે કાનૂની રાહત મળતાં જ તેઓ મંજૂર થયેલી રજા પૂર્ણ થવાના 10 દિવસ અગાઉ જ અચાનક ઓફિસે પહોંચીને ફરજ પર હાજર થઈ ગયા હતા. શિક્ષણ વિભાગના અગત્યના હોદ્દા પર રહેલા ઉચ્ચ અધિકારી સામે 2.78 કરોડ રૂપિયાના કૌભાંડના ગંભીર આક્ષેપો હોવા છતાં, રજા પૂરી થયા પહેલાં જ તેમનો ચાર્જ સંભાળવો સમગ્ર પંચમહાલ જિલ્લામાં અને શિક્ષણ વર્તુળોમાં ભારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હાલ આ મામલે કાયદાકીય તપાસ ચાલી રહી છે.




