ભારતીય વિદ્યાર્થીઓને હવે કેનેડા નહીં પણ આ દેશ સૌથી વધુ પસંદ, 5 વર્ષમાં સંખ્યા બમણી થઈ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Indian Students In Gernmany


Germany Student Visa For Indians: કોરોના મહામારી બાદ વિદેશ જઈને અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધી છે. ગત વર્ષે 2023માં રોજિંદા સરેરાશ 2055 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હોવાના આંકડા સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાલ 12 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. આ સિલસિલો સતત વધી રહ્યો છે. આ વર્ષે જર્મની જઈ અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા રૅકોર્ડ સ્તરે વધી છે. આ મામલે ભારતીય વિદ્યાર્થીઓ ચીનને પણ પાછળ પાડી દીધું છે.

જર્મની એકેડેમિક ઍક્સચેન્જ સર્વિસની ડોયશ એકેડેમિસ્શર ઓસ્ટોશડિએનસ્ટ (DAAD) અનુસાર, આ વર્ષે જર્મની અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 49483 સાથે સૌથી વધુ રહી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે 15.1 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં DAAD દ્વારા જારી એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં આ સંખ્યા બમણાથી વધી છે. ભારતીય વિદ્યાર્થીઓ હવે સતત બીજા વર્ષે જર્મનીમાં સૌથી મોટું ઇન્ટરનેશનલ ગ્રુપ બન્યું છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ભણતા STEM વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, 3 વર્ષ સુધીની વર્ક પરમિટ મળશે

50 હજારથી વધુ વિદ્યાર્થીઓ જર્મની ગયા

2018-19માં 20,810 ભારતીય વિદ્યાર્થીઓ જર્મન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા હતા. 2019-20માં સંખ્યા વધીને 25 હજારને પાર થઈ ગઈ. કોરોના મહામારી દરમિયાન પણ જર્મની જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો ન હતો. આ વર્ષે વિન્ટર સેમેસ્ટર 2024-25 માટે આ આંકડો 50 હજાર(49,483)ની નજીક પહોંચ્યો છે.

ભારતીય વિદ્યાર્થીઓએ ચીનને પાછળ પાડ્યું

જો આપણે ભારતીય વિદ્યાર્થીઓની તુલના જર્મન યુનિવર્સિટીઓમાં અન્ય દેશોના વિદ્યાર્થીઓ સાથે કરીએ તો આપણે આ મામલે ચીનને પાછળ છોડી દીધું છે. ગયા વર્ષે, ચીની વિદ્યાર્થીઓની સંખ્યા 39,137 (ભારતીય-42,997) હતી, ત્યારબાદ સીરિયા (15,563), ઑસ્ટ્રિયા (14,762) અને તુર્કી (14,732) અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને હતા.

મોટા ભાગના એન્જિનિયર

DAAD દ્વારા શેર કરાયેલ જર્મનીની ફેડરલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના ડેટા અનુસાર, 60 ટકા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. વિષયવાર રજિસ્ટ્રેશન મુજબ, જર્મનીમાં 21 ટકા ભારતીય વિદ્યાર્થીઓ કાયદો, વ્યવસ્થાપન અને સામાજિક અભ્યાસનો અભ્યાસ કરે છે. 13 ટકા ગણિત અને નેચરલ સાયન્સમાં અભ્યાસ કરે છે અને પાંચ ટકા અન્ય અભ્યાસક્રમોમાં રજિસ્ટર્ડ થયા છે.

જર્મનીની માગ કેમ વધી?

જર્મનીની ઘણી યુનિવર્સિટીઓની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં થાય છે. ત્યાંની શિક્ષણ પ્રણાલી પ્રેક્ટિકલ નોલેજ પર વધુ ભાર મૂકે છે, જેનાથી વિદ્યાર્થીઓ રોજગાર માટે વધુ સારી રીતે સજ્જ બને છે. જર્મનીમાં રિસર્ચની ઘણી તકો છે, જે વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રમાં એડવાન્સ ડેવલપમેન્ટ વિશે જાણવાની મંજૂરી આપે છે. જર્મન એકેડેમિક ઍક્સચેન્જ સર્વિસ (DAAD) ભારતીય વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સ માટે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ આપે છે. જેનાથી બન્ને દેશો વચ્ચે એકેડેમિક આદાન-પ્રદાન અને સહયોગમાં વધારો થઈ રહ્યો છે.

ભારતીય વિદ્યાર્થીઓને હવે કેનેડા નહીં પણ આ દેશ સૌથી વધુ પસંદ, 5 વર્ષમાં સંખ્યા બમણી થઈ 2 - image


Google NewsGoogle News