Image: AI Gemini |
Trump's H1-B Visa Fees Raise Effects: વિદેશમાં વસતા ઘણા ભારતીય H-1B વીઝા ધારકો માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિઝામાં કરવામાં આવેલો વધારો એક દુઃખદ સ્વપ્ન સમાન હતો. આ આઘાતજનક જાહેરાત બાદ ટેક કંપનીઓએ વતન ગયેલા પોતાના કર્મચારીઓને એક દિવસની અંદર પાછા ફરવા સૂચના આપી. તેથી તેઓ તાબડતોડ કૌટુંબિક મેળાવડા અને લાંબા આયોજિત પ્રવાસો છોડી અમેરિકા પરત ફરવા મજબૂર બન્યા.
કંપનીઓએ તરત જ પાછા બોલાવ્યા
સોશિયલ મીડિયા પર એક યુઝરે પોતાની અને એચ-1બી વિઝા હોલ્ડર્સને નડી રહેલી મુશ્કેલીઓ વિશે માહિતી આપી હતી. તેઓ અમેરિકાની બહાર ફસાઈ ગયા હતા. હાલ એચ-1બી વિઝા ફીમાં વધારો સહિત આકરા નિર્ણયો જાહેર થતાં તેમની મુશ્કેલીઓ અને અસમંજસ વધી છે. એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓએ શનિવારે કર્મચારીઓને ઇમેઇલ કરીને 21 સપ્ટેમ્બરના રોજ સવારે 9:31 વાગ્યા સુધીમાં યુએસ પાછા ફરવા આદેશ કર્યો હતો.
માતા-પરિવારને ઘણા સમય બાદ મળવાના હતાં
એક એચ1બી વિઝાધારકે કહ્યું કે, 'જેમના દિલમાં દયા નથી, તેમના માટે અત્યંત શરમજનક વાત છે. તેઓ મારી મમ્મીને રડતા જોઈ શક્યા નહીં. તે થોડા મહિનામાં જ મને પહેલીવાર મળવાની હતી, હું ઘણા વર્ષ બાદ પ્રથમ વખત મારી મમ્મીને મળવાનો હતો. અન્ય એક યુઝરે કહ્યું કે, 'આ ખોટું છે. અમે આને લાયક ન હતા. અમારી લાગણીઓને ઠેસ પહોંચી છે, આ નિર્ણયથ પરિવારો અલગ થઈ ગયા છે, અને મહત્વપૂર્ણ ક્ષણો ચૂકી ગયા.'
આ પણ વાંચોઃ H1-B બાદ અમેરિકાએ વધુ એક ઝટકો આપ્યો, ટુરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા ફીમાં ઝીંક્યો વધારો
ટ્રમ્પના નિર્ણયથી અફરાતફરી
ટ્રમ્પની મસમોટી વિઝા ફી જાહેર થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એચ-1બી વિઝા આપનારી કંપનીઓ અને કર્મચારીઓ ભયભીત બન્યા હતા. તેઓ તાત્કાલિક ધોરણે વિશ્વના ગમે તે ખૂણામાંથી અમેરિકા પહોંચવા આદેશ અપાયો હતો. જો કે, આ અફરાતફરી બાદ વ્હાઇટ હાઉસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે કંપનીઓએ તેમના H-1B કામદારોને યુએસમાં ફરીથી બોલાવવા માટે વધુ ફી ચૂકવવાની જરૂર નથી. પરંતુ ત્યાં સુધીમાં, ઘણુ નુકસાન થઈ ચૂક્યું હતું. ઘણા H-1B વિઝા ધારકોએ શુક્રવારે મોડી રાત્રે ટ્રમ્પની જાહેરાતના કલાકોમાં જ ગભરાટ અને ચિંતા સાથે અમેરિકા તરફ દોડ મૂકી દીધી હતી.
ઉતાવળે ટિકિટ કરાવી તેઓ અમેરિકા જવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઘણા લોકો વેકેશન માટે પોતાના વતન આવી રહ્યા હતા, તેઓએ ફ્લાઈટના વેઇટિંગ દરમિયાન વિઝાના નિયમોમાં ફેરફાર વિશે સાંભળ્યું અને પોતાના તમામ પ્લાનિંગ રદ કરી અમેરિકામાં જ રોકાઈ ગયા. ઘણી દિગ્ગજ ટેક કંપનીઓએ પણ H-1B વિઝા ધરાવતા કર્મચારીઓને આગામી સૂચના સુધી યુએસ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા લોકોએ આ અનિશ્ચિતતાને કારણે પોતાના લગ્ન પણ રદ કર્યા હતા.
ટ્રમ્પના આદેશમાં સ્પષ્ટતાનો અભાવ
એક વ્યક્તિએ મીડિયાને જણાવ્યું હતું કે, 'આ એક મુસાફરી પર મૂકાતો પ્રતિબંધ છે! ભલે કોઈના પાસપોર્ટમાં માન્ય H-1B વિઝા હોય, જો તેઓ મુસાફરી કરી રહ્યા હોય અથવા વેકેશન પર હોય, જો તેમની પાસે 100,000 ડોલરની ચુકવણીનો પુરાવો ન હોય ત્યાં સુધી તેઓ યુએસમાં પ્રવેશી શકતા નથી. પ્રક્રિયા શું છે, વિગતો શું છે તે કોઈને ખબર નથી. સંપૂર્ણ અરાજકતા છે.' અન્ય એકએ કહ્યું, 'એરપોર્ટ પર બોર્ડિંગ લાઇનમાં ઉભા રહેલા લોકો, પોતાના લગ્ન માટે વતન જતાં લોકોએ પોતાની ટ્રિપ્સ રદ કરી. કારણ કે તેમને ખબર નથી કે આગળ શું કરવું. ટ્રમ્પની જાહેરાત, સત્તાવાર સૂચનાઓ અથવા સ્પષ્ટતાના અભાવે, ટ્રમ્પ વહીવટીતંત્રે સ્પષ્ટતા ન આપી ત્યાં સુધી પરિવારોને મૂંઝવણમાં મૂક્યા છે.'


