H1-B બાદ અમેરિકાએ વધુ એક ઝટકો આપ્યો, ટુરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા ફીમાં ઝીંક્યો વધારો
US Visa Integrity Fee: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 50 ટકા ટેરિફ, એચ-1બી વિઝા ફી એક લાખ ડોલર કર્યા બાદ હવે વધુ એક ઝાટકો આપ્યો છે. તેમણે 1 ઓક્ટોબર, 2025થી સ્ટુડન્ટ અને ટૂરિસ્ટ વિઝા ફીમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. જેની સૌથી વધુ અસર અમેરિકા જવા ઈચ્છુક ભારતીયોને થશે. આ સિવાય ચીન, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિનાના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને પણ તેની અસર થશે.
એક્ટમાં ફીની જોગવાઈ
અમેરિકાએ 4 જુલાઈ, 2025ના રોજ વન બિગ બ્યૂટીફ્યુલ બિલ એક્ટ લાગુ કર્યો હતો. આ એક્ટમાં વિઝા ઈન્ટિગ્રન્ટી ફી 250 ડોલર કરવાની જોગવાઈ છે. આ ફી નોન-ઈમિગ્રન્ટ વિઝા જેમ કે, B-1/B-2, સ્ટુડન્ટ એફ-1, વર્ક એચ-1બી/એલ-1, બિઝનેસ વિઝા વગેરે પર લાગુ થશે. આ ફી વર્તમાન વિઝા ફી (185 ડોલર એમઆરવી) ઉપરાંત આપવી પડશે. જેથી 1 ઓક્ટોબરથી વિઝા અરજી મોંઘી પડશે.
આ દેશોને નવી વિઝા ફીમાં મુક્તિ
અમેરિકા દ્વારા વિઝા ફીમાં વધારો કરવા પાછળનો હેતુ વિઝા ઓવરસ્ટે અને છેતરપિંડીથી રોકવાની સાથે સાથે બોર્ડર સિક્યોરિટી ફંડિંગ કરવા અને સરકારની કમાણીમાં વધારો કરવાનો છે. પરંતુ આ ફી વિઝા વેવર પ્રોગ્રામ હેઠળના દેશો પર લાગુ થશે નહીં. જેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુરોપિયન દેશો સમાવિષ્ટ છે. કેનેડા પર પણ આ ફી લાગુ નહીં થાય. યુએસ ટ્રાવેલ એસોસિએશન અનુસાર, આ વધારાની ફીના કારણે કુલ વિઝા ફી 442 ડોલર થશે, જે વિશ્વમાં સૌથી વધુ વિઝા ફી બનશે.
રિફંડ સંભવ, જટિલ પ્રક્રિયા
ટ્રમ્પ સરકારે વધુ એક જોગવાઈ પણ લાગુ કરી છે કે, જો સ્ટુડન્ટ, ટૂરિસ્ટ, બિઝનેસ અને વર્ક વિઝાધારકો અમેરિકાના વિઝા નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે છે, અને ઓવરસ્ટે કરતા નથી. વિઝાની મુદ્દત પૂર્ણ થયા બાદ રિફંડ સંભવિત બનશે, પરંતુ રિફંડની પ્રક્રિયા જટિલ બની શકે છે. જેથી વિઝા ફીને નોન-રિફંડેબલ ગણીને જ આગળ ચાલવું. અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત પર શું અસર થશે
ભારત વિઝા વેવર પ્રોગ્રામ હેઠળ સામેલ નથી. આથી સ્ટુડન્ટ, ટુરિસ્ટ, બિઝનેસ અને વર્ક વિઝા પર 250 ડોલર વધારાની ફી પેટે ચૂકવવા પડશે. એચ-1બી વિઝા માટે કંપનીઓ પહેલાંથી જ 780 ડોલર, અન્ય ફી અને એક લાખ ડોલરની વધારાની ફી ચૂકવી રહ્યા છે. હવે તેના પર 250 ડોલર વધારાના ચૂકવવા પડશે. ટ્રમ્પ સરકારના આ નવા નિર્ણયથી ટુરિઝમ અને બિઝનેસ સેક્ટર પર સૌથી વધુ માઠી અસર થશે. 7.2 કરોડ વિઝિટર્સ પર અસર કરે. અમેરિકાની સાથે સાથે એશિયાનું ટૂરિઝમ સેક્ટર પણ પ્રભાવિત થશે.