US Visa Rules: અમેરિકામાં ફરવા ગયેલી એક ભારતીય મહિલાએ સ્ટોરમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ યુએસ એમ્બેસીએ કડક શબ્દોમાં ઈમિગ્રન્ટ્સને ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ અમેરિકામાં રહેતાં અથવા ત્યાં જવાનું વિચારી રહેલા લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે, અમેરિકામાં હુમલો, ચોરી, કે ગેરરીતિ જેવા ગુના પર વિઝા રદ થઈ શકે છે. સાથે ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ પણ લાગી શકે છે.
અમેરિકન એમ્બેસીએ X પર પોસ્ટ કરી હતી કે, જો તમે અમેરિકામાં હુમલો, ચોરી કે ઘરફોડ ચોરી, ગેરરીતિ કરો છો, તો તમારા પર માત્ર ન્યાયિક કાર્યવાહી ઉપરાંત વિઝા પણ રદ થી શકે છે. તેમજ ભવિષ્યમાં વિઝા મંજૂર થવાની સંભાવના પર પૂર્ણવિરામ વાગી શકે છે. અમેરિકા કાયદાનું સન્માન કરે છે, અને વિદેશી નાગરિકો પાસેથી પણ આ જ અપેક્ષા છે.
1.42 લાખ વિદેશીઓને ડિપાર્ટ કરાયા
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રેશન મુદ્દે સતત આકરૂ વલણ દર્શાવી રહ્યા છે. તેમણે ઈમિગ્રેશનના નિયમોને કડક બનાવવા ઉપરાંત ગેરકાયદે વસતાં ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની સુધીની કાર્યવાહી હાથ ધરી છે. 20 જાન્યુઆરીથી 29 એપ્રિલ દરમિયાન તેમણે 1.42 લાખ વિદેશીઓને અમેરિકામાંથી ડિપોર્ટ કર્યા હતાં. એવામાં આ પ્રકારની ઘટનાએ ઈમિગ્રટન્સ પર સંકટના વાદળો વધુ ઘેરા બનાવ્યા છે.
અમેરિકાના કાયદા અનુસાર, ચોરી અને સ્ટોરમાંથી ચોરીને અલગ-અલગ ન્યાયિક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ ચોરી પ્રકૃતિ અને કિંમત પર નિર્ભર કરે છે. ત્યાં કાયદામાં ચોરી, ઉચાપત, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓને અલગ-અલગ વિગતવાર વ્યાખ્યાયિત કર્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય મહિલાની અટકાયત, સ્ટોરમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરીનો આરોપ
શું છે કાયદો
અમેરિકાના જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના રાજ્યોમાં દુકાન માલિકોને ઘરફોડ ચોરીની શંકામાં વ્યક્તિને રોકી તેની પૂછપરછ કરવાનો હક છે. અમુક રાજ્યોમાં તે સિવિલ કેસ પણ કરી શકે છે. જો 300 ડોલરથી ઓછી રકમની વસ્તુઓની ચોરી થી હોય તો તે ક્લાસ-એ મિસડિમિનર ગણાય. જેમાં 2500 ડોલર સુધીનો દંડ અને એક વર્ષની સજાની જોગવાઈ છે. જો ચોરીની રકમ 300 ડોલરથી વધુ હોય તો તે ક્લાસ-4 ચોરી ગણાય. જેમાં 25000 ડોલર સુધીનો દંડ અને એકથી ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.
નકલી લગ્ન પર પણ સજાની જોગવાઈ
ટ્રમ્પ સરકારે નકલી લગ્ન પર સીટિઝનશીપ લેતાં ઈમિગ્રન્ટસ પર સંકજો કસ્યો છે. વ્હાઈટ હાઉસે એક પોસ્ટમાં ચીનના નાગરિક જિયેજુન શેનના કેસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, શેન ઈમિગ્રેશનના લાભ મેળવવા માટે યુએસના સીટિઝન સાથે નકલી લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે તેને ડિપોર્ટ કરી દીધો છે. તેના પર જબરદસ્તી લગ્ન કરવાની ઈચ્છાના કારણે બ્લેકમેઈલિંગનો આરોપ મૂકાયો હતો. યુએસ સીટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝે આ મામલે જણાવ્યું હતું કે, અમારા અધિકારીઓ આ પ્રકારના નકલી લગ્ન કરનારાઓને પકડવા માટે સંપૂર્ણપણે પ્રશિક્ષિત છે.


