Trump Account Scheme: અમેરિકામાં વસતા પરિવારો અને ખાસ કરીને નવજાત બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે. 'ટ્રમ્પ એકાઉન્ટ' નામની આ યોજના હેઠળ હવે અમેરિકામાં જન્મ લેનાર દરેક બાળકનું રોકાણ ખાતું ખોલવામાં આવશે, જે ખાતામાં $1,000 (આશરે 84,000 રૂપિયાથી વધુ) જમા કરવામાં આવશે. આ રોકાણ ખાતું અન્ય ખાતાની અલગ હશે તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં, યોજનાનો મુખ્ય હેતુ પેઢી દર પેઢી સંપત્તિનું નિર્માણ કરવાનો અને બાળકોને દેવાના બોજ વગર જીવનની શરૂઆત કરવામાં મદદ કરવાનો છે.
ભારતીય મૂળના (NRIs) બાળકોને ફાયદો મળશે?
ઘણા ભારતીય દંપતીઓ અમેરિકામાં વર્ક વિઝા કે ગ્રીન કાર્ડ પર રહે છે. તેમના મનમાં સવાલ છે કે શું તેમના બાળકને આ યોજનાનો લાભ મળશે? જવાબ છે હા, જો ભારતીય માતા-પિતાનું બાળક અમેરિકાની ધરતી પર જન્મ લે છે, તો તે જન્મથી જ અમેરિકન નાગરિક ગણાય છે. જો બાળકની પાસે કાયદેસરનો સોશિયલ સિક્યોરિટી નંબર (SSN) હોય, તો તે આ $1,000ની સહાય મેળવવા માટે સંપૂર્ણ લાયક હશે.
આ માટે પાત્રતા કઈ?
-ટ્રમ્પ એકાઉન્ટ માટે બાળક 1 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 વચ્ચે જન્મેલું હોવું જોઈએ
-જન્મ સાથે અમેરિકાનું નાગરિક હોવું જોઈએ
-જો કોઈ ભારતીય કપલ અમેરિકામાં બાળકને જન્મ આપશે તો તેને પણ લાભ મળશે
-બાળકનો કાયદેસર સોશિયલ સિક્યોરીટી નંબર હોવો જરૂરી
-માતા-પિતા કે વાલીએ સમયસર ખાતું ખોલાવવું પડશે
જે બાળકો આ શરતો પૂરી કરતા નથી જેમ કે બિન-નાગરિકો, જન્મ તારીખની બહારના બાળકો અથવા જરૂરી દસ્તાવેજો વિનાના બાળકો તેમના માટે આ યોજના લાગુ પડશે નહીં.
કોને લાભ નહીં મળે?
-જે બાળકોનો જન્મ નિર્ધારિત તારીખ પહેલા કે પછી થયો છે.
-બિન-નાગરિક અથવા ગેરકાયદેસર રીતે રહેતા લોકોના બાળકો જેમની પાસે દસ્તાવેજો નથી.
-જે વાલીઓ સમયસર ખાતું એક્ટિવેટ કરાવવાની પ્રક્રિયા પૂર્ણ નથી કરતા.
-જે ખાતામાં અધૂરી માહિતી આપવામાં આવી હોય
ખાતામાં એક હજાર ડોલર નાખવાનું મહત્વ
આ રકમને માર્કેટ સાથે જોડાયેલા વિવિધ સુરક્ષિત વિકલ્પોમાં રોકવામાં આવશે, બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી આ રકમ વ્યાજ અને બજારના વળતર સાથે મોટી મૂડી બની જશે, જેનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ કે બિઝનેસ માટે કરી શકાશે.
માતા-પિતા આ ખાતામાં દર વર્ષે 5,000 ડોલર સુધીનું વધારાનું યોગદાન પણ આપી શકે છે, જેના પર થતો નફો કે વ્યાજ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી રહેશે. આ બચતનો ઉપયોગ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ, નવું મકાન ખરીદવા કે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કરી શકાશે, જે અમેરિકામાં વસતા ભારતીય પરિવારો માટે એક મજબૂત આર્થિક પાયો સાબિત થશે.


