America Venezuela Issue: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે વેનેઝુએલાની કાર્યવાહક રાષ્ટ્ર પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓએ ભારત અને વેનેઝુએલાના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને ભવિષ્યમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા પારસ્પરિક સંમતિ આપી છે. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે.
મહત્વનું છે કે અમેરિકાએ 3 જાન્યુઆરી 2026ના રોજ વેનેઝુએલાની રાજધાની કારાકસમાં એક સૈન્ય અભિયાન દ્વારા પ્રમુખ માદુરોની ધરપકડ કરી હતી, હાલ માદુરો અમેરિકાની જેલની હવા ખાઈ રહ્યા છે અને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જાણકારી આપી કે, 'મેં વેનેઝુએલાની કાર્યવાહક રાષ્ટ્ર પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે વાત કરી છે. અમે તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારી વધારવા અને સંબંધો મજબૂત બનાવવા સહમત થયા છીએ, અમારું સંયુક્ત લક્ષ્ય આવનાર વર્ષોમાં ભારત અને વેનેઝુએલાના સંબંધોને નવી ઊંચાઈએ પર પહોંચાડવાનું છે'
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ
આ વાતચીત એટલા માટે વધુ મહત્વની છે કેમ કે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાના કાચા તેલના ભંડાર પર નજર જમાવીને બેઠા છે, અને એ દેશો પર ટેરિફ લગાવવાની ધમકી આપી રહ્યા છે, જે અમેરિકા સાથે વેપાર કરાર કરવામાં વિલંબ કે રસ દાખવી રહ્યા નથી. તેમાં ભારત પણ સામેલ છે.
રશિયા પાસેથી તેલ ખરીદતા અમેરિકાએ વધારાનો 25 ટકા ટેરિફ ઝીંકયો
રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના અમેરિકી વહીવટી તંત્રએ ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની સાથે સાથે રશિયા પાસેથી તેલની ખરીદી કરવા બદલ વધારાનો 25 ટકા ટેરિફ પણ ઝીંકી દીધો છે. એક તરફ અમેરિકા વેનેઝુએલાના તેલ ક્ષેત્રને ખાનગીકરણ અને વિદેશી રોકાણ માટે ખોલવા પર જોર આપી રહ્યું છે, તો બીજી તરફ તે ભારત પર રશિયન તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સતત દબાણ બનાવી રહ્યું છે.
અમેરિકન ઉર્જા મંત્રી ક્રિસ્ટોફર રાઈટે કહ્યું હતું કે, અમેરિકા હાલમાં તેના સ્ટોરેજમાં રાખેલા 30 મિલિયનથી 50 મિલિયન બેરલ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલને વેચવાની યોજના બનાવી રહ્યું છે અને ભવિષ્યમાં ઉત્પાદિત થનારા તેલની પણ ઓફર કરશે. રાઈટે સ્પષ્ટ કર્યું હતું કે વેનેઝુએલાના તેલની નિકાસ માત્ર કડક શરતો હેઠળ જ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે હવે વેનેઝુએલાના તેલનું માર્કેટિંગ સીધું અમેરિકી સરકાર દ્વારા કરવામાં આવશે અને તેના વેચાણના નાણાં પણ અમેરિકાના નિયંત્રણ હેઠળના ખાતામાં જ જમા થશે.


