ટ્રમ્પના વધુ એક નિર્ણયથી મુશ્કેલીમાં ભારતીયો! ટેક્સ ભરવા છતાં ડિપોર્ટેશનનો ખતરો
US Agencies Heightens Risk of Deportation for Unauthorised Work: અમેરિકામાં ઇમિગ્રેશન એજન્સીઓ દ્વારા IRSના રૅકોર્ડ્સનો ઉપયોગ વધતા, ગેરકાયદેસર રોજગારના કેસમાં ઇમિગ્રન્ટ્સ માટે દેશનિકાલનું જોખમ વધી ગયું છે. H-1B વિઝા (જે એક જ નોકરીદાતા સાથે સંકળાયેલા હોય) અથવા સ્ટુડન્ટ વિઝા પર રહીને સાઇડ ઇન્ક\કમ હસલ દર્શાવવી એ હવે વિઝાની મુદત વધારવાનો ઇનકાર, ફરીથી પ્રવેશ પર પ્રતિબંધ, દેશનિકાલની કાર્યવાહી અને ડિપોર્ટેશનનું કારણ બની શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જે લોકોએ ટેક્સ રિટર્નમાં વધારાની કમાણી(સાઇડ ઇન્કમ)ની માહિતી આપી છે, તેમને હવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રામાણિકતાથી ટેક્સ ભરવા અને આવક રિપોર્ટ કરવા છતાં, તેમના વિઝાની મુદ્દત વધારવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, સાથે જ તેમને ફરીથી પ્રવેશ પર રોક અને દેશનિકાલ સુધીની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટેક્સ ભરવો જ બન્યો મુસીબત
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇમિગ્રેશન એટર્ની જાથ શાઓએ જણાવ્યું કે, 'આઇઆરએસએ ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) સાથે ડેટા શેર કર્યો છે. હવે અમે જોઈ રહ્યા છીએ કે લોકો એ જ કાર્યો માટે ફસાઈ રહ્યા છે, જેની કમાણી તેમણે પોતે જ રિપોર્ટ કરી અને ટેક્સ ભર્યો.' શાઓ મુજબ, ઘણીવાર આ આરોપ ત્યારે લાગે છે જ્યારે કોઈ પ્રવાસી બીજી કોઈ ભૂલમાં પકડાય છે અને તપાસમાં જૂની કમાણી સામે આવી જાય છે.
આ સાઇડ જોબ્સે મુશ્કેલી વધારી
નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલાથી H-1B વિઝા ધારકો સૌથી વધુ જોખમમાં છે, કારણ કે તેમની નોકરી સીધી સ્પોન્સર કંપની સાથે જોડાયેલી હોય છે. વકીલ અભિનવ ત્રિપાઠી કહે છે કે, 'જો USCIS ટેક્સ રૅકોર્ડમાં દર્શાવેલી સાઇડ ઇન્કમના આધારે નોટિસ જારી કરી રહ્યું છે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. આ વિઝા સ્ટેટસના ઉલ્લંઘનનો મામલો બની શકે છે અને દેશનિકાલ સુધી લઈ જઈ શકે છે.'
આ પણ વાંચો: ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરી ડિપોર્ટ કરવા સરકારે નવી એજન્સી બનાવી, નોટિફિકેશન જાહેર
જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વ્યાજ કે મૂડી લાભ (capital gains) જેવી આવક પર સમસ્યા થતી નથી, પરંતુ ફ્રીલાન્સ પ્રોજેક્ટ્સ કે ઓનલાઇન સાઇડ જોબ્સ ગંભીર જોખમ વધારે છે. તેમનું કહેવું છે કે ચિંતાનો વિષય એ છે કે અધિકારીઓ હવે ટેક્સ રૅકોર્ડ્સની ઊંડાણપૂર્વક તપાસ કરીને નિષ્ક્રિય અને સક્રિય આવકનું અર્થઘટન પોતાની રીતે કરવા લાગશે, જેનાથી પ્રવાસીઓ માટે પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની શકે છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અમેરિકામાં પ્રવાસીઓએ હવે ખૂબ જ સાવધ રહેવું પડશે. એક એટર્નીએ કહ્યું, 'સાઇડ ઇન્કમથી ભલે થોડા ડૉલરની કમાણી થઈ જાય, પણ તેની કિંમત તમારું અમેરિકન સપનું હોઈ શકે છે.'