US H1-B Visa: ડિસેમ્બર મહિનામાં રજાઓ ગાળવા અને વિઝા રિન્યુ કરાવવા ભારત આવેલા હજારો ભારતીય H-1B વિઝા ધારકો હાલમાં વતનમાં જ ફસાઈ ગયા છે. અમેરિકન દૂતાવાસ દ્વારા અચાનક વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવતા ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા દિગ્ગજ કંપની Google એ તેના કર્મચારીઓને હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ ન કરવાની કડક સલાહ આપી છે.
એપોઇન્ટમેન્ટ રદ થતા સર્જાયો અસમંજસ
મીડિયા રિપોર્ટ મુજબ, 15થી 26 ડિસેમ્બરની વચ્ચે જે ભારતીયોની વિઝા એપોઇન્ટમેન્ટ નક્કી હતી, તેમાંથી હજારો લોકોના વિઝા સ્લોટ અચાનક રદ કરી દેવામાં આવ્યા છે. નવી એપોઇન્ટમેન્ટ હવે ઘણા મહિનાઓ પછીની મળી રહી છે. કોઈ પણ પૂર્વ સૂચના વગર લેવાયેલા આ નિર્ણયને કારણે કર્મચારીઓ અને અમેરિકન કંપનીઓ બંને ચિંતામાં મુકાયા છે.
Googleએ કર્મચારીઓને શું ચેતવણી આપી?
દર વર્ષે અંદાજે 1,000 જેટલા H-1B વિઝા ધારકોની નિમણૂક કરતી કંપની Googleએ એક આંતરિક મેમો જાહેર કર્યો છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જે કર્મચારીઓને અમેરિકા પાછા ફરવા માટે વિઝા સ્ટેમ્પિંગની જરૂર છે, તેઓએ હાલમાં અમેરિકાની બહાર ન જવું જોઈએ. વિઝા પ્રોસેસિંગમાં થઈ રહેલા અસાધારણ વિલંબને કારણે 'લાંબા સમય સુધી દેશની બહાર ફસાઈ રહેવાનું જોખમ' વધી ગયું છે.
વિલંબનું કારણ: નવી કડક તપાસ નીતિ
અમેરિકા દ્વારા વિઝા આપવાની પ્રક્રિયામાં કરવામાં આવેલા ફેરફારોને કારણે હાલમાં જે વિલંબ થઈ રહ્યો છે, તેનું મુખ્ય કારણ વહીવટીતંત્રની નવી અને અત્યંત કડક તપાસ નીતિ છે. આ નવી નીતિ હેઠળ, હવે વિઝા મંજૂર કરતા પહેલા અરજદારોની માત્ર કાગળ પરની માહિતી જ નહીં, પરંતુ તેમની સોશિયલ મીડિયા ગતિવિધિઓની પણ ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકન સત્તાધીશો અરજદારની 'ઓનલાઇન હાજરી' એટલે કે ડિજિટલ ફૂટપ્રિન્ટની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી રહ્યા છે, જેથી રાષ્ટ્રીય સુરક્ષા માટે સંભવિત જોખમ બની શકે તેવા વ્યક્તિઓની અગાઉથી ઓળખ કરી શકાય. આ સુરક્ષા પ્રોટોકોલ્સ એટલા સખત બનાવવામાં આવ્યા છે કે તેના કારણે બેકલોગ વધી રહ્યો છે અને હજારો ભારતીય પ્રોફેશનલ્સની એપોઇન્ટમેન્ટ્સ કેન્સલ થઈ રહી છે.
આ પણ વાંચો: H1B વિઝા પર ફી વધારી પોતાના જ દેશમાં ઘેરાયા ટ્રમ્પ, USAના 20 રાજ્યોએ કેસ કર્યો
ટ્રમ્પ વહીવટીતંત્રનું કડક વલણ
H-1B વિઝા મેળવનારાઓમાં 70%થી વધુ ભારતીયો હોય છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રની એન્ટી-ઇમિગ્રેશન નીતિને કારણે આ મુશ્કેલીઓ વધી રહી છે. અગાઉ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે નવી H-1B અરજીઓ પર 1 લાખ ડોલરની ફી પણ લાદી હતી.
ઇમિગ્રેશન વકીલો આ સ્થિતિને અત્યાર સુધીની સૌથી મોટી 'અવ્યવસ્થા' ગણાવી રહ્યા છે. જો આ વિલંબ લાંબો ચાલશે તો અમેરિકાની અનેક ટેક કંપનીઓના પ્રોજેક્ટ્સ અટકી શકે છે.


