H1B વિઝા પર ફી વધારી પોતાના જ દેશમાં ઘેરાયા ટ્રમ્પ, USAના 20 રાજ્યોએ કેસ કર્યો

| (IMAGE - IANS) |
H-1B Visa: અમેરિકામાં H-1B વિઝાની ફીને લઈને ટ્રમ્પ પ્રશાસનનો તાજેતરનો નિર્ણય રાજકીય અને કાનૂની ચર્ચાનો મોટો મુદ્દો બની ગયો છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝા પર 1 લાખ ડૉલર એટલે કે આશરે ₹83 લાખની મોટી ફી લગાવવાના નિર્ણય વિરુદ્ધ હવે ખુદ અમેરિકાના 20 રાજ્યોએ કોર્ટમાં કેસ કર્યો છે. આ રાજ્યોનું કહેવું છે કે આ નિર્ણય ગેરકાયદેસર છે અને તેનાથી શાળાઓ, હૉસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓમાં સ્ટાફની અછત વધુ ગંભીર બનશે.
આ કેસ હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ(DHS)ની તે નીતિની વિરુદ્ધ છે, જેમાં H-1B વિઝા માટે અરજી કરનારી કંપનીઓ પાસેથી ખૂબ ઊંચી ફી લેવાની વાત કહેવામાં આવી છે. H-1B વિઝાનો ઉપયોગ સામાન્ય રીતે હૉસ્પિટલો, યુનિવર્સિટીઓ અને સરકારી શાળાઓ જેવી સંસ્થાઓ વિદેશથી કુશળ કર્મચારીઓને રાખવા માટે કરે છે.
રાજ્યોની મુખ્ય દલીલો: બંધારણ અને કાયદાનું ઉલ્લંઘન
H-1B વિઝા ફીમાં વધારો કરવાના ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ, 20 રાજ્યોએ કોર્ટમાં મજબૂત કાનૂની દલીલો રજૂ કરી છે. તેમનું કહેવું છે કે, 'આ નિર્ણય પ્રશાસનિક પ્રક્રિયા કાયદા(Administrative Procedure Act)નું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે, કારણ કે આટલો મોટો નીતિગત ફેરફાર કરતી વખતે નિયત પ્રક્રિયા અપનાવવામાં આવી નથી.'
આ ઉપરાંત રાજ્યોએ ભારપૂર્વક જણાવ્યું છે કે, 'ટ્રમ્પ પ્રશાસનનો આ આદેશ અમેરિકના બંધારણની પણ વિરુદ્ધ છે, કારણ કે કોંગ્રેસ દ્વારા H-1B વિઝા ફી વધારવા માટે ક્યારેય પરવાનગી આપવામાં આવી નથી. અગાઉ વિઝા ફી માત્ર સિસ્ટમ ચલાવવાના ખર્ચ પૂરતી જ મર્યાદિત રહેતી હતી(960થી 7,595 ડૉલર), પરંતુ 1 લાખ ડૉલરની નવી ફી કોંગ્રેસ દ્વારા નિર્ધારિત સીમાની બહાર જઈને લેવાયેલો નિર્ણય છે અને તેથી તેને રદ કરવો જોઈએ.'
શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર પર ગંભીર અસર
20 રાજ્યોના એટર્ની જનરલએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, H-1B વિઝા ફીમાં થયેલો આ અસાધારણ વધારો શિક્ષકો અને ડૉક્ટરોની અછતને વધુ ગંભીર બનાવશે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો, 2024-25ના વર્ષમાં અમેરિકાના 74% શાળા જિલ્લાઓએ ખાલી પદો ભરવામાં મુશ્કેલીનો સામનો કર્યો છે. ખાસ કરીને સ્પેશિયલ એજ્યુકેશન, સાયન્સ, ESL/બાયલિંગ્યુઅલ શિક્ષણ અને વિદેશી ભાષાઓમાં કુશળ કર્મચારીઓની મોટી અછત છે.
આ જ રીતે, સ્વાસ્થ્ય ક્ષેત્રે H-1B વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, 2024માં મેડિકલ અને હેલ્થ સેક્ટર માટે લગભગ 17,000 H-1B વિઝા આપવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ અડધા ડૉક્ટર અને સર્જન હતા. એક અંદાજ મુજબ, અમેરિકાને 2036 સુધીમાં 86,000 ડૉક્ટરોની મોટી અછતનો સામનો કરવો પડી શકે છે, અને આ નવી ફી આ બંને આવશ્યક જાહેર સેવાઓના કર્મચારીના સંકટને વધારશે.
આ પણ વાંચો: થાઈલેન્ડ-કમ્બોડિયા સરહદે ભયાનક બોમ્બમારો, ટ્રમ્પનો સીઝફાયરનો દાવો 'મજાક' બન્યો
કેલિફોર્નિયાના AG રોબ બોન્ટાએ સંભાળી કેસની આગેવાની
આ કેસની આગેવાની કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'ટ્રમ્પ પ્રશાસન પાસે આટલી મોટી ફી લગાવવાનો કાનૂની અધિકાર નથી. ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલી 1 લાખ ડૉલરની H-1B વિઝા ફી બિનજરૂરી અને ગેરકાનૂની છે. તેનાથી શાળાઓ, હૉસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓ પર આર્થિક બોજ વધશે અને કર્મચારીઓની અછત વધુ વકરશે.'
કેસ કરનારા 20 રાજ્યો
કેલિફોર્નિયા અને મેસેચ્યુસેટ્સ ઉપરાંત એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલવેર, હવાઈ, ઇલિનોય, મેરીલૅન્ડ, મિશિગન, મિનેસોટા, નેવાડા, નોર્થ કેરોલાઇના, ન્યૂ જર્સી, ન્યૂયોર્ક, ઓરેગોન, રોડ આઇલૅન્ડ, વર્મોન્ટ, વોશિંગ્ટન અને વિસ્કોન્સિન જેવા 20 રાજ્યોએ કેસ કર્યો છે.

