અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા, ગેસ સ્ટેશન પર હુમલો; પરિવાર આઘાતમાં
Indian Youth Killed in America : વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ પર ગોળીબાર કે હુમલોના બનાવમાં હત્યા થતી હોવાની ઘટના સામે આવતી હોય છે. તેવામાં તેલંગાણાના હૈદરાબાદના એલબી નગરના રહેવાસી પોલે ચંદ્રશેખરની અમેરિકાના ડલાસમાં લૂંટારુઓએ નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી હતી. બેચલર ઇન ડેન્ટલ સર્જરી (BDS)નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા આવેલા યુવાનના મૃત્યુથી પરિવાર ઊંડા આઘાતમાં છે.
અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા
સમગ્ર ઘટના શુક્રવાર (3 ઓક્ટોબર, 2025)ની સવારની છે. 25 વર્ષીય ચંદ્રશેખરે હૈદરાબાદમાં BDSની ડિગ્રી મેળ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના ડલાસ ગયો હતો. જ્યાં તે શિક્ષણ મેળવવાની સાથે એક ગેસ સ્ટેશન પર પાર્ટ-ટાઈમ નોકરી પણ કરતો હતો.
મળતી માહિતી મુજબ, ઘટનાની સવારે કેટલાક લૂંટારુઓ ગેસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટફાટના ઈરાદે ગોળીબાર કર્યો હતો. જેમાં ચંદ્રશેખરને છાતીના ભાગે ગોળી વાગી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચંદ્રશેખરને સારવાર અર્થે હોસ્પિટલ જતાં દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ડલાસ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ટ્રમ્પનો H1-B વિઝા ફીનો નિર્ણય ભારત માટે લાભદાયી, અમેરિકાની કંપનીઓ શિફ્ટ થવા સજ્જ
BRSના ધારાસભ્યે દુઃખ વ્યક્ત કર્યું
પુત્રના મોતની ખબર મળતાં પરિવારમાં છોકનો માહોલ છવાયો હતો. ઘટના અંગે ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના તેલંગાણાના ધારાસભ્ય હરીશ રાવ મૃતક યુવકના પરિવારના ઘરે જઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, 'એલબી નગરના વિદ્યાર્થી ચંદ્રશેખરનું ડલાસમાં ગોળીબારમાં મૃત્યુ નીપજ્યું, એ ખૂબ જ દુઃખદ વાત છે. તેમના માતાપિતાએ પુત્રના સારા ભવિષ્યના સ્વપ્ન જોયા હતા, જે ચકનાચૂર થઈ ગયા. પરિવારના તમામ સભ્યો પ્રત્યે મારી સંવેદના.'