ભારતીય મૂળના નીલ મોહન યુટયૂબના નવા સીઈઓ બન્યા છે. નીલ મોહન ૨૦૦૭માં ગૂગલમાં જોડાયા હતા અને ૨૦૧૫થી યુટયૂબના મુખ્ય પ્રોડક્ટ ઓફિસર તરીકે કાર્યરત છે. યુટયૂબના સીઈઓ સુસેન વોજકિસ્કીએ રાજીનામું આપ્યું હતું અને તેમના ઉત્તરાધિકારી તરીકે નીલ મોહનના નામની જાહેરાત કરી હતી.૫૪ વર્ષના સુસેન વોજકિસ્કી ૨૦૧૪માં યુટયૂબના સીઈઓ બન્યા હતા. સુસેન છેલ્લાં ૨૫ વર્ષથી ગૂગલમાં કાર્યરત હતાં. સુસેનની ગણતરી અમેરિકાના ટોચના મહિલા ટેકનોક્રેટમાં થાય છે. ગૂગલમાં તેઓ ચાવીરૃપ ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે હું પરિવાર, સ્વાસ્થ્ય ઉપરાંત પોતાના પ્રોજેક્ટ્સ પણ કામ કરવા માગું છું એટલે આ યોગ્ય સમયે છે, જ્યારે હું કોઈ કાબેલ ટેકનોક્રેટને યુટયૂબની કમાન સોંપી દઉં. હું જ્યારે યુટયૂબની સીઈઓ બની ત્યારે કંપનીમાં યુવા નેતૃત્વ સર્જવાનો એક લક્ષ્યાંક હતો, એવા જ યુવા ટેકનોક્રેટ્સમાં નીલ મોહનનો સમાવેશ થાય છે. નીલ યુટયૂબના નવા હેડ બનશે અને કંપનીને આગળ વધારશે.નીલ મોહનનો જન્મ ૧૯૭૫માં ભારતમાં થયો છે. લખનઉથી નીલ અમેરિકા પહોંચ્યા હતા અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કરીને ૨૦૦૭માં ગૂગલમાં જોડાયા હતા. ગૂગલ અને યુટયૂબમાં નીલ વિવિધ ચાવીરૃપ ભૂમિકા ભજવી ચૂક્યા છે. ૨૦૧૫થી તેઓ ગૂગલના મુખ્ય પ્રોડક્ટ ઓફિસર હતા અને સુસેન પછી યુટયૂબમાં બીજા ક્રમના ટોચના અધિકારી ગણાતા હતા. મુખ્ય પ્રોડક્ટ અધિકારીના તેમના કાર્યકાળમાં યુટયૂબે અસંખ્ય પ્રોડક્ટ લોંચ કરી હતી. જેમાં યુટયૂબ મ્યૂઝિક, યુટયૂબ ટીવી, યુટયૂબ પ્રીમિયમ અને યુટયૂબ શોર્ટ્સનો સમાવેશ થાય છે.


