ક્લાસમાં ગેરહાજર રહેશો તો વિઝા રદ કરીશું, અમેરિકા ભણવા જતાં ભારતીયોને એમ્બેસીની ચેતવણી
USA Student Visa New Notification: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશી નાગરિકો પ્રત્યેની આકરી નીતિના કારણે વિદેશી વિદ્યાર્થીઓ પર પણ સંકટની તલવાર લટકી રહી છે. તેમાં આજે મંગળવારે ટ્રમ્પ પ્રશાસને ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ચેતવણી આપતી વધુ એક નવી નોટિફિકેશન જાહેર કરી છે.
ભારતમાં યુએસ એમ્બેસી અનુસાર, અમેરિકામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઈન્સ્ટીટ્યૂટને જાણ કર્યા વિના ગેરહાજર રહ્યા તો તેમના વિઝા રદ થઈ શકે છે. તેમજ ભવિષ્યમાં અમેરિકાના વિઝા માટે અપ્લાય કરી શકશે નહીં. તેણે સત્તાવાર જાહેરાત કરી છે કે, તમારી ઈન્સ્ટીટ્યૂટને જાણ કર્યા વિના જો તમે ક્લાસ ચૂકી ગયાં, ગેરહાજર રહ્યા અથવા પ્રોગ્રામ છોડી દીધો તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ થી શકે છે. તેમજ ભવિષ્યમાં અમેરિકાના વિઝા માટેની લાયકાત પણ ગુમાવી શકો છો. તમારા વિઝાની શરતોનું હંમેશા પાલન કરો તેમજ વિદ્યાર્થી તરીકેનો હોદ્દો જાળવી રાખો.
ડિપોર્ટેશન બાદ હવે વિદ્યાર્થીઓ પર કવાયત
જાન્યુઆરી, 2025માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નિયમો કડક બનાવ્યા છે. તેમજ ગેરકાયદે વસતા વિદેશીઓને હાંકી કાઢવા મોટાપાયે ડિપોર્ટેશન હાથ ધર્યું છે. હવે ટ્રમ્પ વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાના નિયમો આકરા બનાવી રહ્યા છે. અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ વિઝા પર ચીમકી આપી હતી. જેમાં તેઓ 90 દિવસની અંદર રોજગારી મેળવવામાં નિષ્ફળ રહ્યા તો તેમનું સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઈન્ફોર્મેશન સિસ્ટમનું સ્ટેટ્સ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચોઃ ન્યૂઝીલૅન્ડના સ્ટુડન્ટ વિઝા જોઈતા હોય તો ત્રણ મહિના વહેલાં કરો અરજીઃ એમ્બેસીની અપીલ
ઈન્સ્ટીટ્યૂટ્સે વિદ્યાર્થીઓને આપી હતી સલાહ
ટ્રમ્પની ઈમિગ્રન્ટ્સ માટેની આકરી નીતિઓને ધ્યાનમાં લેતાં અમેરિકાના વિવિધ ઈન્સ્ટીટ્યૂટ અને શાળા-કોલેજોએ પોતાના વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકા ન છોડવા ખાસ સલાહ આપી હતી. તેમના પર વિઝા રદ થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે. વધુમાં ભારતની યુએસ એમ્બેસીએ ભારતીય ઈમિગ્રન્ટ્સને પણ ડિપોર્ટેશન મુદ્દે ચેતવ્યા હતાં કે, જો તેઓ સત્તાવાર રીતે માન્ય દિવસો કરતાં વધુ સમય અમેરિકામાં વસવાટ કર્યો તો તેમના માટે અમેરિકાના દરવાજા કાયમ માટે બંધ થઈ શકે છે.