અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરનારા લૂંટારુંની ધરપકડ, પોલીસની ઝડપી કાર્યવાહી
Shooting Dead Gujarati Woman In America : અમેરિકાના સાઉથ કેરોલિનામાં મૂળ ગુજરાતના બોરસદના વતની કિરણબેન પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. કિરણબેન સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયા હતા અને ત્યાં એક એક સ્ટોર ચલાવતા હતા. સમગ્ર ઘટનાને લઈને લૂંટારું આરોપીની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે.
અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરનારા લૂંટારુંની પોલીસ ધરપકડ કરી લીધી છે. પોલીસે ઝેદાન મેક હિલ નામના આરોપી પર લૂંટ અને હત્યા સહિતના આરોપો લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી અનુસાર, ઘટનાના દિવસે કિરણબેનના સ્ટોરમાં બુકાનીધારી યુવક ઘૂસી આવ્યો હતો અને તેણે લૂંટના ઇરાદે આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં કિરણબેન પટેલને આઠથી વધુ ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. કિરણબેનના બે બાળકો છે, જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં વસવાટ કરે છે.
ઘટના ચાર દિવસ પહેલા બની હતી
માહિતી અનુસાર, આ ઘટના ચાર દિવસ અગાઉ રાતના સમયે બની હતી, જ્યારે કિરણબેન સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે તેઓ કેશ કાઉન્ટ કરી રહ્યા હતા. અચાનક જ બુકાનીધારી લૂંટારું આવ્યો અને દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરવા લાગ્યો હતો. જેમાં કિરણબેનનો ભોગ લેવાઈ ગયો હતો.