Get The App

વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા અનેક ભારતીય વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ, જમવાના પણ ફાંફાં

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા અનેક ભારતીય વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ, જમવાના પણ ફાંફાં 1 - image

Indian Students In Abroad: વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. RBI અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા શંકાસ્પદ, નિષ્ક્રિય ખાતાઓ સામે ચાલતી કાર્યવાહીમાં વિદ્યાર્થીઓના એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવતાં તેઓને રહેવા, જમવાની સાથે ફી ભરવાના પણ ફાંફા પડી ગયા છે. આ માટે RBI દ્વારા વિદ્યાર્થીઓ માટે અલગથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તે જરૂરી છે.

વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ 

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના ક્રેઝમાં દર વર્ષે ભારતમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં જતાં હોય છે. સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ જમવા, રહેવાની સાથે કોલેજની ફી ભરવા પોતાના ભારત સ્થિત બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતાં હોય છે. જોકે RBI અને કેન્દ્રીય એજન્સીઓના આદેશ બાદ વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને છતે પૈસે લોકો પાસે ભીખ માંગવાનો વારો આવી રહ્યો છે.

આ પણ વાંચો: H-1B વિઝા નિયમોમાં મોટો ફેરફાર: નવી ભરતી પર પ્રતિબંધ, જાણો ભારતીયોને અસર થશે કે નહીં?

આ બાબતે બેંકના અધિકારીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે બેંકો RBIની ગાઈડલાઈન અને કેન્દ્રીય એજન્સીઓની સૂચનાનું પાલન કરતી હોય છે. ત્રણ મુખ્ય સંજોગોમાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે. જેમાં જો કોઈ ભારતીય 182 દિવસથી વધુ સમય વિદેશમાં રહેતો હોય તો તેનું સ્ટેટસ એનઆરઆઈ થઈ જાય છે. આવા સંજોગમાં વિદ્યાર્થીઓ તેમનું રેસિડેન્ટ સેવિંગ્સ એકાઉન્ટ જ ચાલુ રાખતાં હોય છે જેને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO)માં ફેરવવું ફરજિયાત છે. આ સિવાય સાયબર સુરક્ષા, શંકાસ્પદ વ્યવહારો, કેવાયસી અપડેટ ના કરાવ્યું હોય, વિદેશથી ઓપરેટ થતાં એકાઉન્ટની તપાસ કરી જેના દસ્તાવેજો અધૂરા હોય તેવા સંજોગોમાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે.

અગાઉથી સૂચના કેમ આપવામાં આવતી નથી? 

આ ઉપરાંત મ્યુલ એકાઉન્ટ તરીકે તેમના એકાઉન્ટનો ઉપયોગ થાય છે કે નહીં તેવી શંકાના કારણે ફ્રીઝ કરી દેવામાં આવી રહ્યા છે. જોકે આ મામલે વાલીઓનું માનવું છે કે સરકાર દ્વારા લેવાયેલું આ પગલું સરાહનીય છે, પરંતુ નિયમો બનાવતાં પહેલાં તેની માનવીય અસરો પર ધ્યાન આપવામાં આવતું નથી. જો કોઈ એકાઉન્ટ ફ્રીઝ કરવાનું હોય તો વિદ્યાર્થી કે વાલીને અગાઉથી સૂચના કેમ આપવામાં આવતી નથી? પૂર્વ સૂચના વગર જ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતાં વિદ્યાર્થીઓને ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં સરકારે વિદેશમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ માટે અલગથી પોલિસી બનાવવી જોઈએ.