ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર અસંખ્ય છરીના ઘા મારીને હુમલો

હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને પોલીસે હુમલાખોરની ધરપકડ કરી

ઈજાગ્રસ્ત યુવાનની સ્થિતિ ખૂબ જ ગંભીર : તેની સંભાળ લેવા એક સભ્યને તાત્કાલિક વિઝા આપવાની પરિવારની માગણીઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર છરીથી હુમલો થયો હતો. ચહેરા પર, છાતીના ભાગે અને પેટમાં ૧૧ જેટલા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. વિદ્યાર્થીની સ્થિતિ ખૂબ જ નાજૂક છે. પોલીસે હુમલો કરનારા આરોપીની ધરપકડ કરી હતી. પરિવારે એક સભ્યને તાત્કાલિક વિઝા આપવાની માગણી કરી છે.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતના વિદ્યાર્થી શુભમ ગર્ગ પર છરીથી હુમલો થયો હતો. એટીએમમાંથી કેશ ઉપાડીને શુભમ બહાર નીકળ્યો ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને રોકડની માગણી કરવા લાગ્યો હતો. આરોપીને રોકડ ન આપતા તે છરીથી શુભમ પર તૂટી પડયો હતો. આરોપીએ શુભમના મોં, છાતી અને પેટમાં ૧૧ હુમલા કર્યા હતા. હુમલાખોર જીવલેણ છરીના ઘા ઝીંકીને નાસી ગયો હતો.
ગંભીર હાલતમાં શુભમને હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેના પર ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા છે. તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું કહેવાયું હતું. વિદેશ મંત્રાલયે આ અંગે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સ્થિત દૂતાવાસના અધિકારીઓ આ મુદ્દે ઓસ્ટ્રેલિયન ઓથોરિટીના સંપર્કમાં છે. શુભમની સારવાર થઈ રહી છે અને સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે.
સિડની પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેના પર હત્યાના આરોપનો ગુનો દાખલ કર્યો હતો. શુભમ ગર્ગ આગ્રાનો વિદ્યાર્થી છે. ઓસ્ટ્રેલિયામાં પીએચડીનો અભ્યાસ કરવા ગયો છે. ૨૮ વર્ષના મિકેનિકલ એન્જિનિયર શુભમ ગર્ગે આઈઆઈટી ચેન્નાઈમાંથી બીટેકની ડિગ્રી મેળવી હતી અને પછી એમએસસી કરીને હજુ સપ્ટેમ્બરમાં જ ઓસ્ટ્રેલિયામાં પીએચડી કરવા ગયો હતો. પરિવારને આ હુમલાના વંશીય ભેદભાવ ગણાવ્યો હતો.


શુભમના પિતા રામનિવાસ ગર્ગે કહ્યું હતું કે અમે વિદેશ મંત્રાલયને રજૂઆત કરી છે. પરિવારના એક સભ્યને શુભમની દેખરેખ રાખવા તાત્કાલિક વિઝા મળે એવી માગણી કરવામાં આવી છે. શુભમના નાના ભાઈ રોહિતને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે પરિવારે પ્રયાસો કર્યા છે. પરિવારે કહ્યું હતું કે ભારતના અધિકારીઓએ એ અંગેની પ્રક્રિયા શરૃ કરી દીધી છે. થોડા દિવસમાં વિઝા મળી જાય એવી શક્યતા છે.

City News

Sports

RECENT NEWS