ન્યુ યોર્ક, 22 નવેમ્બર, 2022
ભારતીયો ભારતમાં વસે કે વિદેશમાં, તેઓ હંમેશા તહેવારોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. તહેવારોમાં બધા
મતભેદ ભૂલી સાથે મળીને ઉજવણી કરવી એ ભારતીયોની ખાસિયત છે. ત્યારે વિદેશમાં રહેતા
ભારતીયો પણ એકલા નહીં, ત્યાંના લોકોને પોતાની સાથે ભારતીય તહેવારોની ઉજવણીમાં શામેલ કરી
સૌને આનંદ કરાવે છે. તેઓ ઉજવણીની એક પણ તક ચૂકતા નથી.

બ્રુહડ ન્યુ યોર્ક સિનિયર્સ દ્વારા ગત 19 નવેમ્બરના રોજ ક્વીન્સ, ન્યુ યોર્ક ખાતે દિવાળીની ઊજવણી કરવામાં
આવી હતી. જેમાં 500થી વધુ લોકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં અમેરિકાના રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભારતીય
કાઉન્સિલ જનરલ રણધીર જયસ્વાલ, ન્યુ યોર્કના મેયર એરિક. એલ. એડમ્સ, ગ્રેસ મેંગ, જેનિફર રાજકુમાર અને ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
બ્રુહડ ન્યુ યોર્ક સિનિયર્સના વડા અજય પટેલે આવેલ મુખ્ય અતિથિઓને પરંપરાગત રીતે
ફૂલોની માળા પહેરાવી અને શાલ ઓઢાડીને આવકાર્યા હતા. કાર્યક્રમમાં પરંપરાગત પોશાક
પહેરી યુવતીઓએ ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમના અંતમાં બધા જ મહેમાનોને બ્રુહડ ન્યુ યોર્ક સિનિયર્સ
એસોસિયેશન દ્વારા દિવાળીની ભેટ આપવામાં આવી હતી. આવા કાર્યક્રમો ભારત અને
અમેરિકાના લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવે છે.


