થાઈલેન્ડ-કમ્બોડિયા સરહદે ભયાનક બોમ્બમારો, ટ્રમ્પનો સીઝફાયરનો દાવો 'મજાક' બન્યો

| (IMAGE - IANS) |
Trump Claims Ceasefire at Thailand-Cambodia Border: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયર કરાવવાના દાવા છતાં, બંને દેશો વચ્ચે સરહદ પરની લડાઈ અટકતી દેખાતી નથી. કંબોડિયાએ દાવો કર્યો છે કે શનિવારે સવારે પણ થાઈ સૈન્ય વિવાદિત સરહદ પર હુમલા કરી રહ્યું છે, જ્યારે થાઈલેન્ડે કંબોડિયા પર આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
સરહદ પર સૈન્ય ટકરાવ યથાવત્
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે વિવાદિત સરહદ પર સૈન્ય ટકરાવ હાલમાં રોકાઈ રહ્યો નથી. આ સ્થિતિ ત્યારે સામે આવી છે, જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
કંબોડિયાનો આરોપ: થાઈ સેનાના હુમલા ચાલુ
કંબોડિયાના માહિતી મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, 'થાઈ સૈન્ય દળોએ સરહદ પાર હુમલાઓ બંધ કર્યા નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ, થાઈ સેનાઓ હજી પણ બોમ્બમારો કરી રહી છે અને આ હુમલાઓમાં ફાઇટર જેટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, "થાઈ સેનાઓએ હજી સુધી બોમ્બમારો બંધ કર્યો નથી અને હુમલા સતત ચાલુ છે.'
થાઈલેન્ડનો વળતો પ્રહાર: નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનો આરોપ
બીજી તરફ, થાઈલેન્ડની સેનાએ કંબોડિયાના આરોપોને ફગાવી દીધા છે અને વળતો પ્રહાર કર્યો છે. થાઈ સેનાનું કહેવું છે કે કંબોડિયા વારંવાર આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. થાઈલેન્ડના જણાવ્યા મુજબ, કંબોડિયાઈ દળોએ નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે અને સરહદી વિસ્તારોમાં લેન્ડમાઇન્સ બિછાવી છે. આ ઉપરાંત સરહદ પર બોમ્બમારા વચ્ચે થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે સ્પષ્ટતા કરી છે કે, 'સીઝફાયર નહીં, કાર્યવાહી ચાલુ રહેશે. આ કોઈ રોડ એક્સિડન્ટ નથી. થાઈલેન્ડ ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી કરતું રહેશે, જ્યાં સુધી અમારી જમીન અને અમારા લોકો માટે કોઈ વધુ નુકસાન કે ખતરો સમાપ્ત ન થઈ જાય. હું આ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માંગુ છું. આજે સવારે અમારી કાર્યવાહીઓએ પોતે જ બધું કહી દીધું છે.'
ટ્રમ્પનો દાવો પણ બંને દેશોની ચૂપકીદી
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાત્રે થાઈ વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલ અને કંબોડિયાના વડાપ્રધાન હુન માનેત સાથે ફોન પર વાતચીત કર્યા બાદ દાવો કર્યો હતો કે બંને દેશો શુક્રવારથી જ તમામ પ્રકારની ગોળીબાર રોકવા પર સહમત થઈ ગયા છે.
આ પણ વાંચો: ગાઝામાં બેવડું સંકટ, ઈઝરાયલની નાકાબંધી વચ્ચે કુદરતનો પ્રકોપ, ઠંડી અને પૂરથી અનેક મોત
જોકે, ટ્રમ્પના આ દાવા પછી બંને દેશોના નેતાઓના નિવેદનોમાં કોઈ ઔપચારિક સીઝફાયર સમજૂતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. થાઈ વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોઈ સીઝફાયર થયું નથી. ટ્રમ્પના દાવા પર સવાલ પૂછવામાં આવતા થાઈ વિદેશ મંત્રાલયે પત્રકારોને વડાપ્રધાનના નિવેદનનો હવાલો આપ્યો હતો.
કંબોડિયા શાંતિપૂર્ણ સમાધાન પર કાયમ
કંબોડિયાના વડાપ્રધાન હુન માનેતે શનિવારે ફેસબુક પર એક નિવેદન આપ્યું હતું, જેમાં ટ્રમ્પ સાથેની વાતચીત અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે અગાઉ થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો. માનેતે કહ્યું કે કંબોડિયા હજી પણ વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે. કંબોડિયા ઑક્ટોબરમાં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં થયેલા અગાઉના કરાર હેઠળ જ વિવાદ ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે.

