કોરોનાકાળમાં ભૂખમરા અને કુપોષણની વકરી રહેલી સમસ્યા
- કોરોના મહામારીના કારણે ગરીબ દેશોની સ્થિતિ દિવસોદિવસ બગડી રહી છે
- યૂ.એન.ના રિપોર્ટ અનુસાર ખોરાકના સપ્લાયની કમીના કારણે એક વર્ષમાં એક લાખ વીસ હજાર બાળકોના મૃત્યુ નીપજી શકે છે
- કોરોના મહામારીના કારણે વધી રહેલા કુપોષણના લાંબા ગાળાના પરિણામ ભારે નુકસાનકારક હોઇ શકે છે, તો વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોના સંકટની ખાદ્ય સુરક્ષા પરની અસરો વર્ષો સુધી દેખાવાની છે
કોરોના મહામારીના કારણે દુનિયામાં ભૂખમરાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની રહી છે. ખોરાક ન મળવાના કારણે દર મહિને દસ હજારથી વધારે બાળકોના મૃત્યુ નીપજી રહ્યાં છે. કોરોના મહામારીના કારણે ગરીબ દેશોની સ્થિતિ દિવસોદિવસ બગડી રહી છે. યૂ.એન.ના એક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગામડાઓમાં પેદા થયેલા ઉત્પાદનો બજાર સુધી પહોંચી શકતા નથી અને ગામડાઓમાં ખાદ્ય અને મેડિકલ સપ્લાય પહોંચી શકતા નથી. આ રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોના વાઇરસના કારણે થયેલી ભોજનના સપ્લાયની કમીના કારણે એક વર્ષમાં એક લાખ વીસ હજાર બાળકોના મૃત્યુ નીપજી શકે છે.
સંયુક્ત રાષ્ટ્ના જણાવ્યા અનુસાર દર મહિને સાડા પાંચ લાખથી વધારે બાળકો કુપોષણના શિકાર બને છે. યૂ.એન.ની ચાર એજન્સીઓએ ચેતવણી આપી છે કે વધી રહેલા કુપોષણના લાંબા ગાળાના પરિણામ ભારે નુકસાનકારક હોઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોના સંકટની ખાદ્ય સુરક્ષા પરની અસરો વર્ષો સુધી દેખાવાની છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક હોવા છતાં ભારતમાં ભૂખમરો મોટી સમસ્યા છે. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે દેશમાં ભૂખમરો સતત વધી રહ્યો છે અને ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન નીચું જઇ રહ્યું છે.
આફ્રિકાના કેટલાંય દુષ્કાળ અને ભૂખમરાથી પીડિત દેશો કરતા પણ ભારતમાં વધારે ભૂખમરો છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન નીચું જઇ રહ્યું છે. ભારતમાં ૧૪.૫ ટકા વસતી કુપોષણથી પીડિત છે. વર્ષ ૨૦૦૦માં આ આંકડો ૧૮.૨ ટકા હતો. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં વેસ્ટિંગ એટલે કે લંબાઇના પ્રમાણમાં વજનનું ઓછું હોવાની ટકાવારી ૨૦.૮ ટકા છે જે વર્ષ ૧૭.૧ ટકા હતી. એ જ રીતે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં સ્ટંટિંગ એટલે કે ઉંમરના પ્રમાણમાં લંબાઇ ઓછી હોવાનું પ્રમાણ ૩૭.૯ ટકા છે જે વર્ષ ૨૦૦૦માં ૫૪.૨ ટકા હતું. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોનો મૃત્યુદર ૩.૯ ટકા છે જે વર્ષ ૨૦૦૦માં ૯.૨ ટકા હતો. ભારત માટે આ પ્રદર્શન ચિંતાજનક એટલા માટે કહી શકાય કે વૈશ્વિક સ્તરે આ સૂચકાંકમાં ભૂખ અને પોષણમાં ખામીના સ્તરોમાં સુધારો જોવા મળ્યો છે.
થોડા વખત પહેલાં યૂ.એન.ના રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું હતું કે દુનિયાભરમાં ભૂખમરાથી પીડિત ૮૨ કરોડ લોકોમાંથી ૨૩ ટકા કરતાયે વધારે લોકો ભારતમાં છે. યૂ.એન.ના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની કુલ વસતીમાંથી આશરે ૧૪ ટકા વસતી ભૂખમરો ભોગવી રહી છે. ભૂખમરાના કારણોમાં યુદ્ધ, સંઘર્ષ, હિંસા, ક્લાયમેટ ચેન્જ, કુદરતી આફતો વગેરેનો સમાવેશ થાય છે. સવાલ એ છે કે ભારતમાં આમાંના કયા પરિબળોના કારણે ભૂખમરો વધારે છે? આફ્રિકા કે લેટિન અમેરિકી દેશોની જેમ ભારતમાં સંઘર્ષ, હિંસા જેવા પરિબળો નહિવત્ છે.
ક્લાયમેટ ચેન્જ અને કુદરતી આફતોનું પ્રમાણ છે પરંતુ દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન પણ મબલખ થાય છે. ખાદ્યાન્નનું ઉત્પાદન તો વિશાળ પાયે થાય છે પરંતુ તેના વિતરણની વ્યવસ્થા સાવ કંગાળ છે. ઉત્પાદન થયેલા અનાજનો એક મોટો હિસ્સો લોકો સુધી પહોંચવાના બદલે સરકારી ગોદામોમાં સડી જાય છે. યૂ.એન.ના રિપોર્ટ પ્રમાણે દેશનું લગભગ ૨૦ ટકા અનાજ સંગ્રહક્ષમતાના અભાવે બરબાદ થઇ જાય છે. તો લાખો ટન અનાજ અને ફળો તેમજ શાકભાજી યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે સડી જાય છે.
સમગ્ર દુનિયાનો અભ્યાસ કરીએ તો સૌથી વધારે ભુખમરો એશિયામાં છે. દુનિયાભરના ભૂખમરાથી પીડિત ૮૨ કરોડ લોકોમાંથી ૫૧ કરોડ લોકો એશિયાના છે. એ પછી આફ્રિકા અને લેટિન અમેરિકાનો નંબર આવે છે. એશિયાનો ઘણો ખરો હિસ્સો ગરીબ અને વિકાસશીલ દેશોનો બનેલો છે. એમ છતાં એશિયાના કેટલાક દેશો એવા છે જે આર્થિક મોરચે અમીર દેશો સાથે હોડમાં ઉતર્યાં છે. આવા દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા અને જાપાન સામેલ છે. યૂ.એન.ના જણાવ્યા અનુસાર ભૂખમરાના કારણોમાં યુદ્ધ, સંઘર્ષ, હિંસા, ક્લાયમેટ ચેન્જ, કુદરતી આફતો વગેરેનો સમાવેશ થાય છે.
ભારતમાં ભુખમરા અને કુપોષણને ડામવા સરકાર અનેક યોજનાઓ અમલમાં તો લાવે છે પરંતુ અમલદારશાહી અને ભ્રષ્ટાચારના કારણે આવી યોજનાઓનો લાભ જરૂરતમંદ લોકો સુધી પહોંચી શકતો નથી. ઉપરથી વધતી જતી મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કીંમતોમાં ઉછાળાના કારણે ગરીબો અને ઓછી આવક ધરાવતા લોકો વધુ ને વધુ નિઃસહાય બની રહ્યાં છે. અનાજની સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં થતો ભ્રષ્ટાચાર તો જગજાહેર છે. ગરીબો માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા સસ્તા અનાજનો અડધોઅડધ હિસ્સો લોકો સુધી પહોંચતો જ નથી અને ખુલ્લા બજારોમાં ઊંચી કીંમતે વેચાઇ જાય છે. જેમને આપણે જગતના તાતનું બિરુદ આપ્યું છે એવા દેશના ખેડૂતો દેવા અને અનિશ્ચિત મોસમનો બેવડો માર ઝીલી રહ્યાં છે. બિયારણ અને ખાતર જેવી પાયાની વસ્તુઓ માટે તેમણે મલ્ટીનેશનલ કંપનીઓનો આશરો લેવો પડે છે. ભૂગર્ભજળનું સ્તર સતત નીચું જઇ રહ્યું છે. ઔદ્યોગિક વિસ્તરણના નામે ખેતરો સંકોચાઇ રહ્યાં છે.
ભૂખમરાની સીધી અસર પોષણ અને સ્વાસ્થ્ય ઉપર પડે છે. કુપોષણની સીધી અસર બાળકોના માનસિક અને શારીરિક વિકાસ, શિક્ષણ અને બૌદ્ધિક ક્ષમતા ઉપર પડે છે. એ જોતાં ભારતની ભાવિ પેઢી કેટલી નબળી હશે એ અલગ જ ચર્ચાનો વિષય છે. જે ચીન સાથે આપણે વૈશ્વિક સત્તા બનવાની સ્પર્ધામાં ઉતર્યાં છીએ ત્યાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા માત્ર ૯ ટકા છે. કુપોષણના મામલે ભારતની મહિલાઓની હાલત તો એનાથી પણ વધારે ખરાબ છે. એક અંદાજ અનુસાર યુવાન વયની ૫૧ ટકા સ્ત્રીઓ એનીમિયા એટલે કે લોહીની ઉણપથી પીડાય છે.
સમયની માંગ છે કે સરકારે ભૂખમરા અને કુપોષણને નાથવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે. એ માટે ગરીબો અને મધ્યમવર્ગને લાભકારી સરકારી યોજનાઓ વધારે કડકાઇપૂર્વક અને લાંબા ગાળા માટે અમલમાં મૂકવાની જરૂર છે. આવી યોજનાઓના અમલીકરણ માટે પારદર્શક અને જડબેસલાક વ્યવસ્થા કરવાની જરૂર છે. સાર્વજનિક અનાજ વિતરણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને દુકાનદારો પર દેખરેખ રાખવાની જરૂર છે જેથી કરીને ગરીબો સુધી યોગ્ય રીતે અનાજ પહોંચી શકે.
ઉપરાંત અનાજના સંગ્રહ માટે એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે કે જેથી તેનો બગાડ થતો અટકે. સંઘરાખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરતા લોકો માટે કડક સજાની જોગવાઇ કરવાની જરૂર છે. ગરીબોને મળતી સબસીડી છીનવી લેતી અટકાવવાની જરૂર છે. બેંકોને આવા લોકો માટે રાહત જાહેર કરવાનો આદેશ આપવાની જરૂર છે. અંધાધૂંધ શહેરીકરણ અને આંધળા વિકાસને રોકવાની જરૂર છે. શાળામાં બાળકોને ગ્રામ્ય, કૃષિ, ગરીબી અને પોષણ જેવા વિષયોનું શિક્ષણ આપવાની જરૂર છે. પછાત વર્ગના કુપોષણથી પીડાતા બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.
ભૂખમરો એક મોટી સામાજિક સમસ્યા પણ છે જેના વિશે દેશના નાગરિકોમાં જાગૃતિ કેળવવાની જરૂર છે. આજે જ્યારે ઘણાં ઘરોમાં એક ટંકનો ખોરાક બીજા ટંકે વાસી ગણીને ફેંકી દેવામાં આવે છે ત્યારે દેશના લાખો લોકો એક ટંકના ભોજન માટે તરસતા હોય છે એ સમજવાની જરૂર છે.
લોકોમાં સામાજિકતા અને ભાગીદારીની ભાવના વધુ ને વધુ કેળવવાની જરૂર છે. જ્યાં સુધી કોઇ દેશ પોતાના નાગરિકોના જીવનને બહેતર ન બનાવે કે પોષણક્ષમ ખોરાક જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવે ત્યાં સુધી ગમે તેવી પ્રગતિ કે વિકાસનો કોઇ અર્થ સરતો નથી.
કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે દુનિયાભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેના કારણે ભૂખમરાનો માર ઝીલી રહેલા દેશો ઓર હાંસિયામાં ધકેલાઇ ગયા છે. પ્રતિબંધોના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખોરાક અને દવાઓ પહોંચતી નથી. કોરોના મહામારીના કારણે વિકસિત દેશોની અર્થવ્યવસ્થા ડગમગી ગઇ છે ત્યાં ગરીબ અને વિકાસશીલ દેશોની પરિસ્થિતિ વિશે તો કલ્પના કરવી જ અશક્ય છે. યૂ.એન.ના જ એક રિપોર્ટમાં વૈશ્વિક ભૂખમરા વિશે કહેવામાં આવ્યું હતું કે ગયા વર્ષ કરતા આ વર્ષે ભૂખમરાના શિકાર લોકોની સંખ્યા એક કરોડ વધી ગઇ છે. એવામાં કોરોના મહામારીના કારણે આ વર્ષે આશરે ૧૩ કરોડ લોકો ભૂખમરામાં ધકેલાઇ શકે છે. રિપોર્ટ અનુસાર કોરોના મહામારીના કારણે આશરે નવમાંથી એક વ્યક્તિને ભૂખ્યા રહેવું પડે છે.
કોરોના મહામારીના કારણે દુનિયાભરના સંસ્થાઓનું ધ્યાન વાઇરસ સામે લડવામાં કેન્દ્રીત થઇ ગયું છે જેના પરિણામે ભૂખમરા વિરુદ્ધના અભિયાનો અટકી ગયા છે. પછાત દેશોમાં સ્વાસ્થ્ય તેમજ અન્ય સેવાઓ કોરોના સામે લડવામાં પડયાં છે અને ભૂખ્યા લોકો તરફ લોકોનું ધ્યાન જ જતું નથી.