News Focus

ન્યૂઝ ફોકસ : News focus

By GS Team
29 Jun 20267 mins read
TukuTouch Logo
અમેરિકી AI કંપની એન્થ્રોપિકે ચીનની અલીબાબા સામે AI કેનિબલિઝમનો આરોપ લગાવ્યો છે. ક્લોડ AI પર Qwen AI દ્વારા 2.88 કરોડથી વધુ સંવાદો સાથે "એડવર્સરીયલ ડિસ્ટિલેશન એટેક" કરાયો. આ હુમલામાં 25,000 નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ક્લોડની ક્ષમતાઓ ચોરી કરવાનો પ્રયાસ કરાયો. આ ઘટનાથી ટેક જગતમાં ખળભળાટ મચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂઝ ફોકસ : News focus

એઆઈની 'આદમખોરી' ટેક્નોલોજીના મેદાનમાં ચીન-અમેરિકા વચ્ચે જંગ

એક એઆઈ પ્લેટફોર્મ દ્વારા બીજા પ્લેટફોર્મ ઉપર ડિસ્ટિલેશન હુમલા કરાય છે, ક્લોડ એઆઈ દ્વારા અલિબાબાના ક્વેન એઆઈ સામે હુમલાના આરોપો
એડવર્સરીયલ ડિસ્ટિલેશન એટેકમાં મજબૂત પ્લેટફોર્મ પાસેથી વિગતો મેળવીને, જવાબો મેળવીને તેનો ઉપયોગ નબળા અથવા ઓછી ક્ષમતા ધરાવતા ક્લોન એઆઈ મોડલ્સને તાલીમ આપવા અથવા તેને સુધારવા માટે કરવામાં આવે છે. આ પદ્ધતિ હુમલાખોરોને મોડલના આર્કિટેક્ચરની સીધી ઍક્સેસ વિના, લાર્જ લેંગ્વેજ મોડલ્સની તાર્કિક ક્ષમતા, કોડિંગ અને એજન્ટિક બિહેવિયર જેવી અદ્યતન ક્ષમતાઓની નકલ કરી આપે છે ઃ અલીબાબા અને તેની Qwen AI લેબ સાથે જોડાયેલા ઓપરેટરોએ ક્લોડ મોડલ્સ સાથે ૨.૮૮ કરોડથી વધુ સંવાદો (exchanges) કરવા માટે આશરે ૨૫,૦૦૦ નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ સંવાદો ૨૨ એપ્રિલ અને ૫ જૂન ૨૦૨૬ વચ્ચેના છ અઠવાડિયાના સમયગાળા દરમિયાન એઆઈ મોડલને સબમિટ કરવામાં આવેલી પ્રતિક્રિયાઓ અને પ્રોમ્પ્ટ્સના સ્વરૂપમાં હતા દુનિયાભરમાં અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે. એક તરફ દુનિયાભરના દેશો, ટેક કંપનીઓ, દિગ્ગજ કંપનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તગડો નફો કરતી થઈ છે, તેના ઉપયોગથી વધુને વધુ વિકાસ કરતી થઈ છે ત્યાં એક નવી જ સમસ્યા સામે આવી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે માણસોની નોકરી જતી રહેશે, રોજગારી ઘટી જશે જેવી સમસ્યાઓ હવે હાલ સાઈડલાઈન થઈ ગઈ છે. હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટિલિજન્સ દ્વારા એકબીજા ઉપર હુમલા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમના એકબીજા ઉપરના આ હુમલાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેનિબલિઝમ અથવા તો એઆઈ કેનિબલિઝમ નામ આપવામાં આવ્યું છે. ટેક્નોલોજીની આ અદ્વિતિય ક્રાંતિના મેદાનમાં પણ હવે યુદ્ધ શરૂ થયાના પડઘમ સંભળાઈ રહ્યા છે. તાજેતરમાં અમેરિકા અને ચીન આ ક્ષેત્રમાં પણ જંગે ચડયાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકાની દિગ્ગજ એઆઈ કંપની એન્થ્રોપિક કે જે ક્લોડ એઆઈના કારણે અત્યંત શક્તિશાળી પ્લેટફોર્મ ગણાય છે તેને ચીની કંપનીઓ સામે મોરચો માંડયો છે. અમેરિકી કંપનીએ હવે ચીની કંપનીઓ સામે સાઈબર ક્રાઈમ બાદ એઆઈ કેનિબલિઝમનો આરોપ મૂક્યો છે. સૂત્રોના મતે અહેવાલો છે કે, કથિત રીતે ચીનની એઆઈ કંપનીઓ દ્વારા અમેરિકન એઆઈ કંપની એન્થ્રોપિક (Anthropic) ને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.
જાણકારોના મતે આ અંગે સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદની વિગતો સામે આવતા જ વિશ્વભરમાં આંચકો અનુભવાયો છે. ફરિયાદમાં એન્થ્રોપિકે જણાવ્યું હતું કે, ચીનની ટેક જાયન્ટ અલીબાબાની 'Qwen AI' લેબ દ્વારા ક્લોડ એઆઈ ઉપર હુમલા કરવામાં આવ્યા છે. ચીની કંપની ક્વેન એઆઈ દ્વારા ક્લોડ એઆઈના વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા મોડલ્સમાંથી વિવિધ સ્કિલ્સ ચોરવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો 'એડવર્સિરીયલ ડિસ્ટિલેશન એટેક' (Adversarial Distillation Attack) કરવામાં આવ્યો છે. અમેરિકી કંપનીના આ નિવેદન અને ફરિયાદને પગલે ટેક્નોલોજી વિશ્વમાં ભૂકંપ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, યુએન સેનેટમાં એન્થ્રોપિક દ્વારા અલિબાબાના એઆઈ પ્લેટફોર્મ સામે ફરિયાદ કરવામાં આવી હતી. તેના ઉપર હવે સુનાવણી ચાલી રહી છે. ખાસ વાત એ છે કે, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આગામી યુએસ સેનેટની સુનાવણી પહેલા, એન્થ્રોપિકે ૧૦ જૂનના રોજ સેનેટ કમિટી ઓન બેન્કિંગ, હાઉસિંગ અને અર્બન અફેર્સના યુએસ સેનેટર્સ ટિમ સ્કોટ અને એલિઝાબેથ વોરેનને એક પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અલીબાબાની એઆઈ વિંગ ક્વેન એઆઈ દ્વારા ક્લોડ મોડલ પર લાખો 'એઆઈ ડિસ્ટિલેશન' હુમલા કરવામાં આવ્યા હતા. તેના કારણે ક્લોડની કામગીરીને વ્યાપક અસર થઈ રહી છે અને તેના ઉપર ડેટાચોરીનું મોટું જાખમ સર્જાયેલું છે. આ મુદ્દે વિવાદ વકરી રહ્યો છે.
ચિંતાજનક બાબત એ છે કે, એન્થ્રોપિક દ્વારા લખવામાં આવેલા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અલીબાબા અને તેની Qwen AI લેબ સાથે જોડાયેલા ઓપરેટરોએ ક્લોડ મોડલ્સ સાથે ૨.૮૮ કરોડથી વધુ સંવાદો (exchanges) કરવા માટે આશરે ૨૫,૦૦૦ નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યોહતો. આ સંવાદો ૨૨ એપ્રિલ અને ૫ જૂન ૨૦૨૬ વચ્ચેના છ અઠવાડિયાના સમયગાળા દરમિયાન એઆઈ મોડલને સબમિટ કરવામાં આવેલી પ્રતિક્રિયાઓ અને પ્રોમ્પ્ટ્સ (આદેશો)ના સ્વરૂપમાં હતા. એન્થ્રોપિકે આ હુમલાઓને ક્લોડની ક્ષમતાઓને ગેરકાયદેસર રીતે ચોરી કરવાના પ્રયાસ તરીકે ગણાવ્યા છે અને તેને કંપની સામે અત્યાર સુધીનો સૌથી મોટો ડિસ્ટિલેશન એટેક કહ્યો છે. આ એટેકને પગલે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વર્લ્ડ ચીની કંપનીઓ સામે રેડઝોન ઊભો થાય અથવા તો તપાસના આદેશ આપવામાં આવે તેવી શક્યતાઓ છે.
મહત્ત્વની વાત એ છે કે, એન્થ્રોપિક ઉપર ચીની એઆઈ કંપનીઓ દ્વારા આ પહેલો ડિસ્ટિલેશન હુમલો કરાયો છે તેવું નથી. ભૂતકાળમાં એન્થ્રોપિક પર ચીની કંપનીઓ દ્વારા ઘણી વખત એઆઈ ડિસ્ટિલેશન એટેકના કિસ્સાઓ બનેલા છે. આ જ વર્ષે ફેબુ્રઆરી ૨૦૨૬માં, એન્થ્રોપિકે જાહેરમાં અન્ય ચીની એઆઈ લેબ્સ દ્વારા આવા જ, જોકે નાના પાયાના ડિસ્ટિલેશન એટેકની ફરિયાદ કરી હતી. કંપનીએ ત્યારે જણાવ્યું હતું કે, ડીપસીક (DeepSeek) તરફથી આશરે ૧,૫૦,૦૦૦ સંવાદો, મૂનશોટ એઆઈ (Moonshot AI) તરફથી ૩૪ લાખથી વધુ સંવાદો અને મિનિમેક્સ (MiniMax) તરફથી આશરે ૧.૩ કરોડ સંવાદો નોંધ્યા હતા. આ અભિયાનો અલીબાબાના કથિત ૨.૮૮ કરોડ સંવાદો કરતા નોંધપાત્ર રીતે નાના હતા. તેમ છતાં આ વર્ષે જ ચીની એઆઈ કંપનીઓ અને પ્લેટફોર્મ દ્વારા અમેરિકી એઆઈ કંપનીઓમાં ઘુસવાના અને તેનું ક્લોનિંગ કરવાના સક્રિય પ્રયાસો કરાયા હોવાનો દાવો છે.
બીજી વાત એવી છે કે, સેનેટને મોકલાયેલા તે પત્રમાં, એન્થ્રોપિકે દાવો કર્યો છે કે ચીન તરફથી કથિત ડિસ્ટિલેશન અભિયાનમાં ખાસ કરીને ક્લોડની સૌથી મહત્ત્વની અને વ્યવસાયિક રીતે સંવેદનશીલ ક્ષમતાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ ડિસ્ટિલેશન એટેકમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ, કોડિંગ, એજન્ટિક રીઝનિંગ, સ્વાયત્ત નિર્ણય લેવાની પ્રક્રિયા અને કાર્યોના સંચાલનનો સમાવેશ થાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, લાંબા ગાળાના અને જટિલ કાર્યો કરવાની ક્લોડની ક્ષમતા તેમજ તેની અદ્યતન વિચારવાની ક્ષમતાને પણ નિશાન બનાવવામાં આવી હતી. ક્લોડનો દાવો છે કે, ચીની કંપનીઓ દ્વારા આ ક્ષમતાઓનું ક્લોનિંગ કરીને અમેરિકા કરતા વધારે સક્ષમ એઆઈ પ્લેટફોર્મ વિકસાવવાની કવાયત કરવામાં આવી રહી છે. ચીની કંપનીઓ સતત અમેરિકાની ટોચની એઆઈ કંપનીઓ ઉપર સાઈબર એટેક અને ડિસ્ટિલેશન એટેક કરી રહ્યા છે જેથી અહીંયાનું કામ ખોટકાય અને ત્યાં તેઓ માહિતીનું ક્લોનિંગ કરીને વધારે મજબૂત બની શકે. એન્થ્રોપિકે એવું પણ જણાવ્યું હતું કે ચીની કંપનીના એટેકને કારણે તેની સર્વિસ ટર્મ્સ અને જિયોગ્રાફિક ઍક્સેસ કોડના પ્રતિબંધોનું પણ ઉલ્લંઘન થયું છે. ઉલ્લેખનીય છે કે, ક્લોડ સત્તાવાર રીતે ચીનમાં ઉપલબ્ધ નથી અને તેના કારણે જ આવા એટેક કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ચીની કંપનીઓએ એઆઈ બૌદ્ધિક સંપદાની ચોરી અંગે યુએસ સરકારની વારંવારની ચેતવણીઓને કથિત રીતે અવગણી કાઢી છે.
મહત્ત્વની વાત એવી પણ છે કે, એન્થ્રોપિક દ્વારા પત્ર મોકલવામાં આવ્યાના થોડા સમય બાદ, ૧૨ જૂનના રોજ, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સ કંપનીના સૌથી નવા એઆઈ મોડલ્સ, 'માયથોસ' (સ્આર્રજ) અને 'ફેબલ' (ખચમની) ના ઍક્સેસ પર પ્રતિબંધો મૂકી દીધા હતા. આ પાછળ એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ચીન અને અન્ય કેટલાક દુશ્મન અને વિરોધી દેશોમાં સૈન્ય અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે.
ત્યારબાદ એન્થ્રોપિકે તે મોડલ્સની વૈશ્વિક ઍક્સેસ બંધ કરી દીધી હતી. તે જ સમયે, અન્ય કેટલીક ચીની કંપનીઓની સાથે અલીબાબાને પણ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની ચીની સૈન્ય કંપનીઓની યાદીમાં ઉમેરવામાં આવી હતી. જો કે, અલીબાબા હાલમાં તે ડેઝિગ્નેશનને પડકારી રહી છે.
એન્થ્રોપિકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે યુએસના પ્રભુત્વને બચાવવા માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે સંકલિત વ્યવસ્થા થકી લેવાતા પગલાં, મોટા જોખમની ગુપ્ત માહિતીની વહેંચણી અને કડક દંડની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ એઆઈ બૌદ્ધિક સંપદાની ચોરી સામે લડવાના યુએસ સરકારના પ્રયાસોને પોતાનું સમર્થન પણ જાહેર કર્યું છે અને આ મુદ્દે કોંગ્રેસ તેમજ પ્રશાસન સાથે મળીને કામ કરવાની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. અહેવાલો અનુસાર આ આરોપોના સમાચાર સામે આવ્યા બાદ અલીબાબાના શેરના ભાવમાં આશરે ૩ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે આ વિવાદે રાષ્ટ્રીય સુરક્ષા, બૌદ્ધિક સંપદા સંરક્ષણ અને વૈશ્વિક એઆઈ હથિયારોની હોડ (છૈં ચસિજ ચિબી) પરની ચર્ચાને ફરીથી વેગ આપ્યો છે.

  • એડવર્સરીયલ ડિસ્ટિલેશન એટેક એઆઈ પ્લેટફોર્મની નકલ કરવાનો રસ્તો
    એડવર્સરીયલ ડિસ્ટિલેશન એટેક એક એવી ટેકનિક છે જેમાં વધુ શક્તિશાળી એઆઈ મોડલ પાસેથી સતત કોઈ મુદ્દે જવાબો માગવામાં આવે છે અને તેનું ક્લોનિંગ કરવામાં આવે છે.
    આ જ કિસ્સાની વાત કરીએ તો અલિબાબાના એઆઈ મોડલ દ્વારા ક્લોડ પ્લેટફોર્મને મોટા પાયે પ્રશ્નો પૂછીને હાઈલી ક્લાસિફઈડ અને ઈફેક્ટિવ જવાબો અને આઉટપુટ એકત્રિત કરવામાં આવ્યા હતા. એડવર્ર્સરીયલ ડિસ્ટિલેશન એટેકમાં મજબૂત પ્લેટફોર્મ પાસેથી વિગતો મેળવીને, જવાબો મેળવીને તેનો ઉપયોગ નબળા અથવા ઓછી ક્ષમતા ધરાવતા ક્લોન એઆઈ મોડલ્સને તાલીમ આપવા અથવા તેને સુધારવા માટે કરવામાં આવે છે.
    આ પદ્ધતિ હુમલાખોરોને મોડલના કોડિંગની વિગતો વિના અથવા આર્કિટેક્ચરની સીધી ઍક્સેસ વિના, મૂળ તાલીમ ખર્ચના ખૂબ જ નાના હિસ્સામાં અદ્યતન લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs) ની તાર્કિક ક્ષમતા, કોડિંગ અને એજન્ટિક બિહેવિયર જેવી અદ્યતન ક્ષમતાઓની નકલ કરી આપે છે. તેના દ્વારા હુમલાખોર કંપની કરોડો રૂપિયા બચાવીને, તાલિમનો ખર્ચ બચાવીને અને કોઈપણ મહેનત વગર મોટા પ્લેટફોર્મની તમામ બાબતોનું ક્લોનિંગ કરવા લાગે છે અને ફાયદો મેળવે છે.
    એઆઈ મોડલ ડિસ્ટિલેશનનો ઉપયોગ સ્પર્ધકો દ્વારા ઓછા ખર્ચે ક્ષમતાઓ વધારવા માટે વધુને વધુ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને એવા સ્પર્ધકો દ્વારા જેઓ કમ્પ્યુટિંગ અથવા એઆઈ ચિપ સંબંધિત પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે, જેથી તેઓ એન્થ્રોપિક, ઓપનએઆઈ (OpenAI) અને ગુગલ (Google) જેવી અગ્રણી યુએસ એઆઈ પ્રયોગશાળાઓ સાથેનું અંતર ઘટાડી શકે અને વધુ ફાયદો કમાઈ શકે.
    એન્થ્રોપિક આ પ્રકારના જોખમો વિશે વધુને વધુ અવાજ ઉઠાવી રહ્યું છે.