Get The App

હોંગકોંગ પર પોતાનો ભરડો જમાવવા ચીન નવી ચાલ રમ્યું

- હોંગકોંગમાં ચીનવિરોધી આંદોલનોને દેશદ્રોહ ગણાવતો કાયદો અમલમાં મૂકવાની ચીનની હિલચાલ

Updated: May 27th, 2020

GS TEAM

Google News
Google News

- બ્રિટને હોંગકોંગને સ્વાયત્ત રાખવાની શરત સાથે ચીનને સોંપ્યું હતું અને ચીને પણ 2047 સુધી હોંગકોંગના લોકોની સ્વતંત્રતા અને પોતાનો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ગેરંટી આપી હતી પરંતુ એ પછી ખંધુ ચીન વખતોવખત હોંગકોંગને પોતાની સરમુખત્યારશાહીની બેડીઓમાં જકડવા મથતું રહે છે

હોંગકોંગ પર પોતાનો ભરડો જમાવવા ચીન નવી ચાલ રમ્યું 1 - image

એશિયાના ટોપના બિઝનેસ હબમાં સમાવેશ પામતા હોંગકોંગને પોતાના ભરડામાં લેવા ચાઇનીઝ ડ્રેગને ફરી પાછી નવી ચાલ ચાલી છે. ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠકમાં હોંગકોંગ અંગે એક સુરક્ષા બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ સુરક્ષા કાયદામાં દેશદ્રોહ અને તોડફોડના મામલાઓમાં કડક કાયદાકીય કાર્યવાહીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવિત કાયદાને અમેરિકાસહિતના દેશો હોંગકોંગની સ્વાયત્તતાનો અંત જણાવી રહ્યાં છે. ચીનના આ કાયદાનો હોંગકોંગમાં તો ભારે વિરોધ થઇ જ રહ્યો છે, સાથે સાથે તાઇવાન અને અમેરિકા જેવા દેશો પણ તેનો સખત વિરોધ કરી રહ્યાં છે. તેમના મતે આ નવો કાયદો ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રની શક્તિને અંકુશમાં લેવા સમાન છે.

ચીનના સામ્યવાદી સત્તાવાળાઓ લાંબા સમયથી ધમકી આપી રહ્યાં હતાં કે હોંગકોંગમાં ચાલી રહેલા ચીનવિરોધી પ્રદર્શનોને તે સહન નહીં કરે. 

ગયા વર્ષે લગભગ સાત મહિના હોંગકોંગમાં લોકશાહી સમર્થક આંદોલનો ચાલ્યાં હતાં. અગાઉ ૨૦૦૩માં પણ ચીન આ પ્રકારનો જ કાયદો લાવવાની હિલચાલ કરી ચૂક્યું છે. એ સમયે પણ મોટા પાયે વિરોધ થતાં ચીને કાયદો પાછો લેવાની ફરજ પડી હતી.

જોકે આ વખતે ચીને હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. હોંગકોંગના ચીનતરફી નેતા કેરી લેમ પણ ચીનની કોંગ્રેસમાં ભાગ લેવા પહોંચ્યાં છે અને તેમણે ચીનના પ્રસ્તાવિત કાયદાને હોંગકોંગમાં વહેલામાં વહેલી તકે લાગુ કરાવવાની ખાતરી આપી છે. 

હોંગકોંગના મિની બંધારણ બેઝિક લૉના અનુચ્છેજ ૨૩ અનુસાર દેશદ્રોહ જેવા ગંભીર મામલાઓમાં શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગૂ કરવો જોઇએ. જોકે આ પહેલા આ અનુચ્છેદનો કદી પ્રયોગ કરવામાં આવ્યો નથી. હોંગકોંગમાં પ્રેસ અને અભિવ્યક્તિની આઝાદીને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. આર્થિક રીતે સમૃદ્ધ આલ્ફા પ્લસ શહેરોમાં સ્થાન ધરાવતું હોંગકોંગ એક સમયે સીટી સ્ટેટ અર્થાત એક જ શહેરનું બનેલું રાષ્ટ્ર હતું જે હાલ ચીનના કબજા હેઠળનો સ્વાયત્ત ટાપુ છે.

હજુ હમણા સુધી બ્રિટીશ કોલોની ગણાતા હોંગકોંગને બ્રિટને ૧૯૯૭માં સ્વાયત્તતાની શરત સાથે ચીનને સોંપ્યું હતું. હોંગકોંગ સોંપાયું ત્યારે ચીને એક દેશ- બે વ્યવસ્થાની વ્યાખ્યાના ધોરણે ઓછામાં ઓછા ૨૦૪૭ સુધી હોંગકોંગના લોકોની સ્વતંત્રતા અને પોતાનો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ગેરંટી આપી હતી. જોકે એ પછી ખંધુ ચીન વખતોવખત હોંગકોંગને પોતાની સરમુખત્યારશાહીની બેડીઓમાં જકડવા મથતું રહે છે. 

છેલ્લા અનેક દાયકાથી બ્રિટીશ શાસન વ્યવસ્થા હેઠળ મોકળાશપૂર્વક જીવેલા હોંગકોંગના લોકોને ચીનની સંકુચિત સરમુખત્યારશાહી જરાય પસંદ નથી. જેના કારણે ત્યાં અવાનવાર ચીનવિરોધી આંદોલનો ઊભા થાય છે. અગાઉ ૨૦૧૪માં પણ ચીનની જોહુકમી વિરુદ્ધ અમ્બ્રેલા મૂવમેન્ટ નામનું આંદોલન ૭૯ દિવસો સુધી ચાલ્યું હતું. એ વખતે પણ ચીન લોકશાહીનું સમર્થન કરતા લોકો પર કાર્યવાહી કરવા લાગ્યું હતું.

વિરોધ પ્રદર્શનોમાં સામેલ થયેલા લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યાં હતાં. આઝાદીનું સમર્થન કરનારી રાજકીય પાર્ટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. 

એ પહેલા ૨૦૦૩માં પણ હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષાના નામે લાવવામાં આવેલા કાયદાનો લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. એ સમયે તો ચીને પીછેહઠ કરવી પડી હતી પરંતુ વર્તમાન સમયમાં ચીનની હોંગકોંગ પરનું પ્રભુત્ત્વ અનેકગણું વધારે છે. 

ચીનને હોંગકોંગની સોંપણી જ સ્વાયત્તતાની શરત સાથે કરવામાં આવી હતી અને તેને પોતાની સ્વતંત્રતા, સામાજિક, કાયદાકીય અને રાજકીય વ્યવસ્થા જાળવી રાખવાની ગેરંટી આપવા છતાં ચીનના હસ્તક્ષેપને ત્યાંના લોકો પસંદ નથી કરતાં. હકીકતમાં હોંગકોંગના લોકો પોતાને ચીનનો હિસ્સો માનવા જ તૈયાર નથી અને સરેઆમ ચીનની સરકારની ટીકા કરે છે.

જોકે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી હોંગકોંગની સરકાર પર કબજો કરી રહી છે. હોંગકોંગના વર્તમાન નેતા કેરી લેમની નિમણૂક પણ ચીનની નિકટની એક કમિટીએ જ કરી હતી. કેરી લેમ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મોટા સમર્થક મનાય છે. હોંગકોંગની સંસદમાં પણ ચીન સમર્થક સાંસદોનું મોટું જૂથ છે. છેલ્લા ઘણાં વર્ષોથી ચીન હોંગકોંગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથી રહ્યું છે. 

અગાઉ ૨૦૧૪માં પણ ચીનની જોહુકમી વિરુદ્ધ અમ્બ્રેલા મૂવમેન્ટ નામનું આંદોલન ૭૯ દિવસો સુધી ચાલ્યું હતું. 

એ વખતે પણ ચીન લોકશાહીનું સમર્થન કરતા લોકો પર કાર્યવાહી કરવા લાગ્યું હતું. વિરોધ પ્રદર્શનોમાં સામેલ થયેલા લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યાં હતાં. આઝાદીનું સમર્થન કરનારી રાજકીય પાર્ટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. 

એ પહેલા ૨૦૦૩માં પણ હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષાના નામે લાવવામાં આવેલા કાયદાનો લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. એ સમયે તો ચીને પીછેહઠ કરવી પડી હતી પરંતુ વર્તમાન સમયમાં ચીનની હોંગકોંગ પરનું પ્રભુત્ત્વ અનેકગણું વધારે છે. 

હોંગકોંગમાં અંગ્રેજોના સમયની કોમન લૉ સિસ્ટમ છે અને તેની એક ડઝન જેવા દેશો સાથે પ્રત્યર્પણ સંધિ છે જેમાં અમેરિકા, બ્રિટન અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે. એ સંજોગોમાં એવા ઘણાં દેશો છે જ્યાં અપરાધ કરીને કોઇ વ્યક્તિ હોંગકોંગ આવી જાય તો તેને એ દેશોને કાયદાકીય પ્રક્રિયા માટે સોંપી ન શકાય. 

ચીને પ્રત્યર્પણ કાયદામાં સંશોધન કરીને ચીનની મુખ્ય ભૂમિ સાથે સંદિગ્ધોને પ્રત્યાર્પિત કરવાની હિલચાલ કરી. હોંગકોંગના ચીનતરફી નેતા કેરી લેમ પણ આ ફેરફારને જરૂરી ગણાવ્યો અને આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવા માટે આ સંધિ મહત્ત્વની હોવાનો દાવો કર્યો. 

ચીનના આ પ્રસ્તાવિત કાયદાના વિરોધમાં હોંગકોંગના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં. લોકોના ભારે વિરોધને જોતાં બિલને હોંગકોંગની સંસદમાં પસાર થતું અટકાવી દેવામાં આવ્યું. તેમ છતાં લોકોનો રોષ ન શમ્યો અને તેમણે એ પ્રસ્તાવિત કાયદાને કાયમ માટે રદ્ કરવાની માંગ ચાલુ રાખી. 

હોંગકોંગમાં મોટો વર્ગ એવો છે જે ચીન અને હોંગકોંગને અલગ માને છે. તેમને હોંગકોંગની સ્વાયત્તતા જોખમમાં મૂકાઇ જવાનો ડર છે. તેમને ભય છે કે જો હોંગકોંગના લોકો પર ચીનના કાયદા લાગુ થઇ જશે અને ચીન તેમના લોકોને મનમાની રીતે પકડીને યાતનાઓ આપશે. હોંગકોંગના લોકોને ચીનની ગુંચવાડાભરી ન્યાયિક વ્યવસ્થાનો ભોગ બની જવાનો ભય હંમેશા સતાવે છે. ખાસ કરીને સરમુખત્યાર ચીનમાં રાજકીય વિરોધીઓ પર આર્થિક અપરાધો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાસમાન હોવાના આરોપ મૂકીને જેલભેગા કરી દેવામાં આવે છે. 

ચીનની કાયદાકીય પ્રક્રિયા પણ તેના સામ્યવાદી શાસનને અનુરૂપ છે જ્યાં એક વખત આરોપ મૂકાયા બાદ મામલો છેવટે સજામાં જ પરિણમતો હોય છે. એટલા માટે જ હોંગકોંગમાં અવારનવાર ચીનવિરોધી આંદોલનો થતા રહે છે જેમાં ત્યાંના વિદ્યાર્થીઓ ઉપરાંત વેપારીઓ, માનવ અધિકાર કાર્યકરો સહિત સામાન્ય જનતા જોરશોરથી ભાગ લેતી હોય છે. 

જોકે હોંગકોંગની સરકાર સ્થાનિકોને એ વાતની ખાતરી આપે છે કે પ્રસ્તાવિત કાયદાના કારણે લોકોની સ્વાયત્તતા નહીં જોખમાય. સરકારની ધરપત છતાં હોંગકોંગના લોકોને ચીનની મંશાઓ પ્રત્યે શંકા છે. 

તેમનું માનવું છે કે ૨૦૧૨માં ચીનમાં શી જિનપિંગ રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ તેમના પર દબાણ વધ્યું છે. વર્ષ ૨૦૧૫માં હોંગકોંગના અનેક પુસ્તક વિક્રેતાઓને નજરબંધ કરવામાં આવ્યા બાદ લોકોમાં ચિંતાઓ વધી ગઇ. એ પછી ૨૦૧૪માં અમ્બ્રેલા મૂવમેન્ટ દરમિયાન પણ અનેક નેતાઓને ઉપદ્રવના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યાં. 

ચીનના પ્રસ્તાવિત કાયદા બાદ ફરી વખત હોંગકોંગમાં રોષનો ચરુ ઉકળી રહ્યો છે. જોકે હાલ કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોના કારણે ચીનનો વિરોધ હાલ તો સડકોના સ્થાને ઇન્ટરનેટ પર થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા વેબસાઇટ્સ અને ચેટિંગ એપ્સ જેવા માધ્યમો દ્વારા હોંગકોંગના લોકશાહી સમર્થક ચળવળકારો ફરીથી વિરોધ પ્રદર્શનો શરૂ કરવાનું આહ્વાન કરી રહ્યાં છે. હોંગકોંગની વિપક્ષી પાર્ટી પણ આ કાયદાથી હોંગકોંગનો અંત આવી જશે એમ માની રહ્યાં છે. 

તેમના મતે જો આ કાયદો લાગુ થઇ ગયો તો એક દેશ, બે વ્યવસ્થાનો અંત આવશે. હોંગકોંગમાં વધી રહેલા વિરોધને જોતાં ચીની સેનાએ કાયદાને જડબેસલાક લાગુ કરાવવાની ધમકી આપી છે એ જોતાં આવનારા દિવસોમાં હોંગકોંગમાં ભડકો થવાના પૂરેપૂરા અણસાર છે.

Tags :