Get The App

વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો ભાજપ માટે ચેતવણી સમાન

- હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી તેમજ 51 અન્ય વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની ધારણા મુજબનાં પરિણામ ન આવ્યાં

Updated: Oct 25th, 2019

GS TEAM

Google News
Google News

- કેન્દ્રમાં ભલે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી અજેય ગણાતી હોય પરંતુ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અજેય નથી એ અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અને હવે હરિયાણામાં સાબિત થયું છે

વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો ભાજપ માટે ચેતવણી સમાન 1 - image

હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી તેમજ બીજા અનેક રાજ્યોની કુલ ૫૧ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચૂંટણીના પરિણામોએ ભલભલા રાજકીય પંડિતોની ગણતરી ઊંધી પાડી દીધી છે. મોટા ભાગના એેક્ઝિટ પોલમાં ભાજપની એકતરફી જીતની આગાહી કરવામાં આવી હતી પરંતુ પરિણામો ભાજપની ધારણા મુજબના આવ્યા નથી. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપે કોંગ્રેસની સરખામણીમાં ભાજપે અનેકગણી વધારે મહેનત કરી અને તાકાત ઝોંકી હતી પરંતુ પરિણામો ધાર્યા મુજબના જોવા મળ્યાં નથી. મહારાષ્ટ્રમાં ભાજપને પોતાના જોરે બહુમતિ મેળવવાની ખેવના હતી જે પૂરી થઇ નથી. તો હરિયાણામાં તો ભાજપ બહુમતિથી જ દૂર રહી ગયો છે અને રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે.

બંને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ધાર્યા કરતા ઘણું ઓછું થયું અને ઓછા મતદાનનું સીધું નુકસાન ભાજપને થતું જણાઇ રહ્યું છે. હકીકતમાં બંને રાજ્યોમાં ઘણાં લોકો એવાં હતાં જેઓ વર્તમાન વિકલ્પથી રાજી નથી અને એવા લોકો તો મતદાન માટે નીકળ્યાં જ નહીં. ચૂંટણી પહેલાં ભાજપ બંને રાજ્યોમાં નિશ્ચિંત જણાતી હતી પરંતુ પરિણામો બાદ ભાજપની કેન્દ્રીય નેતાગીરીના માથે ચિંતાની લકીરો તણાઇ ગઇ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે તો હરિયાણાની મુલાકાત મુલતવી રાખીને ખટ્ટરને તાત્કાલિક દિલ્હીનું તેડું મોકલ્યું છે.

હરિયાણામાં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. ખુદ વડાપ્રધાન મોદીએ રાજ્યમાં ૭ રેલીઓ યોજી હતી. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ હરિયાણામાં ૭ ચૂંટણી સભાઓ ગજવી હતી અને રાજનાથ સિંહે પણ ઘણી ચૂંટણીસભાઓ યોજી હતી. બીજી બાજુ કોંગ્રેસે એટલા જોરશોરથી પ્રચાર પણ કર્યો નહોતો. રાહુલ ગાંધીએ રાજ્યમાં માત્ર બે ચૂંટણીસભાઓ યોજી તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તો હરિયાણામાં એક પણ ચૂંટણી સભામાં ભાગ લીધો નહોતો. એટલું જ નહી, ભાજપે તો મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરી દીધાં હતાં પરંતુ કોંગ્રેસે તો છેક છેલ્લી ઘડી સુધી મુખ્યમંત્રીપદના નામ ઉપર પણ મહોર લગાવી નહોતી.

ચૂંટણીના બે અઠવાડિયા પહેલાં જ કોંગ્રેસે ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નામની જાહેરાત કરી.  હુડ્ડાએ પોતે એ વાતનો સ્વીકાર કર્યો કે પાર્ટીએ તેમના પર વિશ્વાસ કરવામાં વિલંબ કર્યો. તેમ છતાં કોંગ્રેસે હરિયાણામાં ભાજપને જોરદાર ટક્કર આપી છે. આનો સીધો અર્થ એ થાય કે હરિયાણાના લોકો ખટ્ટર સરકારના કામકાજથી રાજી નથી. રાજ્યમાં ભાજપને જે પણ બેઠકો મળી છે એ વડાપ્રધાન મોદી અને અમિત શાહના નામના જોરે જ મળી છે. હવે હરિયાણામાં ભાજપની બહુમતિ ધરાવતી સરકાર રચવાનું સપનું તો ચકનાચૂર થઇ ગયું છે. રાજ્યમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપે અપક્ષોનો સહારો લેવાની જરૂર પડશે. એ સાથે જ રાજ્યમાં દસ મહિના જૂની પાર્ટી જનનાયક જનતા પાર્ટી કિંગમેકરના રૂપમાં સામે આવી છે. 

મહારાષ્ટ્રની વાત કરીએ તો ભાજપ સત્તામાં વાપસી જરૂર કરી રહ્યો છે પરંતુ પરિસ્થિતિ જરાય સકારાત્મક નથી. દેવેન્દ્ર ફડણવીસની ખુરશી પણ જળવાઇ રહી છે પરંતુ રાજ્યમાં તેમની પક્કડ પણ પહેલા જેવી મજબૂત રહેવાની શક્યતા નથી. રાજ્યમાં ભાજપની સહયોગી શિવસેના માટે તો આ પરિણામો રાજીના રેડ થવા સમાન છે. હકીકતમાં ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ શિવસેનાએ પોતાના તેવર દેખાડવાના શરૂ કરી દીધાં છે. આમ તો પહેલેથી નક્કી મનાતું હતું કે રાજ્યમાં શિવસેના માટે નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવશે. પરંતુ હવે તો શિવસેના સીધા મુખ્યમંત્રીપદ પર દાવો કરવાની સ્થિતિમાં છે. હવે શિવસેના સરકારમાં ફિફ્ટી-ફિફ્ટી કરવા માટે દબાણ સર્જી રહી છે.

મહારાષ્ટ્રમાં શિવસેના છેક છેલ્લી ઘડી સુધી બેઠકોની ફાળવણીને લઇને અસંતુષ્ટ હતી. જોકે લોકસભાની ચૂંટણીમાં અને એ પછી કેન્દ્રની મોદી સરકારે લીધેલાં નિર્ણયોના કારણે ભાજપનું પલડું મજબૂત જણાતું હતું જેના કારણે શિવસેનાએ કમને પણ ભાજપને ડ્રાઇવિંગ સીટ પર બિરાજમાન થવા દીધો. એટલે સુધી કે શિવસેના સિવાયના ગઠબંધનના અન્ય સાથીદારોને પણ ભાજપના નિશાન પર જ ચૂંટણી લડાવી. વર્ષ ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ અલગ ચૂંટણી લડયાં હતાં. જેમાં ભાજપને ૧૨૨ બેઠકો મળી હતી તો શિવસેનાએ ૬૩ બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને ૪૨ અને એનસીપીને ૪૧ સીટો હાથ લાગી હતી.

ગત વિધાનસભામાં પણ ચૂંટણી જીત્યા બાદ ભાજપ એકલે હાથે સરકાર રચી શકે એમ ન હોવાના કારણે શિવસેનાનો સાથ લેવાની જરૂર પડી હતી. એવામાં આ ચૂંટણી વખતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ખ્યાલ આવી ગયો હતો કે જુદાં જુદાં ચૂંટણી લડવાના કારણે બંને પક્ષોને નુકસાન જઇ રહ્યું છે. અગાઉ લોકસભાની ચૂંટણી વખતે પણ શિવસેનાએ પહેલા તો એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં ભાજપના મનામણા બાદ તે ભાજપ સાથે આવી હતી. જોકે ભાજપને જંગી બહુમતિ મળ્યા બાદ મોદી સરકારમાં મંત્રીપદ માટે પણ શિવસેનાએ સમાધાન કરવાનો વારો આવ્યો હતો. 

જોકે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાને જોતાં શિવસેના પાસે સમાધાન કરવા સિવાય કોઇ માર્ગ નહોતો. એવામાં બેઠકોની ફાળવણી થયા બાદ શિવસેના પાસે એક જ માર્ગ બચતો હતો કે તે પોતાની બેઠકો પર સંપૂર્ણ જોર લગાવી દે. અને શિવસેનાએ એ માટે પહેલી વખત ઠાકરે પરિવારના સભ્યને પણ ચૂંટણીમાં ઉતાર્યા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ તો શિવસૈનિકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો અને એનું પરિણામ આ ચૂંટણીમાં જોવા મળ્યું છે. 

મહારાષ્ટ્ર અને હરિયાણા ઉપરાંત અનેક બેઠકોની પેટાચૂંટણીઓમાં પણ ભાજપને ફટકો પડયો છે. કુલ ૫૧ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીઓમાં ભાજપે ૩ બેઠકોનું નુકસાન ખમવું પડયું છે. પહેલાં ભાજપ પાસે ૨૦ વિધાનસભા બેઠકો હતી પરંતુ હવે તેની પાસે ૧૭ બેઠકો બચી છે. બીજી બાજુ કોંગ્રેસને પેટાચૂંટણીમાં કોઇ નુકસાન થયું નથી. પહેલાં તેની પાસે ૧૨ વિધાનસભા બેઠકો હતી અને પેટાચૂંટણી બાદ પણ તેની પાસે ૧૨ બેઠકો રહી છે. ભાજપે પોતાની ૨૦ બેઠકોમાંથી ૬ જૂની બેઠકો ગુમાવી તો ૩ નવી બેઠકો મેળવી છે. તો કોંગ્રેસે ૧૨માંથી પોતાની ૬ જૂની બેઠકો ગુમાવી અને ૬ નવી બેઠકો પર કબજો મેળવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યની ૬ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે અમરાઇવાડી અને ખેરાલુની બેઠકો જાળવી રાખી છે અને લુણાવાડાની અપક્ષ બેઠક પર વિજય મેળવ્યો છે. તો કોંગ્રેસે બાયડ અને રાધનપુરની બેઠકો જાળવી રાખી છે અને થરાદની બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. 

છેલ્લી ઘણી વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળ્યું છે કે જે-તે રાજ્યોના સ્થાનિક મુદ્દાઓ નૈપથ્યમાં ધકેલાઇ જાય છે અને રાષ્ટ્રવાદનો મુદ્દો જ છવાયેલો રહે છે. હકીકતમાં ભાજપમાં વડાપ્રધાન મોદીના ઉદય બાદ દેશના રાજકારણના સમીકરણો જ સાવ બદલાઇ ગયા છે અને રાજ્યોના પ્રાદેશિક મુદ્દાઓ નગણ્ય બની ગયાં છે. પરંતુ બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને ૧૮ રાજ્યોની ૫૧ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો બાદ અમુક બાબતો સ્પષ્ટ બની છે. પહેલી એ કે લોકોએ રાષ્ટ્રીય કરતા સ્થાનિક મુદ્દાઓને વધારે મહત્ત્વ આપ્યું છે. વડાપ્રધાન મોદીસહિત ભાજપના દરેક નેતાઓએ પોતાના ચૂંટણી પ્રચારમાં આર્ટિકલ ૩૭૦ અને પાકિસ્તાનવિરોધને મુખ્ય હથિયાર બનાવ્યું હતું પરંતુ લોકોએ આ મુદ્દાઓને નકારીને બેરોજગારી અને મોઘવારી જેવા વાસ્તવિક મુદ્દાઓ પર વધારે લક્ષ્ય આપ્યું છે.

બીજી બાબત એ કે અસ્તિત્ત્વ બચાવવા માટે ઝઝૂમી રહેલી કોંગ્રેસ માટે આ પરિણામો જીવતદાન સમાન છે. કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ છતાં જનતાએ કોંગ્રેસને હજુ સુધી સંપૂર્ણપણે નકારી કાઢી નથી. ત્રીજું એ કે જાતિઓના આધારે વહેંચાયેલા હિન્દુ મતોને હિન્દુવાદની છબિ હેઠળ લાવીને પોતાના પક્ષમાં કરવાના ભાજપના પ્રયાસો પણ કારગર નીવડયાં નથી. લોકસભાની ચૂંટણી સાથે જ સરખામણી કરીએ તો ભાજપના મતોની ટકાવારીમાં બાવીસ ટકાનો કડાકો બોલ્યો છે. 

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી ભલે કેન્દ્રમાં અજેય ગણાતી હોય પરંતુ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ અજેય નથી એ ફરી વખત સાબિત થયું છે. અગાઉ ગયા વર્ષે યોજાયેલી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકોએ આ વાત સાબિત કરી હતી. એ સાથે જ દેશના મતદારો પણ જાગૃત હોવાનું પુરવાર થયું છે. દેશના લોકોએ દર્શાવ્યું છે કે તેઓ કદી કોઇ એક પાર્ટીના આંધળા ભક્ત બનતા નથી. ગયા વર્ષના અંતમાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો તો લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સાથ પસંદ કર્યો હતો. અને હવે આ વખતની ચૂંટણીમાં ફરી વખત પોતાનું મન બદલ્યું છે. 

બીજુ એ પણ જોવા મળ્યું છે કે મોટા ભાગના પાર્ટીબદલુઓની હાર થઇ છે. જેનાથી સ્પષ્ટ બન્યું છે કે ચૂંટણી પહેલા પાટલી બદલનારા તકસાધુ નેતાઓને લોકોએ નકારી કાઢ્યાં છે. ખરેખર તો આ ચૂંટણી પરિણામો ભાજપ માટે ચેતવણીસમાન છે કે જો વાસ્તવિક મુદ્દાઓને અવગણ્યાં તો પ્રજા જાકારો આપતા પણ અચકાશે નહીં.

Tags :