- કેલિફોર્નિયાની એક સ્પેસ કંપનીએ પાંચ વર્ષ બાદ હોટેલ શરૂ કરવાનો પ્લાન રજૂ કર્યો, તેણે એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દીધાના અહેવાલ
- જીઆરયુ સ્પેસ કંપનીએ દાવો કર્યો છે કે, તે ચંદ્ર ઉપર પહેલી સ્થાયી હોટેલ શરૂ કરવાની છે. જો આ યોજના સફળ રહી તો પહેલી વખત પૃથ્વીની બહાર કોઈ ગ્રહ ઉપર બનાવવામાં આવેલું માનવીય માળખું અને બાંધકામ હશે. જાણકારોના મતે કંપની દ્વારા 2032થી મહેમાનોને ચંદ્ર ઉપરની હોટેલમાં રોકાણ માટે લઈ જવામાં આવશે: ઈન્ફ્લેટેબલ લિવિંગ મોડયુલ્સ અને એક ઓટોમેટિક ટેક્નોલોજીના સંયોજનથી ચંદ્ર ઉપરની માટીનો ઉપયોગ કરીને ઈંટો જેવા સખત પદાર્થ તૈયાર કરવામાં આવશે. તેના દ્વારા હોટેલની બહારની દીવાલો અને માળખું તૈયાર કરવામાં આવશે. તેથી પૃથ્વી ઉપરથી ભારે ભરખમ બિલ્ડિંગ મટિરિયલ લઈ જવાની જરૂર નથી : હાલમાં એક પેસેન્જર પાસેથી અંદાજે 10 લાખ ડોલર એટલે કે 9.25 કરોડ રૂપિયા ડિપોઝિટ પેટે લઈ રહ્યા છે. તે ઉપરાંત જે લોકો આ હોટેલમાં બુકિંગ કરાવે છે તેમણે એક ફોર્મ ભરવાનું હોય છે. આ ફોમ નોન રિફન્ડેબલ ફી સાથે ભરવાનું હોય છે. તેની ફીની રકમ પણ 1000 ડોલર એટલે કે અંદાજે 92,000 રૂપિયા રાખવામાં આવી છે
દુનિયાભરના લોકોને હોલિવૂડની સાઈફાઈ ફિલ્મોએ અવકાશમાં જવાની, અવકાશમાં રહેવાની અને એલિયન્સ તથા અન્ય ગ્રહના લોકો સાથે વસવાટ કરવાની જાતભાતની કલ્પનાઓ કરતા કરી દીધા છે. આ ફિલ્મોમાં લોકોને મોટી મોટી કોલોનીમાં પૃથ્વીથી દૂર આવેલા ગ્રહો, ચંદ્ર અને અન્ય સ્થળોએ વસતા બતાવ્યા છે. તેમાંય ખાનગી સ્પેસ કંપનીઓ દ્વારા સ્પેસ ટૂરિઝમ શરૂ કરાયા બાદ લોકોની કલ્પના અને ઈચ્છા શક્તિ પણ રોકેટગતિએ ઉડવા લાગ્યા છે. લોકો હવે ચંદ્ર ઉપર વસવાટ કરવાના અને ફરવા જવાના સપનાં જોવા લાગ્યા છે. લોકોના આ સપનાં ભવિષ્યમાં પૂરા થાય તેવું લાગી રહ્યું છે. અમેરિકાની એક કંપનીએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં જ ચંદ્ર ઉપર બનનારી હોટેલમાં રોકાણ માટે લોકો બુકિંગ કરાવી શકશે.
અહેવાલો પ્રમાણે કેલિફોર્નિયાની જીઆરયુ સ્પેસ નામની એક સ્પેસ કંપની દ્વારા ચંદ્ર ઉપર હોટેલ બનાવવાની યોજાના જાહેર કરવામાં આવી છે. તેણે જણાવ્યું કે, હોટેલ બનાવવાની શરૂઆત કરાવ્યા બાદ તે પ્રારંભિક તબક્કામાં ચાર લોકોને ત્યાં રોકાવા દેશે. મોટાભાગે આ લોકો ટેક્નોલોજી અને સ્પેસ સાયન્સના જાણકારો હશે જે આગમી વિકાસ માટે મદદ કરી શકે. તેમની મદદથી નવી ટેક્નોલોજી અને સુવિધાઓ વિકાસવવામાં આવશે જેથી હોટેલ મોટી કરી શકાય અને વધારે લોકો તેમાં રોકાઈ શકે. કહેવાય છે કે, કંપની દ્વારા તેના માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જીઆરયુ સ્પેસ કંપનીએ દાવો કર્યો છે કે, તે ચંદ્ર ઉપર પહેલી સ્થાયી હોટેલ શરૂ કરવાની છે. જો આ યોજના સફળ રહી તો પહેલી વખત પૃથ્વીની બહાર કોઈ ગ્રહ ઉપર બનાવવામાં આવેલું માનવીય માળખું અને બાંધકામ હશે. જાણકારોના મતે કંપની દ્વારા ૨૦૩૨થી મહેમાનોને ચંદ્ર ઉપરની હોટેલમાં રોકાણ માટે લઈ જવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જીઆરયુ સ્પેસ કેલિફોર્નિયા ખાતે આવેલી એક ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ કંપની છે. તેણે ચંદ્ર ઉપર હોટેલ શરૂ કરવાની યોજના રજૂ કરી છે. ખાસ વાત એ છે કે, ભવિષ્યમાં મહેમાનોને આવકારવા માટે તેણે અત્યારથી બુકિંગ પણ શરૂ કરી દીધું છે. આ હોટેલ હાલમાં પૃથ્વી ઉપર બનતા ઈન્ફ્લેટેબલ લિવિંગ મોડયુલ્સ અને એક ઓટોમેટિક ટેક્નોલોજીના સંયોજનથી ચંદ્ર ઉપરની માટીનો ઉપયોગ કરીને ઈંટો જેવા સખત પદાર્થ તૈયાર કરવામાં આવશે. તેના દ્વારા હોટેલની બહારની દીવાલો અને માળખું તૈયાર કરવામાં આવશે. તેનો સીધો અર્થ એ છે કે, પૃથ્વી ઉપરથી સિમેન્ટ, માટી, કપચી કે અન્ય બિલ્ડિંગ મટિરિયલ લઈ જવાની કે ભારે ભરખમ માળખા લઈ જવાની જરૂર નથી. સ્પેસ એન્જિનિયરિંગમાં હાલમાં આવી વસ્તુઓ જ સૌથી મોટો પડકાર છે અને તેની જ બાદબાકી કરવામાં આવી છે.
જાણકારોના મતે શરૂઆતમાં માત્ર એવા યાત્રીઓને જ હોટેલમાં રોકવા મળશે કે જવા મળશે જેમને ભૂતકાળમાં કામર્શિયલ સ્પેસફ્લાઈટનો અનુભવ હશે. ત્યારબાદ જેમ જેમ હોટેલ અને તેની સુવિધાઓ વિકસતી જશે તેમ તેમ આ બ્રહ્માંડમાં રજાઓ માણવા જવાની ઈચ્છા રાખનારા લોકોને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જ ૨૨ વર્ષિય સ્કાયલર ચાન નામના એક યુવાન દ્વારા આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરનારા સ્કાયલરે ગેલેક્ટિક રિસોર્સ યુટિલાઈઝેશન એટલે કે જીઆરયુ સ્પેસ નામની કંપની શરૂ કરી હતી. તેણે અત્યારથી બુકિંગ લેવાના પણ શરૂ કરી દીધા છે. સ્કાયલરે જણાવ્યું કે, તેઓ આ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ ઘણી કંપનીઓને પસંદ આવ્યો હતો. તેના આ સ્ટાર્ટઅપમાં સ્પેસએક્સ અને ઓટોનોમસ ડિફેન્સ સિસ્ટમ વિકસાવનારી કંપની એન્ડુરિલ સાથે સંકળાયેલા રોકાણકારો દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું છે. સ્કાયલર માને છે કે, આગામી યુગ આંતરગ્રહીય જીવન અને વસવાટ તથા ટ્રાવેલિંગ તરફ આગળ વધી રહ્યો છે. ચંદ્ર અને મંગળ ઉપર માનવ વસવાટની શક્યતાઓ દેખાઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને જ સ્પેસ ટૂરિઝમ સેક્ટરમાં તેણે ઝંપલાવ્યું અને ચંદ્ર ઉપર એક સ્થાયી હોટેલ શરૂ કરીને સ્પેસ ઈકોનોમીનો નવો આયામ ખોલ્યો છે.
જાણકારો માને છે કે, આ કંપની દ્વારા જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તે ખરેખર ઐતિહાસિક છે. જો તે પ્રોજેક્ટ કામ કરી જશે તો દુનિયામાં અદ્વિતિય રીતે સ્પેસ ટ્રાવેલિંગ અને હોસ્પિટાલિટીનો એક નવો જ યુગ શરૂ થઈ જશે. જાણકારોના મતે ચંદ્ર ઉપર જવું, ત્યાં ફરવું કે રોકાવું તે માત્ર સ્વપ્ન સમાન જ છે. અવકાશમાં જવું અને રોકાવું તે તોતિંગ રકમનો ખર્ચ, મજબૂત સ્વાસ્થ્ય અને અન્ય બાબતો માગી લે છે. આ સંજોગોમાં સુપરરીચ લોકો જ આ ખર્ચ ભોગવી શકે તેમ છે. અવકાશમાં લટાર મારવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરતા ધનાઢય લોકો માટે જ આ સ્પેસ ટૂરિઝમ વિકસાવાયું છે. તેમાંય જાણવા જેવી બાબત એ છે કે, અત્યાર સુધી ચંદ્ર ઉપર બધા દેશો પહોંચી શક્યા નથી. તેમાંય જે દેશો પહોંચ્યા તેમાંથી બધાના અવકાશયાત્રીઓએ ચંદ્ર ઉપર પગ પણ મુક્યો નથી. અત્યાર સુધીમાં ૧૨ લોકો જ ચંદ્રની ધરતી ઉપર પગ મુકીને આવ્યા છે. આ ઘટનાને પણ ઘણા વર્ષો પસાર થઈ ગયા છે. હાલમાં અમેરિકા, ચીન, ભારત દ્વારા ચંદ્ર ઉપર માણસો મોકલવાના અભિયાન ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. આ દેશો દ્વારા પણ ક્યારે અવકાશયાત્રીઓ મોકલવામાં આવશે તે નક્કી નથી. આ સંમજોગોમાં કેલિફોર્નિયાની આ સ્પેસ ટેક કંપની દ્વારા લોકોમાં ભારે ઉત્સુકતા જન્માવામાં આવી છે.
આ હોટેલમાં રોકાવાનો ૧ રૂમનો ચાર્જ અંદાજે ૯૨ કરોડ રૂપિયાની આસપાસ થશે
જીઆરયુ સ્પેસ દ્વારા જે હોટેલ વિકસાવવાની વાત કરવામાં આવી છે અને હોટેલમાં જો રોકાણ કરવાની વ્યવસ્થા છે તે ખૂબ જ ખર્ચાળ પણ છે. જાણકારોના મતે લોકોએ પોતાના સપનાને પૂરું કરવા માટે મોટી રકમ ચુકવવી પડશે. જીઆરયુ સ્પેસ દ્વારા એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં તેઓ હાલમાં એક પેસેન્જર પાસેથી અંદાજે ૧૦ લાખ ડોલર એટલે કે ૯.૨૫ કરોડ રૂપિયા ડિપોઝિટ પેટે લઈ રહ્યા છે. તે ઉપરાંત જે લોકો આ હોટેલમાં બુકિંગ કરાવે છે તેમણે એક ફોર્મ ભરવાનું હોય છે. આ ફોમ નોન રિફન્ડેબલ ફી સાથે ભરવાનું હોય છે. તેની ફીની રકમ પણ ૧૦૦૦ ડોલર એટલે કે અંદાજે ૯૨,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રિપની ફાઈનલ રકમ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. તેમ છતાં એવી માહિતી મળી રહી છે કે, અહીંયા એક રૂમમાં રહેવાની કિંમત ૧ કરોડ ડોલર એટલે કે અંદાજે ૯૨ કરોડ રૂપિયા હશે. બીજી ખાસ વાત એવી છે કે, મહેમાનાઓ આ યાત્રા ઉપર જતા પહેલાં પોતાની મેડિકલ, પર્સનલ, ફાઈનાન્સિયલ ફિટનેસ પણ સિદ્ધ કરવી પડશે. તેની સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો પણ જમા કરાવવા પડશે. કંપનીના સ્પેસ પ્રોજેક્ટ અંગે એવા અહેવાલો છે કે, જીઆરયુ સ્પેસ દ્વારા નાસાની મદદથી ૨૦૨૯થી ચંદ્ર ઉપર કન્સ્ટ્રક્શન સાથે સંકાળાયેલા પરીક્ષણ શરૂ કરવામાં આવશે. સૌથી પહેલાં એક નાનકડું ઈનફ્લેટેબલ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. ચંદ્ર ઉપર તે કેટલું ટકે છે અને ત્યાંના વાતાવરણ સાથે કેટલું સાયુજ્ય સાધે છે અને ત્યાં કેટલું ઉપયોગી સાબિત થાય છે તે જોવામાં આવશે. આ કામગીરીમાં જો કંપની સફળ થશે તો ત્યાંના મોટા મોટા ખાડાઓ એટલે કે લ્યૂનર પીટમાં હોટેલનું નિર્માણ શરૂ કરવામાં આવશે. જાણકારો માને છે કે, ચંદ્ર ઉપર સપાટ જમીન કરતા તેના વિશાળ ખાડાઓ અને ક્રેટર વધારે મજબૂત અને સખત જણાય છે. તેના કારણે આ જગ્યાઓમાં જ હોટેલ બનાવવા અંગે વિચાર ચાલી રહ્યો છે. બીજી તરફ ચંદ્રની જ માટીનો ઉપયોગ કરીને ઈંટો બનાવવાનું પરીક્ષણ પણ કરવામાં આવશે. ચંદ્રની માટીનો જ ઉપયોગ કરીને હોટેલની બહારની દીવાલો બનાવવામાં આવી હશે તો ત્યાંના રેડિયેશન અને તાપમાનમાં થતા આકસ્મિક ફેરફારથી માળખાને બચાવી શકાશે.
આગામી દોઢ દાયકામાં માનવ ઈતિહાસનું એક નવું ચેપ્ટર લખાશે
અહેવાલો પ્રમાણે આ હોટેલના નિર્માણ અને રોકાણનો અંતિમ તબક્કો ૨૦૨૩૨માં શરૂ કરવામાં આવશે. ચંદ્રની માટીમાંથી એક નાનું માળખું તૈયાર કરાયા બાદ તેને ઈનફ્લેટેબલ સ્ટ્રક્ચર સાથે જોડીને વિકસીત કરવામાં આવશે. આ રીતે જીઆરયુ સ્પેસ દ્વારા પોતાના હોટેલ મોડલનું પહેલું સ્થાયી સ્ટ્રક્ચર તૈયાર કરાશે. ત્યાં શરૂઆતમાં ચાર જ લોકોને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવશે. કંપની દ્વારા આ હોટેલને એક બુટીક હોટેલ તરીકે વિકસાવવાની વિચારણા કરવામાં આવી છે. અહીંયા મહેમાનોને સાવા જુદી જ દુનિયાનો અનુભવ થશે. લોકો ચંદ્ર ઉપર રહીને ચંદ્રને જોઈ શકશે અને પૃથ્વી તથા અવકાશનો આનંદ માણી શકશે. ચંદ્રની માટીમાંથી જ તૈયાર કરાયેલી ઈંટોનું માળખું અને ઈન્ફ્લેટેબલ સ્ટ્રક્ચર દ્વારા લોકોને કેમ્પિંગનો આનંદ આપી શકાશે. જાણકારો માને છે કે, એક વખત આ પ્રયોગ સફળ સાબિત થયો ત્યારબાદ ચંદ્ર ઉપર રજાઓ માણવા જવા લોકોની લાઈનો લાગશે. દુનિયાભરના ધનિકો આ હોટેલ માટે બુકિંગ કરાવતા જોવા મળશે. બધું જ આયોજન પ્રમાણ ચાલશે તો, આગામી દોઢ દાયકામાં આ હોટેલ માનવ ઈતિહાસનું એક નવું જ ચેપ્ટર સાબિત થશે.


