Get The App

મિલેનિયલ્સ અને જેનઝીમાં કેન્સરનું પ્રમાણ સૌથી વધારે

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
મિલેનિયલ્સ અને જેનઝીમાં કેન્સરનું પ્રમાણ સૌથી વધારે 1 - image

- અવિચારી આદતો, ધુમ્રપાન, દારૂ, બેઠાડું જીવન અને અન્ય ખાનપાનની ખરાબ આદતોના કારણે આ પેઢીમાં જીવલેણ રોગ વધ્યા

- સંશોધકો અને ડોક્ટરો જણાવે છે કે, 1990થી 2019 સુધીના સમયગાળામાં કેન્સરના કેસમાં 79 ટકાનો જોખમી વધારો થયો છે. તેઓ જણાવે છે કે, આ જ સમયગાળામાં કેન્સરના કારણે થનારા મોતમાં પણ 28 ટકા જેવો ચિંતાજનક વધારો નોંધાયો છે : યુવાનોમાં 17 પ્રકારના કેન્સરના રોગો વધી રહ્યા છે. ખાસ કરીને 1990 બાદ જન્મેલા લોકોમાં આ કેન્સરનું પ્રમાણ વકરી રહ્યું છે. તેમાંય નાના આંતરડા અને પિત્તાશયના કેન્સરમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. ખાનપાનની ખરાબ આદતો અને નશાખોરીનું અતિશય પ્રમાણ યુવા પેઢીને મોતના મુખમાં ધકેલી રહ્યું છે : જેનઝી અને મિલેનિયલ્સ દ્વારા સૌથી વધારે પ્રમાણમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવામાં આવે છે જે કેન્સર થવાની શક્યતાઓને અત્યંત વધારી દે છે. એક અભ્યાસ જણાવે છે કે, 28 થી 29 વર્ષના વયજૂથમાં ૨૧ પ્રકારના કેન્સરમાં વધારો થયેલો નોંધાયો હતા

કેન્સરની વાત આવે ત્યારે વિશ્વમાં એક સામાન્ય લાગણી છે કે, મોટાભાગે મોટી ઉંમરના લોકોને કેન્સર વધારે થતું હોય છે. લોકો એવું માને છે કે, લાંબા સમય સુધી ખરાબ જીવનશૈલી, ખરાબ ડીએનએ અને હેરિડિટરી ખરાબ જીન્સ, ખરાબ આદતો, ધુમ્રપાન અને મદિરાપાનના કારણે કેન્સર થઈ રહ્યા છે. તાજેતરમાં વર્લ્ડ કેન્સર ડેના દિવસે જારી થયેલા અહેવાલો જણાવે છે કે, હવે કેન્સર માત્ર ઉંમર સાથે સંકળાયેલો રોગ નથી. કેન્સર રોગના નિષ્ણાતોએ અહેવાલ આપ્યો છે કે, ૨૦ વર્ષથી ૪૦ વર્ષ સુધીના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી ગયું છે. તેઓ જણાવે છે કે, જેન ઝી અને મિલેનિયલ્સ તરીકે આપણે જેમને ઓળખીયે છીએ તેમનામાં કેન્સરનો રોગ વકરી રહ્યો છે. જાણકારોના મતે કેન્સરની વકરી રહેલી સમસ્યાના જે આંકડા આવી રહ્યા છે તેમાં ઘણી ચિંતાજનક બાબતો છે. હાલમાં સ્થિતિ એવી છે કે, જેનઝી અને મિલેનિયલ્સમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બંને જનરેશનના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં જણાવાયેલા આંકડા પણ ચિંતાજનક જ છે. સંશોધકો અને ડોક્ટરો જણાવે છે કે, ૧૯૯૦થી ૨૦૧૯ સુધીના સમયગાળામાં કેન્સરના કેસમાં ૭૯ ટકાનો જોખમી વધારો થયો છે. તેઓ જણાવે છે કે, આ જ સમયગાળામાં કેન્સરના કારણે થનારા મોતમાં પણ ૨૮ ટકા જેવો ચિંતાજનક વધારો નોંધાયો છે.

ધ લેન્સેટ ૨૦૨૪માં રજૂ થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, અમેરિકામાં પણ યુવાનોમાં ૧૭ પ્રકારના કેન્સરના રોગો વધી રહ્યા છે. ખાસ કરીને ૧૯૯૦ બાદ જન્મેલા લોકોમાં આ કેન્સરનું પ્રમાણ વકરી રહ્યું છે. તેમાંય નાના આંતરડા અને પિત્તાશયના કેન્સરમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. ખાનપાનની ખરાબ આદતો અને નશાખોરીનું અતિશય પ્રમાણ યુવા પેઢીને મોતના મુખમાં ધકેલી રહ્યું છે. સંશોધકો વધુમાં જણાવે છે કે, જે લોકો ૧૯૮૦ બાદ જન્મ્યા છે તેમનામાં ૧૯૫૦ બાદ જન્મેલા લોકોની સરખામણીએ રેક્ટલ કેન્સરનું પ્રમાણ પણ અત્યંત વધારે છે. આ ઉપરાંત અભ્યાસ એવું પણ જણાવે છે કે, ૨૦૩૦ સુધીમાં શરૂઆતના કેન્સરના કેસમાં ૩૧ ટકાનો ભયાનક વધારો જોવા મળશે.   

મિલેનિયલ્સ અને જેન ઝીમાં કેન્સર થવાનું જોખમ વધારે છે. ખાસ કરીને જેમ જેમ તેમની ઉંમર વધી રહી છે તેમ તેમ અન્ય સેક્ટરના લોકોની સરખામણીએ આ વયજૂથમાં આવતા લોકોમાં કેન્સર થવાના લક્ષણો વધારે જોવા મળી રહ્યા છે. માત્ર વિદેશમાં જ નહીં ભારતમાં પણ આ વયજૂથમાં કેન્સરનું પ્રમાણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, હાલમાં દર નવમાંથી એક વ્યક્તિને કેન્સરનું નિદાન થઈ રહ્યું છે. અન્ય એક જાણીતી હોસ્પિટલના અભ્યાસમાં સામે આવ્યું હતું કે, પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં નાની ઉંમરના લોકોમાં કેન્સર થવાનું પ્રમાણ વધારે છે.

આ અભ્યાસ સાથે સંકળાયેલા ડોક્ટર્સનું માનવું છે કે, કેન્સર થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. ખાસ કરીને યુવાનોમાં વધી રહેલા કેન્સરના પ્રમાણ માટે પણ ઘણા રોજિંદા કારણો જવાબદાર છે. ખાસ કરીને મોઢાના કેન્સરની સારવાર કરતા ડોક્ટર્સ અને જાણકારોનો અહેવાલ છે કે યુવાનોમાં કેન્સરનું પ્રમાણ અત્યંત વધી રહ્યું છે. ડોક્ટર્સ પોતે જ પોતાની જાતને સવાલ કરવા લાગ્યા છે કે, યુવાનોમાં કેન્સરનું પ્રમાણ કયા કારણોસર વધી રહ્યું છે. વધારે ને વધારે પ્રમાણમાં યુવાનો ઓરલ કેન્સર અને અન્ય કેન્સરના કારણે પીડાઈ રહ્યા છે. જાણકારોના મતે તેમણે કેન્સરના દર્દીઓ સાથે કરેલી ચર્ચા જણાવે છે કે, યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધવાનું કોઈ એક કારણ નથી. ઘણા કારણો છે જે આ વયજૂથમાં જીવલેણ રોગ વધારી રહ્યા છે. તેમાંય મેદસ્વિતા, મેટાબોલિક સિન્ડ્રોમ અને પર્યાવરણની હાનીકારક સ્થિતિની પણ લોકોના શરીર ઉપર ઘાતક અસર પડી રહી છે. યુવાનોમાં કેન્સર થવાના મુખ્ય કારણોમાં સૌથી મોખરે આવે છે તેમનું ખાનપાન. સંશોધકોએ જણાવ્યું કે, જેનઝી અને મિલેનિયલ્સ દ્વારા સૌથી વધારે પ્રમાણમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવામાં આવે છે જે વ્યક્તિના બીએમઆઈને બગાડી કાઢે છે. તે ઉપરાંત તેનામાં કેન્સર થવાની શક્યતાઓને અત્યંત વધારી દે છે. જાણકારો માને છે કે, ઘણા કિસ્સામાં ઓબેસિટીના કારણે પણ કેન્સર થવાની શક્યતાઓ વધી ગઈ હોય છે. એક અભ્યાસ જણાવે છે કે, ૨૫થી ૨૯ વર્ષના વયજૂથમાં ૨૧ પ્રકારના કેન્સરમાં વધારો થયેલો નોંધાયો હતો. તેમનામાં કોલોન કેન્સર, રેક્ટલ કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર અને કિડનીના કેન્સરમાં પણ વધારો જોવા મળ્યો હતો. આ તમામ લોકોના શરીરનું વજન અતિશય વધારે હોવાથી અને તેઓ અતિશય પ્રમાણમાં પ્રોસેસ્ડ ફૂડ ખાતા હોવાથી આમ થયું હતું. સંશોધકોએ જણાવ્યું કે, જે લોકોનું બાળપણથી કિશોરવસ્થા દરમિયાન વજન અતિશય વધારે હોય છે તેવા કિસ્સામાં તેમનો બીએમઆઈ અસંતુલિત હોય છે. આવા કિસ્સામાં કોલોરેક્ટર કેન્સર થવાની શક્યતાઓ પુરુષોમાં ૩૯ ટકા અને મહિલાઓમાં ૧૯ ટકા વધી જાય છે.જેનઝી અને મિલેનિયલ્સમાં કેન્સર થવાનું બીજું સૌથી મોટું કારણ અપૂરતી ઉંઘ અને સ્ટ્રેસમાં થયેલો અતિશય વધારો છે. સંશોધકો માને છે કે, આ બંને જનરેશન તેમની પહેલાની જનરેશન કરતા અપૂરતી ઉંઘ લે છે. જાણકારો માને છે કે, ડિજિટલ ગેજેટ્સ અને સ્માર્ટ ફોનના અતિશય વળગણ અને રાત્રે મોડે સુધી તેના ઉપયોગના કારણે જેનઝી અને મિલેનિયલ્સ તેમની પહેલાની જનરેશન અને ખાસ કરીને બેબી બુમર્સ કરતા ૪૫ મિનિટ જેટલી સરેરાશ ઓછી ઉંઘ લે છે. મોબાઈલ, લેપટોપ અને ટીવી તથા ટેબલેટ્સમાં રહેલી આર્ટિફિશિયલ લાઈટ્સ મેલાટોનનિનના સ્ત્રાવને રોકે છે જે સેલ સાઈકલને યથાવત રાખતો એક મહત્ત્વનો એન્ટિઓક્સિડન્ટ હોર્મોન છે. સંશોધકો માને છે કે, તેના કારણે બ્રેસ્ટ કેન્સર, કોલોરેક્ટર કેન્સર, લંગ્સ કેન્સર, લિવર કેન્સર અને પેન્ક્રિયાટિક કેન્સરના કેસમાં સૌથી મોટો વધારો નોંધાયો છે.

 સંશોધકો માને છે કે, વિવિધ શિફ્ટમાં કામ કરતા અને આખી રાત કામ કરતા લોકોમાં પણ ઉંઘનું પ્રમાણ ઓછું અને સ્ટ્રેસનું પ્રમાણ વધારે હતું જેથી યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

મહિલાઓ દ્વારા ગર્ભાવસ્થામાં લેવાતી અવિચારી દવાઓ પણ કેન્સર નોંતરે છે 

ચિંતાજનક બાબત એ છે કે, માત્ર ખાનપાન, વ્યસનો કે પછી સ્ટ્રેસ અને અપૂરતી ઉંઘ જ નહીં પણ અયોગ્ય દવાઓનું સેવન અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ દ્વારા લેવાતી વિવિધ દવાઓના અતિશય સેવનથી મહિલાઓમાં કેન્સર થવાનું પ્રમાણ વધ્યું છે. તેના કારણે આ મહિલાઓના બાળકોમાં પણ કેન્સરના લક્ષણો જોવા મળ્યા છે. સંશોધકો જણાવે છે કે, જે મહિલાઓ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન બેન્ડેક્ટિન અને એન્ટિ નોશિયા ડ્રગનું વધારે સેવન કરવામાં આવ્યું હોય છે તેમના બાળકોમાં મોટી વયે કોલોન કેન્સર થવાની શક્યતાઓ ૩.૬ ગણી વધી જાય છે. તેવી જ રીતે મિસકેરેજ અટકાવવા જેમણે હાઈડ્રોક્સીપ્રોગેસ્ટેરોન તથા કેપ્રોએટ જેવી દવાઓનું વધારે સેવન કર્યું હોય તેમના સંતાનોમાં ૫૦ વર્ષ પહેલાં જ જીવલેણ કેન્સર થવાની શક્યતાઓ ૬૫ ટકા જેટલી વધી જાય છે.

નવી પેઢીને કેન્સર થવામાં નવું અને આધુનિક કારણ પ્લાસ્ટિક પણ છે. આ એક ફોરએવર કેમિકલ ગણાય છે જે આજે માણસના રોજિંદા વપરાશમાં આવી ગયું છે. છેલ્લાં કેટલાક દાયકામાં આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ, જે પાણી પીએ છીએ, જે ભોજન કરીએ છીએ કે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે તમામમાં માઈક્રોપ્લાસ્ટિકની હાજરી નોંધાઈ છે. ન્યૂઝેલેન્ડની ઓટાઓ યુનિવર્સિટીના સંસોધકો જણાવે છે કે શરીરમાં રહેલા માઈક્રોપ્લાસ્ટિકને પગલે લોકોમાં કેન્સર થવાની શક્યતાઓ વધી ગઈ છે. વૈશ્વિક સ્તરે ૧૯૯૦માં ૧૨૦ મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હતું જે ૨૦૨૩માં ૪૬૦ મિલિયન મેટ્રિકટન પહોંચ્યું છે. તેના કારણે માઈક્રોપ્લાસ્ટિકનું પ્રમાણ પણ તમામ સ્તરે વધી ગયું છે જે જીવલેણ બની રહ્યું છે. 

અપૂરતી ઉંઘ અને સ્ટ્રેસનું વધારે પ્રમાણ આ જનરેશનમાં કેન્સરનું મહત્ત્વનું કારણ

મિલેનિયલ્સ અને જેન ઝીમાં ઉંઘનું અપૂરતું પ્રમાણ તો છે જ પણ સાથે સાથે તેમનામાં સ્ટ્રેસનું સ્તર પણ અત્યંત વધારે છે. જાણકારોના મતે આ જનરેશનમાં સ્ટ્રેસ એટલો બધો વધી ગયો છે કે, તેમનું કાર્ટિસોલ લેવલ અત્યંત વધારે છે જેના કારણે શરીરમાં ઈન્સ્યુલિનનું સંતુલન ખોરવાઈ ગયું છે, તેમને હાઈ બ્લડ પ્રેશરની બિમારી થઈ રહી છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી રહી છે. 

સંશોધકો માને છે કે, સ્ટ્રેસ લેવલ વધવાના કારણે શરીરમાં ઈન્ફ્લેમેશન વધે છે અને તેના કારણે શરીર નબળા કોષોને દૂર કરીને નવા કોષ બનાવી શકતું નથી. તેના કારણે શરીરમાં દબાઈને રહેલા કેન્સરના કણો કે તેના કોષ સક્રિય થઈ જાય છે. જે લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધારે છે તેમનું કેન્સરના કારણે મૃત્યુ થવાની શક્યતાઓ પણ અનેકગણી વધી જાય છે. સંશોધકો સ્પષ્ટ માને છે કે, આ પેઢીમાં તમાકુ, ગુટકા અને અન્ય પાનમસાલાના સેવનની સાથે સાથે મદિરાપાનનું પ્રમાણ પણ અત્યંત વધારે છે. આલ્કોહોલનું અત્યંત વધારે સેવન પણ શરીરને નુકસાન કરે છે અને ડીએનએને પણ હાનિ પહોંચાડે છે. સંશોધકો જણાવે છે કે, મિલેનિયલ્સ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનું સેવન કરવામાં આવે છે. મહિલાઓમાં પણ આ પ્રમાણ અત્યંત વધી ગયું છે. તેના કારણે ઓરલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરમાં વધારો નોંધાયો છે. તેમાંય દરેક તહેવારોમાં કોઈને કોઈ બહાને દારૂનું સેવન કરવાનું પ્રમાણ વધ્યું છે જે ઓરલ કેન્સર તરફ લઈ જાય છે અને મોત નોંતરે છે. જાણકારોના મતે ઘણા બિયર અને દારૂમાં ફોરેવર કેમિકલ્સનું પ્રમાણ ભયજનક સ્તરે વધારે હોય છે જે આ પેઢીમાં ટેસ્ટિકલ કેન્સર અને કિડની કેન્સરની શક્યતાઓને અત્યંત વધારી દે છે.