- બલુચિસ્તાનના ખજાના લુંટવા મથી રહેલા ચીન અને અમેરિકા પાસેથી પૈસા પાડવવાની પાકિસ્તાનની નીતિ જોખમ વધારશે
- બલુચિસ્તાનમાં સોનું, તાબું, નેચરલગેસ વગેરેની વિશાળ ખાણ છે. તેમાંય સોનું અને તાંબું એટલા બધા ભરેલા છે કે જેની કોઈ કલ્પના નથી. કેટલીક ચીની કંપનીઓ આ વિસ્તારમાં હાઈવે પ્રોજેક્ટ બનાવીને તેનો લાભ ખાટવા માગે છે. બીજી તરફ અમેરિકાને પણ બલુચિસ્તાનમાં રહેલા રેર અર્થ મિરલ્સમાં રસ પડેલો છે. તેને મેળવવા માટે તે પણ ગમે તે હદે જવા તૈયાર છે : ૧૯૫૨માં ડેરા બુગતી ખાતે કુદરતી ગેસનો ખૂબ જ મોટો ભંડાર મળ્યો જેના દાયકાઓ સુધી પાકિસ્તાન લાભ લેતું રહ્યું. બલોચ લોકોનો આરોપ છે કે, અમારા ચુલા ઠંડા રહ્યા અને આખી દુનિયા આ ગેસ થકી પોતાના રોટકા શેકતી રહી. બીજી તરફ રેડો ડિક ખાતે અંદાજે ૬ અબજ ટન સોનું અને તાંબુ દબાયેલું છે જેમાં અમેરિકાને સૌથી વધારે રસ છે : બલોચની સ્થિતિ ખૂબ જ વિચિત્ર છે. અહીંયા તેમના પોતાના મુખ્યમંત્રી છે, તેમન પોતાની વિધાનસભા છે છતાં સ્થિતિ તેમના કાબુમાં નથી. અહીંનું મંત્રાલય અને સીએમ પણ પાકિસ્તાની સેનાના કાબુમાં છે. જે સેનાની વાત માનતા નથી તેમને સત્તાથી દૂર કરી દેવાય છે
બલુચિસ્તાન પ્રાંતમાં પરિસ્થિતિ હવે કાબુ બહાર જઇ રહી છે. બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ 'ઓપરેશન હેરોફ ૨.૦'ની ઘોષણા કરી દીધી છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, સમગ્ર પ્રાંત જ હવે યુદ્ધ ભૂમિ બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બલુચિસ્તાનનાં ૧૪ મોટાં શહેરોમાં ભીષણ હુમલા, ગોળીબારી, વિસ્ફોટ વચ્ચે પોલીસ મથકો સહિતના મહત્વા સ્થળો પર કબ્જા જમાવવાની ઘટનાઓ બની છે. પાકિસ્તાનના કાબુમાં રહેલા બુલચિસ્તાનના અનેક શહોરમાં ગૃહ-યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. સૌથી વધુ અસર તો પ્રાંતીય મુખ્ય-મથક ક્વેટામાં થઈ છે. શહેરમાં સતત ગોળીબારી અને બોમ્બ વિસ્ફોટો થઇ રહ્યા છે. આ હુમલામાં પાક.ના ૮૫થી વધુ સૈનિકો મર્યાનો બીએલએનો દાવો છે. જાણકારોના મતે હાલમાં બલુચિસ્તાનમાં રેલવે સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રખાઈ છે. તે ઉપરાંત કેટલાય શહેરોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. ક્વાન, મસુંગ, દાલબંદીત, ખારાત, તુમખ અને બુલેદામાં પણ તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
હકિકત એવી છે કે, આ એક એવો પ્રાન્ત છે જે ભૂતકાળમાં પાકિસ્તાનના કબજે હેઠળ આવી ગયો હતો. હાલમાં તે પાકિસ્તાન પાસે રહેવા માગતો નથી અને બીજી તરફ ચીન અને અમેરિકા તેના ઉપર ભવિષ્ય રચવાના ડોળા રાખીને બેઠા છે. મૂળ મુદ્દે પાકિસ્તાનની સરકાર તેને સાચવી શકતી નથી અને હવે ચીન અને અમેરિકા તેને દબાવવા પડદા પાછળ બાથ ભીડી રહ્યા છે. બલોચ લોકોનું કહેવું છે કે, પાકિસ્તાન અમને લૂંટી રહ્યું છે અને તેના કારણે જ હવે વિરોધ અને વિદ્રોહ વધારે આકરો થઈ રહ્યો છે.
બલુચિસ્તાનની વાત કરીએ તો તે રાજસ્થાનથી થોડો મોટો વિસ્તાર છે. આમ તો તે પાકિસ્તાનનો સૌથી મોટો જમીની ભાગ છે. અહીંયા છેલ્લાં પાંચ દિવસથી ભયાનક હિંસા ચાલી રહી છે. બલુચ લિબરેશન આર્મીએ રાજ્યોમાં એક સાથે અનેક જગ્યાએ હુમલા કરેલા છે. બલુચિસ્તાનની વસતી ૧.૫ કરોડની આસપાસ છે. અહીંયા મોટાભાગનો વિસ્તાર પથ્થરોવાળો અને ખડકાળ છે. અહીંયા ઉબડખાબડ પર્વતો આવેલા અને તેમાં અનેક ખનીજો રહેલા છે. જાણકારોના મતે બલુચિસ્તાનમાં સોનું, તાબું, નેચરલગેસ વગેરેની વિશાળ ખાણ છે. તેમાંય સોનું અને તાંબું એટલા બધા ભરેલા છે કે જેની કોઈ કલ્પના નથી. કેટલીક ચીની કંપનીઓ આ વિસ્તારમાં હાઈવે પ્રોજેક્ટ બનાવીને તેનો લાભ ખાટવા માગે છે.
બીજી તરફ અમેરિકાને પણ બલુચિસ્તાનમાં રહેલા રેર અર્થ મિરલ્સમાં રસ પડેલો છે. તેને મેળવવા માટે તે પણ ગમે તે હદે જવા તૈયાર છે. મૂળ વાત એવી છે કે, ચીન અને અમેરિકાની પાવરગેમમાં હવે બલુચિસ્તાન ફસાયું છે અને પાકિસ્તાનના હાથમાંથી સરકી રહ્યું હોય તેમ લાગે છે.
જાણકારો માને છે કે, હાલમાં બલુચિસ્તાનમાં ખૂબ જ વિસ્ફોટક સ્થિતિ છે. અહીંયાનું જિયોપોલિટિક્સ સૌથી વધારે વિચિત્ર છે. પાકિસ્તાન આ પ્રદેશ ઉપર કબજો ધરાવે છે અને તેને દબાવવા પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ ચીનની નજર ગ્વાદર બંદર અને બલુચિસ્તાનમાં આવેલી સોના, તાંબુ અને અન્ય રેર અર્થ મિનરલ્સની ખાણ ઉપર છે. ચીન અહીંયા વિવિધ રોડ પ્રોજેક્ટ બનાવીને પાકિસ્તાનને પોતાના દેવા હેઠળ લાવવા માગે છે જેથી આ વિસ્તારો ઉપર તેનો કબજો આવી જાય અને પડદા પાછળથી તે આ ખનીજો લઈ જઈ શકે. બીજી તરફ અમેરિકા ઈચ્છે છે કે, આ વિસ્તાર ઉપર ચીનનો એકાધિકાર ન થવો જોઈએ. અહીંયા રહેલા કિમતી ખનીજો અમેરિકા પાસે પણ આવવા જોઈએ. તે પાકિસ્તાન ઉપર દબાણ વધારી રહ્યું છે. ત્રીજી તરફ ખંધુ પાકિસ્તાન પોતાનું રાજકારણ રમી રહ્યું છે. તે બલુચિસ્તાનને દબાવી રહ્યું છે અને બીજી તરફ ચીન તથા અમેરિકા પાસેથી તગડી રકમ મળતી રહે તે પ્રમાણે બંનેને વાયદા કરી રહ્યું છે.
બલુચિસ્તાનમાં એક વિવાદ સુઈ ગેસનો છે. અહીંયા ૧૯૫૨માં ડેરા બુગતી ખાતે ખૂબ જ મોટો કુદરતી ગેસનો ભંડાર મળ્યો હતો. આ ગેસ દ્વારા દાયકાઓ સુધી લાહોર અને કરાચીની ફેક્ટરીઓ અને ત્યાંના પોશ વિસ્તારોમાં તેના થકી વીજળી પૂરી પાડવામાં આવી છે.
બીજી તરફ બલુચિસ્તાનમાં જ્યાંથી આ ગેસ નીકળે છે તેની આસપાસના ગામોમાં થોડા દાયકા પહેલાં જ ગેસલાઈન પહોંચી છે. બલોચ લોકોનો દાવો છે કે, અમારા ચુલા ઠંડા રહ્યા અને આખી દુનિયા આ ગેસ થકી પોતાના રોટલા શેકતી રહી. બીજી તરફ રેડો ડિક મુદ્દે પણ બાબલ છે. આ વિસ્તાર દુનિયાના સૌથી મોટા ખજાનાઓમાં સ્થાન ધરાવે છે.
અહીંયા સોના અને તાંબાના પહાડ આવેલા હોવાની વાત છે. અહીંયા અંદાજે ૬ અબજ ટન સોનું અને તાંબુ દબાયેલું હોવાનું કહેવાય છે. અમેરિકાને તેમાં સૌથી વધારે રસ છે. હાલમાં કેનેડાની કંપની અહીંયા ખાણ કામ કરી રહી છે. હવે અમેરિકા ત્યાંના રેર અર્થ મિનરલ્સ ઉપર નજર રાખીને બેઠું છે.
આ સિવાય સેંદાકના ખજાનાનો પણ વિવાદ છે. અહીંયા પણ તાંબું અને ચાંદી મોટા પ્રમાણમાં છે. જો કે અહીંયા ચીની કંપનીઓ પહેલેથી જ ઘુસેલી છે. તેઓ અહીંયા ઘણા સમયથી ખાણકામ કરી રહી છે અને ખજાનો કાઢીને સીધો જ ચીન મોકલાવી રહી છે. બલોચ લોકોને તેનાથી સૌથી મોટો વાંધો છે. તેઓ જણાવે છે કે, અમારા કુદરતી સંશાધનોની ઉઘાડી લૂંટ ચાલી રહી છે. અમારા દેશમાંથી ખાણ-ખનિજ ખાલી થઈ રહ્યા છે. બીજી તરફ ચીની કંપનીઓ અમને રોજગાર પણ આપતી નથી. તેઓ ફાયદામાંથી થોડીઘણી રકમ અહીંયા ડેવલપમેન્ટ પાછળ પણ વાપરતી નથી.
બીજી વાત એવી પણ છે કે, પાકિસ્તાનમાં વપરાતા કોલસામાંથી લગભગ અડધો કોલસો અને ઉચ્ચ ગણવત્તા ધરાવતા માર્બલ સ્ટોન પણ બલુચિસ્તાનથી જ જાય છે. ચિંતાજનક વાત એ છે કે, કોલસા અને માર્બલ જે વિસ્તારોમાંથી નીકળે છે ત્યાંના લોકો પાસે રોજગારી નથી અને જીવન જીવવાના પણ સાંસા છે.
બલુચિસ્તાનમાં મોટો વિવાદ ગ્વાદર પોર્ટનો પણ છે. બલુચિસ્તાનના કિનારે આવેલું ગ્વાદર પોર્ટ ચીન દ્વારા વિકસાવવામાં આવેલું છે. હવે આ પોર્ટ દ્વારા તે દુનિયાભરમાં પોતાનો માલ-સામાન મોકલાવી શકે છે. બીજી તરફ સીપેક યોજના દ્વારા બલુચિસ્તાનને સીધું જ ચીન સાથે જોડી રહ્યું છે. તેના કારણે માલ સામાન લાવવા અને લઈ જવાની કોઈ સમસ્યા જ નહીં થાય. આ પ્રોજેક્ટની સૌથી મોટી સમસ્યા એ છે કે, આ હાઈવે પ્રોજેક્ટનો એક ભાગ પાકિસ્તાન દ્વારા પચાવી પાડેલા કાશ્મીર એટલે કે પીઓકેમાંથી નીકળે છે. આ જગ્યા ભારતની છે. તેના કારણે ભારત આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે. બીજી તરફ અમેરિકાને ચિંતા છે કે, એક વખત ચીન દ્વારા ગ્વાદર ખાતે સ્થિતિ મજબૂત કરી લેવામાં આવશે તો ત્યાં પોતાના નૌકાદળને લાવી દેશે. એક વખત ચીનનું નેવલ આર્મી ગ્વાદર પોર્ટ ઉપર આવી જશે તો હિંદ મહાસાગર ઉપર કબજો કરી લેશે અને સ્થિતિ વધારે કાબુ બહાર જતી રહેશે.
પાકિસ્તાની સેનાની સાથે સાથે ચીની પ્રોજેક્ટ ઉપર પણ બલોચ હુમલા
ઉલ્લેખનીય છે કે, બલોચ લિબરેશન આર્મીના લડવૈયાઓને પાકિસ્તાન આર્મીના જવાનો ઉપરાંત ચીની પ્રોજેક્ટ સામે પણ સખત વાંધો છે. તેઓ ચીની પ્રોજેક્ટથી સખત નારાજ ચાલી રહ્યા છે. બલોચની સ્થિતિ ખૂબ જ વિચિત્ર છે.
અહીંયા તેમના પોતાના મુખ્યમંત્રી છે, તેમન પોતાની વિધાનસભા છે છતાં સ્થિતિ તેમના કાબુમાં નથી. અહીંયા પાકિસ્તાની રાજકારણ ઉપરાંત પાકિસ્તાની સેનાનો કાબુ વધારે છે. બલુચિસ્તાનનું સમગ્ર મંત્રાલય અને સીએમ પોતે પણ પાકિસ્તાની સેનાના કાબુમાં છે. જે નેતાઓ સેનાની વાત માનતા નથી તેમને પાકિસ્તાન દ્વારા સત્તાથી દૂર કરી દેવાય છે. તેના કારણે બલોચ લોકોની વાત રજૂ કરી શકે કે તેમની પીડાનું સમાધાન લાવી શકે તેવો કોઈ નેતા સત્તામાં આવતો નથી અથવા તો ટકતો પણ નથી. તેના કારણે વિદ્રોહની સ્થિતિ ઊભી થઈ છે. અહીંયા હાલમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી સૌથી વધારે સક્રિય છે. તે પાકિસ્તાન પાસેથી બલુચિસ્તાનની સમગ્ર આઝાદીની માગ કરી રહ્યું છે. તેની આત્મઘાતી લડવૈયાઓની સેનાએ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ કરી રાખી છે. તેની આ મજિદ બ્રિગેડ હાલમાં પણ જે હિંસા ચાલી રહી છે તેમાં એક્ટિવ છે.
આ સિવાય બલુચ લિબરેશન ફ્રન્ટ નામનું સંગઠન ચાલે છે. જે યુવાનોમાં ખૂબ જ જાણીતું છે. બલુચિસ્તાનના કિનારાના વિસ્તારોમાં તે સક્રિય રીતે કામ કરે છે. આ ઉપરાંત બુગતી જનજાતી દ્વારા બનાવવામાં આવેલી બલુચ રિપબ્લિકન આર્મી પણ બલુચિસ્તાનને મુક્ત કરાવવા સંઘર્ષરત છે. બલુચ નેશનલિસ્ટ આર્મી નાના-નાના જૂથનું બનેલું એવું સૈન્ય છે જે શહેરોના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલું છે અને ત્યાં હુમલા કરે છે. આ સિવાય બીએલએ, બીએલએફ અને બીઆરએ જેવા સંગઠનોનું એક સંયુક્ત સંગઠન છે જે શહેરી વિસ્તારોમાં આક્રમણ કરતું રહે છે. તે શહેરી વિસ્તારોમાં પોતાનું ગઠબંધન કરીને પાકિસ્તાનને હંફાવે છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૪૭માં ભારત આઝાદ થયો ત્યારે બલુચ સલ્તનતના વડા મીર અહમદ યાર ખાને પોતાના પ્રદેશને અલગ રાખવાની જાહેરાત કરી હતી. ભારતે તેને સમર્થન આપ્યું હતું પણ ૧૯૪૮માં પાકિસ્તાને તેના ઉપર હુમલો કરીને આ પ્રદેશ પડાવી લીધો. ત્યારથી આ પ્રદેશને મુક્ત કરવાનો સંઘર્ષ ચાલે છે. હવે આ સંઘર્ષ માત્ર એક દેશ કે પ્રદેશ પૂરતો નથી પણ હવે વ્યાપક જિયોપોલિટિક્સ ચાલી રહ્યું છે. ચીન અને અમેરિકા બાથ ભીડી રહ્યા છે ત્યાં પાકિસ્તાન બંનેનો લાભ લેવામાં બલુચિસ્તાન ઉપરની પકડ ગુમાવી રહ્યું છે.


