Get The App

કોરિયન લવ ગેમ : ભારતીય ટીનએજર્સ માટે વધુ એક જીવલેણ રમત

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
કોરિયન લવ ગેમ : ભારતીય ટીનએજર્સ માટે વધુ એક જીવલેણ રમત 1 - image

- કે-પોપ અને કે-ડ્રામાનો ક્રેઝ ધરાવતી જેનઝી અને ટીનએજર્સ પેઢીને ફરી આત્મઘાતી બનાવવાની મેલી મુરાદનું આશંકા

- આ કોરિયન સ્ટાઈલની એક ઓનલાઈન લવ ટાસ્ક આધારિત ગેમ છે. આ ગેમમાં યૂઝર એક વર્ચ્યુઅલ લવર અથવા તો પાર્ટનર સાથે જોડાય છે. તેઓ કોરિયન સ્ટાઈલમાં વાત કરે છે, રોમેન્ટિક મેસેજ મોકલે છે અને દરરોજનું એક ટાસ્ક આપે છે. ગેમ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ટાસ્ક મુશ્કેલ થતું જાય છે. શરૂઆતમાં નાના-મોટા કામ સોંપવામાં આવે છે : આ ગેમ્સ બાળકો અને ટીનએજર્સ વધારે રમતા હોવાથી રોમેન્ટિક વાતોમાં, લાગણીશિલ વાતોમાં ફસાઈ જાય છે. તેઓ વિચારે છે કે, તેમને સાચો પ્રેમ થયો છે અને તેના માટે ગેમના ટાસ્ક પૂરા કરવા જરૂરી છે. ધીમે ધીમે આ ગેમની લત વધતી જાય છે અને જોખમ વધે છે : જાણકારો માને છે કે, આ કોરિયન લવ ગેમ જેવી ઈમોશનલ ગેમ્સ અથવા તો રોમેન્ટિક ટાસ્ક આધારિત ગેમ વધારે ખતરનાક અને જીવલેણ છે. તેમાં ઈમોશનલ બોન્ડિંગ હોય છે અને તેમાં સામેની વ્યક્તિ પાસે ગમે તે કામગીરી કરાવવામાં આવે છે. આ ઘટના ખૂબ જ દુ:ખદ અને સમાજ માટે લાલ બત્તી સમાન છે

ગાઝિયાબાદની ભારત સિટી સોસાયટીમાં મધરાતે બે વાગ્યે ત્રણ સગી બહેનોએ નવમા માળે આવેલા પોતાના એપાર્ટમેન્ટમાં એક એવી ઘટનાને આકાર આપ્યો કે સમગ્ર દેશોમાં ભૂકંપ આવી ગયો. મધરાતે જ્યાં સમગ્ર સોસાયટી અને દેશ ગાઢ નિદ્રામાં હતો ત્યારે આ ત્રણેય બહેનોના મગજમાં એક કોરિયન ગેમનો ઉન્માદ ચાલતો હતો. ૧૨ વર્ષની પાખી, ૧૪ વર્ષની પ્રાચી અને ૧૬ વર્ષની વિશિકા ત્રણેય સગી બહેનો એકબીજાના હાથ પકડીને બાલ્કનીમાં આવી અને નીચે કૂદી ગઈ. ત્રણેયની મરણચીસો સમગ્ર સોસાયટીમાં ગુંજી ઉઠી અને સમગ્ર દેશમાં તેના પડઘા પડી રહ્યા છે. દિવસે જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે ભારત સિટીની સાથે સાથે ભારત દેશ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને સ્યુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં લખ્યું હતું, મમ્મી-પપ્પા સોરી... હવે તમને સમજાશે કે અમે ગેમને કેટલો પ્રેમ કરીએ છીએ, કોરિયન લવ ગેમ.

પોલીસ તપાસ દરમિયાન પરિવારના લોકોએ જણાવ્યું કે, ત્રણેય બહેનો એકબીજાને ખૂબ જ પ્રેમ કરી હતી. તેઓ એકબીજાની ખૂબ જ નજીક હતી. સાથે જ ભોજન કરતી હતી, રૂમમાં રહેતી અને ઉંઘતી હતી. કોરોના દરમિયાન તેઓ મોબાઈલના સંપર્કમાં સૌથી વધારે આવ્યા. આખો આખો દિવસ ગેમ્સ રમ્યા કરતી હતી. સ્કૂલ બંધ હતી અને અભ્યાસ પણ ઓછો હતો તેથી ત્રણેય બહેનો આખો દિવસ ગેમ્સમાં પસાર કરતી હતી. તેમના પિતાએ આ ત્રણેયને ગેમ્સથી દૂર કરવાના પ્રયાસ કર્યો હતા. તેમની પાસેથી ફોન લઈ લેવાનો પ્રયાસ કર્યો હતો. તે ઉપરાંત ફોનમાંથી ગેમ ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય બહેનોને ગેમ રમવાની ભયાનક આદત પડી ગઈ હતી. હવે ત્રણે બહેનો દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાએ સમગ્ર દેશના માતા-પિતાને ફરી એક વખત ભયમાં મુકી દીધા છે, વિચારતા કરી દીધા છે. લોકો ફરી એક વખત ચિંતા કરવા લાગ્યા છે કે, હવે આ કોરિયન લવ ગેમ શું છે અને તે શા માટે જીવલેણ બની રહી છે.

જાણકારોના મતે કોરિયન લવ ગેમ કોઈ મોબાઈલ ઉપર આવતી અન્ય ગેમ જેવી ગેમ નથી. આ કોઈ ટાઈમપાસ ગેમ પણ નથી. આ રમવા માટે વિશેષ સમય અને સ્કિલની જરૂર પડે છે. આ કોરિયન સ્ટાઈલની એક ઓનલાઈન લવ અથવા તો એમ કહીએ કો રોમેન્ટિક ટાસ્ક આધારિત ગેમ છે. આ કોરિયન લવર ગેમ્સ મોટાભાગે મોબાઈલ એપ્સ દ્વારા રમી શકાય છે અથવા તો ઓપરેટ થાય છે. અહીંયા યૂઝરને કોરિયન કલ્ચર કે-પોપ, કે ડ્રામા જેવી બાબતો સાથે કનેક્ટ કરવામાં આવે છે. આ ગેમમાં યૂઝર એક વર્ચ્યુઅલ લવર અથવા તો પાર્ટનર સાથે જોડાય છે. યૂઝરે પોતાના કોરિયન લવરને પસંદ કરવાના હોય છે. તેઓ કોરિયન સ્ટાઈલમાં વાત કરે છે, રોમેન્ટિક મેસેજ મોકલે છે અને દરરોજનું એક ટાસ્ક આપે છે. ગેમ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ટાસ્ક મુશ્કેલ થતું જાય છે. 

શરૂઆતમાં નાના-મોટા કામ સોંપવામાં આવે છે. ફોટો મોકલવા, કંઈક લખીને મોકલવું, આખો દિવસ ચેટિંગ કરવા જેવા કામ સોંપાય છે. જેમ જેમ ગેમ આગળ વધે છે તેમ આ ટાસ્ક વધારે પર્સનલ અને ભયાનક થતા જાય છે. તેમાં પોતાની જાતને નુકસાન પહોંચાડવાથી માંડીને મોત સુધી કોઈપણ કામ સોંપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં વિશ્વભરના ટીનએજર્સ અને યુવાનોમાં અથવા તો એમ કહીએ કે જેનઝીમાં કોરિયન ડ્રામા અને કોરિયન પોપનું ભયાનક વળગણ છે. લોકો એ હદે તેની પાછળ પાગલ છે કે, પોતાને કોરિયન સમજવા માંડયા છે. પોતાને પ્રિન્સેસ અને કોરિયન લવર પણ માનવા લાગ્યા છે. દુનિયાભરમાં આ ગેમનું વળગણ વધવા લાગ્યું છે. જાણકારો માને છે કે, આ ગેમમાં કુલ ૫૦ ટાસ્ક આપવામાં આવે છે. આ બહેનો દ્વારા મોતનું અંતિમ ટાસ્ક એટલે કે ૫૦મું ટાસ્ક પૂરું કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બ્લૂ વ્હેલ ગેમની જેમ આમાં પણ ૫૦મું અંતિમ ટાસ્ક મોતનું પગલું હોઈ શકે છે. ૫૦ દિવસમાં ૫૦ ટાસ્ક કરીને અંતિમ ટાસ્કમાં આત્મહત્યા કરવાનું કહેવામાં આવે છે. 

ચિંતાજનક બાબત એ છે કે, આ ગેમ્સ ઓનલાઈન રમવામાં આવે છે. આ ગેમના યૂઝર્સ મોટાભાગે બાળકો, ટીનએજર્સ અને ૨૦-૨૨ વર્ષ સુધીના યુવાનો હોય છે. આ ગેમ્સ બાળકો અને ટીનએજર્સ વધારે રમતા હોવાથી રોમેન્ટિક વાતોમાં, લાગણીશિલ વાતોમાં ફસાઈ જાય છે. બાળકો અને ટીનએજર્સ વિચારે છે કે, તેમને સાચો પ્રેમ થયો છે અથવા તો સામેની વ્યક્તિને સાચો પ્રેમ છે અને તેના માટે ગેમના ટાસ્ક પૂરા કરવા જરૂરી છે. 

ધીમે ધીમે આ ગેમની લત વધતી જાય છે અને મગજ ઊપરનો કાબુ ગુમાવી દે છે. ગાઝિયાબાદની બહેનોના કિસ્સામાં પણ જાણકારો માને છે કે, ત્રણેય બહેનો એકબીજાની નજીક હતી અને એકબીજાના સિક્રેટ જાણતી હતી. તેઓ એકબીજા સાથે ટાસ્કમાં પણ જોડાયેલી હતી અને તેથી જ આ પગલું ભરી દીધું.

મહત્ત્વની વાત એ છે કે, જાણકારો દ્વારા આવી ગેમ્સ અંગે આકરી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. તેઓ જણાવે છે કે, આ માત્ર ગેમ નથી પણ એક પ્રકારનું મોબાઈલ એડિક્શન છે, ઓનલાઈન ગેમિંગ એડિક્શન છે જે ભયજનક છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં પહેલાં પણ ગેમિંગ સાથે જોડાયેલા આત્મહત્યાના અને હત્યાના કિસ્સા આવેલા છે. આ ઉપરાંત ઓનલાઈન બેટિંગ અને અન્ય એપ્સમાં પૈસા ગુમાવવા દરમિયાન આત્મહત્યા કરી હોવાના પણ ઘણા કિસ્સા છે. જાણકારો માને છે કે, આ કોરિયન લવ ગેમ જેવી ઈમોશનલ ગેમ્સ અથવા તો રોમેન્ટિક ટાસ્ક આધારિત ગેમ વધારે ખતરનાક અને જીવલેણ છે. તેમાં ઈમોશનલ બોન્ડિંગ હોય છે અને તેમાં સામેની વ્યક્તિ પાસે ગમે તે કામગીરી કરાવવામાં આવે છે. આ ઘટના ખૂબ જ દુ:ખદ અને સમાજ માટે લાલ બત્તી સમાન છે. સમાજ માટે ચેતવણી છે કે, બાળકો દ્વારા સ્માર્ટ ફોન અને ગેજેટ્સનો જે અતિશય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના ઉપર વોચ રાખવી અને કાબુ રાખવો જોઈએ. 

કોરિયન લવ ગેમ જેવી પ્રેમના નામે કરાતી રમત બાળકોને મોત સુધી લઈ જઈ રહી છે. માતા-પિતા જો બાળકોના મોબાઈલના વપરાશનો સમય નક્કી નહીં કરે, તેમના વપરાશ ઉપર નજર નહીં રાખે તો જોખમ વધતું જશે. 

હાલમાં બાળકો ગુપ્ત રીતે કોરિયન ભાષા શીખી રહ્યા છે. તેઓ માતા-પિતાને પોતાની વાતોની ખબર ન પડે તે માટે કોરિયન ભાષામાં ચેટ કરવા લાગ્યા છે. તેમના આ સિક્રેટ કોઈને ખબર પડતી નથી અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે સમાજ હચમચી જાય છે. આવી ગેમ્સ બાળકોને ઉત્તેજે છે અને તેમને માનવા મજબૂર કરી દે છે કે, તેમની ક્ષમતા આવી ગેમ્સમાં વિજયી થવામાં જ છે. તેઓ ડિજિટલ વિશ્વમાં શક્તિશાળી બનીને રહી શકે છે. તેઓ આ રીતે વાસ્તવિક જીવનમાં પણ જોખમી પગલાં લેતા થઈ જાય છે. તેથી જ માતા-પિતા, શિક્ષકો અને વડીલોએ બાળકોના મોબાઈલના ઉપયોગ અને તેમના બદલાતા વર્તન ઉપર વોચ રાખવી જોઈએ.

ભારતમાં આ ડિજિટલ ગેમ્સ બાળકો માટે જીવલેણ સાબિત થઈ હતી 

ભારતમાં ભૂતકાળમાં ઘણી ડિજિટલ ગેમ્સ આવી છે જેણે બાળકો અને ટીનએજર્સને વિચિત્ર ચેલેન્જ આપીને તેમને મોતના મુખમાં ધકેલ્યા હતા. તેમાં પહેલું નામ બ્લૂ નવ્હેલ ચેલેન્જ આવે છે. તેની પણ પહેલાં એફ૫૭ નામની રશિયન સોશિયલ મીડિયા ગુ્રપની એક ગેમ આવી હતી જે સૌથી ખતરનાક હતી. 

આ ગુ્રપમાં ઘણા દિવસો સુધી યૂઝર્સને એક પછી એક ટાસ્ક આપવામાં આવતા હતા. તેમાં પણ શરૂઆતમાં સામાન્ય ટાસ્ક આપવામાં આવતા હતા અને ત્યારબાદ ધીમે ધીમે તેમાં જોખમ વધારવામાં આવતું હતું. તેમાં અંતમાં હત્યા અથવા આત્મહત્યા જેવા ભયાનક ટાસ્ક આપવામાં આવતા હતા. તેમાં બાળકોને ટાસ્ક પૂરું નહીં કરવાના કિસ્સામાં પરિવારજનોની હત્યા અને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવતી હતી. તેમાં ઘણા કિશોરોએ જીવ ગુમાવ્યો હતો. તેવી જ રીતે મોમો ચેલેન્જ અને જોનાથલ ગેલિંડો જેવા ટ્રેન્ડ્સ આવ્યા હતા. તેમાં ભયાનક તસવીરો અને ધમકીપૂર્ણ સંદેશાઓનો આધાર લેવામાં આવ્યો હતો.

 શરૂઆતમાં આ ઘટના સામાન્ય અથવા તો અફવા જેવી લાગતી હતી પણ તેના ધીમે ધીમે ગંભીર પરિણામ દેખાવા લાગ્યા હતા. ભારત અને વિદેશોમાં ઘણા કિસ્સામાં પોતાની જાતને નુકસાન પહોંચાડવાના અને આત્મહત્યાના કિસ્સા બન્યા હતા. ત્યારબાદ ઓશન વ્હેલ અથવા તો સી ઓફ વ્હેલ્સ જેવી ઓનલાઈન ગેમ્સ આવી હતી. તેમાં સ્યુસાઈડ પેક્ટ ફોરમ એટલે કે આત્મહત્યા અને પોતાની જાતને નુકસાન કરવાના ટ્રેન્ડ આવતા હતા. તેને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. સોશિયલ મીડિયા હેશટેગ અને ગુ્રપ્સ દ્વારા બાળકો પાસેથી પોતાની જાતને નુકસાન પહોંચાડયાના પુરાવા માગવામાં આવતા હતા. તે ઉપરાંત બીજાને નુકસાન કરવાના પણ પુરાવા માગવામાં આવ્યા હતા. તેમાં ઘણા કિસ્સામાં એકબીજાને છરી મારવાના, બ્લેડ મારવાના કિસ્સા બન્યા હતા. આ ઉપરાંત ડોકી ડોકી લિટરેચર ક્લબ જેવી સાઈકોલોજિકલ હોરર ગેમ્સ દ્વારા પણ ભારતીય સમાજમાં ચિંતા ફેલાઈ હતી. તેમાં આત્મહત્યા અને માનસિક પીડાને વ્યક્ત કરવામાં આવતા હતા. ખાસ કરીને તણાવ અને ડિપ્રેશનનો ભોગ બનેલા યુવાનોને વધારે ટ્રિગર કરવામાં આવતા હતા અને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવતા હતા.