મહાકુંભનું મિસમેનેજમેન્ટઃ વીઆઈપીઓની સરભરામાં શ્રધ્ધાળુઓનો ભોગ લેવાયો
- મૌની અમાવસ્યાના અમૃત સ્નાનનો લહાવો લેવા માટે કેટલાક મહાનુભાવો વહેલી સવારે આવવાના હોવાથી સામાન્ય લોકો માટે ઘાટ બંધ કરી દેવાયેલા
- લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓની નારાજગીને અવાજ આપીને નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓની ઝાટકણી કાઢીને ચર્ચામાં આવેલા રતન શારદાએ ટ્વિટ કરીને આક્રોશ ઠાલવેલો કે, મહાકુંભમાં વધારે પડતા વીવીઆઈપી આવી રહ્યા છે. તેમના માટેની સુરક્ષા વ્યવસ્થાના કારણે સામાન્ય યાત્રાળુમાં ભારે અસંતોષ અને આક્રોશ છે. વીઆઈપીઓના કારણે ઘાટ ખાલી કરાવી દેવાય છે તેથી બીજા ઘાટો પર ભીડ વધી જાય છે. અઠવાડિયામાં એક જ દિવસ બધા વીઆઈપી આવીને એક સાથે એક જ ઘાટ પર ડૂબકી લગાવી જાય એવી વ્યવસ્થા કેમ કરાતી નથી ? રતન શારદાની વાત પર વિચાર કરાય એ પહેલાં તો દુર્ઘટના થઈ ગઈ.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાવાસ્યાના અમૃત સ્નાન માટે ભેગી થયેલી લાખોની ભીડમાં ભાગદોડ મચતાં ૧૫ લોકોનાં મોતની કરૂણ ઘટના બની ગઈ. બિન સત્તાવાર રીતે મૃત્યુ આંક ૩૦ હોવાનું કહેવાય છે. કુંભમાં મૌની અમાવસ્યાએ ત્રિવેણી સંગમ તીર્થ પર અમૃત સ્નાન કરવાથી તમામ પાપનો નાશ થાય છે એવી માન્યતા હોવાથી મુખ્ય સ્નાનના આગલા દિવસથી જ લાખોની ભીડ પ્રયાગરાજમાં એકઠી થવા માંડેલી. દિવસ ઉગે એ પહેલાં તો લોકો સ્નાન કરવા માટે ઘાટ પર ઠલવાવા માંડેલાં.
રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ ભીડને નિયંત્રિત કરવા માટે લગાવેલાં બેરીયર તૂટી ગયાં તેમાં ભાગદોડ મચી ગઈ. અપૂરતા અજવાળાના કારણે પણ સમસ્યા સર્જાઈ તેમાં કોણ ક્યાં જાય છે ને કોણ કોના પર પડે છે જ ખબર ના પડે એવી અંધાધૂંધી ને અરાજકતા સર્જાઈ ગઈ. દુર્ઘટનામાં ઘાયલ લોકોની સંખ્યા બહુ મોટી છે એ જોતાં મૃત્યુ આંક હજુ વધી શકે છે.
મહાકુંભમાં બનેલી ઘટના માટે લોકો પર દોષારોપણ કરાઈ રહ્યું છે પણ વાસ્તવમાં વીઆઈપી કલ્ચરના કારણે આ સ્થિતી સર્જાઈ છે. મૌની અમાવસ્યાના અમૃત સ્નાનનો લહાવો લેવા માટે કેટલાક મહાનુભાવો વહેલી સવારે આવવાના હોવાથી ઘણા બધા ઘાટ પર સુરક્ષા જવાનોનો ખડકલો કરીને સામાન્ય લોકો માટે ઘાટ બંધ કરી દેવાયેલા. તેના કારણે સામાન્ય લોકો એક જ તરફ વળી ગયા તેમાં ભીડ વધી જતાં દુર્ઘટના થઈ ગઈ. દુર્ઘટના બની પછી પોતાના નેતાઓ પર દોષનો ટોપલો ના ઢોળાય એટલે આખી વાતને દબાવી દીધી હોવાનું કહેવાય છે.
મહાકુંભ ૧૪૪ વર્ષ પછી આવ્યો છે તેથી હિંદુ શ્રદ્ધાળુઓ આ લહાવો નહીં મળે એવું માનીને મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે ત્યારે બીજી તરફ નેતાઓ અને બીજા વીઆઈપીઓ પણ મોટી સંખ્યામાં ગંગામાં ડૂબકી લગાવીને પાવન થવા આવી રહ્યા છે. દરરોજ કોઈ ને કોઈ મોટો નેતા મહાકુંભમાં પધારે છે ને તેની સરભરા કરવા માટે સામાન્ય લોકોના રૂટ બંધ કરી દેવાય છે. પ્રયાગરાજમાં સ્નાન માટે ૨૦ ઘાટ બનાવાયાના દાવા કરાય છે પણ તેમાંથી મોટા ભાગના ઘાટ વીઆઈપીઓના કારણે બંધ જ હોય છે.
લોકો વીસ-વીસ કિલોમીટર પગપાળા ચાલીને આવે ને પછી કોઈ વીઆઈપી આવી જાય તેમને કારણે સ્નાન કરવા ના દેવાય તેના કારણે લોકોમાં આક્રોશ પણ છે. છેક પ્રયાગરાજ લગી લાંબા થયેલા લોકો સ્નાન કર્યા વિના પાછા વળે એ શક્ય નથી તેથી સામાન્ય લોકોના સ્નાન કરવા મટે બનાવાયેલા ઘાટ પર ભીડ વધે છે. આ ભીડને કાબૂમાં રાખવી શક્ય નથી હોતી તેથી ધક્કામુકી થાય છે.
વીઆઈપી કલ્ચરના કારણે લોકોના આક્રોશને સંઘના નેતા રતન શારદાએ એક દિવસ પહેલાં જ વાચા પણ આપેલી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓની નારાજગીને અવાજ આપીને નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓની ઝાટકણી કાઢીને ચર્ચામાં આવેલા રતન શારદાએ ટ્વિટ કરીને આક્રોશ ઠાલવેલો કે, મહાકુંભમાં વધારે પડતા વીવીઆઈપી આવી રહ્યા છે. દર બીજા દિવસે કોઈ ને કોઈ વીઆઈપી આવી જાય છે. તેમના માટેની સુરક્ષા વ્યવસ્થાના કારણે સામાન્ય યાત્રાળુમાં ભારે અસંતોષ અને આક્રોશ છે. અઠવાડિયામાં એક જ દિવસ બધા વીઆઈપી આવીને એક સાથે એક જ ઘાટ પર ડૂબકી લગાવી જાય એવી વ્યવસ્થા કેમ કરાતી નથી ? રતન શારદાની વાત પર વિચાર કરાય એ પહેલાં તો દુર્ઘટના થઈ ગઈ.
મહાકુંભમાં બનેલી દુર્ઘટનાએ ફરી એક વાર કુંભના મિસ મેનેજમેન્ટને પણ છતું કરી દીધું છે.
કુંભ મેળો શરૂ થયો એ પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે કુંભ મેળાના સુખરૂપ સંચાલન માટે જડબેસલાક વ્યવસ્થા કરી હોવાના દાવા કરેલા પણ મહાકુંભમાં ઉપરાછાપરી બની રહેલી દુર્ઘટનાઓએ આ દાવાઓને ખોખલા સાબિત કરી દીધા છે.
આ પહેલાં મહાકુંભમાં બે વાર આગ લાગી હતી. ૧૯ જાન્યુઆરીએ સેક્ટર ૫માં રામજાનકી તુલસી માર્ગ પર મહામંડલેશ્વર પુરૂષોત્તમ દાસની છાવણીમાં લાગેલી આગમાં સંખ્યાબંધ તંબૂ સળગી ગયા હતા. છાવણીના પાછળના ભાગમાં કેટલાક શ્રધ્ધાળુ તંબૂ લગાવીને કલ્પવાસ કરી રહ્યા છે. તેમાંથી એક કલ્પવાસી ખાવાનું બનાવી રહ્યો હતો ત્યારે સિલિન્ડરમાંથી નિકળેલા ગેસે આગ પકડી લીધી. સદનસીબે આસપાસમાં વધારે ભીડ નહોતી તેથી કોઈ જાનહાનિ ના થઈ. ફાયર બ્રિગેડે પણ સમયસર પહોંચીને આગને આગળ વધતી રોકી લીધી. બાકી આગ વધારે ફેલાઈ હોત તો હાલત ખરાબ થઈ ગઈ હોત.
આ ઘટનાના કલાકો પછી બીજા એક સાધુ બાલક નંદન દાસની સેક્ટર ૧૯માં આવેલી શિબિરમાં ખાવાનું બનાવતી વખતે આગ લાગી ગઈ હતી. તેના કારણે પણ લોકોમાં ભાગદોડ મચી ગઈ પણ વધારે લોકો નહીં હોવાથી જાનહાનિ ન થઈ પણ આસપાસના કેટલાય તંબૂ બળીને રાખ તો થઈ જ ગયેલા. એ પછી પાર્કિંગમાં મૂકેલાં બે વાહનોમાં અચાનક આગી લાગી ગયેલી.
સદનસીબે પાર્કિંમાં જ ફાયર બ્રિગેડની ટીમ હાજર હતી તેથી આગને તરત બુઝાવી દેવાઈ, બાકી પાર્કિંગમાં ઉભેલાં સેંકડો વાહનો લગી આગળ ફેલાઈ હોત તો શું થયું હોત તેની કલ્પના જ થથરાવી નાંખે છે.
ફિલ્મોમાં જોવા મળે છે એવાં સળગતી કારો ઉડતી હોય એવાં દ્રશ્યો સર્જાયાં હોત. આ કારો લોકો રહે છે એ વિસ્તારોમાં પડી હોત ને આગ ફેલાઈ હોત તો તેને રોકવી મુશ્કેલ થઈ જાત.
આ બધી ઘટનાઓમાં કોઈ જાનહાનિ ના થઈ તેથી તેની ચર્ચા ના થઈ. મૌની અમાવસ્યાની કમનસીબ ઘટનામાં લોકો મરી ગયાં તેથી તેની ચર્ચા છે પણ આ ઘટના પણ બહુ જલદી ભૂલાઈ જશે. ભારતમાં લોકોની યાદદાસ્ત ટૂંકી છે અને નેતાઓ સુધરવાના નથી તેથી ફરી આવું નહીં બને તેની ગેરંટી પણ નથી.
1954ના કુંભમાં 800ના મોત પછી નહેરૂએ નેતાઓને સ્નાન માટે નહીં જવા સૂચન કરેલું
પ્રયાગરાજના કુંભ મેળામાં મૌની અમાવસ્યાના અમૃત સ્નાન પર ભાગદોડ અને ધક્કામુકીમાં લોકોનાં મોત નિપજવાની ઘટનાઓ બને છે પણ સૌથી વધારે જાનહાનિ ૧૯૫૪ના કુંભ મેળામાં થઈ હતી. ૩ ફેબ્રુઆરી, ૧૯૫૪ના દિવસે કુંભમાં મૌની અમાવસ્યાન અમૃત સ્નાન વખતે થયેલી ભાગદોડમાં ૮૦૦થી વધારે લોકોનાં મોત થયેલાં અને ૨૦૦૦થી વધારે લોકો ઘાયલ થયેલાં. ઘણા મૃતદેહો તો ગંગા નદીમાં તણાઈ ગયેલા તેથી સાચો મૃત્યુ આંક કદી ના જાણી શકાયો. ભાગી રહેલાં લોકોને સાધુઓએ પોતાના માટેના માર્ગ પરથી ના જવા દીધાં તેના કારણે મોતનો આંકડો મોટો થઈ ગયેલો એવું મનાય છે.
આ પહેલાં ૧૮૪૦, ૧૯૦૬ અને ૧૯૮૬ના કુંભ મેળામાં પણ ધક્કામુકીમાં લોકોનાં મોત થયેલાં. છેલ્લા ત્રણ દાયકામાં ૨૦૦૩માં ૩૯, ૨૦૧૦માં ૭ અને ૨૦૧૩માં ૩૬ લોકોનાં મોત થયેલાં.
આઝાદી પછીના પહેલા કુંભ મેળામાં સ્ટેમ્પેડની દુર્ઘટના બની તેમાં ૮૦૦થી વધારે લોકો મરાયાં પછી જવાહરલાલ નહેરૂની સરકારે જસ્ટિસ કમલકાન્ત વર્માના અધ્યક્ષસ્થાને તપાસ પંચ રચેલું. આ તપાસ પંચે કોઈને દોષિત નહીં ઠેરવીને કુલડીમાં ગોળ ભાંગી નાંખેલો પણ જવાહરલાલ નહેરૂએ નેતાઓના જવાથી અરાજકતા સર્જાય છે તેથી કુંભ મેળામાં વીવીઆઈપીઓ ના જાય એવું સૂચન કરેલું. એ વખતે પણ નહેરૂ નાસ્તિક હોવાથી હિંદુ શ્રધ્ધાળુઓની લાગણીને સમજતા નથી એવો હોબાળો મચાવાયો હતો. નહેરૂ પોતે કુંભ મેળામાં સ્નાન કરવા નહીં જઈને હિંદુ વિરોધી માનસિકતા બતાવી રહ્યા હોવાનો મુદ્દો પણ ઉભો કરાયો હતો.
મક્કામાં સૌથી ગમખ્વાર સ્ટેમ્પેડમાં 1426 લોકોનાં મોત થયેલાં
પ્રયાગરાજ કુંભની દુર્ઘટના વીસમી સદીમાં સૌથી મોટી ધક્કામુકીની ઘટના નહોતી. ૨ જુલાઈ ૧૯૯૦ના રોજ મક્કામાં થયેલા સ્ટેમ્પેડમાં ૧૪૨૬ લોકો માર્યાં ગયાં હતાં. હજયાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓ અલ-મઈસિમ ટનલમાંથી પસાર થતાં હતાં ત્યારે ધક્કામુકી થયેલી. ૧૮૦૦ ફૂટ લાંબી અને ૩૩ ફૂટ પહોળી ટનલમાં એક સાથે એક હજાર લોકો જઈ શકે પણ એ વખતે પાંચ હજારથી વધારે લોકોની હકડેઠઠ ભીડ જામી ગઈ હતી.
લોકો ધીરે ધીરે આગળ વધતાં હતાં ત્યારે ટનલના ઉપરના પુલની રેલિંગ તૂટતાં લોકો ટનલમાંથી પસાર થઈ રહેલાં લોકો પર પડયાં. અચાનક બનેલી ઘટનાના કારણે ગભરાટમાં લોકોએ નાસભાગ કરી મૂકી. એ વખતે અસહ્ય ગરમી પડી રહી હતી ને તાપમાન પણ ૪૪ ડીગ્રી હતું તેથી મોટા ભાગનાં લોકો ગૂંગળાઈને મરી ગયાં હતાં. આ પહેલાં ૧૮૯૬માં રશિયામાં ઝારની તાજપોશી વખતે થયેલી ધક્કામુક્કીમાં પણ લગભગ ૧૪૦૦ લોકોનાં મોત થયાં હતાં.