પુતિનની હત્યાનું કાવતરું સફળ ના થતાં ટેલિગ્રામનો સીઈઓ જેલભેગો કરાયો

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
પુતિનની હત્યાનું કાવતરું સફળ ના થતાં ટેલિગ્રામનો સીઈઓ જેલભેગો કરાયો 1 - image


- ફ્રાન્સના દાવા પ્રમાણે ડયુરોવ સામે કુલ નવ આરોપ મુકાયા છે તેની સામે મજબૂત પુરાવા ભેગા કરાયા છે, જો તે સાબિત થશે તો તેને 20 વર્ષની સજા થઈ શકે

- ડયુરોવ અઝરબૈજાન પુતિનને મળવા ગયો હતો અને ડયુરોવની પુતિનની મીટિંગ પછી પુતિનને ઉડાવી દેવાની અમેરિકાની યોજના હતી. પુતિનના માણસોને શંકા ના જાય એટલે ડયુરોવ અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ જુલિયા વેવીલોવા એમ બે જ વ્યક્તિ પુતિનને મળવા જાય કે જેથી પુતિનનું લોકેશન ખબર પડી જાય. ડયુરોવ પુતિનને મળે તેની મિનિટોમાં સીઆઈએ ત્રાટકીને પુતિનનો ખાતમો કરી નાંખે.  જુલિયા ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદની એજન્ટ છે અને ટ્રેઈન્ડ છે તેથી ડયુરોવને ખતરો ઉભો થાય તો તેને સલામત રીતે બહાર કાઢી લવાય એટલા માટે જુલીને સાથે મોકલાઈ હતી. 

વિશ્વમાં સૌથી લોકપ્રિય મેસેન્જર સર્વિસમાંથી એક ટેલીગ્રામ મેસેન્જર સર્વિસના સીઈઓ અને અબજોપતિ પાવેલ વાલેરીએવિક ડયુરોવની ફ્રાન્સમાં ધરપકડે સનસનાટી પેદા કરી છે. 'રશિયન ઝકરબર્ગ' કહેવાતો ડયુરોવ અઝરબૈજાનથી દુબઈ પાછો જતો હતો ત્યારે પેરિસમાં લંચ માટે રોકાયેલો. ફ્રાન્સની પોલિસ પેરિસ પાસેના બોર્ગેટ એરપોર્ટ પર તેનું સ્વાગત કરવા તૈયાર જ ઉભી હતી. ડયુરોવ જેવો ઉતર્યો કે તેને ઉઠાવી લેવાયો અને જેલભેગો કરી દેવાયો. 

ડયુરોવ સામે કોઈ કેસ નહોતો કે કોઈ આક્ષેપો નહોતા છતાં અચાનક ફ્રાન્સમાં તેની ધરપકડ કરાતાં ચર્ચાનો વિષય બની ગયો હતો. સોશિયલ મીડિયા પર તો તોફાન આવી ગયેલું. ફ્રાન્સ અભિવ્યક્તિની આઝાદી અને માનવાધિકારનાં બણગાં ફૂંકે છે ત્યારે ડયુરોવને કોઈ પણ આરોપ વિના કેમ જેલમાં ધકેલી દેવાયો એવા સવાલોનો મારો ચાલ્યો હતો.  દરમિયાનમાં ડયુરોવ રશિયાના પ્રમુખ વ્લાદિમિક પુતિનને મળીને આવતો હોવાથી તેને અંદર કરી દેવાયો હોવાની વાત પણ ચાલવા માંડી હતી. 

બહુ હોહા થતાં છેવટે ફ્રાન્સે ડયુરોવ સામે શું આક્ષેપો છે તેની ચોખવટ કરવી પડી છે. ફ્રાન્સના દાવા પ્રમાણે, ડયુરોવ સામે કુલ ૯ આરોપ મૂકાયા છે. આ આરોપોમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ડ્રગ્સ ્રટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગના આરોપો મુખ્ય છે. ડયુરોવ ગુનાઈત પ્રવૃત્તિઓમાં સામેલ હોવા ઉપરાંત કાનૂની એજન્સીઓને સહકાર નહીં આપતો હોવાનો આરોપ પણ મૂકાયો છે.

 ડયુરોવ સામે સાયબર સીક્યુરિટી અને એન્ટી ફ્રોડ એક્સપર્ટ દ્વારા તપાસ ચાલી રહી છે. ડયુરોવ સામેના આરોપો સાબિત થશે તો તેને ૨૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. ફ્રાન્સના સત્તાવાળાઓના કહેવા પ્રમાણે, ડયુરોવ સામે ૭ જુલાઈના રોજ તપાસ શરૂ કરાઈ હતી અને પ્રાથમિક રીતે મજબૂત પુરાવા મળતાં તેને જેલભેગો કરી દેવાયો છે. 

ફ્રાન્સે સત્તાવાર રીતે આ દાવો કર્યો છે પણ યુરોપ અને અમેરિકામાં ડયુરોવની ધરપકડ માટે બીજી જ થીયરી ચાલી રહી છે. આ થીયરી પ્રમાણે, ડયુરોવ અઝરબૈજાન પુતિનને મળવા ગયો હતો અને ડયુરોવની પુતિનની મીટિંગ પછી પુતિનને ઉડાવી દેવાની અમેરિકાની યોજના હતી પણ પુતિન ચેતી ગયા તેથી ડયુરોવને મળ્યા જ નહીં.  હવે ડયુરોવ પુતિનના રડાર પર છે ને રશિયાના એજન્ટો ડયુરોવને ઉડાવી દે એવો ખતરો છે તેથી ડયુરોવને સુરક્ષિત રાખવા માટે ફ્રાન્સમાં ધરપકડનું નાટક કરાયું છે. 

અઝરબૈજાનની રાજધાની બાકુમાં પુતિન અને ડયુરોવ મળવાના હતા.  ૨૦૧૪માં રશિયાથી ભાગીને ફ્રાન્સ આવી ગયો પછી પહેલાં ફ્રાન્સ ને પછી દુબઈમા રહેતો ડયુરોવ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ માટે કામ કરતો હોવાનું કહેવાય છે. 

સીઆઈએના કહેવાથી જ ડયુરોવે પુતિન સાથે મીટિંગ ગોઠવી હતી. સીઆઈએનો પ્લાન બાકુમાં ડયુરોવ સાથેની મીટિંગ વખતે પુતિનને ઉડાવી દેવાનો હતો. 

પુતિનના માણસોને શંકા ના જાય એટલે ડયુરોવ અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ જુલિયા વેવીલોવા એમ બે જ વ્યક્તિ પુતિનને મળવા જાય કે જેથી પુતિનનું લોકેશન ખબર પડી જાય. ડયુરોવ પુતિનને મળે તેની મિનિટોમાં સીઆઈએ ત્રાટકીને પુતિનનો ખાતમો કરી નાંખે.  જુલિયા વેવીલોવા ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદની એજન્ટ છે અને ટ્રેઈન્ડ છે તેથી ડયુરોવને ખતરો ઉભો થાય તો તેને સલામત રીતે બહાર કાઢી લવાય એટલા માટે જુલીને સાથે મોકલાઈ હતી. 

આખું પ્લાનિંગ પરફેક્ટલી કરાયેલું પણ પુતિન હોંશિયાર છે. પુતિને છેલ્લી ઘડીએ ડયુરોવને મળવાની ના પાડી દીધી. ડયુરોવે હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યોની જેમ ખાલી હાથે પાછા ફરવું પડયું પણ અમેરિકાને લાગ્યું કે, પુતિનને ડયુરોવના સીઆઈએ સાથેના કનેક્શનની ગંધ આવી ગઈ છે. પુતિન ખૂંખાર છે અને પોતાની સાથે ગદ્દારી કરનારને છોડતા નથી તેથી ડયુરોવનો પણ વારો પડી જશે એવો ડર લાગતાં તેને ફ્રાન્સની જેલમાં મોકલી દેવાયો છે. 

આ થીયરી કેટલી સાચી છે એ ખબર નથી પણ તેમાં દમ છે કેમ કે ડયુરોવ સામે મૂકાયેલા આક્ષેપો હાસ્યાસ્પદ છે. ટેલીગ્રામનો ઉપયોગ ડ્રગ ટ્રાફિકિંગ, ચાઈલ્ડ સેક્સ એક્સપ્લોઈટેશન માટે થતો હશે પણ કોઈ પણ પ્લેટફોર્મનો ઉપયોગ ગુનાખોરી માટે થાય એટલે તેના સીઈઓને જેલમાં ના ધકેલાય એ બહુ સાદો સિધ્ધાંત છે. વોટ્સએપ, ફેસબુક, એક્સ વગેરેનો ઉપયોગ પણ ગુનાખોરી માટે થાય જ છે પણ તેના કારણે માર્ક ઝકરબર્ગ કે એલન મસ્કને જેલમાં ધકેલી દેવાયા ? કોઈ સરકાર એવું ના કરે ને ફ્રાન્સ જેવો અભિવ્યક્તિની આઝાદીમાં માનતો દેશ તો એવું ન જ કરે એ જોતાં ડયુરોવ સામેના આરોપો ખાલી બહાનું લાગે છે એ સ્પષ્ટ છે. 

ટેલીગ્રામ પરના મેસેજ વાંચી શકાય એટલા માટે ટેલીગ્રામની એનક્રીપ્શન કી આપવા ડયુરોવ પર દબાણ કરાતું હતું એવો દાવો નતાલિયા ક્રાપિવા નામનાં ડિજિટલ રાઈટ્સ માટે લડતાં વકીલે કર્યો છે. 

આ દાવો ગળે ઉતરે એવો નથી કેમ કે ફ્રાન્સમાં ટેલીગ્રામનો એવો પ્રભાવ નથી. ટેલીગ્રામના વિશ્વમાં ૧૦ કરોડ જેટલા યુઝર છે. તેમાંથી બહુમતી ભારત, રશિયા, અમેરિકા, ઈન્ડોનેશિયા સહિતના દેશોમાં છે. ફ્રાન્સમાં તેના બહુ યુઝર પણ નથી એ જોતાં ફ્રાન્સ પાસે તેના પર દબાણ કરવા કોઈ કારણ નથી. બીજું એ કે, ડયુરોવ પાસે ફ્રાન્સની નાગરિકતા છે. ફ્રાન્સે સામે ચાલીને તેને યુરોપીયન યુનિયનની નાગરિકતા પણ આપી છે એ જોતાં તેને પકડવો હોત તો બહુ પહેલાં પકડી શકાયો હોત. 

બીજી તરફ ડયુરોવના પુતિન સાથેના સંબંધો પહેલેથી ખરાબ છે. ડયુરોવનો મોટો ભાઈ નિકોલાઈ મેથેમેટિક્સ જીનિયસ ગણાય છે અને રશિયામાં જ રહે છે.  ડયુરોવે ૨૦૦૪માં ૨૧ વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા એપ વીકે બનાવીને સૌને દંગ કરી દીધેલા. એ વખતે સૌ ડયુરોવને રશિયન ઝુકરબર્ગ કહેતા. ડયુરોવે રશિયામાં પોતાની મેસેન્જર એપ વીકે જમાવેલી પણ યુક્રેનમાં રશિયાના પીઠ્ઠુ એવા પ્રમુખ વિક્ટર યાનુકોવિચ સામે દેખાવો શરૂ થયા ત્યારે પુતિન સાથે ઘર્ષણ થતાં ભાગવું પડેલું.  

રશિયન સીક્રેટ સર્વિસે ડયુરોવ પાસે વિક્ટરના વિરોધીઓનો ડેટા માંગ્યો હતો પણ ડયુરોવે ના આપતાં તેને કંપનીમાંથી કાઢી મૂકાયેલો ને રશિયા છોડીને પણ ભાગવું પડેલું. રશિયાએ ટેલીગ્રામ પર ૨૦૧૮માં પ્રતિબંધ પણ મૂકેલો. ડયુરોવ આ અનુભવ પછી પાછો પુતિનના પડખામાં ભરાય એટલો મૂરખ નથી જ. ડયુરોવે રશિયામાંથી ભાગ્યા પછી ટેલીગ્રામ બનાવી કે જેને સફળતા મળી. અત્યારે ડયુરોવ ૧૫ અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ટેક ઝારમાં સ્થાન પામે છે ને ડયુરોવ મજાની લાઈફ જીવે છે એ જોતાં સીઆઈએવાળી થીયરી માનવા માટે પૂરતાં કારણ છે.

ડયુરોવે 100 બાળકોનો પિતા હોવાનો દાવો કરીને સનસનાટી મચાવેલી

ડયુરોવે મહિના પહેલાં પોતે ૧૦૦ કરતાં વધારે બાળકોનો બાયોલોજિકલ ફાધર (જૈવિક પિતા) હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી હતી. ડયુરોવના દાવા પ્રમાણે, તેના સ્પર્મ ડોનેશન એટલે કે વીર્યદાનના કારણે ૧૨ દેશોમાં ૧૦૦થી વધારે દંપતિ મા-બાપ બની શક્યાં છે. ડયુરોવે એવો દાવો પણ કરેલો કે, એક આઈવીએફ સેન્ટર પાસે હજુ પણ તેના ફ્રોઝન સ્પર્મ હોવાથી ભવિષ્યમાં પોતે બીજાં બાળકોનો બાયોલોજિકલ ફાધર બની શકે તેમ છે. ડયુરોવે પોતાના સ્પર્મથી પેદા થયેલાં બાળકો એકબીજાને મળે એ માટે તેમનો ડેટા જાહેર કરવા પણ વિનંતી કરી હતી. 

ડયુરોવના દાવા પ્રમાણે, ૧૫ વર્ષ પહેલાં એક મિત્રને સંતાન નહોતાં થતાં તેથી પોતાના માટે સ્પર્મ ડોનેશન કરવા કહેલું. પહેલાં તો ડયુરોવને આ વાત મજાક લાગેલી પણ મિત્રે તેને પોતે ખરેખર ગંભીર હોવાનું કહેતાં ડયુરોવ તૈયાર થઈ ગયેલો. ડયુરોવે ક્લિનિકમાં જઈને સ્પર્મ આપ્યું પછી ડોક્ટરે કહ્યું કે, તેના સ્પર્મની ક્વોલિટી બહુ સારી હોવાથી તેણે સતત સ્પર્મ ડોનેશન કરવું જોઈએ કે જેથી વધુ ને વધુ નિઃસંતાન દંપતિઓના જીવનમાં ખુશી લાવી શકાય. ડયુરોવને ગળે આ વાત ઉતરતાં તેણે સ્પર્મ ડોનેશન શરૂ કર્યું તેમાં સોથી વધુ બાળકોનો પિતા બની ગયો. 

ડયુરોવે એલાન કર્યું છે કે, હવે પોતે પોતાના ડીએનએની વિગતો જાહેર કરવાનો છે કે જેથી તેનાં બાયોલોજિકલ સંતાનો એકબીજાને સરળતાથી શોધી શકે.

જુલિયા મોસાદની એજન્ટ, ડયુરોવની ધરપકડ પછી ગાયબ

ડયુરોવની ધરપકડ માટે જવાબદાર મનાતી જુલિયા વેવીલોવા ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદની એજન્ટ હોવાનું કહેવાય છે. જુલિયા ઉર્ફે જુલી ૨૪ વર્ષની છે અને ડયુરોવથી ૧૬ વર્ષ નાની છે. દુબઈમાં ક્રીપ્ટો કોચ અને ગેમ સ્ટ્રીમર તરીકે કામ કરતી જુલીને અંગ્રેજી, રશિયન, સ્પેનિશ અને અરેબિક એમ ચાર ભાષા આવડે છે. જુલી સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર પણ છે. ડયુરોવ અને જુલિયા પહેલાં કદી સાથે દેખાયાં નથી. ફ્રાન્સમાં ડયુરોવની ધરપકડ પછી જુલિયા રહસ્યમય રીતે ગાયબ થઈ જતાં તે મોસાદની એજન્ટ હોવાની પ્રબળ શક્યતા છે.

News-Focus

Google NewsGoogle News