mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

7000 ચીના માટે 4000 પાકિસ્તાની સૈનિક છતાં હુમલા કેમ ?

Updated: Mar 28th, 2024

7000 ચીના માટે 4000 પાકિસ્તાની સૈનિક છતાં હુમલા કેમ ? 1 - image


- બલુચિસ્તાનમાં કુદરતી ગેસ અને સલ્ફર વગેરેની ખાણો છે, ચીનને ૪૬ અબજ ડોલરના રોકાણની લાલચમાં ખનિજોના નામે પાકિસ્તાને લૂંટનો પરવાનો આપી દીધો છે

- પાકિસ્તાન બલૂચિસ્તાન માટે કશું કરતું નથી તેનું કારણ એ છે કે, આ વિસ્તારમાં શિયાઓની બહુમતી છે. બલૂચિસ્તાન શિયાઓના સૌથી મોટા દેશ ઈરાનની નજીક હોવાથી બલૂચોની વફાદારી પાકિસ્તાન નહીં પણ ઈરાન તરફ છે એવું પાકિસ્તાન માને છે. બલૂચ લડવૈયાઓની ભારત સાથે સાંઠગાંઠ હોવાની શંકાથી પણ પાકિસ્તાન પિડાય છે તેથી પણ તેમના પર અત્યાચાર કરે છે. સામે બલૂચ પ્રજા પણ લડાયક છે તેથી શરણાગતિ સ્વીકારવાના બદલે જેવા સાથે તેવા થઈને જવાબ આપે છે તેમાં પાકિસ્તાન અને ચીન બંનેને ફીણ પડી ગયું છે.

 પાકિસ્તાનમાંથી અલગ બલુચિસ્તાનની માગણી સાથે હથિયાર ઉઠાવનારી બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ ફરી પાકિસ્તાનને ફીણ પડાવવા માંડયું છે. બીએલએના લડવૈયા રવિવારે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ બેઝમાં ઘૂસી ગયેલા ને બેફામ ગોળીબાર કરીને હાલત ખરાબ કરી નાંખી.  પાકિસ્તાન આર્મીને નેવલ બેઝમાંથી બીએલએના માણસોને બહાર કાઢતાં ૮ કલાક લાગ્યા ને એક જવાન ઉપર પહોંચી ગયો.  

પાકિસ્તાનને આ હુમલાની કળ વળે એ પહેલાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બેશમ શહેરમાંથી પસાર થઈ રહેલી ચીનની ચાઈના ગેઝહુબા ગ્રુપ કંપનીની કારને આત્મઘાતી કાર વડે ઉડાવી દેવાતાં ચીનના પાંચ એન્જીનિયરનું રામનામ સત્ય હૈ થઈ ગયું. ચીનની કારનો ડ્રાઈવર પાકિસ્તાની હતો તેથી આ હુમલામાં કુલ છ લોકો મરાયાં છે.

આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી પણ આ પરાક્રમ પણ બીએલએનું જ કહેવાય છે. બીએલએની માજીદ બ્રિગેડે ૨૭ જાન્યુઆરીએ ગ્વાદરમાં પાકિસ્તાન મિલિટરી ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો તેમાં ૨ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલા પછી પાકિસ્તાની લશ્કરે બલૂચ લડવૈયાઓ સામે ઓપરેશન હાથ ધર્યું તેના રીએક્શનરૂપે નેવલ બેઝ પર હુમલો થયો. પાકિસ્તાની લશ્કરે ઓપરેશન તીવ્ર કર્યું એટલે બલૂચ લડવૈયાઓએ વળતો જવાબ આપીને ચીનાઓને ટાર્ગેટ કર્યા છે કેમ કે બલૂચ લડવૈયાઓ માટે ચીન પણ પાકિસ્તાન જેટલું જ મોટું દુશ્મન છે. 

આ હુમલાથી ચીન લાલઘૂમ છે જ્યારે પાકિસ્તાન હાંફળુફાંફળું થઈને દોડતું થઈ ગયું છે. સામાન્ય રીતે કોઈ દેશના વડાપ્રધાન બીજા દેશના રાજદૂતને સામેથી મળીને સ્પષ્ટતા ના કરે પણ આ હુમલા પછી અવળી ગંગા જોવા મળી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પંજાબ ગયેલા પણ હુમલાના કલાકમાં તો ઈસ્લામાબાદ પહોંચી ગયા અને ચીનના રાજદૂતના પગમાં આળોટી ગયા. શરીફે ચીનના રાજદૂતને હવે પછી આવો હુમલો નહીં થાય તેનું ધ્યાન રખાશે એવી ખાતરી આપવી પડી.

શાહબાઝ પોતાની જાન છૂટે એટલે ભલે ખાતરી આપીને આવ્યા પણ તેમના કહેવાથી આ હુમલા બંધ થવાના નથી કેમ કે બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને અલગ રાષ્ટ્ર બનાવવા માટે લડતા લડવૈયા હવે જીવ પર આવી ગયા છે. બલૂચ પ્રજા કદી પાકિસ્તાનનો ભાગ બનવા માગતી નહોતી પણ અલગ સ્વતંત્ર દેશ ઈચ્છતી હતી. પાકિસ્તાને દેખાવ ખાતર બલૂચ પ્રજાનો સ્વતંત્રતાનો અધિકાર સ્વીકાર્યો પણ પછી હલકટાઈ કરીને ૧૯૪૮માં બળજબરીથી બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દીધું ત્યારથી બલૂચ પ્રજા પાકિસ્તાનથી સ્વતંત્ર થવા લડે છે.

એક તરફ પાકિસ્તાનનું લશ્કર આ લડતને દબાવી દેવા અમાનવીય અત્યાચારો કરે છે ત્યારે બીજી તરફ કોઈ વિકાસ કર્યા વિના બેફામ લૂંટ ચલાવે છે. પાકિસ્તાને હવે ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર (સીઈપીસી)ના નામે ચીનને પણ લૂંટમાં ભાગીદાર બનાવતાં બલૂચ પ્રજાની સહનશક્તિની હદ આવી ગઈ છે. બીએલએ સહિતનાં સંગઠનોની આગેવાનીમાં બલૂચ યુવાનો હથિયાર ઉઠાવીને પાકિસ્તાન અને ચીન બંનેને ખદેડવા મથે છે. ચીન તેમના વિસ્તારમાં ઘૂસીને કુદરતી સ્ત્રોત લૂંટી રહ્યું છે તેની સામે તેમને વાંધો છે. ચીન ગ્વાદર બંદર પર કબજો કરી રહ્યું છે તે પણ બલૂચોને મંજૂર નથી.

બલુચિસ્તાન અરબી સમુદ્રથી ભારતની નજીક છે. બલુચિસ્તાનમાં કુદરતી ગેસ અને ક્રૂડ ઓઈલ ઉપરાંત તાંબા, સલ્ફર અને ફ્લોરાઈડની સિવાય સોનાની ખાણો પણ છે. 

પાકિસ્તાને આ ખાણોમાંથી સોનું કાઢી કાઢીને પોતાની તિજોરી ભરી પણ પ્રજા માટે કશું ના કર્યું. હવે ચીનને ૪૬ અબજ ડોલરના રોકાણની લાલચમાં ખનિજો કાઢવાના નામે લૂંટનો પરવાનો આપી દીધો છે. 

બલૂચિસ્તાન પાકિસ્તાન માટે દૂઝણી ગાય છે પણ પાકિસ્તાનને તેને દોહવામાં જ રસ છે તેથી બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી ગરીબ પ્રાંત છે.  લગભગ ૩.૫૦ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા બૂલચિસ્તાનની વસતી સવા કરોડની આસપાસ છે. એક ચોરસ કિલોમીટરના વિસ્તારમાં માત્ર ૩૬ લોકો રહે છે. મોટા ભાગની વસતી આદિવાસી અને કબિલામાં ફેલાયેલી છે કે જે આજેય સાતમી સદીની જેમ લાઈટ સહિતની સવલતો વિના જીવે છે. 

પાકિસ્તાન બલૂચિસ્તાન માટે કશું કરતું નથી તેનું કારણ એ છે કે, આ શિયાઓની બહુમતી છે. બલૂચિસ્તાન ઈરાનની નજીક છે. ઈરાન શિયાઓનો સૌથી મોટો દેશ હોવાથી બલૂચોની વફાદારી પાકિસ્તાન તરફ નહીં પણ ઈરાન તરફ છે એવું પાકિસ્તાન માને છે. બલૂચ લડવૈયાઓની ભારત સાથે સાંઠગાંઠ હોવાની શંકાથી પણ પાકિસ્તાન પિડાય છે તેથી પણ તેમના પર અત્યાચાર કરે છે. સામે બલૂચ પ્રજા પણ લડાયક છે તેથી શરણાગતિ સ્વીકારવાના બદલે જેવા સાથે તેવા થઈને જવાબ આપે છે તેમાં પાકિસ્તાન અને ચીન બંનેને ફીણ પડી ગયું છે.

બલૂચ લડવૈયાઓથી ચીન-પાકિસ્તાન બંને કઈ રીતે ફફડેલાં છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે, ૨૦૧૪માં પાકિસ્તાન સરકારે ચીના સાતેક હજાર નાગરિકોની સુરક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ બનાવ્યું ત્યારે તેમાં એક હજાર જેટલા સૈનિકો હતો. હુમલા વધતા ગયા તેમ તેમ સૌનિકો વધારતા ગયા ને અત્યારે ૪ હજારથી વધુ સૈનિકો ૭ હજાર ચીનાઓની સુરક્ષા માટે તૈનાત છે છતાં તેમને રોકી શકાતા નથી. 

બલૂચ લડવૈયા ચીનનાં થાણાં પર નિયમિત રીતે હુમલા તો કરે જ છે પણ વચ્ચે વચ્ચે મોટા હુમલા કરીને આંચકા પણ આપ્યા કરે છે. ૨૦૧૮માં બલૂચ લડવૈયાઓએ કરાચીમાં ચીનના દૂતાવાસ  પર હુમલો કરીને હાહાકાર મચાવી દીધેલો. કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં શક્તિશાળી હથિયારો સાથે ત્રાટકેલા આતંકવાદીઓએ ચીનનાં દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો એ તો સફળ નહોતો થયો પણ ૨ સુરક્ષા જવાનો અને ૨ નાગરિકોને ઢાળી દઈને ચીનને ચમકારો બતાવી દીધેલો. એ પછી ૨૦૨૦માં ચાઈના ગેઝહુબા ગ્રુપ કંપનીની સાઈટ પર હુમલો કરતાં મહિનાઓ લગી હાયડ્રોપાવર પ્રોજેક્ટનું કામ બંધ કરી દેવું પડેલું. 

ભારતે મુત્સદીગીરી બતાવી હોત તો બલૂચિસ્તાન ભારતમાં હોત

બલુચિસ્તાનમાં કલાત, મકરાન, લોસ બુલા અને ખારાન એમ ચાર રજવાડાં હતાં જેમાં કલાત સૌથી મોટું રજવાડું હતું અને બાકીનાં ત્રણ તેનાં તાબેદાર હતાં.  ૧૮૭૦માં અંગ્રેજો સાથે કલાતના ખાને સંધિ કરતાં ચારેય રજવાડાં અંગ્રેજોના શાસન હેઠળ આવ્યાં.

અંગ્રેજોએ ભારત છોડવાનું નક્કી કર્યું ત્યારે રજવાડાંને ભારત અને પાકિસ્તાનમાં જોડાવા ઉપરાંત સ્વતંત્ર રહેવાનો વિકલ્પ પણ  અપાયેલો. કલાતના ખાન મીર મોહમ્મદ યાર ખાને સ્વતંત્ર રહેવાનો નિર્ણય લીધો હતો. મોહમ્મદ અલી ઝીણાએ કલાતના ખાનની લાગણીને પોતે માન આપે છે એવું જાહેર કરીને ૧૧ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ખાન સાથે સમજૂતી કરી તેમાં કલાતને પોતાની ઓળખ જાળવી રાખીને સ્વતંત્ર રહેવાના અધિકારનો સ્વીકાર કર્યો. 

ઝીણાએ એ પછી અંગ્રેજોવાળી ડીવાઈડ એન્ડ રૂલની ગેમ શરૂ કરી. ઝીણાએ કલાતને એકલું પાડીને મકરાન, લોસ બુલા અને ખારાનને પાકિસ્તાનમાં ભળવા ઓફર આપી. લાંબી વાટાઘાટો પછી ૧૭ માર્ચ, ૧૯૪૮ના દિવસે મકરાન, લોસ બુલા અને ખારાન પાકિસ્તાનમાં ભળી ગયાં. 

મીર મોહમ્મદ યાર ખાન પાકિસ્તાનની ચાલ સમજી ગયેલા તેથી તેમણે ભારતનો સંપર્ક કરીને ભારત સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. ભારતના સંરક્ષણ સચિવ વી.પી. મેનને ઓલ ઈન્ડિયા રેડિયો પર આ જાહેરાત કરી એ સાથે જ પાકિસ્તાની લશ્કરે કલાત પર હુમલો કરી દીધો. મીર મોહમ્મદ યાર ખાનને ઉઠાવી જવાયા અને બળજબરીથી પાકિસ્તાન સાથે ભળવાના કરાર પર સહી કરાવી દીધી. 

ભારતે થોડી મુત્સદીગીરી બતાવીને ભારતીય લશ્કરને કલાત મોકલીને પછી જાહેરાત કરી હોત તો કદાચ ઈતિહાસ જુદો હોત. બલુતિસ્તાનનો મોટા ભાગનો વિસ્તાર અત્યારે ભારતનો પ્રદેશ હોત.

બલૂચ સંગઠનો આડકતરી રીતે ભારતની મદદ કરી રહ્યાં છે

ભારત માટે બલૂચિસ્તાનની આઝાદીની લડાઈ અત્યંત મહત્વની છે કેમ કે ચીન બલુચિસ્તાનમાં ઘૂસી ગયું તો ભારતની સુરક્ષા સામે ખતરો ઉભો થશે. ચીન સીઈપીસી પ્રોજેક્ટના ભાગરૂપે ગ્વાદર બંદર વિકસાવી રહ્યું છે. ગ્વાદર બંદર અરબી સમુદ્રમાં વ્યૂહાત્મત રીતે બહુ મહત્વનું છે. ગ્વાદર પર કબજો હોય તો આરબ દેશોમાંથી આવતા જહાજોને કંટ્રોલ કરી શકાય. આ સંજોગોમાં ચીન ગ્વાદરનું  નાકુ દબાવીને બેસી જાય તો અરબી સમુદ્રમાં ફરતાં આપણાં જહાજોને પરેશાન કરી શકે.  અરબી સમુદ્રને રસ્તે ચીન છેક ગુજરાત સુધી પહોંચી શકે. ચીનની માનસિકતા પાડોશ દેશોનું પડાવી લેવાની છે તેથી ચીનનો વધતો પ્રભાવ ભારત માટે ખતરારૂપ છે. બલૂચ સંગઠનો ચીન સામે લડીને આ પ્રભાવને રોકવા મથી રહ્યાં છે. આડકતરી રીતે આ સંગઠનો ભારતની મદદ કરી રહ્યા છે.

Gujarat