Get The App

રાત ગઇ બાત ગઈ! PM મોદીની સભામાં ઉમટનારાં અમેરિકા છોડીને પાછા ભારત કેમ નથી આવતાં?

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
રાત ગઇ બાત ગઈ! PM મોદીની સભામાં ઉમટનારાં અમેરિકા છોડીને પાછા ભારત કેમ નથી આવતાં? 1 - image


- એકલદોકલ અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતાં અમેરિકાથી પાછું કોઈ ભારત આવતું નથી કેમ કે અમેરિકામાં રહેનારાં લોકોને મોદીની વાતોમાં ભરોસો નથી. મોદી ભારત બદલાઈ ગયું છે અને વિકસિત દેશોને ટક્કર મારે છે એવી ગોળીઓ ગળાવે છે પણ વિદેશમાં રહેતાં લોકોને ગળે આ ગોળીઓ ઉતરતી નથી. આ વાતની ગવાહી સરકારી આંકડા જ પૂરે છે. 2022 અને 2023માં કુલ મળીને 4.41 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. આ પૈકી લગભગ 30 ટકા એટલે કે લગભગ 1.45 લાખ લોકો અમેરિકાનાં નાગરિક બન્યાં પણ સામે અમેરિકાની નાગરિકતા છોડીને પાછાં ભારત આવનારાં લોકોનો આંકડો હજારને પણ પાર નથી થતો.

નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા સમાપ્ત થઈ ગઈ. આ યાત્રા દરમિયાન મોદીએ લોંગ આઈલેન્ડ પર ભારતીય સમુદાયને કરેલા સંબોધનની સફળતાનાં ગુણગાન ગવાઈ રહ્યાં છે. મોદીએ અમેરિકામાં રહેતા ભારતીયોને ભારતીય એમ્બેસેડર્સ ગણાવીને ખુશ કરી દીધા તેથી અમેરિકન ભારતીયો પણ વોટ્સએપ મેસેજ ને બીજાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદીની તારીફનાં મેસેજનો મારો ચલાવી રહ્યા છે. અમેરિકા છોડીને હવે લોકો મોદીના નવા ભારતમાં પાછા ફરી રહ્યા છે એવી સ્ટોરીઝ પણ મીડિયામાં આવવા માંડી છે પણ આ વાતોમાં દમ નથી.  એકલદોકલ અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતાં અમેરિકાથી પાછું કોઈ ભારત આવતું નથી કેમ કે અમેરિકામાં રહેનારાં લોકોને મોદીની વાતોમાં ભરોસો નથી. મોદી ભારત બદલાઈ ગયું છે અને વિકસિત દેશોને ટક્કર મારે છે એવી ગોળીઓ ગળાવે છે પણ વિદેશમાં રહેતાં લોકોને ગળે આ ગોળીઓ ઉતરતી નથી. આ વાતની ગવાહી સરકારી આંકડા જ પૂરે છે. ૨૦૨૨ અને ૨૦૨૩માં કુલ મળીને ૪.૪૧ લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. આ પૈકી લગભગ ૩૦ ટકા એટલે કે લગભગ ૧.૪૫ લાખ લોકો અમેરિકાનાં નાગરિક બન્યાં પણ સામે અમેરિકાની નાગરિકતા છોડીને પાછાં ભારત આવનારાં લોકોનો આંકડો હજારને પણ પાર નથી થતો.  ગુજરાતમાંથી વરસે હજારો લોકો અમેરિકા જવા ફાઈલ મૂકે છે પણ અમેરિકા છોડીને પાછી ગુજરાત આવીને વસી હોય એવી વ્યક્તિ ભાગ્યે જ મળશે. મોદીનાં ગુણગાન ગાવામાં ગુજરાતીઓ મોખરે છે પણ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને પાછા ભારત આવીને રહેવામાં રસ નથી. તેના પરથી જ મોદીની વાતોમાં લોકોને કેટલો ભરોસો છે એ સ્પષ્ટ થઈ જાય છે. 

વાસ્તવમાં મોદી અમેરિકામાં ભારતીય સમુદાયને સંબોધે ત્યારે એક માહોલ જમાવી દેવાય ને પછી બધું હવાઈ જાય એ છેલ્લાં ૧૦ વરસથી આપણે જોઈએ છીએ. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલી વાર અમેરિકા ગયા ત્યારે ભારતીયોમાં બહુ ઉત્સાહ હતો.  મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં મોદીએ અમેરિકામાં રહેતા ભારતીયોને સંબોધન કર્યું એ પહેલાં હોલીવુડના સુપરસ્ટાર હ્યુજ જેકમેન સાથે મળીને ટાઈમ સ્ક્વેરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

આ બંને કાર્યક્રમોની જોરદાર પબ્લિસિટી થઈ હતી. મોદીના પ્રચાર તંત્રે પણ હવા જમાવી દીધેલી. તેના કારણે અમેરિકામાં રહેનારા ભારતીયો એવું માનતા થઈ ગયેલા કે મોદી રાતોરાત ભારતની હાલત સુધારી દેશે. 

મોટા ભાગના એવા ભ્રમમાં હતા કે મોદી બહુ જલદી ભારતને પણ અમેરિકા બનાવી દેશે એટલે આપણે અમેરિકામાં સાવ હલકી કક્ષાનાં કામ કરીને દાડા કાઢવા પડે છે તેના બદલે વતન પાછા જઈને નિરાંતે રહી શકીશું. અમેરિકાની વાત કરી કરીને લોકોને ઈમ્પ્રેસ કરીશું ને ખાઈ-પીને જલસા કરશું. 

આ આશામાં ને આશામાં મોદીની સભામાં બહુ ભારતીયો આવેલા. મોદીએ તેમને ભારત પાછા ફરવાની હાકલ કરી ત્યારે બધાંએ બહુ ઉત્સાહભેર હોંકારા ભરેલા.  એક વર્ષ પછી મોદી પાછા અમેરિકા ગયા ત્યારે એ ઉત્સાહ ઓસરી ગયેલો કેમ કે વરસમાં ભારતમાં કશું બદલાયું નહોતું. 

એ પછી મોદી અમેરિકા જાય ત્યારે અચૂક ભારતીયોને સંબોધન કરે છે. રવિવારે કાર્યક્રમ હોય, કાર્યક્રમ પછી ભોજનની વ્યવસ્થા હોય એટલે વીસ-પચીસ હજાર ભારતીયો આવી પણ જાય છે. 'મોદી, મોદી'ના નારા લાગે છે પણ પછી રાત ગઈ બાત ગઈ. તેમાંથી ભાગ્યે જ કોઈ પાછું ભારત આવે છે. 

મોદીના કાર્યક્રમમાં હાજર રહેનારા 'મોદી, મોદી'ના નારા લગાવનારા લોકો માટે મોદીનો કાર્યક્રમ મનોરંજન શોથી વધારે કંઈ હોતો નથી.  'મોદી, મોદી'ના નારા લગાવનારા કોઈને મોદીની વાતમાં વિશ્વાસ નથી. એ લોકો સોશિયલ મીડિયા પર મોદીના કારણે ભારત બદલાઈ ગયું એવી વાતો કરવામાં રસ હોય છે પણ એકેય જણ અમેરિકા છોડીને બદલાયેલા ભારતમાં આવીને રહેવા તૈયાર નથી. મોદી દરેક વખતે લોકોને રાજી કરવા માટે નવો ખેલ બતાવે છે, અમેરિકામાં રહેતા ભારતીયોનાં વખાણ કરે છે, બધા તાળીઓ પાડે છે, ચીસાચીસ કરે છે ને વેરાઈ જાય છે. 

ભારતીય મીડિયા અને સોશિયલ મીડિયા અમેરિકામા રહેનારા ભારતીયોના દેશપ્રેમની વાતોનાં વડાં કરે છે પણ મોદીનો કાર્યક્રમ પતતાં જ બધો દેશપ્રેમ જતો રહે છે. જો કે અમેરિકામાં કે બીજે રહેતા ભારતીયોનો વાંક નથી. અમેરિકા ગયેલા મોટા ભાગના લોકો ડોલર રળવા ને ભૌતિક સગવડો ભોગવવા ભારત છોડીને જતા રહ્યા છે તેથી એ લોકો ભારત પાછા આવે એવી અપેક્ષા ના રખાય પણ લાખો લોકો એવા છે કે જે અમેરિકા છોડીને આવવા તૈયાર છે. અમેરિકામાં સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકેની જીંદગી જીવવાના બદલે વતનમાં રહેવામાં તેમને રસ છે પણ છતાં ભારત પાછા આવતા નથી. તેનું કારણ એ કે,  મોદીએ વાતો બહુ કરી પણ દસ વર્ષમાં ભારતમાં બહુ કશું બદલાયું નથી. ભારત અમેરિકા ને બ્રિટન સાથે સ્પર્ધા કરે છે એવી વાતોનાં વડાં થાય છે પણ ભારતનું જીવનધોરણ એ સ્તરનું છે જ નહીં. 

મોદી અમેરિકા પહેલી વાર ગયા ત્યારે એવું ચિત્ર પણ ઉભું કરાયેલું કે થોડાંક વર્ષમાં  ભારતમાં વિદેશી રોકાણનો ધોધ વહેશે,  આપણે ચીનને  ક્યાંય પાછળ છોડી દઈશું. 

મોદીને મળવા અમેરિકાના કોર્પોરેટ જગતના માંધાતા ઉમટી પડેલા. મોદીને મળવા રીતસરની લાઈનો લાગેલી.  બહુ સારી સારી વાતો થયેલી. મોદીને જે મળવા આવ્યો એ આપણી કોણીએ જંગી રોકાણનો ગોળ લગાડી ગયેલો. દસ વર્ષ થઈ ગયાં પણ તેમાંથી મોટા ભાગના ભારત ફરક્યા જ નથી. ટૂંકમાં મોદીની અમેરિકાની યાત્રામાં મોટી મોટી વાતો ને ગધેડાની લાતો જેવી હાલત થઈ છે. મોદી ગમે તે કહે, વિદેશની સરખામણીમાં ભારતનું જીવનધોરણ બહુ ઉતરતી કક્ષાનું છે તેનો સ્વીકાર કરવો જ પડે. જ્યાં સુધી જીવનધોરણ નહીં સુધરે, વિદેશથી કોઈ પાછું ભારત આવીને નહીં રહે.

મોદી શાસનમાં ભારતની નાગરિકતા છોડનારાંનું પ્રમાણ 60 ટકા વધ્યું

ભારતની નાગરિકતા છોડીને વિદેશની નાગરિકતા લેનારાં લોકોનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. ૨૦૨૩માં લગભગ ૨.૧૬ લાખ ભારતીયોએ દેશની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા લઈ લીધી હતી. આ પૈકી મોટા ભાગનાં લોકો અમેરિકા, યુકે, કેનેડા વગેરે દેશોની નાગરિકતા લે છે. ૨૦૨૩માં ૬૫,૯૬૦ ભારતીયોને અમેરિકાની નાગરિકતા અપાઈ હતી. મતલબ કે, ભારતની નાગરિકતા છોડનારાંમાંથી ૩૩ ટકા અમેરિકાના નાગરિકો બન્યા હતા. ૨૦૧૪માં ૧,૨૯,૩૨૮ લોકોએ ભારતની નાગરિકતા છોડી હતી જ્યારે ૨૦૨૨માં આ આંકડો ૨.૨૫ લાખ હતો. મતલબ કે, મોદીના શાસનકાળમાં ભારતની નાગરિકતા છોડનારાંનું પ્રમાણ ૬૦ ટકાથી પણ વધારે વધ્યું છે. 

અમેરિકા, બ્રિટન, કેનેડા સહિતના દેશો મર્યાદિત પ્રમાણમાં વિદેશીઓને નાગરિકતા આપે છે. આ દેશોની નાગરિકતા મેળવવા ચોક્કસ લાયકાતો અને આર્થિક સધ્ધરતા પણ જરૂરી હોવાથી આંકડો નાનો છે, બાકી મર્યાદા ના હોય તો દર વરસે ભારતમાંથી ઓછામાં ઓછા ૧૦ લાખ લોકો અમેરિકા સહિતના દેશોની નાગરિકતા લઈ લે એવું નિષ્ણાતો માને છે.  

છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ ૮.૪૦ લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી છે. મતલબ કે, કેન્દ્રમાં ફરી નરેન્દ્ર મોદી સરકારનું શાસન આવ્યું પછી દર વરસે સરેરાશ ૧.૬૮ લાખ લોકો ભારતની નાગરિકતા છોડી ગયા છે.  ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭, ૨૦૨૦માં ૮૫,૨૫૬, ૨૦૨૧માં ૧,૬૩,૬૭૦ અને ૨૦૨૨માં ૨,૨૫,૬૨૦ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. એ પહેલાંનાં વરસોમાં ૨૦૧૧માં ૧,૨૨,૮૧૯, ૨૦૧૨માં ૧,૨૦,૯૨૩, ૨૦૧૩માં ૧,૩૧,૪૦૫ અને ૨૦૧૪માં ૧,૨૯,૩૨૮ લોકોએ ભારતના નાગરિકતા છોડી દીધી હતી. ૨૦૧૫માં ૧,૩૧,૪૮૯, ૨૦૧૬માં ૧૪૧૬૦૩, ૨૦૧૭માં ૧,૩૩,૦૪૯, ૨૦૧૮માં ૧,૩૪,૫૬૧ અને ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭ ભારતની નાગરિકતા છોડી દીધી હતી.

મિલિયોનેર પણ ભારત છોડીને વિદેશોમાં વસી રહ્યા છે

ભારત છોડીને અમેરિકા સહિતના દેશોમાં જનારાં લોકોમાં મોટું પ્રમાણ હાઈલી એજ્યુકેટેડ યુવાઓનું છે. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અમેરિકા કે બીજા દેશોમાં જનારા મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં જ રહી જાય છે. તેનું કારણ વિદેશમાં મળતી તકો અને બહેતર લાઈફસ્ટાઈલ છે. ભારતમાં સતત સઘર્ષ કરવો પડે છે, પાછલી જીંદગીની વ્યવસ્થા પણ લોકોએ પોતે કરવી પડે છે. તેની સરખામણીમાં વિકસિત દેશોમાં સોશિયલ સીક્યુરિટી છે તેથી લોકો વિદેશમાં રહેવાનું પસંદ કરે છે. 

રસપ્રદ વાત એ છે કે, ભારતમાંથી ધનિકો પણ ભારત છોડીને મોટા પ્રમાણમાં વિદેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. જેની પાસે ૧૦ લાખ ડોલર (લગભગ ૮.૪૦ કરોડ રૂપિયા) કે વધારેની સંપત્તિ હોય તેને મિલિયોનેર કહેવામાં આવે છે. ૨૦૨૩માં ભારતમાંથી ૫૧૦૦ જેટલા મિલિયોનેર જતા રહ્યા અને વિદેશોમાં સ્થાયી થઈ ગયા. ૨૦૨૪માં પણ લગભગ ૫૦૦૦ મિલિયોનેર વિદેશમાં સ્થાયી થશે એવું મનાય છે. 

આ ધનિકોમાં અમેરિકાની ઈબી-૫ સહિતની જુદા જુદા દેશોની ઈન્વેસ્ટમેન્ટ સ્કીમનો લાભ લઈને જતા રહેનારાંની સંખ્યા નોંધપાત્ર છે તો બીજી તરફ યુએઈમાં સ્થાયી થનારાંનું પ્રમાણ પણ મોટું છે. ભારતમાં વ્યાપક આર્થિક હિતો હોય ઓવા મિલિયોનર યુએઈ જવાનું પસંદ કરે છે જ્યારે કાયમ માટે ભારત છોડનારાંની પહેલી પસંદગી અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશો છે.

News-Focus

Google NewsGoogle News