Get The App

1 કિલો એનરિચ યૂરેનિયમથી 2.40 કરોડ કિલોવોટ વીજળી પેદા થાય

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
1 કિલો એનરિચ યૂરેનિયમથી 2.40 કરોડ કિલોવોટ વીજળી પેદા થાય 1 - image


- ન્યૂક્લિયર એનરિચમેન્ટ પ્રોસેસ : ઈરાન વીજળીના નામે જે કરી રહ્યું છે તેની સામે અમેરિકા સહિતના દેશોને વાંધો છે

- 1 કિલો યૂરેનિયમ દ્વારા ઉત્પન્ન થતી વીજળી થકી 6,666 મકાનોને એક વર્ષ સુધી વીજ પૂરવઠો આપી શકાય છે, આ ઉપરાંત 1.2 અબજ મોબાઈલ ચાર્જ કરી શકાય છે કે પછી 41,667 વર્ષ સુધી એસી ચલાવી શકાય છે : ઈરાન દ્વારા 60 ટકા યૂરેનિયમ એનરિચમેન્ટ કરી દેવાયું છે અને હવે વધુ થશે તો કટોકટી સર્જાશે : ન્યૂક્લિયર એનરિચમેન્ટ પ્રોસેસ દરમિયાન 3 ટકા વીજળી ઉત્પાદનમાં 90 ટકા વિસ્ફોટનું જોખમ : યૂરેનિયમ-235નું કમ્પ્રેશન બેકાબુ બની જાય તો ભયાનક વિસ્ફોટ થાય જે શહેરોના શહેરો નષ્ટ કરી શકે

ઈઝરાયેલ દ્વારા યુદ્ધની સ્થિતિ વચ્ચે સતત ઈરાનના ન્યૂક્લિયર પાવર પ્રોજેક્ટ અને ન્યૂક્લિયર સાઈટ્સને નષ્ટ કરવા માટે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલના હુમલામાં ઈરાનના ઘણા પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા છે. ઈરાનના આ ન્યૂક્લિયર ઠેકાણા ગુપ્ત બંકરોમાં છે છતાં વ્યાપક નુકસાનના સમાચાર છે. હવે ચિંતા એ વાતની છે કે, ઈઝરાયેલ દ્વારા નતાંજ અને ફોર્ડો યૂરેનિયમ સંવર્ધન કેન્દ્ર ઉપર હુમલા કરાયા છે. તે ઈરાનના ન્યૂક્લિયર બોમ્બ બનાવવાના કામને અટકાવવા અને સદંતર બંધ કરવા માગે છે. 

ઈરાનના પ્લાન્ટમાં કંઈક અલગ સ્તરે કામ થાય છે. તેમાં યૂરેનિયમ રિફાઈનિંગનું કામ કરવામાં આવે છે. અહીંયા હુમલા ગંભીર હશે તો ન્યૂક્લિયર લીક થવાની શક્યતા છે. જે લોકો માટે જોખમી બની જશે.

વાત એવી છે કે, યૂરેનિયમ એક એવી ભારે ધાતૂ છે જે પૃથ્વીના પેટાળમાં કુદરતી રીતે મળે છે. તેમાં યૂરેનિયમ ૨૩૮ અને યૂરેનિયમ ૨૩૫ નામના બે આઈસોટોપ હોય છે. તેમાં યૂરેનિયમ ૨૩૮નું પ્રમાણ ૯૯.૩૦ ટકા જેવું હોય છે. બીજી તરફ યૂરેનિયમ ૨૩૫ માત્ર ૦.૭૦ ટકા જેવું જ હોય છે. તેમ છતાં સૌથી ઉપયોગી યૂરેનિયમ ૨૩૫ જ છે. તેનું વિભાજન કરીને પ્રોસેસ કરવામાં આવે છે જેનાથી એનર્જી ઊભી થાય છે. 

આ પ્રોસસેમાં ન્યૂટ્રોન એક યૂરેનિયમ ૨૩૫ સાથે અથડાય છે અને તેમાંથી વિશાળ ઊર્જા અને નવા ન્યૂટ્રોન વિઘટિત કરીને છૂટા કરે છે. આ પ્રક્રિયા નિયંત્રણમાં ચાલે તો વીજળી ઉત્પન્ન થાય છે. તેના ઉપરનું નિયંત્રણ જતું રહે તો ભયાનક વિસ્ફોટ થાય છે. 

મહત્ત્વની વાત એ છે કે, યૂરેનિયમમાં ૯૨ પ્રોટોન હોય છે. તે ઉપરાંત તેમાં ન્યૂટ્રોનની સંખ્યા પણ અલગ હોય છે. આ યૂરેનિયમ જે અલગ અલગ તત્ત્વોથી બને છે તેને આઈસોટોપ કહેવામાં આવે છે. યૂરેનિયમ કુદરતી રીતે તો એક પથ્થર જેવું દેખાતું હોય છે. 

આ એનરિચમેન્ટ પ્રોસેસ મોટાભાગે સેન્ટ્રીફ્યૂઝન પ્લાન્ટમાં જ કરવામાં આવે છે. ઈરાન પાસે આવી સુવિધા છે. યૂરેનિયમ ૨૩૮ને યૂરેનિયમ ૨૩૫માં પરિવર્તિત કરવાની પ્રક્રિયાને સેન્ટ્રીફ્યૂઝ કહેવામાં આવે છે. રોટરનો ઉપયોગ કરીને તેને પ્રતિ મિનિટ ૫૦ થી ૭૦ હજાર ચક્કરમાં ફેરવવામાં આવે છે. સેન્ટ્રીફ્યૂઝની દીવાલો પ્રતિ સેકન્ડ ૪૦૦થી ૫૦૦ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરતી હોય છે. તેમાં ભારે યૂરેનિયમ ૨૩૮ સેન્ટ્રીફ્યૂઝના કિનારાઓ ઉપર ભેગો થાય છે. જ્યારે એનરિચ થયેલો યુરેનિયમ ૨૩૫ વચ્ચે રહે છે. 

આ પ્રક્રિયાનું અનેક વખત પૂનરાવર્તન કરવામાં આવે ત્યારે એનરિચ યૂરેનિયમ મળે છે. મોટાભાગે નાગરિક પરમાણુ રિએક્ટરમાં મધ્યમ ગુણવત્તાના યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે જેને ૩ થી ૫ ટકા જેટલો એનરિચ કરવામાં આવે છે. આ યૂરેનિયમ વીજળી ઉત્પનન કરવા માટે પૂરતો છે. 

બીજી બાબત એવી છે કે, ન્યૂક્લિયર પાવર રિએક્ટર કે પછી વેપન રિએક્ટરમાં આઈસોટોપની સરેરાશને સતત બદલવી પડે છે અને તેના આધારે જ વીજળી અથવા તો હથિયાર માટેનો પદાર્થ તૈયાર થાય છે. મુખ્ય બે યૂરેનિયમ આઈસોટોપમાં માત્ર યૂરેનિયમ ૨૩૫નું જ વિભાજન થાય છે. તેમાં ન્યૂટ્રોન દ્વારા પરમાણુનું વિભાજન કરવામાં આવે છે. ન્યૂટ્રોનનું વધારે વિભાજન વધારે ઊર્જા ઉત્પન્ન કરે છે. 

આ પ્રક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં ઊર્જા નિકળે છે. પરમાણુ હથિયારો બનાવવા માટે પણ આ જ એનરિચમેન્ટ અને યૂરેનિયમની જરૂર પડે છે. 

હાલમાં દુનિયામાં ૯ ટકા વીજળી યૂરેનિયમના એનરિચમેન્ટ ફિશન દ્વારા થાય છે. ઈરાનમાં તો માત્ર ૩ ટકા વીજળી આ રીતે બને છે પણ તેમાં ૯૦ ટકા વિસ્ફોટ થવાનું જોખમ રહેલું છે. ઈરાનમાં પણ એનરિચમેન્ટ પ્રોસેસ ખૂબ ઝડપી ચાલે છે. તેણે ૬૦ ટકા યૂરેનિયમ એનરિચ કરી દીધો છે. તે હવે ૯૦ ટકા કરવાની ફિરાકમાં છે. દુનિયાને ચિંતા છે કે, ૬૦ ટકાથી ૯૦ ટકા જવામાં વધારે સમય લાગતો નથી. આ સંજોગોમાં જો વિસ્ફોટ થયા કે હથિયારોનો ઉપયોગ થવા લાગ્યો તો દુનિયામાં તબાહી આવી જશે. લાખો લોકોનાં અકારણ મોત થઈ જશે.

ખાસ વાત એ છે કે, વિસ્ફોટક ચેન રિએક્શન માટે યૂરેનિયમ ૨૩૫ને ઉચ્ચ સ્તરે વધારેમાં વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. તેના કારણે વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. ન્યૂક્લિયર પાવર પ્રોજેક્ટ્સમાં આ રીતે જ વીજળી ઉત્પાદિત કરવામાં આવે છે. હવે ટેકનિકલી વિચારીએ તો પરમાણુ હથિયારને ૨૦ ટકા યૂરેનિયમ ૨૩૫થી બનાવવામાં આવે છે. આ ઘણો સમૃદ્ધ અને શુદ્ધ યૂરેનિયમનો જથ્થો ગણાય છે. આ રીતે તેને વધારે સમૃદ્ધ કરી કરીને તેને એરનિચરમેન્ટની ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં આવે છે. 

જાણકારો માને છે કે, ન્યૂક્લિયરને જેટલો એનરિચ કરવામાં આવે તેટલો જ તે કદમાં નાના અને હલકો થઈ જાય છે. જેટલા દેશો દ્વારા પરમાણુ હથિયારો બનાવવામાં આવ્યા છે અને જેટલા બનાવી રહ્યા છે તેમના દ્વારા મોટેભાગે ૯૦ ટકા એનરિચ ન્યૂક્લિયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી હથિયારો વધારે ઘાતક અને વિસ્ફોટક બની શકે. 

જાણકારોના મતે યૂરેનિયમને જ્યારે એનરિચ કરવામાં આવે છે, તેનું સંવર્ધન કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે, તેના ઉપર વિશેષ પ્રોસેસ કરવામાં આવે છે. તેમાં યૂરેનિયમ ૨૩૫નું પ્રમાણ વધારવામાં આવે છે. આધુનિક મશિનો દ્વારા યૂરેનિયમને ગેસ સ્વરૂપે લાવીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. જેમ સ્પીનરમાંથી પાણી બહાર આવે છે તેવી જ રીતે આ પ્રોસેસમાં ભારે યૂરેનિયમ કે જે યૂરેનિયંમ ૨૩૮ છે તે બાહ્ય દીવાલ તરફ ગતિ કરે છે અને હલકો યૂરેનિયમ ૨૩૫ અંદરની તફ ભેગો થાય છે. આ પ્રક્રિયા સેંકડો વખત કરવામાં આવે છે જેથી યૂરેનિયમ ૨૩૫નું પ્રમાણ વધતું જાય છે. 

પરમાણુ રિએક્ટરમાં લો એનરિચ્ડ યૂરેનિયમનો ઉપયોગ થાય છે. તેમાં યૂરેનિયમ ૨૩૫નું પ્રમાણ ૩-૫ ટકા હોય છે. પરમાણુ બોમ્બમાં ૯૦ ટકા હોય છે. તેને વેપનગ્રેડ પણ કહેવામાં આવે છે. ટેકનિકલી વિચારીએ તો ૨૦ ટકા એનરિચ્ડ યૂરેનિયમ પણ હથિયાર બનાવવા પૂરતો છે તો ૯૦ ટકા ભેગો થાય તો તે કેવી તબાહી મચાવી શકે છે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. તેના કારણે જ દુનિયાની મહાસત્તાઓ અને યુએન યૂરેનિયમ એનરિચમેન્ટ અંગે કડક પગલાં ભરી રહી છે.

વાત એવી ચર્ચાઈ રહી છે કે, ઈરાને ન્યૂક્લિયર વીજળીના નામે હથિયારો બનાવવા ઘણું કામ કર્યું છે. તેણે ન્યૂક્લિયર એનરિચમેન્ટ પ્રોસેસ દ્વારા ૬૦ ટકા જેટલું યૂરેનિયમ એનરિચ કરી નાખ્યું છે. તેની પાસે હાલમાં ૪૦૮.૬ કિલો એનરિચ યૂરેનિયમ ભેગો થયેલો છે. આ વર્તમાન સ્થિતિની માત્ર ફેબુ્રઆરીના આંકડા સાથે સરખામણી કરીએ તો તે ત્રણ ગણો થઈ ગયો છે. ફેબુ્રઆરીમાં તેણે જારી કરેલા આંકડા પ્રમાણે તેની પાસે ૧૩૩.૯ કિલો યૂરેનિયમ હતું. 

યુએનની ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીનું માનવું છે કે, હાલમાં ઈરાન પાસે જે જથ્થો છે તેમાંથી ૧૦ પરમાણુ હથિયારો બની શકે તેમ છે. કદાચ ઈરાને બનાવી પણ લીધા હોય તો નવાઈ પામવા જેવું નથી. 

સમજવા જેવી વાત એ છે કે, યૂરેનિયમ ૨૩૫ કે જે એનરિચમેન્ટ માટેનું મુખ્ય ઘટક છે તેના તૈયાર કર્યા બાદ ૧ કિલો એનરિચ યૂરેનિયમ ખૂબ જ ઉપયોગી થઈ જાય છે. 

૧ કિલો યૂરેનિયમમાંથી ૨.૪૦ કરોડ કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે. જાણકારોના મતે આ વીજળી ૨૦ ટેરાજૂલ અથવા તો ૧,૧૧૧ મેગાવોટ-પ્રતિકલાક જેટલી વીજળી ગણાય તેમ છે. આ વીજળીના ઉપયોગની વાત કરીએ તો ભારતમાં સરેરાશ એક ઘરનો વાર્ષિક વીજ વપરાશ ૩૬૦૦ કિલોવોટ છે. ૧ કિલો યૂરેનિયમ-૨૩૫ને એનરિચ કરવામાં આવે તો તેમાંથી જે વીજળી મળે છે તેના દ્વારા ૬,૬૬૬ મકાનોને આખું વર્ષ વીજળી પહોંચાડી શકાય તેમ છે. અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, એનરિચમેન્ટ પ્રોસેસ ખૂબ જ ગંભીર અને જોખમી હોય છે. તેમાં સહેજ પણ ગફલત થાય તો ભયાનક વિસ્ફોટની શક્યતા રહે છે. તેના કારણે અનેક લોકોનાં મોત થઈ શકે છે.

1 કિલો યૂરેનિયમમાંથી 3 લાખ ઈ-કાર ચાર્જ કરી શકાય છે 

યૂરેનિયમ એનરિચમેન્ટ પ્રોસેસ કરવા દરમિયાન સૌથી વધારે ઊર્જા ઉત્પન્ન થતી હોય છે. કોલસો, ક્રૂડ કે અન્ય માધ્યમો કરતા લાખો ગણી વધારે ઊર્જા માત્ર ૧ કિલો એનરિચ યૂરેનિયમ થકી મળે છે. 

જાણકારોના મતે ૧ કિલો એનરિચ યૂરેનિયમ દ્વારા જે ઊર્જા ઉત્પન્ન થાય છે તેટલી ઊર્જા જો કોલસાથી ઉત્પન્ન કરવામાં આવે તો ૧૬૦ ટન કોલસો જોઈએ. સંશોધકોના મતે ૧ કિલો એનરિચ યૂરેનિયમ દ્વારા ૨.૪૦ કરોડ કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે. હવે તેનાથી એસી ચલાવવા, મોબાઈલ ચાર્જ કરવા કે મકાનોમાં વીજળી પૂરી પાડવી અથવા તો ઈલેક્ટ્રિક કારને ચાર્જ કરવામાં આવે તો કેટલું બધું કરી શકાય છે તે પણ જાણવું રસપ્રદ છે. સામાન્ય રીતે એક ૧.૫ ટનના એસી દ્વારા પ્રતિ કલાક ૧.૫-૨.૫ કિલોવોટ વીજળીની ખપત કરવામાં આવે છે. તેવી જ રીતે એક મોબાઈલ ૧૦૦ ટકા ચાર્જ થવા માટે ૦.૦૧૫-૦.૦૨ કિલોવોટ વીજળીની જરૂર પડે છે. તેવી જ રીતે એક ઈલેક્ટ્રિક કારને ૧ કિ.મી ચાલવા માટે ૦.૧૫-૦.૨૦ કિલોવોટ વીજળીની જરૂર પડે છે. આ ગાડીને ચાર્જ કરવા માટે ૮૦ કિલોવોટની જરૂર પડે છે. હવે વિચાર કરીએ કે ૨.૪૦ કરોડ કિલોવોટ વીજળીનો કેટલો બધો ઉપયોગ થઈ શકે. આ વીજળી દ્વારા એક એસી સરેરાશ વપરાશ પ્રમાણે ચલાવવામાં આવે તો અંદાજે ૪૧,૬૬૭ વર્ષ ચાલી શકે તેમ છે. તેવી જ રીતે આ એક એસીને ૨૪ કલાક અને સાતેય દિવસ સતત ચાલુ રાખવામાં આવે તો પણ ૧,૩૭૦ વર્ષ ચાલે તેટલી વીજળી મળે છે. તેવી જ રીતે આ વીજળીમાંથી જો મોબાઈલ ચાર્જ કરવામાં આવે તો દુનિયામાં ૧.૨ અબજ મોબાઈલ ૧૦૦ ટકા ચાર્જ કરી શકાય તેમ છે. તેવી જ રીતે ઈલેક્ટ્રિક કારની વાત કરીએ તો આ ઊર્જા દ્વારા ૩ લાખ ઈલેક્ટ્રિક ગાડીઓને ચાર્જ કરી શકાય છે. 

Tags :