- શ્રીલંકાના પ્રમુખપદની ચૂંટણીના પરિણામો ભારત માટે આઘાત જનક છે, કેમ કે માર્ક્સવાદી વિચારધારા ધરાવતા અનુરાની ગણતરી ચીનના પીઠ્ઠુ તરીકે થાય છે
- ભારત અને શ્રીલંકા વચ્ચે 1998ની સાલમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો હતો. આ કરારનો વ્યાપ વધારવા માટેની વાટાઘાટો ચાલી રહી છે પણ અનુરા સત્તામાં આવતાં જ તેને અભરાઈ પર ચડાવી દેવાશે તેથી ભારતને મોટો આર્થિક ફટકો પડશે. જો કે ભારત માટે તેના કરતાં પણ મોટો ખતરો કચ્ચાથીવુ ટાપુ પર ચીનનું લશ્કરી થાણું બની જાય તેનો છે. ઈન્દિરા ગાંધીએ 1974માં તાસકમાં ધરીને ભેટમાં આપી દીધેલો કચ્ચાથીવુ ટાપુ પાછા લેવા ભારત લંકા પર દબાણ કરી રહ્યું છે. બીજી તરફ ચીનનો ડોળો પણ આ ટાપુ પર છે કેમ કે ચીન કચ્ચાથીવુ ટાપુ પર પોતાનું લશ્કરી થાણું નાંખીને ભારત ફરતે ગાળિયો કસવા માંગે છે. એકેડી તરીકે ઓળખાતા અનુરા પ્રમુખ બનતાં ચીનની આ મેલી મુરાદ પૂરી થઈ જશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
શ્રીલંકામાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામ આવી ગયાં અને ભારત માટે આ પરિણામ અત્યંત આઘાતજનક છે કેમ કે સામ્યવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા પ્રમુખ બન્યા છે. માર્ક્સવાદી વિચારધારા ધરાવતા અનુરાની ગણતરી ચીનના પીઠ્ઠુ તરીકે થાય છે તેથી અનુરા પ્રમુખ બનતાં લંકા ફરતે ચીનનો ગાળિયો મજબૂત બનશે જ્યારે ભારત વિરોધી માહોલ ઉગ્ર બનશે એવું મનાય છે. અનુરા જનથા વિમુક્થિ પેરામુના (જેપીવી)ના નેતા છે.
જેવીપી ભારત અને શ્રીલંકા વચ્ચેના કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (સીઈપીએ)ની વિરૂધ્ધ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૯૯૮ની સાલમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો હતો. હાલમાં આ કરારનો વ્યાપ વધારવા માટેની વાટાઘાટો ચાલી રહી છે પણ જેવીપી તેની વિરૂદ્ધ હતી તેથી અનુરા સત્તામાં આવતાં જ તેને અભરાઈ પર ચડાવી દેવાશે એવો ખતરો છે. સ્વાભાવિક રીતે જ તેના કારણે ભારતને મોટો આર્થિક ફટકો પડશે.
જો કે ભારત માટે તેના કરતાં પણ મોટો ખતરો કચ્ચાથીવુ ટાપુ પર ચીનનું લશ્કરી થાણું બની જાય તેનો છે. ઈન્દિરા ગાંધીએ ૧૯૭૪માં તાસકમાં ધરીને ભેટમાં આપી દીધેલો કચ્ચાથીવુ ટાપુ પાછા લેવા ભારત લંકા પર દબાણ કરી રહ્યું છે. બીજી તરફ ચીનનો ડોળો પણ આ ટાપુ પર છે કેમ કે ચીન કચ્ચાથીવુ ટાપુ પર પોતાનું લશ્કરી થાણું નાંખીને ભારત ફરતે ગાળિયો કસવા માંગે છે. એકેડી તરીકે ઓળખાતા અનુરા પ્રમુખ બનતાં ચીનની આ મેલી મુરાદ પૂરી થઈ જશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
કચ્ચાથીવુ દ્વીપ ભારત અને શ્રીલંકા બંનેની વચ્ચે સમુદ્રકિનારેથી દૂર આવેલો ૨૮૫ એકરમાં ફેલાયેલો ટાપુ છે. ભારતથી માત્ર ૫૦ કિમી દૂર આવેલા કચ્ચાથીવુ પર કબજો કરીને ચીન લશ્કરી થાણું નાંખી દે તો ભારતની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થઈ જાય. એડીકે પ્રમુખ બનતાં ભારત પર આ સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે.
કચ્ચાથીવુ ભારતનો જ ભાગ હતો પણ કોંગ્રેસ સરકારે વધારે પડતી ઉદારતા બતાવીને શ્રીલંકાને આપી દીધો. પાકિસ્તાને કાશ્મીરમાં ગેરકાયદેસર કબજે કરેલો કેટલોક વિસ્તાર ચીનને આપી દીધો એ રીતે એડીકે કચ્ચાથીવુ ચીનને આપી દે તો લડાખ અને પીઓકેની જેમ કચ્ચાથીવુ ભારત માટે કાયમી માથાનો દુઃખાવો બની જશે.
કચ્ચાથીવુ પણ કાશ્મીર સમસ્યાની જેમ જવાહરલાલ નહેરૂની દેન છે. નહેરૂ ૧૯૬૪માં ગુજરી ગયા ત્યારે જે સમસ્યાઓ આ દેશ માટે છોડી ગયા તેમાં એક કચ્ચીથીવું ટાપુની પણ હતી. નહેરૂ પછી આવેલા લાલ બહાદુર શાસ્ત્રી પાસે કચ્ચાથીવુ વિવાદ ઉકેલવાનો સમય નહોતો પણ ઈન્દિરા ગાંધીએ નેહરૂએ જેવું જ વલણ અપનાવ્યું. નહેરૂએ લોકસભામાં કહેલું કે, તેમના માટે આ નાનકડા ટાપુનું કોઇ મહત્વ નથી અને તેની પર દાવો છોડી દેવા માટે તૈયાર છે.
ઈન્દિરા ગાંધી ૧૯૬૬માં વડાપ્રધાન બન્યાં અને ૧૯૬૭માં તમિલનાડુમાં કોંગ્રેસને પછાડીને ડીએમકેના અન્નાદુરાઈ મુખ્યમંત્રી બન્યા એ સાથે જ કચ્ચાથીવુનો મુદ્દો ચગ્યો ત્યારે ઈન્દિરા સરકારે સરકારે સ્પષ્ટતા કરેલી કે કચ્ચાથીવુ ટાપુ અંગે શ્રીલંકા સાથે સમજૂતી નહીં કરાય કેમ કે આ 'વિવાદિત જગ્યા' છે. ઈન્દિરા એક તરફ ડાહી ડાહી વાતો કરતાં હતાં ને બીજી તરફ અંદરખાને શ્રીલંકા સાથે મંત્રણા કરતાં હતાં.
૧૯૭૩માં કોલંબોમાં વિદેશ સચિવ સ્તરની મંત્રણા પછી ભારત સરકારે કચ્ચીથીવુ ટાપુ પરનો હક છોડી દેવા માટે નિર્ણય લીધો. જૂન, ૧૯૭૪માં તેની જાણકારી તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી કરૂણાનિધિને અપાઈ. ભારતના વિદેશ સચિવ કંવલસિંહે એ વખતે પણ કહ્યું હતું કે, શ્રીલંકા ટાપુ પર પોતાનો હક દર્શાવવા માટે દસ્તાવેજી પુરાવા આપી શક્યું નથી. ડચ અને બ્રિટિશ નકશાઓમાં કચ્ચીથીવુને શ્રીલંકાના રાજ્ય જાફનાપટ્ટનમનો ભાગ દર્શાવવામાં આવ્યો છે તેથી આ દાવો ભારતીય સરવે ટીમે સ્વીકારી લીધો હતો. માત્ર નકશાના આધારે શ્રીલંકાનો અધિકાર માન્ય રાખીને ઈન્દિરાએ બહુ મોટી ભૂલ કરી હતી.
૧૯૭૪ના જૂનમાં ઇન્દિરા ગાંધીએ શ્રીલંકન પ્રમુખ સીરિમાવો ભંડારનાયકે સાથે ઈન્ડો-શ્રીલંકન મેરીટાઈમ એગ્રીમેન્ટ કરીને કચ્ચાથીવુને શ્રીલંકાના પ્રદેશ તરીકે સ્વીકારી લેતાં કચ્ચીથીવુ ટાપુ પર શ્રીલંકાનો કબજો થઇ ગયો. આ કરારમાં શરત રખાઈ હતી કે, ભારતીય માછીમારો કે ધાર્મિક કારણોસર જતા લોકોએ કચ્ચાથીવુ પર જવા માટે કોઈ વિઝા કે ટ્રાવેલ ડોક્યુમેન્ટની જરૂર રહેશે નહીં. ભારતીય માછીમારોને કચ્ચાથીવુ ટાપુ પર આરામ કરવા, નેટ સૂકવવા અને વાર્ષિક સેન્ટ એન્થોની ફેસ્ટીવલ માટે જવાની મંજૂરી આપવામાં આવી પણ માછલી પકડવાની મંજૂરી ન હતી. ૨૮ જૂન, ૧૯૭૮ના રોજ કોલંબોમાં શ્રીલંકાને સંપૂર્ણપણે ટાપુ સોંપી દેવાયો પછી શ્રીલંકાએ પોત પ્રકાશ્યું.
શ્રીલંકાએ ભારતીય માછીમારોને રોકવા માંડયા અને પરેશાન કરવા માંડયા. તમિલ બળવાખોરોએ શ્રીલંકામાં અલગ રાષ્ટ્રની માગણી શરૂ કરી પછી તો ભારતીયો પર તવાઈ શરૂ થઈ થતાં કચ્ચાથીવુ ટાપુ શ્રીલંકા પાસેથી પાછો લેવાની માંગ શરૂ થઇ ગઈ હતી. ૧૯૯૧માં તમિલનાડુ વિધાનસભાએ ઠરાવ પસાર કરીને કચ્ચાથીવુ ટાપુ પાછો લેવાની માગ કરી હતી. ૨૦૦૮માં તમિલનાડુનાં તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કચ્ચાથીવુ ટાપુ અંગે ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલી સમજૂતી અમાન્ય ઠેરવવાની વિનંતી કરી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો નથી પણ તમિલનાડુના રાજકીય પક્ષો આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે.
ડીએમકે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ચૂપ હતો પણ ભાજપ સત્તામાં આવતાં જ આ મુદ્દે હોહા કરવા માંડયો. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ૨૦૨૧ના જૂનમાં અને એપ્રિલ, ૨૦૨૨માં મોદીને મળીને કચ્ચાથીવુ ટાપુ પાછો લેવા માટે બે આવેદનપત્ર આપ્યાં. સ્ટાલિને તમિલનાડુના માછીમારોને થતાં નુકસાન અને સમસ્યાઓની દુહાઈ આપીને કચ્ચાથીવુ ટાપુ પાછો લેવા પર ભાર મૂક્યો છે. તમિલ પ્રજામાં કચ્ચાથીવુ આપી દેવા સામે રોષ છે. તમિલ બળવાખોરોને નાથવાના બહાને ૨૦૦૦થી શ્રીલંકાએ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો કર્યો પછી ભારતીય માછીમારોની કનડગત કરવા માંડી છે.
એકેડી કચ્ચાથીવું ભારતને નહીં સોંપે એ સંજોગોમાં શ્રીલંકા સામે ભારતે નવી રણનીતિ અપનાવવી પડશે.
મોદી સરકારની નિષ્ફળતા, સામ્યવાદી જીતશે તેની ખબર ના પડી ને ૩૪ હજાર કરોડ આપી દીધા
શ્રીલંકાની ચૂંટણીમાં અનુરા કુમાર દિસાનાયકેની જીત ભારત માટે આંચકાજનક છે અને નરેન્દ્ર મોદી સરકાર પાડોશી દેશોમાં રાજકીય પવનને પારખવામાં નિષ્ફળ ગઈ હોવાનો વધુ એક પુરાવો છે. ભારતે શ્રીલંકાને છેલ્લાં બે વર્ષમાં ૪૦૦ કરોડ ડોલર (૩૪,૦૦૦ કરો રૂપિયા)થી વધારેની સહાય કરી છે.
શ્રીલંકા ૨૦૨૨થી આર્થિક સંકટમાં છે. શ્રીલંકાની હાલત એ હદે ખરાબ થઈ ગઈ હતી કે, ક્રૂડ ઓઈલ ખરીદવાનાં નાણાં પણ નહોતાં. એ વખતે શ્રીલંકાથી તમામ દેશો દૂર ભાગતા હતા ત્યારે ભારતે તેને મદદ કરી હતી. શ્રીલંકાને કરેલી મદદના બદલામાં ભવિષ્યમાં શ્રીલંકા ભારત સાથે સારા સંબંધો રાખશે અને ભારતનાં હિતો સાચવશે એવી ગણતરી હતી પણ સામ્યવાદી પ્રમુખ ચૂંટાતાં ભારતની આ ગણતરી ઉંધી વળી જશે એવું લાગે છે.
વિદેશી બાબતોના નિષ્ણાતોના મતે, આ નરેન્દ્ર મોદી સરકારની કૂટનીતિની નિષ્ફળતા છે. ચીન શ્રીલંકાને સીધી મદદ કરીને આર્થિક રીતે ખુવાર થવાના બદલે પોતાના ઈશારે નાચે એવા સામ્યવાદી નેતાને ગાદી પર બેસાડવા માટે નાણાં ખર્ચી રહ્યું હતું ને ભારત ઘોરતું રહ્યું. લંકામાં સામ્યવાદી નેતા એકેડીતરફી ઝુકાવ છે તેની ભારતને ખબર જ ના પડી એ શરમજનક કહેવાય.
ચીન સ્ટ્રીંગ ઓફ પર્લ્સ પ્રોજેક્ટ હેઠળ વ્યૂહાત્મક મહત્વના વિસ્તારો પર કબજો કરી લેશે
એકેડી પ્રમુખ બનતાં ચીન માટે શ્રીલંકામાં મોસળમાં જમણવાર ને મા પિરસે એવો ઘાટ છે. ચીન એકેડીની મદદથી ધીરે ધીરે ઘણા વ્યૂહાત્મક વિસ્તારો પર કબજો કરી લેશે એવું મનાય છે. ચીને હંબોનટોટામાં ઓવું કર્યું જ છે
ચીને હંબનટોટા બંદરને વિકસાવવાના ઓઠા હેઠળ શ્રીલંકાને મદદ કરવા માંડી ત્યારે શ્રીલંકાને લાગેલું ચીનને બંદરનો વિકાસ કરવામાં ને આર્થિક હિતોમાં રસ છે એમ માનીને તેણે હા પાડી. ધીરે ધીરે ચીન ગાળિયો કસતું ગયું ને છેવટે જંગી દેવા હેઠળ દબાઇ ગયેલા શ્રીલંકાએ ૯૯ વર્ષની લીઝ પર આ બંદર ચીનને સોંપી દેવું પડયું. ચીન પોતાના નૌકાદળને પણ હંબનટોટામાં થાણું નાખવા દેવા દબાણ કરી રહ્યું છે પણ શ્રીલંકા અત્યાર સુધી તૈયાર નહોતું. હવે એકેડી આવતાં શ્રીલંકા આ મંજૂરી આપી દેશે એવું મનાય છે.
ચીન સ્ટ્રીંગ ઓફ પર્લ્સ પ્રોજેક્ટ હેઠળ ચીનથી શરૂ કરીને સુદાન બંદર સુધી કબજો કરવા માગે છે. હિંદ મહાસાગરમાં ચીન એક પછી એક દેશો પર કબજો કરવાની યોજનામાં આગળ વધી રહ્યું છે ને એ ભારત માટે ખતરનાક છે. એકેડીના લંકાના પ્રમુખ બનતાં ચીન માટે રસ્તો સરળ થઈ ગયો છે.


