For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોરેન સૌથી ભ્રષ્ટ રાજકીય પરિવાર : મની-મસલ પાવરના જોરે બેફામ

Updated: Mar 21st, 2024

Article Content Image

- છ - આઠ મહિના પછી ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પણ છે, હેમંત સોરેનની ભાભી સીતાએ ભાજપમાં જોડાઈ સમયસર સોગઠી મારી છે

- ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન જેલની હવા ખાઈ રહ્યા છે ત્યારે તેમનાં ભાભી સીતા જેએમએમ છોડીને ભાજપમાં જોડાઈ ગયાં. હેમંતની ગેરહાજરીમાં 80 વર્ષના શિબુ જેએમએમને ટકાવી રાખવા હવાતિયાં મારી રહ્યા છે ત્યારે જ મોટા દીકરાની વહુ પક્ષ છોડીને દુશ્મનની છાવણીમાં બેસી ગઈ છે. હેમંતનો નાનો ભાઈ બસંત જેએમએમ યુવા મોરચાનો પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી છે. બસંત પણ ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલો છે. હેમંતની પત્ની કલ્પના પણ સક્રિય થઈ ગઈ છે. શિબુએ બસંત અને કલ્પનાને સહારે મોરચો સંભાળ્યો છે.

ભારતમાં રાજકીય પરિવારોમાં સત્તાની ખેંચતાણમાં ભંગાણ નવી વાત નથી. નહેરૃ-ગાંધી ખાનદાનથી માંડીને પાસવાન પરિવાર સુધીના ઘણા પરિવારો એવા છે કે જેના સભ્યો સત્તા માટે સામસામે આવી ગયા હોય. આ યાદીમાં હવે સોરેન પરિવારનું નામ પણ આવી ગયું. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે ત્યારે તેમનાં ભાભી સીતો સોરેને જેએમએમ છોડીને ભાજપમાં જોડાઈ ગયાં. સીતા સોરેન જેએમએમની ટિકિટ પર વિધાનસભામાં ચૂંટાયેલાં. સીતાએ ધારાસભ્યપદેથી પણ રાજીનામું ધરી દીધું છે. 

ઝારખંડમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. છ-આઠ મહિના પછી વિધાનસભાની ચૂંટણી પણ છે તેથી રાજકીય રીતે ગરમીનો માહોલ છે. અત્યારે સોરેન પરિવારના મુખિયા હેમંત સોરેન જેલમાં છે. રાંચીની સાડા આઠ એકર જમીનની ફાળવણીમાં ભ્રષ્ટાચાર અને સાહિબગંજમાં ગેરકાયદેસર રીતે ખાણોમાં ખનનના કેસમાં હેમંતને જેલભેગા કરી દેવાયા પછી સોરેન પરિવાર રાજકીય રીતે અસ્તિત્વનો જંગ લડી રહ્યો છે. 

હેમંતની ગેરહાજરીમાં ૮૦ વર્ષના શિબુ સોરેન જેએમએમને ટકાવી રાખવા હવાતિયાં મારી રહ્યા છે ત્યારે જ મોટા દીકરાની વહુ પક્ષ છોડીને દુશ્મનની છાવણીમાં બેસી ગઈ છે. હેમંતનો નાનો ભાઈ બસંત જેએમએમ યુવા મોરચાનો પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી છે. બસંત પણ ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલો છે. હેમંતની પત્ની કલ્પના પણ સક્રિય થઈ ગઈ છે. શિબુએ બસંત અને કલ્પનાને સહારે મોરચો સંભાળ્યો છે. 

સીતા સોરેન ભાજપમાં જોડાયાં એ માટે હેમંતની પત્ની કલ્પનાને મળી રહેલા વધારે પડતા મહત્વને જવાબદાર ગણાવાય છે પણ વાસ્તવમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેને માટે જવાબદાર છે. નોટ ફોર વોટ કેસમાં ધારાસભ્યો કે સાંસદોને લાંચ લેવાની છૂટ નથી એવો ચુકાદો આવ્યો પછી સીતાને ૨૦૧૨ના કેસમાં સજા થવાની પૂરી શક્યતા છે. સીબીઆઈથી બચવા સીતા ભાજપના શરણે ગઈ છે. ભાજપના વોશિંગ મશીનમાં પોતાનાં પાપ પણ ધોવાઈ જશે એવું સીતાને લાગે છે.  

ઝારખંડમાં સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કર્તાહર્તા શિબુ સોરેનના પરિવારમાં લાંબા સમયથી સત્તાની સાઠમારી ચાલતી હતી.  શિબુનો રાજકીય વારસ તેમનો મોટો દીકરો દુર્ગા હતો. શિબુને હેમંત અને બસંત એમ બીજા બે દીકરા છે પણ દુર્ગા જીવતો હતો ત્યારે હેમંત કે બસંત ચિત્રમાં જ નહોતા. દુર્ગાના ૨૦૦૯માં મોત પછી બંને રાજકારણમાં સક્રિય થયા.

દુર્ગાના મોત પછી શિબુ સોરેને હેમંતને રાજકીય વારસ બનાવ્યો એ સાથે જંગ શરૃ થયો કેમ કે સીતા મહત્વાકાંક્ષી હતી. સીતાને દુર્ગાની પત્નની તરીકે જેએમએમમાં શિબુ સોરેન પછી નંબર ટુ બનવાના અભરખા હતા પણ શિબેએ મચક ના આપી. પરિવારનો ઝગડો જાહેરમાં ના આવે એટલે શિબુ સોરેને સીતાને ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપતાં હેમંત અને સોરેનની રાજકીય કારકિર્દી સાથે જ શરૃ થઈ પણ શિબુ સોરેને હેમંતને જ રાજકીય વારસ બનાવી દેતાં ૨૦૧૩માં હેમંત પહેલી વાર મુખ્યમંત્રી બન્યો. 

હેમંત ભણેલો છે તેથી તેણે ઝડપથી જેએમએમ પર પકડ જમાવીને સીતાને હાંસિયામાં ધકેલી દીધી. તેના કારણે ધૂંધવાયેલી સીતા વચ્ચે વચ્ચે બળાપા કાઢયા કરતી પણ કોઈ તેને ગંભીરતાથી લેતું નહીં. ૨૦૧૯માં હેમંત ફરી મુખ્યમંત્રી બન્યો પછી સીતા સતત સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા જ કરતી હતી પણ શિબુ કે હેમંત તેને ગણકારતા નહોતા.

બીજી તરફ હેમંત જેલમાં ગયો એ પહેલાં હેમંતના સ્થાને તેની પત્ની કલ્પનાને મુખ્યમંત્રી બનાવવાની વાત શરૃ થતાં સીતા ભડકી. તેને પોતાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી વળતું લાગ્યું એટલે કલ્પનાને મુખ્યમંત્રી બનાવાય તો બગાવત કરવાની ચીમકી આપેલી.  શિબુએ પરિવારનો જાહેરમાં ભવાડો ના થાય એટલે વચલો રસ્તો કાઢીને ચંપઈને મુખ્યમંત્રી બનાવી દીધા. તેના કારણે બધું શાંત થયેલું ત્યાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી જતાં સીતા માટે ભાજપ શરણમ્ ગચ્છામિ સિવાય બીજો રસ્તો જ નહોતો બચ્યો.  

સીતાના કારણે ભાજપને રાજકીય ફાયદાની શક્યતા નહિવત છે કેમ કે સીતા ભલે સોરેન હોય પણ ઝારખંડમાં અસલી તાકાત શિબુ સોરેન પાસે છે. સાંથાલી આદિવાસીઓમાં દિશોમ ગુરૃ (દેશના ગુરૃ) તરીકે ઓળખાતા  શિબુ સોરેનને પરિવાર ભારતના સૌથી ભ્રષ્ટ રાજકીય પરિવારોમાંથી એક છે. શિબુ સોરેન ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા, ત્રણ વાર કેન્દ્રીય મંત્રી બન્યા, હેમંત બે વાર મુખ્યમંત્રી બન્યો. આ દરમિયાન આ પરિવારે અબજોનો ભ્રષ્ટાચાર કર્યો છે તેથી સોરેન પરિવાર પાસે જબરદસ્ત મની પાવર તો છે જ પણ મસલ પાવર પણ છે. આ મસલ પાવરના જોરે જ શિબુ સોરેન ઝારખંડના રાજકારણમાં પોતાની ધાક અને વર્ચસ્વ જમાવી શક્યા છે. કુખ્યાત અપરાધીના નામે હોય એવા હત્યા, ધાડ સહિતના ગુના શિબુ સોરેન  સામે નોંધાયેલા છે. 

શિબુ સોરેને ૧૮ વર્ષની ઉંમરે સંથાલ નવયુવક સંઘની સ્થાપના કરીને એ વખતના બિહારમાં કાળો કેર વર્તાવેલો. શિબુએ ગુંડાગીરીથી ધાક ઉભી કર્યા પછી ૧૯૭૨માં એ.કે. રોય અને બિનોદ બિહારી મહાતો સાથે મળીને ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરીને આદિવાસીઓને અધિકારો અપાવવાના નામે ચળવળ શરૃ કરી. શિબુ બિન આદિવાસીઓની જમીનો પર કબજો કરીને આદિવાસીઓને ખેતી કરવા આપી દેતા તેથી ઝડપથી લોકપ્રિય થયા.

શિબુ પોતાની અદાલત ભરીને ન્યાય આપતા. તેમના ચુકાદાનું પાલન ના કરે તેને પતાવી દેવાતા.  ૧૯૭૫માં શિબુએ બહારનાં લોકોને આદિવાસી વિસ્તારોમાંથી હાંકી કાઢવા ચળવળ શરૃ કરી ત્યારે ૨૩ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ ચિરુદીહમાં ૯ મુસ્લિમો સહિત ૧૦ લોકોની હત્યા કરાઈ તેમાં શિબુ મુખ્ય આરોપી હતા. ૨૦૦૪માં આ કેસ ખૂલ્યો ત્યારે શિબુ સોરેન કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ કાઢતાં શિબુએ પણ દીકરા હેમંતની જેમ ભાગી જવું પડેલું. પોલીસે તેમને પકડયા પછી મહિનો જેલમાં પણ રહેવું પડેલું.

શિબુ સોરેન ૧૯૯૩ના જેએમએમ લાંચ કેસમાં પણ બદનામ થયેલા. નરસિંહરાવ સરકારની તરફેણમાં મતદાન કરવા બદલ સોરેને લાખોની લાંચ લીધેલી. તેમનો પર્સનલ સેક્રેટરી શશિકાન્ત ઝા બધું જાણતો હતો તેથી હિસ્સો માંગતાં તેને પણ પતાવી દેવાયેલો. આ કેસમાં શિબુને આજીવન કેદની સજા થતાં ભારતના ઈતિહાસમાં કોઈ કેન્દ્રીય મંત્રીને ખૂન કેસમાં સજા થઈ હોય એવું પહેલી વાર બનેલું. શિબુ પછીથી નિર્દોષ છૂટી ગયેલા.

ભાજપ આવો ભવ્ય ભૂતકાળ ધરાવતા સોરેન પરિવારના કિલ્લાને સીતાના જોરે ભેદવા નિકળ્યો છે. ભૂતકાળમાં બીજા પક્ષોએ પણ એ પ્રયત્ન કરી જોયા પણ ફાવ્યા નથી. ગુરૃજી ઝારખંડમાં પાંચ દાયકાથી બેતાજ બાદશાહ છે.

પતિના રહસ્યમય મોત બદલ સીતા શંકાના ઘેરામાં

સીતાનો પતિ દુર્ગા સોરેન ૨૦૦૯માં ૩૯ વર્ષની ઉંમરે શંકાસ્પદ સંજોગોમાં ગુજરી ગયો એ પહેલાં શિબુનો રાજકીય વારસ મનાતો હતો. દુર્ગા આદિવાસી વિસ્તારોમાં સમાંતર સરકાર ચલાવતો. બાપ શિબુ સોરેનની જેમ અદાલતો ભરીને ન્યાય તોળતો. ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકરો તેનો પડયો બોલ ઉઠાવતા તેથી દુર્ગા છાકટો બનીને વર્તતો, બેફામ દારૃ પીતો અને આદિવાસીઓની છોકરીઓ સાથે અય્યાશીઓ કરતો. 

ડોક્ટરોએ દુર્ગાના મોતનું કારણ કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું આપેલું. દુર્ગાને અનેક રોગ હતા એવો દાવો પણ કરેલો. સોરેન પરિવારે દુર્ગાનું મોત ઉંઘમાં જ થઈ ગયેલું એવું કહેલું પણ મીડિયાના રીપોર્ટ પ્રમાણે ડોક્ટરોએ દાવો કરેલો કે, દુર્ગાને હોસ્પિટલ લવાયો ત્યારે તેનું શરીર અકડાઈ ગયેલું અને ઠંડું પડી ગયું હતું. 

બોકારોના તત્કાલિન એસપી લક્ષ્મણ પ્રસાદ સિંહે દુર્ગાની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી કેમ કે તેના માથાના પાછળના ભાગમાં વાગેલું હકું અને પથારી પાસે લોહીના છાંટા મળ્યા હતા. દુર્ગા ગુજરી ગયો ત્યારે શિબુ અને હેમંત સોંરેન દિલ્હી ગયેલા જ્યારે સીતા જ એકલી તેની સાથે હતી તેથી સીતા શંકાના દાયરામાં આવી ગઈ હતી.. સોરેન ત્યારે કેન્દ્રમાં મંત્રી હતા તેથી કેસ દબાઈ ગયેલો પણ ભાજપે દુર્ગાના મોતની તપાસ કરવાનું બહુ પહેલું એલાન કરેલું તેથી ગમે ત્યારે કબાટમાંથી હાડપિંજર બહાર આવી શકે.

વોટ ફોર નોટ, સીતા સામે ભાજપના જ મારાંડીએ કેસ કરેલો

સીતા સોરેને દુર્ગાનો વારસો જાળવીને દુમકા-જામામાં ધાક જમાવી છે. સીતાની ત્રણ દીકરીઓ પૈકી  રાજશ્રી એમબીએ જ્યારે જયશ્રી વકીલ છે. વિજયશ્રી હજુ ભણે છે પણ જયશ્રી અને રાજશ્રી રાજકારણમાં સક્રિય છે. બંને દુર્ગા સોરેન સેના બનાવીને કોન્ટ્રાક્ટરો અને બિઝનેસમેન પાસેથી ખંડણી ઉઘરાવે છે. 

સુપ્રીમ કોર્ટે હમણાં વોટ ફોર નોટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો કે, મત આપવા કે સવાલ પૂછવાના બદલે ધારાસભ્ય કે સાંસદ નાણાં લે તો તેની સામે ભ્રષ્ટાચારનો કેસ થાય. સીતાએ ૨૦૧૨માં રાજ્યસભાની ચૂંટણી વખતે અપક્ષ ઉમેદવારને મત આપવા માટે કરોડો રૃપિયા લીધા હતા. હાલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બાબુલાલ મારાંડી ત્યારે ઝારખંડ વિકાસ મોરચાના પ્રમુખ હતા. 

મારાંડીએ કરેલી ફરિયાદના આધારે કેસ થયો પછી સીબીઆઈના દરોડામાં સીતાને ત્યાંથી અઢી કરોડ રૃપિયા મળ્યા હતા. સીબીઆઈએ ધરપકડ કરીને સીતાને નવ મહિના જેલની ખવડાવેલી. સીતાએ જામીન પર છૂટયા પછી કેસને રફેરદફે કરવા સાક્ષી રાજેશ પાંડેનું અપહરણ કરાવેલું. આ બંને કેસ રાંચીની સીબીઆઈ કોર્ટમાં ચાલે છે. સીતાએ સુપ્રીમ કોર્ટના ૧૯૯૯ના ચુકાદાને ટાંકીને પોતાને આ કેસમાં નિર્દોષ જાહેર કરવા અપીલ કરેલી પણ સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી દીધી છે.

Gujarat