Get The App

ગરમી નહીં પણ દૂષિત પાણી પીવાથી 110નાં મોત

Updated: Jun 21st, 2023

GS TEAM

Google News
Google News
ગરમી નહીં પણ દૂષિત પાણી પીવાથી 110નાં મોત 1 - image


- યુપી અને બિહારમાં હીટવેવની 110ના મોતનું સાચું કારણ મેળવવા ફાંફાં : ચોક્કસ વિસ્તારોમાં થયેલા મોતથી હીટવેવ સિવાયના કારણો હોઈ શકે

- ડોક્ટરોને જ ક્યાં કારણોસર મોત થઈ રહ્યાં છે તેની ખબર જ ના હોય તો પછી દર્દીઓની સારવાર કઈ રીતે કરી શકે ? કારણ ખબર ના હોય એ સંજોગોમાં દર્દીની સારવાર કરવાનો અખતરો ખતરનાક કહેવાય. આ અખતરા કરીને ડોક્ટરો અને સરકારી તંત્ર લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ડો. સિંહના કહેવા પ્રમાણે, મોટા ભાગના મૃતકોને છાતીમાં દુ:ખાવાનાં પ્રાથમિક લક્ષણો દેખાયાં હોય તો એ વળી મોટો ચિતાનો વિષય છે કેમ કે છાતીમાં દુ:ખાવાનો મતલબ હૃદયને લગતી સમસ્યા છે. દૂષિત પાણી પીવાથી છાતીમાં દુ:ખાવો થતો હોય તો એ ગંભીર કહેવાય. 

ઉત્તર પ્રદેશ અને બિહારમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ટપોટપ મરી રહ્યાં છે એ જોઈને આરોગ્ય નિષ્ણાતો ચોંકી ગયા છે. આમ તો ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે પણ ઉત્તર પ્રદેશ અને બિહાર એ બે રાજ્યોમાં સ્થિતી સૌથી ખરાબ છે. હીટ વેવે ઉત્તર પ્રદેશમાં ૬૮ અને બિહારમાં ૪૨ લોકો મળીને ૧૧૦ લોકોનો ભોગ લીધો છે. તેના કારણે બંને રાજ્યોની સરકારો તો દોડતી થઈ જ ગઇ છે પણ કેન્દ્ર સરકારે પણ આ વાતની ગંભીર નોંધ લઈને પોતાની ટીમ દોડાવવી પડી છે.

ઉત્તર પ્રદેશમાં બલિયા અને દેવરિયા એ બે જિલ્લા હીટવેવથી સૌથી પ્રભાવિત છે જ્યારે બિહારમાં જેહાનાબાદ જિલ્લામાં કાળઝાળ ગરમીનો કાળો કેર છે ને મોટા ભાગનાં મોત આ વિસ્તારોમાં જ થયાં છે. આ વિસ્તારોમાં હાલત એ હદે ખરાબ છે કે, સ્મશાનઘાટ પર અંતિમસંસ્કાર માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે અને હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડયા છે.   ઘણા બધા દર્દીઓની તો સ્ટ્રેચર પર કે જમીન પર સૂવાડીને જ સારવાર કરવી પડી રહી છે.

ચોંકાવનારી વાત એ છે કે, યુપીમાં ગરમીના કારણે લોકો મરી રહ્યાં છે એ મુદ્દે વિવાદ પણ થઈ ગયો છે. યુપીના એક ટોચના અધિકારીએ ગરમીના કારણે મોત થયાં હોવાની માહિતી આપી હતી પણ હવે સરકારી તંત્ર જુદી જ વાત કરી રહ્યું છે. 

યુપીના બલિયાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વડા દિવાકરસિંહે મીડિયાને ત્રણ દિવસ પહેલાં માહિતી આપેલી કે, ગરમીના કારણે ૨૫ જેટલાં લોકોનાં મોત થયાં છે. 

સિંહે દાવો કરેલો કે, મૃતકોમાં મોટા ભાગના ૬૦ વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો હતા કે જેમને કોઈ ને કઈ બિમારી હતી. ગરમી વધતાં તેમની તકલીફ વધી તેમાં ગંભીર સ્થિતીમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા. પૂરતી સારવાર અને દવાઓ આપવા છતાં પહેલેથી ખરાબ હાલત હોવાના કારણે તેમનાં મોત થયાં છે. 

આ નિવેદનના એક દિવસ પછી દિવાકર સિંહની બદલી કરી દેવાઈ. યુપીના આરોગ્ય મંત્રી બ્રજેશ પાઠકે સિંહના નિવેદનને બેજવાબદાર ગણાવીને બલિયામાં થઈ રહેલાં મોતની તપાસ માટે બે સીનિયર અધિકારીઓની ટીમને બલિયા મોકલવાની જાહેરાત કરી હતી. આ ટીમના સભ્ય ડો. એ.કે. સિંહે દિવાકરથી અલગ જ વાજું વગાડયું છે.

એ.કે. સિંહનું કહેવું છે કે, આ બધાં મોત હીટવેવથી જ થયાં એવું છાતી ઠોકીને કહી શકાય એમ નથી કેમ કે રાજ્યના બીજા જિલ્લાઓમાં આટલું ઉંચું તાપમાન હોવા છતાં આટલી સંખ્યામાં મોત થયાં નથી. બીજું એ કે, હીટવેવની અસર થાય એટલે કે લૂ લાગે ત્યારે શરીર ધખવા માંડે પણ જે દર્દીઓ ગુજરી ગયા કે હોસ્પિટલમાં દાખલ છે તેમના શરીરનું તાપમાન એટલું વધારે નથી. 

સામાન્ય રીતે લૂ લાગે ત્યારે જોરદાર તાવ આવે ને શરીરનું તાપમાન વધી જાય, ઝાડા-ઉલટી થાય, ચક્કર આવે કે શ્વાસ લેવામાં તકલીફ પડે એવાં લક્ષણો જોવા મળતાં હોય છે. 

ડો. એ.કે. સિંહનો દાવો છે કે, મૃતકોમાં મોટા ભાગનાં લોકોને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ હતી કે જે લૂ લાગવાના કારણે ના થાય. સિંહે તો દૂષિત પાણી પીવાના કારણે કે પછી બીજા કોઈ ભેદી કારણથી લોકો મરી રહ્યાં હોય એવી શંકા પણ વ્યક્ત કરી છે. 

ડો. સિંહની વાત સાચી હોય તો યુપી અને બિહારમાં વધારે મોટો ખતરો કહેવાય. ડોક્ટરોને જ ક્યાં કારણોસર મોત થઈ રહ્યાં છે તેની ખબર જ ના હોય તો પછી દર્દીઓની સારવાર કઈ રીતે કરી શકે ? કારણ ખબર ના હોય એ સંજોગોમાં દર્દીની સારવાર કરવાનો અખતરો ખતરનાક કહેવાય. આ અખતરા કરીને ડોક્ટરો અને સરકારી તંત્ર લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ડો. સિંહના કહેવા પ્રમાણે, મોટા ભાગના મૃતકોને છાતીમાં દુ:ખાવાનાં પ્રાથમિક લક્ષણો દેખાયાં હોય તો એ વળી મોટો ચિતાનો વિષય છે કેમ કે છાતીમાં દુ:ખાવાનો મતલબ હૃદયને લગતી સમસ્યા છે. દૂષિત પાણી પીવાથી છાતીમાં દુ:ખાવો થતો હોય તો એ ગંભીર કહેવાય. 

રસપ્રદ વાત એ છે કે, રાજ્ય સરકારે બનાવેલી સમિતીએ લૂના કારણે મોત નથી થયાં એવો દાવો કર્યો છે ત્યારે રાજ્ય સરકાર લોકોને લૂથી બચવાની અપીલ કરી રહી છે. રાજ્ય સરકારે તો લોકોને બપોરે ઘરની બહાર જ નહીં નિકળવાની સલાહ આપી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, યુપીમાં તાપમાન ૪૭ ડીગ્રી સુધી પહોંચી ગયું છે ત્યારે ઘરમાં ભરાઈ રહેવામાં જ સલામતી છે. 

જો કે મોટા ભાગના આરોગ્ય નિષ્ણાતો ડો. સિંહની વાતથી સહમત નથી. તેમનું માનવું છે કે, આડેધડ કપાઈ રહેલાં વૃક્ષોના કારણે યુપીમાંથી ગ્રીન બેલ્ટ ઘટી રહ્યો છે તેનું આ પરિણામ છે. યુપીમાં મે અને જૂનમાં ગરમી વધી જાય છે પણ ભાગ્યે જ ગરમી ૪૫ ડીગ્રી સેલ્િ૬સયસને પાર થતી હતી. આ વખતે ગરમી ૪૭ ડીગ્રીને પાર થઈ ગઈ છે. આવી જબરદસ્ત ગરમી પહેલાં પડી જ નથી તેનું કારણ ગ્લોબલ વોર્નિંગ છે. વિકાસના નામે વૃક્ષો કાપી કાપીને ઈમારતો બનાવાઈ રહી છે તેની કિંમત લોકો ચૂકવી રહ્યાં છે. 

નિષ્ણાતો તો ચેતવણી આપે છે કે, ઉત્તર ભારતમાં આડેધડ બાંધકામોના કારણે ભવિષ્યમાં સ્થિતી ગંભીર બની શકે છે. ભવિષ્યમાં તાપમાન ૫૦ ડીગ્રીને પાર થઈ જાય એવું પણ બને કેમ કે ઉત્તર ભારતમાં મેદાનો હોવાથી સૂર્યની ગરમીનો લોકોને સીધો અનુભવ થાય છે.  પહેલાં વૃક્ષો તેની તીવ્રતાને ઓછી કરી દેતાં પણ વૃક્ષો ઘટતાં ખતરો વધ્યો છે. ઉત્તરાખંડમાં આડેધડ બાંધકામોના કારણે જમીનનું બંધારણ નબળું પડી ગયું છે ને લોકો પર કેવો ખતરો છે તેનો ઉત્તરકાશી સહિતના વિસ્તારોમાં અનુભવ થઈ જ રહ્યો છે. ભવિષ્યમાં યુપી-બિહાર સહિતનાં રાજ્યોમાં ગરમીના કારણે લોકો મરશે. 

ગ્લોબલ વોર્મિંગની અસર, ભારતમાં ઋતુઓ ઉલટસૂલટ

હવામાન નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસરો ભારતમાં અનુભવાવા માંડી છે. 

ભારતમાં ૨૦૨૩ના વર્ષમાં જ હવામાન પર નજર નાંખશો તો ખબર પડશે કે, ભારતમાં ઋતુઓ એકદમ ઉલટસૂલટ થઈ ગઈ હોય એવી સ્થિતી છે. 

ભારતમાં સામાન્ય રીતે જાન્યુઆરીમાં ઠંડી પડે છે અને ફેબ્રુઆરીમાં ના ગરમી, ના ઠંડી એવું વાતાવરણ હોય છે. તેના બદલે ફેબ્રુઆરીમાં તાપમાન બહુ વધી ગયેલું. ૧૯૦૧થી તાપમાનની નિયમિત રીતે નોંધણી થાય છે.

 આ વખતે ફેબ્રુઆરીમાં પહેલાં કદી ના પડી હોય એટલી ગરમી પડી. માર્ચ  મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે આ વખતે વરસાદ પડી ગયો ને વાતાવરણ ભેજવાળું રહ્યું. એપ્રિલમાં પણ અસામાન્ય રીતે ઠંડું વાતાવરણ રહ્યું.

 મે મહિનામાં ઠંડક હતી પણ જૂનમાં અચાનક કલ્પના ના કરી હોય એવી ગરમી પડી ગઈ. 

રાજસ્થાનમાં સામાન્ય રીતે મે-જૂનમાં ભારે ગરમી પડે છે ત્યારે આ વખતે વરસાદ પડી ગયો.

 ગુજરાતમાં પણ જૂનના બીજા પખવાડિયામાં ચોમાસુ બેસતું હોય છે તેના બદલે પહેલાં જ જોરદાર વરસાદ પડી ગયો. 

ગરમીના કારણે દેશની જીડીપીમાં પાંચ ટકાનો ફટકો

ગયા વરસે મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં ભારતમાં વધતી જતી ગરમી અંગે એક રીપોર્ટ પ્રસિધ્ધ કરાયો હતો. 

આ રીપોર્ટમાં દાવો કરાયો હતો કે, ભારતમાં ૨૦૦૧થી ૨૦૨૧ દરમિયાન લૂ લાગવાના કારણે થતાં મોતમાં ૫૫ ટકાનો વધારો થયો છે. આ રીપોર્ટ પ્રમાણે, ગરમીના કારણે ભારતમાં ૨૦૨૧માં કામદારોના ૧૬૭ અબજ કલાક બગડયા હતા ને ભારતને અબજોનું નુકસાન થયું. ગરમીની સમસ્યા ના હોય તો ભારતની જીડીપીમાં પાંચ ટકાનો વધારો થઈ જાય. 

આ રીપોર્ટમાં દાવો કરાયો હતો કે, વધતી ગરમીના કારણે લોકોના આરોગ્ય પર પણ વિપરીત અસરો પડી રહી છે. લોકોને હૃદય અને શ્વાસની તકલીફો વધી રહી છે. લોકોને પૂરતી ઉંઘ નથી મળી રહી તેથી સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.

Tags :