News Focus

ભારતનો પાસપોર્ટ ભારતની નાગરિકતાનો પુરાવો નથી

By GS Team
26 Jun 20267 mins read
TukuTouch Logo
વિદેશ મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું કે, પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, માત્ર મુસાફરીનો દસ્તાવેજ છે. આ નિવેદનથી વિવાદ સર્જાયો છે, કારણ કે લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપતા પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો કેમ ન ગણી શકાય તેવો સવાલ ઉઠાવી રહ્યા છે. સરકારે સ્પષ્ટતા કરી કે આ દાયકાઓ જૂની કાનૂની સ્થિતિ છે. આધાર, પાન કે વોટર આઈડી પણ નાગરિકતાનો પુરાવો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનો પાસપોર્ટ ભારતની નાગરિકતાનો પુરાવો નથી
  • 21મી સદીમાં આ તે કેવું લોકતંત્ર નાગરિકતા પુરવાર કરવા કોઈ બંધારણીય માળખું જ નથી
  • પાસપોર્ટ ભારતીયોને વિદેશ પ્રવાસ કરવામાં, ત્યાં અભ્યાસ કરવા જવામાં કે વિદેશોમાં ભારતીય દૂતાવાસો દ્વારા મળતી સેવાઓનો લાભ લેવા અથવા તો આકરી કે કપરી સ્થિતિમાં દૂતાવાસની મદદ લેવા માટેનો આ મહત્ત્વનો આધાર પણ ગણાય છે. ભારતમાં જ કાયદાકિય સ્થિતિ એવી છે કે, ભારતના જ પાસપોર્ટને ભારતીયોની નાગરિકતા માટેનો પુરાવો ગણવામાં આવતો નથી : ભારતમાં જન્મના આધારે બર્થ સર્ટિફિકેટ અને તેને સંલગ્ન દસ્તાવેજોના આધારે વ્યક્તિની નાગરિકતા નક્કી કરવામાં આવે છે. આઝાદીથી 1987 સુધીમાં, ત્યારબાદ 2004 સુધીમાં અને 2004 પછી જન્મેલા લોકોના બર્થ સર્ટિફિકેટ તથા તેમના માતા-પિતાના વિવિધ સર્ટિફિકેટ સંયુક્ત રીતે જે-તે વ્યક્તિ ભારતીય હોવાનું સિદ્ધ કરે છે.
    ભારતમાં રહેતી કોઈપણ વ્યક્તિ ભારતની નાગરિક છે કે નહીં તે કેવી રીતે અને કયા દસ્તાવેજો દ્વારા સાબિત કરી શકાય છે. આ એક એવી બાબત છે જેના વિશે આજદિન સુધી ભારતીયોને જ ખબર નથી. ભારતીયો પાસે જાતભાતના વેરિફિકેશનના નામે જે દસ્તાવેજો બનાવવામાં આવે છે તે જ્યારે ખરેખર ઉપયોગમાં લેવામાં આવે ત્યારે માન્ય ગણાતા નથી. તાજેતરમાં ભારતીય પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય તેવું વિદેશ મંત્રાલયનું જ વલણ સામે આવતા વિવાદ થયો છે. આ વિવાદમાં સરકારે જે ખુલાસો કર્યો છે તે વધારે આંચકાજનક છે.
    કેન્દ્ર સરકારે તાજેતરમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ કોઈ નવો નિયમ કે તાજેતરનો નીતિગત ફેરફાર નથી, પરંતુ આ કાનૂની સ્થિતિ દાયકાઓથી અમલમાં છે. એક અધિકારીએ કહ્યું કે, એવું બિલકુલ નથી કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી તેવો નિર્ણય ગઈકાલે જ લેવાયો હોય, આ કાયદો વર્ષો જૂનો જ છે. હકિકતે બે દિવસ પહેલાં વિદેશ મંત્રાલય (MEA) દ્વારા 'પાસપોર્ટ સેવા દિવસ' નિમિત્તે ચિપ-આધારિત ઈ-પાસપોર્ટના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી રહી હતી. આ બ્રીફિંગ દરમિયાન મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે પાસપોર્ટ એ મુખ્યત્વે મુસાફરી માટેનો દસ્તાવેજ (ટ્રાવેલ ડોક્યુમેન્ટ) છે, તેથી તેને નાગરિકતાનો અંતિમ કે પાકો પુરાવો ન ગણવો જોઈએ. વિદેશ મંત્રાલયના આ નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે મોટી ચર્ચા જાગી હતી, લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે જે દસ્તાવેજ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ અને ઓળખ અપાવે છે, તેને જ દેશની નાગરિકતાનો પુરાવો કેમ ન માની શકાય?
    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિદેશમંત્રાલયે જણાવ્યું કે, પાસપોર્ટને ટ્રાવેલ ડોક્યુમેન્ટ કહી શકાય પણ વ્યક્તિની ઓળખ માટે તેનો દેશના નાગરિક તરીકેનો પુરાવો ન ગણી શકાય. આ એક એવું ડોક્યુમેન્ટ છે જે ભારતીયોને વિદેશ પ્રવાસ કરવામાં, ત્યાં અભ્યાસ કરવા જવામાં કે વિદેશોમાં ભારતીય દૂતાવાસો દ્વારા મળતી સેવાઓનો લાભ લેવા અથવ તો આકરી કે કપરી સ્થિતિમાં દૂતાવાસની મદદ લેવા માટેનો આ મહત્ત્વનો આધાર પણ ગણાય છે. ભારતમાં જ કાયદાકિય સ્થિતિ એવી છે કે, ભારતના જ પાસપોર્ટને ભારતીયોની નાગરિકતા માટેનો પુરાવો ગણવામાં આવતો નથી. સવાલ એ થાય છે કે, ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા અપાતા પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ, વોટરઆઈડી જેવા દસ્તાવેજો બધે જ જમા કરાવવા અને પુરાવા તરીકે રજૂ કરવા ફરજિયાત છે પણ જ્યારે ભારતીયોની નાગરિકતાની વાત આવે ત્યારે તેને પુરાવા માનવામાં આવતા નથી.
    મહત્ત્વની વાત એ છે કે, પાસપોર્ટ અધિનિયમ ૧૯૬૭ હેઠળ ભારતીય પાસપોર્ટ માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે. પાસપોર્ટ માટે અરજી કરવા દરમિયાન પોલિસ વેરિફિકેશન, દસ્તાવેજોની ચકાસણી અને ઓળખ વગેરે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. પાસપોર્ટ અધિનિયમની કલમ ૬(૨)(એ) હેઠળ કહેવાયું છે કે, અધિકારીઓ દ્વારા અરજદાર ભારતનો નાગરિક ન હોય તો તેનો પાસપોર્ટ રિજેક્ટ કરી શકાય છે. તેના કારણે જ લોકો પાસપોર્ટને ભારતીય હોવાનો મજબૂત પુરાવો માને છે. ભેદ અહીંયા જ છે. મજબૂત પુરાવા અને અંતિમ અને પ્રમાણિત પુરાવામાં મોટો તફાવત છે. વિદેશ મંત્રાલય પણ જણાવે છે કે, પાસપોર્ટ નાગરિકતાનું મજબૂત પ્રમાણ છે પણ તેને અંતિમ પુરાવો ગણી શકાય નહીં.
    ખાસ વાત એ છે કે, બર્થ સર્ટિફિકેટ પણ વ્યક્તિની નાગરિકતા સિદ્ધ કરવાનો નક્કર દસ્તાવેજ નથી. ભારતમાં નાગરિકતાના કાયદામાં સમયાંતરે ફેરફાર થતો આવ્યો છે. આ કાયદાને અનુલક્ષીને જ્યારે વ્યક્તિના બર્થ સર્ટિફિકેટની માન્યતાની વાત આવે ત્યારે તેના જન્મના વર્ષ ઉપર આધાર રાખે છે કે વ્યક્તિ ભારતની નાગરિકતા ધરાવે છે કે નહીં. સૌથી પહેલાં તો ભારતમાં ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી ૧ જુલાઈ ૧૯૮૭ સુધી જન્મેલા લોકોનું બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનું પ્રમાણ પત્ર જ નાગરિકતા માટે પૂર્ણ અને અંતિમ પુરાવો ગણાય છે. તે સમયે ભારતમાં નિયમ હતો કે, ભારતમાં જન્મ લેનારી દરેક વ્યક્તિને ભારતની નાગરિકતા આપી દેવી. તે સમયે જન્મ લેનારાના માતા પિતા ગમે તે દેશના હોય કે ગમે ત્યાંથી નાગરિકતા ધરાવતા હોય તેનાથી કોઈ ફરક પડતો નહોતો.
    આ ઉપરાંત ૧ જુલાઈ ૧૯૮૭થી ૩ ડિસેમ્બર ૨૦૦૪ વચ્ચે જન્મેલા લોકોનું બર્થ સર્ટિફિકેટ માત્ર માન્ય પુરાવો નથી. તેની સાથે તેમણે એ પણ સિદ્ધ કરવું પડે છે કે, તેમના પરિવામાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પ્રમાણિત ભારતીય નાગરિક છે. આ સિવાય ૩ ડિસેમ્બર ૨૦૦૪ પછી જન્મેલા કોઈપણ વ્યક્તિને સીધે સીધી નાગરિકતા મળતી નથી. તેની પહેલાં તેના માતા-પિતાની ભારતીય નાગરિક હોવાના પુરાવા તથા બર્થ સર્ટિફિકેટ જરૂરી છે. અહીંયા માતા અથવા પિતામાંથી કોઈપણ એક ભારતીય હોય અને બીજી વ્યક્તિ ભારતમાં ગેરકાયદે રહેતી નથી તે પણ સિદ્ધ કરવું પડે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આધાર કાર્ડ, વોટર આઈડી, પાનકાર્ડ અને બર્થ સર્ટિફિકેટ અંગે લોકોમાં ભયાનક ભ્રમ ફેલાયેલો છે. લોકોને આ દસ્તાવેજોની વાસ્તવિકતા અને તેના કાયદાકિય સ્વીકૃતિ વિશે પૂરતું જ્ઞાાન જ નથી અને આપવામાં પણ આવ્યું નથી. આધાર કાર્ડની જ વાત કરીએ તો યુઆઈડીએઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલી જ છે કે, આધારકાર્ડ કોઈપણ ભારતીય માટે નાગરિકતાનું પ્રમાણપત્ર નથી. આધાર કાયદા હેઠળ આ કાર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે જે ભારતમાં રહે છે. તેનાથી વ્યક્તિ ભારતનો નાગરિક હોવાનું પુરવાર થતું નથી. તેથી આધાર કાર્ડ કોઈપણ વ્યક્તિની નાગરિકતાનો પુરાવો ગણી શકાય નહીં. પાન કાર્ડ પણ એવું જ છે. તે ઈન્કમટેક્સ સિસ્ટમનું ઓળખ પત્ર છે. પાનકાર્ડ દ્વારા વ્યક્તિની આર્થિક ગતિવિધિઓ અને કામગીરીઓ ઉપર નજર રાખી શકાય છે. પાનકાર્ડ ધરાવનાર વ્યક્તિ પણ સરકારી સેવાઓમાં અને ખાસ કરીને આર્થિક બાબતોમાં તેનો ઉપયોગ કરી શકે તે માટે હોય છે. તેનાથી કોઈની ક્યારેય નાગરિકતા સિદ્ધ થતી નથી.
    રેશનિંગ કાર્ડની પણ આવી જ સ્થિતિ છે. સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે માટે વ્યક્તિ પ્રમાણિત છે અને રજિસ્ટર્ડ છે તે સાબિત કરવા આ કાર્ડ અપાય છે. તેને પણ નાગરિકતાનું પ્રમાણ માનવામાં આવતું નથી. વોટરઆઈડી કાર્ડને પણ નાગરિકતાનું પ્રમાણ ગણવામાં આવતું નથી. અન્ય ડોક્યુમેન્ટની સરખામણીએ વોટરઆઈડી કાર્ડ વધારે સંવેદનશિલ દસ્તાવેજ છે છતાં તેની માન્યતા ચૂંટણીથી વિશેષ નથી.
    જનપ્રતિનિધિત્વ કાયદા ૧૯૫૦ હેઠળ માત્ર ભારતીય નાગરિકને મતદાર યાદીમાં સ્થાન આપવામાં આવે છે. આ યાદીમાં સ્થાન ધરાવતી વ્યક્તિને જ આ કાર્ડ અપાય છે અને તેના આધારે તેને મતદાતા તરીકે સ્વીકારવામાં આવે છે. ચૂંટણી દરમિયાન ચૂંટણી અધિકારી પણ આ મતદાર કાર્ડ થકી જ જે-તે વ્યક્તિને મતદાર તરીકે માન્ય રાખીને મત આપવા દે છે. તેમ છતાં આ કાર્ડને પણ નાગરિકતાનો પુરાવો ગણી શકાય તેમ નથી.
  • સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન કે નેચલાઈઝેશન
    દ્વારા જ નાગરિકતા સાબિત થાય
    જાણકારના મતે ભારતીય કાયદામાં નાગરિકનું સૌથી સ્પષ્ટ અને નિર્વિવાદિત પ્રમાણ છે નાગરિકતા કાયદા ૧૯૫૫ હેઠળ જાહેર કરવામાં આવેલા સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન અથવા તો સર્ટિફિકેટ ઓફ નેચરલાઈઝેશન દ્વારા જ વ્યક્તિ પોતાની નાગરિકતા સિદ્ધ કરી શકે છે. આ સર્ટિફિકેટ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ એવા લોકોને આપવામાં આવે છે જે જન્મ દ્વારા નહીં પણ રજિસ્ટ્રેશન કે નેચરલાઈઝેશન પ્રક્રિયા પૂરી કરનારને આપવામાં આવે છે. ભારતીય મૂળના કોઈપણ વ્યક્તિ દ્વારા ગૃહમંત્રાલયની આ કાયદાકીય કામગીરી અને પ્રક્રિયા પૂરી કરવામાં આવી હોય તો તેને ગૃહ મંત્રાલય દ્વારા આ નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. વિવાદ અથવા તો સમસ્યા ત્યાં છે કે, ભારત જેવા અબજોની વસતી ધરાવતા દેશમાં કોઈ અલગ સિટિઝનશિપ સર્ટિફિકેટ આપવા જેવું કોઈ માળખું નથી અને એવો કોઈ દસ્તાવેજ પણ નથી. તેના કારણે જ સમયાંતરે નાગરિકતા સાબિત કરવાનો વિવાદ થતો રહે છે. મૂળ વાત એવી છે કે, પાન, આધાર કે વોટર આઈડી જેવા દસ્તાવેજો ભેગા થઈને સરકારી રેકોર્ડના આધારે નાગરિકતાના દાવાને મજબૂત બનાવી શકે પણ પોતે નક્કર દસ્તાવેજ ગણાતા નથી. ભારતીય લોકશાહીમાં આજે પણ નાગરિકતાનો મુદ્દો યથાવત્ રીતે વિવાદમાં અટવાયેલો છે. ડિજિટલ યુગમાં જ્યાં વ્યક્તિની ઓળખ ચોરીને ડિપફેક બની રહ્યા છે ત્યાં ભારતીયો પાસે પોતાની નાગરિકતા સિદ્ધ કરવાનું બંધારણીય તંત્ર અથવા સર્ટિફિકેટ જ નથી તે સૌથી મોટી કરૂણતા અને ચિંતાજનક સ્થિતિ છે.
  • આધાર, પાન, વોટર આઈડી નાગરિકતાનો
    પુરાવો નથી : બોમ્બે હાઈકોર્ટ
    મહત્ત્વની વાત એવી છે કે, ભારતમાં અદાલતો દ્વારા સામાન્ય રીતે કોઈ એક દસ્તાવેજને નિર્ણાયક ગણવામાં આવતો નથી. અદાલતો પણ સાક્ષીઓ અને પુરાવાના આધારે વ્યક્તિના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. અદાલતોમાં બર્થ સર્ટિફિકેટ, માતા-પિતાના દસ્તાવેજો, જૂના સ્કૂલ રેકોર્ડ, જમીન નોંધણી, સ્થાનિક કચેરીમાં થયેલી નોંધણી, મતદાર યાદીમાં નોંધણી, પાસપોર્ટ, મકાન રજિસ્ટ્રેશન, વારસાગત દસ્તાવેજો સહિતના દસ્તાવેજો ચકાસવામાં આવે છે. તેમાંય જ્યારે સરહદપારથી આવેલી વ્યક્તિ હોય અથવા તો ઘુસણખોરીનો કેસ હોય ત્યારે અદાલતો દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. ભારતમાં નાગરિકતા માત્ર એક જ દસ્તાવેજ દ્વારા નહીં પણ વિવિધ દસ્તાવેજોના સંયોજન દ્વારા નક્કી કરાય છે. તેના આધારે જ બોમ્બે હાઈકોર્ટે ગત વર્ષે એક બાંગ્લાદેશીના કેસમાં જામીન નકારતા જણાવાયું હતું કે, આધાર, પાન કે વોટર આઈડી દ્વારા કોઈ વ્યક્તિ નાગરિકતા સાબિત કરી શકતી નથી. આ દસ્તાવેજો દ્વારા વ્યક્તિની ઓળખ છતી થાય છે પણ નાગરિકતાના કાયદા હેઠળ જ આ દસ્તાવેજો સિદ્ધ થતા હોય ત્યારે જ વ્યક્તિ ભારતની નાગરિક ગણાય.