mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વુમનાઈઝર કેનેડી અમેરિકાનો પ્રમુખ બનીને ઈતિહાસ રચશે?

Updated: Mar 20th, 2024

વુમનાઈઝર કેનેડી અમેરિકાનો પ્રમુખ બનીને ઈતિહાસ રચશે? 1 - image


- કેનેડી જુનિયરને સાંભળવા માટે ઉમટી રહેલી ભીડ જોઈને ટ્રમ્પ અને બાયડેન બંનેના સમર્થકોની હવા ટાઈટ થઈ ગઈ છે. અમેરિકામાં આજ સુધી કોઈ અપક્ષ ઉમેદવાર પ્રમુખપદે જીત્યો નથી. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક કે રીપબ્લિકન પાર્ટીના ના હોય એવા સૌથી સફળ ઉમેદવાર બિઝનેસમેન રોસ પેરોટ ગણાય છે. કેનેડી જુનિયર પેરોટનો રેકોર્ડ જ નહીં તોડે પણ અમેરિકાના ઈતિહાસના પહેલા અપક્ષ પ્રમુખ બનશે એવી આગાહીઓ પણ થઈ રહી છે. મોટા ભાગના રાજકીય વિશ્લેષકો આ આગાહીને અતિશયોક્તિભરી ગણાવી રહ્યા છે પણ રોબર્ટ એફ. કેનેડી જુનિયરમાં અમેરિકનોને રસ પડી ગયો છે એ સ્વીકારે છે.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડેન વચ્ચે મુખ્ય જંગ થશે એ નક્કી થઈ ગયું છે પણ અમેરિકામાં અત્યારે આ બે ઘરડા ઘોડા કરતાં વધારે ચર્ચા રોબર્ટ એફ. કેનેડી જુનિયરની છે. કેનેડી જુનિયરે અપક્ષ તરીકે પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવવાનું એલાન કર્યું છે. કેનેડી જુનિયર પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર બની જશે તો ટ્રમ્પ અને બાયડેન બંનેની છુટ્ટી કરી નાંખશે એવા દાવા પણ થઈ રહ્યા હોવાથી કેનેડી જુનિયર છવાયેલા છે. 

અમેરિકામાં ગમે તે આલિયો, માલિયો કે જમાલિયો પ્રમુખપદની ચૂંટણી લડી શકતો નથી.  કોઈ પણ સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષની પ્રાયમરીમાં જીતનાર સીધા ચૂંટણી લડી શકે છે પણ અપક્ષ ઉમેદવારે બેલેટ પેપર એટલે કે મતપત્રકમાં પોતાનું નામ આવે એટલે કે સત્તાવાર રીતે ઉમેદવાર બનવા માટે પણ દરેક સ્ટેટમાં મંજૂરી મેળવવી પડે છે. દરેક સ્ટેટના નોંધાયેલા મતદારોમાંથી ચોક્કસ મતદારોની સહી સાથે અરજી કરાય અને જરૃરી ફી ભરાય પછી જ અપક્ષ તરીકે પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહી શકાય.

રોબર્ટ એફ. કેનેડી જુનિયર અત્યારે એ પ્રક્રિયા પૂરી કરવામાં પડયા છે. સાથે સાથે લિબરેશન પાર્ટી તેમને પોતાના ઉમેદવાર બનાવે એ માટે પણ કેનેડી મથી રહ્યા છે પણ એ પહેલાં તેમને સાંભળવા માટે ઉમટી રહેલી ભીડ જોઈને ટ્રમ્પ અને બાયડેન બંનેના સમર્થકોની હવા ટાઈટ થઈ ગઈ છે. અમેરિકામાં આજ સુધી કોઈ અપક્ષ ઉમેદવાર પ્રમુખપદે જીત્યો નથી. બલ્કે કોઈ એક સ્ટેટમાં સૌથી વધારે મત મેળવીને ઈલેક્ટોરલ કોલેજના વોટ મેળવવામાં પણ સફળ થયો નથી. 

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં છેલ્લાં બસો વર્ષમાં ડેમોક્રેટિક કે રીપબ્લિકન પાર્ટીના ના હોય એવા સૌથી સફળ ઉમેદવાર બિઝનેસમેન રોસ પેરોટ ગણાય છે. રોસ પેરોટને ૧૯૯૨માં કુલ મતમાંથી ૧૯ ટકા અને ૧૯૯૬માં ૮ ટકા મત મળેલા પણ કોઈ સ્ટેટમાં સૌથી વધારે મત નહોતા મળ્યા તેથી ઈલેક્ટોરલ કોલેજમાંથી એક પણ મત નહોતા મળ્યા. રોબર્ટ એફ. કેનેડી જુનિયર આ રેકોર્ડ જ નહીં તોડે પણ અમેરિકાના ઈતિહાસના પહેલા અપક્ષ પ્રમુખ બનશે એવી આગાહીઓ પણ થઈ રહી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડેનના ભ્રષ્ટાચાર, કૌભાંડોથી કંટાળેલા અમેરિકનો નવા ચહેરાને તક આપવા માગે છે તેથી કેનેડી જુનિયરને જીતાડશે એવી આગાહીઓ થઈ રહી છે. મોટા ભાગના રાજકીય વિશ્લેષકો આ આગાહીને અતિશયોક્તિભરી ગણાવી રહ્યા છે પણ રોબર્ટ એફ. કેનેડી જુનિયરમાં અમેરિકનોને રસ પડી ગયો છે એ સ્વીકારે છે.  

બોબી તરીકે ઓળખાતા રોબર્ટ એફ. કેનેડી જુનિયર  પણ ૭૦ વર્ષના છે પણ લોકોને તેમનામાં રસ પડવાનાં ઘણાં કારણો છે. એક કારણ એ છે કે, કેનેડી જુનિયર અમેરિકાના રાજકારણમાં આગવું સ્થાન ધરાવતા કેનેડી પરિવારના છે. કેનેડી પરિવારમાંથી ૧૯૪૭થી સતત કોઈ ને કોઈ વ્યક્તિ અમેરિકાની સંસદ અથવા સ્ટેટ એસેમ્બલીમાં ચૂંટાય છે. અમેરિકામાં બીજા કોઈ પરિવારનો આવો જોરદાર રેકોર્ડ નથી. 

કેનેડી જુનિયરની આગલી પેઢીમાં રોબર્ટ એફ. કેનેડી જુનિયરના પિતા રોબર્ટ કેનેડી અને કાકા ટેડ સેનેટર હતા જ્યારે બીજા કાકા જોન એફ. કેનેડી તો અમેરિકાના પ્રમુખ હતા. રોબર્ટ અને જોન બંનેની હત્યા થઈ ગઈ હતી અને આ હત્યાનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી તેથી કેનેડી પરિવાર તરફ લોકોને એક પ્રકારની સહાનુભૂતિ છે. તેના કારણે કેનેડી ખાનદાન સતત ચર્ચામાં રહે છે. કેનેડી પરિવાર ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલો છે પણ ૨૦૧૦માં મતભેદો થતાં કેનેડી જુનિયર પાર્ટીથી અલગ થઈ ગયા હતા. 

કેનેડી જુનિયર અમેરિકાના સૌથી મોટા પર્યાવરણવાદી તરીકે જાણીતા છે.  રીવરકીપર સંગઠન સાથે ૧૯૮૫થી જોડાયેલા જુનિયર કેનેડી વ્યવસાયે વકીલ છે.  પર્યાવરણને બચાવવા તેમણે હજારો અરજીઓ કરી છે. કેનેડી વૈશ્વિક સ્તરે વેક્સિન વિરોધી ચળવળ પણ ચલાવે છે. વેક્સિન અંગેની કેનેડીની કોન્સ્પિયરી થીયરીઝને સાચી માનનારો બહુ મોટો વર્ગ છે. કેનેડી માને છે કે, રસીઓ આપીને લોકોને ઓટિઝમનો શિકાર બનાવવાનું ષડયંત્ર ફાર્મા કંપનીઓ તથા રાજકારણીઓ ચલાવી રહ્યા છે. બિલ ક્લિન્ટને બિનજરૃરી વેક્સિન્સને મંજૂરી માટે કરોડો ડોલર લીધેલા એવો આક્ષેપ પણ બોબી જુનિયરે કરેલો. 

જો કે કેનેડીની ચર્ચાનું સૌથી મોટું કારણ તેમની રંગીન તબિયત છે. વુમનાઈઝર કહેવાતા કેનેડી જુનિયરના કેટલી મહિલાઓ સાથે સંબંધ બંધાયા તેની તેમને જ ખબર પણ અમેરિકામાં કેનેડી જુનિયરની ગણના સૌથી મોટા પ્લેબોઈઝમાં થાય છે. જોન કેનેડીને હોલીવુડની સેક્સ બોમ્બ મનાતી એક્ટ્રેસ મેરેલિન મનરો સહિત ઘણી ખૂબસૂરત યુવતીઓ સાથે સંબંધ હતા. રોબર્ડ કેનેડી પણ ઓછા નહોતા પણ કેનેડી ખાનદાનમાં અસલી પ્લેબોય રોબર્ટ એફ. કેનેડી જુનિયર હોવાનું કહેવાય છે. 

કેનેડી જુનિયરે એમિલી રૃથ બ્લેક, મેરી કેથલીન રિચાર્ડસન અને શેરીલ હાઈન્સ સાથે લગ્ન કર્યાં. કેનેડી જુનિયર અત્યારે ત્રીજી પત્ની હાઈન્સ સાથે રહે છે. હાઈન્સ હોલીવુડની એક્ટ્રેસ-ડિરેક્ટર છે. કેનેડી જુનિયરને પહેલા લગ્નથી ૪, બીજાં લગ્નથી ૨ અને ત્રીજા લગ્નથી ૪ મળીને કુલ ૧૦ સંતાનો છે. 

આ સંબંધોના કારણે તેમની બીજા નંબરની પત્નીએ આપઘાત કરી લીધેલો. એક વર્ગ સવાલ કરી રહ્યો છે કે, આ પ્રકારનો માણસ અમેરિકાના પ્રમુખપદ માટે લાયક છે ખરો ? પોતાની હવસ સંતોષવા માટે અનેક સ્ત્રીઓ સાથે સેક્સ સંબંધો બાંધીને પત્ની પર માનસિક અત્યાચાર ગુજારીને આપઘાત તરફ ધકેલનારને અમેરિકાએ પ્રમુખપદે બેસાડવો જોઈએ ? 

કેનેડી જુનિયરે બીજી પત્ની મેરી કેથલીન રિચાર્ડસનથી ડિવોર્સ લેવા માટે અરજી કરેલી. પતિની લફરાબાજીથી ત્રસ્ત મેરી દારૃના રવાડે ચડી ગયેલી અને બેફામ ઢીંચતી હતી એવો દાવો તેના વકીલ કરેલો.  દારૃ પીને ડ્રાઈવિંગ કરવા બદલ તેની સામે કેસ પણ થયેલો. ૨૦૧૨માં મેરી તેના ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલી. પોલીસે તેને આપઘાતનો કેસ ગણાવેલો પણ આ હત્યા હોવાની શંકા વ્યક્ત કરાયેલી. 

જુનિયર ૧૪ વર્ષના હતા ત્યારે તેમના પિતાની હત્યા થઈ ગયેલી. તેના કારણે લાગેલા માનસિક આઘાતના કારણે એ ડ્રગ્સ તરફ વળેલા. એ લતમાંથી બહાર આવ્યા પછી સ્ત્રીઓ સાથે સંબંધોનો સિલસિલો શરૃ થયો કે જે કદાચ હજુ પત્યો નથી. ઘણાંને આ કારણે જુનિયર તરફ સહાનુભૂતિ પણ છે. 

કેનેડી જુનિયર એ રીતે વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. 

મસ્કની પ્રેમિકા, ગુગલના સ્થાપકની ભૂતપૂર્વ પત્ની કેનેડીની રનિંગ મેટ?

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી લડનારે પોતાના રનિંગ મેટ એટલે કે ઉપપ્રમુખપદના ઉમેદવારના નામની જાહેરાત પણ કરવાની હોય છે. અમેરિકાના બંધારણ પ્રમાણે ઉપપ્રમુખપદ માટે અલગથી ચૂંટણી થતી નથી પણ પ્રમુખપદની ચૂંટણીમાં જીતનારના રનિંગ મેટ આપોઆપ ઉપપ્રમુખ બની જાય છે. જો બાયડેન વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરિસને ફરી પોતાનાં રનિંગ મેટ બનાવે એવી શક્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રનિંગ મેટનું નામ જાહેર કર્યું નથી પણ ભારતીય મૂળના વિવેક રામાસ્વામી રનિંગ મેટ બને એવી પ્રબળ શક્યતા છે. 

રોબર્ટ એફ. કેનેડી જુનિયર ૨૬ માર્ચે પોતાના રનિંગ મેટના નામની જાહેરાત કરવાના છે. અત્યારે ચાલી રહેલી અટકળો પ્રમાણે, નિકોલ શાનહાન રોબર્ટ એફ. કેનેડી જુનિયરનાં રનિંગ મેટ બની શકે છે. નિકોલ શાનહાન ગુગલના સ્થાપકો પૈકીના એક સર્ગેઈ બ્રિનની ભૂતપૂર્વ પત્ની છે અને વિશ્વના સૌથી ધનિકો પૈકીના એક એલન મસ્કની કહેવાતી ભૂતપૂર્વ પ્રેમિકા છે. નિકોવનું મસ્ક સાથેના અફેરની ખબર પડી જતાં બ્રિને ડિવોર્સ લીધો હોવાનું મનાય છે. 

નેશનલ ફૂટબોલ લીગનો સ્ટાર આર્નોલ્ડ રોજર્સ રેસમાં સૌથી આગળ હતો પણ તેણે ઈન્કાર કરી દીધો છે તેથી હવે નિકોલની શક્યતા છે. નિકોલ વકીલ છે અને કેનેડી જુનિયરના કેમ્પેઈન માટે ૪૦ લાખ ડોલરનું તોતિંગ દાન આપ્યું છે. નિકોલ કારણ વિના લાખો ડોલર ઉડાવી ના જ રહી હોય તેથી નિકોલસ પ્રબળ દાવેદાર છે.

37 યુવતીઓ સાથે સંબંધની ડાયરી, 43 રખાતોના ફોન નંબર

જુનિયર કેનેડીના સંખ્યાબંધ યુવતીઓ સાથે સેક્સ સંબંધો રહ્યાનું મનાય છે. કેનેડી જુનિયરની બીજી પત્ની મેરી કેથલીન રિચાર્ડસને ૨૦૧૨માં આપઘાત કરી લીધેલો. પોલીસ તપાસમાં બહાર આવેલું કે. મેરીને હાથ કેનેડી જુનિયરની પર્સનલ ડાયરી લાગી ગયેલી. આ ડાયરીમાં કેનેડી જુનિયરે ૨૦૦૧ સુધીમાં બંધાયેલા ૩૭ યુવતીઓ સાથેના સેક્સ સંબંધો વિશે લખેલું. 

કેનેડી જુનિયરે કઈ તારીખે કઈ યુવતી સાથે ક્યા પ્રકારના સેક્સ સંબંધ બંધાયા એ વિશે વિગતવાર લખેલું. એક જગાએ તો દિવસમાં ત્રણ અલગ અલગ યુવતી સાથે સંબંધ બાંધ્યાનો ઉલ્લેખ હતો. કેનેડીએ દરેક યુવતી સાથેના સેક્સ સંબંધને રેન્કિંગ પણ આપેલા. મેરી આ બધું વાંચીને આઘાત પામી ગયેલી અને આપઘાત કરી લીધેલો. કેનેડી જુનિયરની બે ડાયરી મેરી પાસે પહોંચી ગઈ હોવાનો તેના વકીલે દાવો કરેલો પણ બીજી ડાયરીની વિગતો કદી બહાર ના આવી. 

મેરીએ તેની ફ્રેન્ડને કેનેડીની રખાત એવી ૪૩ યુવતીના ફોન નંબર પણ આપેલા. પેરિસ, મિયામી, ટોરન્ટો, મોન્ટ્રીયલ એમ અલગ અલગ સ્થળે રહેતી યુવતીઓને પર્યાવરણની કોન્ફરન્સના બહાને કેનેડી મળતા અને અય્યાશીઓ કરતા.

Gujarat