For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુસ્તીબાજ છોકરીઓનું જાતીય શોષણ, બેટીઓને બચાવવાની જરૂર

Updated: Jan 20th, 2023

Article Content Image

- ભારતને ગૌરવ અપાવનાર કુસ્તીબાજ દીકરીઓના જાતીય શોષણનો વિવાદ

- ભાજપના સાંસદ અને કુસ્તી ફેડરેશનના પ્રમુખ  બ્રિજભૂષણ શરણ સિંહ અને કોચ નેશનલ કેમ્પમાં કુસ્તીબાજ છોકરીઓનું જાતિય શોષણ કરે છે એવો ગંભીર આક્ષેપ પ્રખ્યાત કુસ્તીબાજ વિનેશ ફોગાટે કર્યો છે. વિનેશ પોતાની આપવિતી કહેતાં રડી પડી.  વિનેશ 10 વર્ષથી ફેડરેશનમાં રજૂઆત કરે છે પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી.

    હરિયાણા ભાજપના નેતા અને હવે ભૂતપૂર્વ રમતગમત મંત્રી સંદીપસિંહે મહિલા કોચને પોતાની સાથે સંબંધ રાખવા માટે પરેશાન કરી મૂકી એ શરમજનક ઘટના હજુ તાજી છે ત્યાં ભાજપના વધુ એક નેતા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી દીકરીઓની જાતિય સતામણીના આરોપોમાં ફસાયા છે. ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ભારતીય કુશ્તી ફેડરેશનના (WFI) ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ તથા બીજા કોચ સામે કુશ્તીબાજ છોકરીઓએ જાતિય શોષણ કરવાના આક્ષેપ કરીને સનસનાટી મચાવી દીધી છે.

આ આક્ષેપો અત્યંત ગંભીર છે કેમ કે બ્રિજભૂષણ સામે રસ્તે ચાલતી છોકરીઓએ આક્ષેપ નથી કર્યો. ઓલિમ્પિક્સમાં કુશ્તીમાં મેડલ જીતનારી સાક્ષી મલિક અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી વિનેશ ફોગાટે આ આક્ષેપ કર્યો છે.  દેશને ગૌરવ અપાવનારી દીકરીઓએ આવા આક્ષેપો કરવા પડે તેનો અર્થ એ થાય કે, હવે વાત હદની બહાર જતી રહી છે ને પરિસ્થિતી અસહ્ય બની ગઇ છે. વિનેશ ફોગાટ તો પોતાની આપવિતી કહેતાં કહેતાં જાહેરમાં રડી પડી. 

ફેડરેશનના નઘરોળ તંત્ર સામે દેશના ૨૦ જેટલા ટોચના કુશ્તીબાજો દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં પર બેઠા છે. આ કુશ્તીબાજોમાં ઓલિમ્પિક્સમાં દેશને મેડલ જીતાડનારા બજરંગ પુનિયાથી માંડીને બજરંગના કોચ સુજીત માન સુધીના કુશ્તી ક્ષેત્રના દિગ્ગજો જોડાયા છે. આ સિવાય સાક્ષી મલિક, સરિતા મોરે, અમિત ધનખડ, સોમબીર રાઠી, રાહુલ માન, અંશુ મલિક, સત્યવ્રત કાદયાન, સંગીતા ફોગાટ વગેરે ટોચના કુશ્તીબાજોનો સમાવેશ થાય છે.

કુશ્તીબાજોમાં ફેડરેશનની દાદાગીરી સામે અસંતોષ હતો જ. વિશાખાપટ્ટનમમાં સિનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં બોલાવાયેલા સાવ શિખાઉ રેફરીએ ખોટા નિર્ણય આપ્યા તેના કારણે  ખેલાડીઓમાં અસંતોષ ભડક્યો. બજરંગ પુનિયાના અંગત કોચ સુજીત માને આ નિર્ણયો સામે સવાલ કરતાં ફેડરેશને તેમને સસ્પેન્ડ જ કરી દીધા. 

બીજા ખેલાડીઓ અને કોચને પણ ધમકી અપાતાં વરસોનો દબાવેલો આક્રોશ બહાર આવી ગયો છે. કુશ્તીબાજો બધી શરમ છોડીને ધરણાં પર બેસી ગયા છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતા આ કુશ્તીબાજોનો આક્ષેપ છે કે, ફેડરેશન અમને સવલતો તો આપતું નથી જ પણ અમારા અંગત જીવનમાં દખલ  કરીને અમને પરેશાન કરે છે. ઓલિમ્પિકમાં અમને ફિઝિયો કે કોચ વિના મોકલેલા.  અમે અવાજ ઉઠાવ્યો પછી અમને ધમકીઓ આપવામાં આવે છે. ફેડરેશન દાદાગીરી કરીને ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકી દે છે કે જેથી ખેલાડી રમી ન શકે. 

વિનેશ ફોગાટે તો સીધો આરોપ લગાવ્યો કે, નેશનલ કેમ્પમાં બ્રિજભૂષણ શરણ સિંહ અને કોચ કુશ્તીબાજ છોકરીઓનું જાતિય શોષણ કરે છે. નેશનલ કેમ્પોમાં ફરજ બજાવતા કેટલાક કોચ વર્ષોથી આ ગંદો ખેલ કરી રહ્યા છે. ઘણી મહિલા કુશ્તીબાજે આ અંગે ફરિયાદ કરી હતી પણ કોઈ સાંભળતું નથી. હું ૧૦ વર્ષથી ફેડરેશન સાથે વાત કરીને આ બધું બંધ કરવા મથી રહી છું પણ કોઈ સાંભળવા માટે તૈયાર જ નથી.ફેડરેશને ભલે ના સાંભળ્યું પણ મોદી સરકારે કુશ્તીબાજોની વાત સાંભળીને ૭૨ કલાકમાં રીપોર્ટ માંગ્યો છે. રમતગમત મંત્રાલયે કુશ્તી ફેડરેશનને ૭૨ કલાકમાં રીપોર્ટ આપવા અલ્ટિમેટમ આપ્યું છે. ફેડરેશન રીપોર્ટ ના મોકલે તો તેને સસ્પેન્ડ કરી દેવાની સ્પષ્ટ ચીમકી પણ આપી દેવાઈ છે એ જોતાં કુશ્તીબાજોને ન્યાય મળશે એવી આશા જાગી છે.

બ્રિજભૂષણે પોતાના બચાવમાં  બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ  મેડલ જીતનારી દિવ્યા કાકરાનને ઉતારી છે. દિવ્યાએ બુધવારે મોડી રાત્રે વીડિયો બહાર પાડીને બ્રિજભૂષણને દૂધે ધોયેલા અને બીજા કુશ્તીબાજોને જૂઠ્ઠા ગણાવ્યા છે. કાકરાનનું કહેવું છે કે, કુશ્તીબાજોએ લગાવેલા આરોપો સાવ વાહિયાત છે. બલ્કે બ્રિજભૂષણ કુશ્તી ફેડરેશનના ચેરમેન બન્યા પછી ખેલાડીઓને મળતી સુવિધાઓ વધી છે.

દિવ્યા કાકરાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની છે અને ભાજપ સમર્થક છે. ૨૦૨૨ની યુપી વિધાનસભા ચૂંટણીમાં દિવ્યા કાકરાને ખુલ્લેઆમ ભાજપનો પ્રચાર કરેલો. 

બ્રિજભૂષણ પણ ભાજપના છે ને યુપીના છે તેથી દિવ્યાના બચાવને બ્રિજભૂષણે જાતને બચાવવા કરેલું ફિક્સિંગ ગણવામાં આવે છે. આ ફિક્સિંગ માટે બ્રિજભૂષણ અને દિવ્યા બંનેને ગાળો પડી રહી છે. 

બ્રિજભૂષણ સામે આરોપો મૂકનારા દેશના ટોચના કુશ્તીબાજ છે. ભારતને ગૌરવ અપાવનારા, આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનારા તમામ કુશ્તીબાજો ધરણાં પર બેઠા છે. તેમના પડખે ઉભી રહેવાના બદલે દિવ્યા લંપટ બ્રિજભૂષણનો બચાવ કરીને ગદ્દારી કરી રહી છે એવી કોમેન્ટ્સ પણ થઈ રહી છે. દિવ્યાએ આક્ષેપોની ગંભીરતાને સમજ્યા વિના પોતાનો જ ફાયદો જોયો છે એવું લોકોનું માનવું છે. 

ખેર, દિવ્યા કાકરાન કે બીજું કોઈ બચાવ કરે તેના કારણે બહુ ફરક પડતો નથી. નરેન્દ્ર મોદી સરકારે પક્ષીય રાજકારણથી પર રહીને કુશ્તીબાજોની વાતને ગંભીરતાથી લીધી છે એ વાત મહત્વની છે.  

બ્રિજભૂષણે પોતાની સામેના આક્ષેપો સાચા સાબિત થાય તો જાહેરમાં ફાંસીએ લટકી જવાની તૈયારી બતાવી છે. બ્રિજભૂષણ રાજકારણી છે ને રાજકારણીઓ ફસાય ત્યારે આવાં ત્રાગાં કરવામાં હોંશિયાર હોય છે.

 વિનેશ ફોગાટ, સાક્ષી મલિક કે બીજી કુશ્તીબાજ છોકરીઓને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. આ સંજોગોમાં કુશ્તીને જીવન સમર્પિત કરનારી આ છોકરીઓની વાત પર જ વિશ્વાસ મૂકીને મોદી સરકારે યોગ્ય તપાસ કરાવવી જોઈએ. મોદી સરકારનું એક મહત્વનું અભિયાન બેટી બચાવો છે. કુશ્તી ફેડરેશન સામે પડેલી દીકરીઓને હવસખોર હોદ્દેદારો અને કોચની ચુંગાલમાંથી સરકાર બચાવે એ જરૂરી છે. વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવી દેશને ગૌરવ અપનાવનારી દીકરીઓનાં આંસુઓનો હિસાબ ફેડરેશને આપવો જ પડે એ સ્થિતી સર્જાય એ જરૂરી છે. દેશનું માથું ગૌરવથી ઉચું થાય એ માટે રાત-દિવસ જોયા વિના મહેનત કરતી દીકરીઓને હવસ સંતોષવાનું રમકડું સમજીને તેમની જાતિય સતામણી કરનારા હવસખોરો સામે સસ્પેન્શન કે પ્રતિબંધ મૂકવા જેવા પગલાં ભરવાના બદલે તેમને જેલભેગા કરીને સરકાર દાખલો બેસાડે એ વધારે જરૂરી છે. બ્રિજભૂષણ ભાજપના સાંસદ છે ત્યારે તેમની સામે તાત્કાલિક પગલાં પણ લેવાવાં જોઈએ. 

મોદી સરકારે આ ઘટના પછી રમતગમતનાં સંગઠનોની સાફસૂફી પણ કરી નાંખવી જોઈએ. જેમને રમતગમત સાથે કંઈ લેવાદેવા નથી એવા ખાઈબદેલા રાજકારણીઓ આ સંગઠનો પર કુંડાળું વળીને બેસી ગયા છે. તેમણે દેશના સ્પોર્ટ્સની તો પત્તર ખાંડી જ નાંખી છે પણ આવાં કાળાં કામ કરીને દેશની આબરૂનો પણ ધજાગરો કરે છે. કુશ્તી ફેડરેશનના વિવાદનો લાભ લઈને મોદી સરકારે સ્પોર્ટ્સના સંગઠનોમાંથી આવા હલકટોને લાત મારીને તગેડી મૂકવા જોઈએ. 

- બ્રિજભૂષણ પર દાઉદના માણસોને છૂપાવવાનો કેસ થયેલો

ભારતીય કુશ્તી ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ ભાજપના નેતા છે.  ઉત્તર પ્રદેશની કેસરગંજ લોકસભા બેઠકના સાંસદ દબંગ નેતા બ્રિજભૂષણ ૧૯૯૧માં પહેલી વાર વતન ગોંડા લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. 

બ્રિજભૂષણે દાઉદ ઈબ્રાહીમ ગેંગના શાર્પ શૂટર્સને આશ્રય આપ્યો હોવાનું બહાર આવતાં સીબીઆઈએ ધરપકડ કરી હતી. તેના પગલે ભાજપે ૧૯૯૬માં બ્રિજભૂષણના બદલે તેમનાં પત્ની કેતકી સિંહને ટિકિટ આપી હતી. કેતકી સરળતાથી જીતી ગયાં હતાં અને લોકસભાનાં સભ્ય બન્યાં હતાં. 

રસપ્રદ વાત એ છે કે, બ્રિજભૂષણની ધરપકડ કરનારા ભૂતપૂર્વ પોલીસ અધિકારી સત્યપાલસિંહ પણ અત્યારે ભાજપના સાંસદ છે.

બ્રિજભૂષણ ભાજપની ટિકિટ પર ૧૯૯૮માં સમાજવાદી પાર્ટીના રાજા ભૈયા સામે હારી ગયા હતા પણ ૧૯૯૯માં ગોંડામાંથી રાજા ભૈયાને હરાવીને ફરી સાંસદ બન્યા.  ૨૦૦૪માં ભાજપની ટિકિટ પર બલરામપુરમાં જીત્યા ને ૨૦૦૯માં સપાના ઉમેદવાર તરીકે કેસરગંજમાંથી જીત્યા. ૨૦૧૪માં ભાજપમાં વાપસી કર્યા પછી બ્રિજભૂષણ સળંગ બે વાર જીત્યા છે. આમ કુલ છ વાર લોકસભાની ચૂંટણી જીત્યા છે. 

મુંબઈમાં સપ્ટેમ્બર ૧૯૯૨માં જે.જે. હોસ્પિટલમાં ઘૂસીને દાઉદ ગેંગના શાર્પશૂટર્સે અરૂણ ગવલી ગેંગના શૈલેષ હલદણકરની હત્યા કરી હતી. દાઉદના બનેવી ઈબ્રાહીમ પારકરની હત્યાનો બદલો લેવા કરાયેલા હુમલામાં બે પોલીસો પણ મરાયેલા. હુમલા પછી ભાગેલા દાઉદના કેટલાક શાર્પશૂટર્સને કોંગ્રેસના નેતા કલ્પનાથ રાયે એક સરકારી કંપનીના ગેસ્ટહાઉસમાં રાખેલા. કલ્પનાથ રાય બ્રિજભૂષણના પોલીટિકલ ગોડફાધર મનાય છે.  રાયના કહેવાથી બ્રિજભૂષણે પણ દાઉદના માણસોને છૂપાવી રાખ્યા હતા. 

આ કેસમાં સીબીઆઈએ બ્રિજભૂષણની ધરપકડ કરી હતી. બ્રિજભૂષણ પુરાવાના અભાવે છૂટી ગયેલા જ્યારે કલ્પનાથ રાયને ૧૦ વર્ષની કેદ થઈ હતી.છ


Gujarat