Get The App

રેર અર્થ કોરિડોર : ફ્યુચર ટેક્નોલોજી માટે પૂર્વ તૈયારીઓનું આયોજન

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
રેર અર્થ કોરિડોર : ફ્યુચર ટેક્નોલોજી માટે પૂર્વ તૈયારીઓનું આયોજન 1 - image

- ચાર રાજ્યોની સર્કિટ બનાવીને માઈનિંગ, પ્રોસેસિંગ, રિસર્ચ, મેન્યુફેક્ચરિંગ બાદ અવિરત સપ્લાય ચેઈન ડેવલપ કરવાનો પ્લાન

- આ મિનરલ્સ આજકાલ મોબાઈલ ફોન, એલઈડી લાઈટ, હાઈબ્રિડ ગાડીઓ અને ક્રૂડ પ્રોસેસિંગમાં, ન્યૂક્લિયર પાવર અને પવન ચક્કીઓ તથા ઈલેક્ટ્રિક ગાડીઓ અને સેટેલાઈટ્સ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે : સમગ્ર વિશ્વમાં રેર અર્થ મિનરલ્સનો ભંડાર અંદાજે ૧૩૦ મિલિયન ટન છે. તેમાં સૌથી વધારે ૪૪ મિલિયન ટન મિનરલ્સ ચીન પાસે છે. ત્યારબાદ વિયેતનામ, બ્રાઝિલ અને રશિયા પાસે ૧૬-૧૬-૧૬ ટકા જેટલો ભંડાર છે. ભારત પાસે માત્ર ૫ ટકા રેર અર્થ મિનરલ્સ છે : ભારત દ્વારા ગત વર્ષે જ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ માટે યોજના લાગુ કરી દેવાઈ હતી. હવે ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને જોડીને રેર અર્થ કોરિડોર વિકસાવાશે. તેમાં માઈનિંગ ઉપરાંત પ્રોસેસિંગ, રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે

નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જારી કરાયેલા બજેટમાં રેર અર્થ મિનરલ્સ મેળવવા માટેની દિશામાં કામ કરવાને પ્રાધાન્ય અપાયું હતું. નાણામંત્રી દેશમાં રેર અર્થ કોરિડોર સ્થાપવાની અને વિકસાવવાની જાહેરાત કરી હતી. ભારતના ખનિજોથી સમૃદ્ધ ચાર રાજ્યોને જોડીને રેર અર્થ કોરિડોર તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ને ઓરેન્જ બજેટ અથવા તો ઓરેન્જ ઈકોનોમી તરફ લઈ જવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ દેખાઈ રહી છે. ભવિષ્યમાં ઈલેક્ટ્રિક ડિવાઈસિસ અને સાધનો તથા સંશાધનોના વપરાશ ઉપર ભાર મુકવા અને તેના માટે જરૂરી સેમીકન્ડક્ટર અને ચીપ બનાવવા માટે રેર અર્થ મિનરલ્સ જરૂરી છે. તેને પ્રાપ્ત કરવાની ખેવના સાથે જ ભારત દ્વારા આ દિશામાં આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

જાણકારો માને છે કે, આ જાહેરાત માત્ર બજેટ પૂરતી જ કરાઈ છે તેવું નથી. સમગ્ર વિશ્વમાં રેર અર્થ મિનરલ્સ અને મેટલ્સ માટે હાલમાં પડાપડી થઈ રહી છે. તેની ડિમાન્ડ અત્યંત વધારે છે અને તેનો સપ્લાય ઓછો છે. દુનિયાના મોટાભાગના રેર અર્થ મિનરલ્સ ઉપર ચીન દ્વારા કબજો કરી લેવાયો છે. તેનો સપ્લાય તેણે ઘટાડીને વિશ્વમાં કૃત્રિમ અછત ઊભી કરી છે. ભારતમાં ઘણા રાજ્યો છે જ્યાં રેર અર્થ મિનરલ્સ છે. તેમાંથી સમયાંતરે ખાણકામ કરીને આ જથ્થો કાઢીને ભારત ચીન સહિતના વૈશ્વિક દેશો ઉપર પોતાના નિર્ભરતા ઘટાડી શકે છે. આ દિશામાં પણ આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે છે. ૨૧મી સદીના ઈન્ડસ્ટ્રીયલ પાવર ગણાતા તથા ફ્યુચર ટેક્નોલોજીની માટે પાયાની વસ્તુ ગણાતા આ રેર અર્થ મિનરલ્સને મેળવવા અને તેનો સપ્લાય નિરંતર ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈ ગેજેટ્સ અને ટેક્નોલોજી તરફ આગળ વધવું હશે તો તેની ચીપ્સ અને અન્ય પાર્ટ્સ માટે આ મિનરલ્સની ખાસ જરૂર પડશે અને તેને અત્યારથી જ સંગ્રહિત કરવા આ કોરિડોરની રચના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બજેટ દરમિયાન નિર્મલા સીતારામને જણાવ્યું કે, સરકારની યોજનાઓની સાર્થકતા માટે ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને જોડવાની એક રેર અર્થ કોરિડોર બનાવવામાં આવશે. આ ચારેય રાજ્યો હાલમાં પણ પોતાના ખાણ-ખનીજના જથ્થા માટે અને ખાસ કરીને કોસ્ટલ માઈન્સ અને મિનરલ્સ બેલ્ટ તરીકે  જાણીતા છે. આ ચારેય રાજ્યો સંયુક્ત રીતે એકબીજા સાથે જોડાઈને રેર અર્થ એલિમેન્ટ માટે મોટું માળખું બની શકે છે. સરકાર પણ તેમને જોડીને આ કોરિડોર વિકસાવવાનું આયોજન કરશે. મહત્ત્વની વાત એ છે કે, સરકાર દ્વારા ગત વર્ષે જ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ માટે યોજના લાગુ કરી દેવાઈ હતી. તે સિવાયના રેર અર્થ મિનરલ્સ માટે આયોજનો કરવામાં આવી રહ્યા હતા. હવે ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને જોડીને રેર અર્થ કોરિડોર વિકસાવાશે. તેમાં માઈનિંગ ઉપરાંત પ્રોસેસિંગ, રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, આ કોરિડોર બનવાનો છે તે ચાર રાજ્યોમાંથી તમિલનાડુ અને કેરળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાવાની છે. તેના પગલે રાજકીય પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું હોય તેવી ચર્ચાએ વેગ પકડયો છે. આ કોરિડોરનો મુખ્ય આશય માત્ર ટ્રાન્સપોર્ટેશન નહીં પણ રેર અર્થ મિનરલ્સનું માઈનિંગ કર્યા બાદ તેનું પ્રોસેસિંગ કરવું, રિસર્ચ સંસ્થાઓ સુધી પહોંચાડવું અને મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે પણ તેનું જોડાણ કરવું જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. જાણકારોના મતે આ કોરિડોર દ્વારા ખનનથી શરૂ કરીને મેન્યુફેક્ચરિંગ સુધી સંશાધનોના લોજિસ્ટિકમાં જે વિલંબ થાય છે તેમાં ઘટાડો થશે અને સ્થાનિક ધોરણે ઉત્પાદન વધશે અને આત્મનિર્ભરતા કેળવાશે. આ ચારેય રાજ્યો એવા છે જ્યાં માત્ર રેર અર્થ મિનલ્સ છે તેવું નથી. આ રાજ્યોમાં સારામાં સારા પોર્ટ્સ છે, ઈન્ડસ્ટ્રીયલ ઝોન છે અને ખાસ કરીને ઉદ્યોગોને સપોર્ટ કરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. સ્થાનિક સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે તાલમેલ સાધીને રેર અર્થ મિનરલ્સ સેક્ટરમાં ઈકોસિસ્ટમ તૈયાર કરવાની કવાયત છે. જેથી આ એક્ટિવિટી માત્ર માઈનિંગ નહીં પણ એક હાઈવેલ્યુ બિઝનેસ મોડયુલ તરીકે ડેવલપ થાય.

ઉલ્લેખનીય છે કે, રેર અર્થ  મિનરલ્સ એટલે કે દુર્લભ ખનિજો હકીકતે ૧૭ પ્રકારની છે. આ એવી ધાતુઓ છે જે દેખાવમાં ખૂબ જ સામાન્ય છે પણ તેની અંદર એવા વિશેષ ગુણ છે જેના કારણે તેની ડિમાન્ડ ખૂબ જ  છે. તેના દ્વારા વીજળી ઉત્પન્ન થઈ શકે છે, તેમાંથી વીજળી પસાર થઈ શકે છે અને તે મેગ્નેટની જેમ કેમ કરે છે. કેટલીક ધાતુને પરમેનન્ટ મેગ્નેટ પણ કહેવાય છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, તેને અન્ય ધાતુમાં ભેગી કરવામાં આવે ત્યારે અન્ય ધાતુઓ વધારે મજબૂત થઈ જાય છે. દુનિયાના ઘણા દેશોમાં આ મિનરલ્સ મળે છે પણ તેનું પ્રમાણ વત્તુ-ઓછું હોય છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, આ મિનરલ્સની સાથે યુરેનિયમ, થોરિયમ જેવા રેડિયોએક્ટિવ પદાર્થો પણ ચોંટેલા હોય છે. તેના કારણે તેને દૂર કરવા અને બંનેને અલગ પાડવા ખૂબ જ જોખમી અને મુશ્કેલ કામ છે. લાંબી ખનન પ્રક્રિયા બાદ ખૂબ જ ઓછી માત્રામાં શુદ્ધ મિનરલ્સ મળતા હોય છે. આ ખનન દરમિયાન રેડિયોએક્ટિવ વોટર, ઝેરી ગેસ, એસિડ અને બીજા ઘણા પદાર્થ નિકળે છે જે પર્યાવરણ અને માણસો માટે અત્યંત જોખમી અને જીવલેણ હોય છે.

આ રેર અર્થ એલિમેન્ટ્સ કે મિનરલ્સ જે પણ કહીએ તેનો ઉપયોગ એકાએક અને ખૂબ જ વધી ગયો છે. આ મિનરલ્સ આજકાલ મોબાઈલ ફોન, એલઈડી લાઈટ, હાઈબ્રિડ ગાડીઓ અને ક્રૂડ પ્રોસેસિંગમાં, ન્યૂક્લિયર પાવર અને પવન ચક્કીઓ તથા ઈલેક્ટ્રિક ગાડીઓ અને સેટેલાઈટ્સ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી છે. આ ઉપરાંત ઘણા ઉદ્યોગોમાં મશિનો માટે તથા દવાઓ બનાવવા પણ તેનો ઉપયોગ થાય છે. હાલમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે, માણસોનું જીવન આગળ વધવું આ ધાતુઓ વગર શક્ય જ નથી તેમ બની ગયું છે. આપણને ખબર નથી પણ આપણે આજે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં આ રેર અર્થ મિનરલ્સ રહેલા છે.  જાણવા જેવું એ છે કે, સમગ્ર વિશ્વમાં રેર અર્થ મિનરલ્સનો ભંડાર અંદાજે ૧૩૦ મિલિયન ટન છે. તેમાં સૌથી વધારે ૪૪ મિલિયન ટન મિનરલ્સ ચીન પાસે છે. 

એટલે દુનિયાનું ત્રીજા ભાગનું રેર અર્થ મિનરલ્સ ચીન પાસે છે. ત્યારબાદ વિયેતનામ, બ્રાઝિલ અને રશિયા પાસે ઘણો મોટો ભાગ છે. દરેક પાસે અંદાજે ૧૬ ટકા ભંડાર છે. ભારત પાસે માત્ર ૫ ટકા રેર અર્થ મિનરલ્સ છે. ભારત પાસે ૬.૯ મિલિયન ટન રેર અર્થ મિનરલ્સ છે. આ રેર અર્થ મિનરલ્સ કાઢવાની વાત આવે તો ચીન દુનિયામાં મોખરે છે. તે દર વર્ષે ૩.૪૮ લાખ ટન રેર અર્થ મિનરલ્સ ખનન અને પ્રોસેસિંગ કરીને કાઢે છે. ચીનને બાદ કરતા મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, રશિયા, ભારત, વિયેતનામ અને મલેશિયા જેવા દેશો રેર અર્થ મિનરલ્સ કાઢવામાં વ્યસ્ત છે. ચીન કરતા આ દેશો ક્યાંય પાછળ છે.

- છેલ્લાં ચાર દાયકામાં રેર અર્થ મિનરલ્સમાં ચીને ઈજારાશાહી ઊભી કરી

૧૯૮૦ના દાયકાથી શરૂ કરીને ૧૯૯૦ અને ૨૦૦૦ અને ૨૦૧૦ના દાયકામાં ચીને રેર અર્થ મિનરલ્સમાં ખૂબ જ કામ કર્યું. ચીને ખૂબ જ ગણતરી પૂર્વક રેર અર્થ માઈનિંગ અને રિફાઈનિંગ કામગીરીને ઉદ્યોગ અને રણનીતિ બનાવવામાં આવી હતી. તેમાં સબસિડી, સસ્તા વ્યાજદરની લોન, પર્યાવરણના નિયમોમાં છૂટછાટ જેવી પોલિસી અપનાવી અને પશ્ચિમી દેશોને પછાડવા સજ્જ થવા લાગ્યો. આવા રેર અર્થ મિનરલ્સ માટેના કડક પર્યાવરણ સુરક્ષા નિયમોને પણ તેણે નેવે મૂકી દીધા. બીજી તરફ સ્થિતિ એવી થઈ કે, ૨૦૦૦ના દાયકા દરમિયાન ઘણા દેશો ચીન સાથેની સ્પર્ધામાંથી બહાર થઈ ગયા.

 અમેરિકામાં પણ ઉત્પાદન ઘટી ગયા. 

બીજી તરફ ચીને તેને બમણા વેગે શરૂ કરી દીધું. ચીને પોતાના મોટાભાગના માઈન્સ અને મિનરલ્સના વિસ્તારોને મેગ્નેટ, મિનરલ્સ અને ધાતુઓના ઉત્પાદનનું કેન્દ્ર બનાવી દીધા.

 તેણે પરમેનન્ટ મેગ્નેટ, બેટરી, ઈલેક્ટ્રોનિક્સ, બધું જ બનાવવાનું શરૂ કરી દીધું. 

તેણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે રેર અર્થ મિનરલ્સ હોય કે તેની સાથે જોડાયેલી ધાતુ હોય કે તેના દ્વારા બનતી સામગ્રી હોય તે તમામનું ઉત્પાદન ચીનમાં જ થાય અને દુનિયાભરના દેશો તેની પાસેથી જ ખરીદે. 

આ સ્થિતિ વધવા લાગી અને કોમ્પિટિશન વધવા લાગી ત્યારે તેણે રેર અર્થ મિનરલ્સ ઉપર પ્રતિબંધ મુકવાનું શરૂ કરી દીધી અને દુનિયા ઘુંટણીયે પડવા લાગી.

- વૈશ્વિક કરાર આત્મનિર્ભરતા તરફ ભારત અગ્રેસર થઈ રહ્યું છે

રેર અર્થ મિનરલ્સમાં ચીન ભલે પોતાના ઈજારાશાહી બતાવતો હોય કે, દુનિયાને દબાવવાનો પ્રયાસ કરતો હોય પણ બીજા દેશો દ્વારા આ દિશામાં મહત્ત્વનું કામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ભારતે તેના માટે સક્રિય પ્રયાસ શરૂ કરી દીધા છે. જાણકારોના મતે ભારત પાસે દુનિયાનું અંદાજે છ ટકા જેટલું એટલે કે અંદાજે ૭ મિલિયન ટન રેર અર્થ મિનરલ્સ છે. ભારતે નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન ૨૦૨૫ના નામે એક અભિયાન શરૂ કરી દીધું છે. તેના પગલે ભારત રેર અર્થ મિનરલ્સ મુદ્દે આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સૂત્રોના મતે ભારતે આ દિશામાં કામ કરવા માટે અંદાજે ૩૪,૦૦૦ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે. તેમાં એક્સપ્લોરેશન, માઈનિંગ, પ્રોસેસિંગ વગેરે કરવામાં આવશે. ભારતમાં ઓડિશા, કેરળ, તમિલાનાડુ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં રેર અર્થ મિનરલ્સ શોધવા માટે કામગીરી કરવાના પ્રોજેક્ટ્સ ચાલુ કરવામાં આવ્યા છે. ભારતે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, મોંગોલિયા જેવા દેશો સાથે મિનરલ્સ સિક્યોરિટી પાર્ટનરશિપ પણ કરી છે. જાણકારો માને છે કે, ભારત જે રીતે રેરઅર્થ મિનરલ્સ માટે કામ કરી રહ્યું છે તે જોતાં ભારત એક દાયકામાં આ ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થવાની સાથે સાથે આત્મનિર્ભર પણ બની જશે.