FOLLOW US

#RIPTwitter : ઇલોન મસ્કને પાઠ ભણાવવા કર્મચારીઓએ બાંયો ચઢાવી

Updated: Nov 19th, 2022


- મસ્કની જોહુકમીની વિશ્વમાં ચર્ચા, જવાબમાં ટ્વિટરના કર્મચારીઓના સાગમટે રાજીનામાં : ટ્વિટરના પાટિયાં પડી જાય તેવી સ્થિતિ

- ટ્વિટરના કર્મચારીઓ મસ્ક સામેના જંગ માટે ટ્વિટર પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. બીજા યુઝર્સ પણ તેમને સાથ આપીને ટ્વિટ કરી રહ્યા હોવાથી #RIPTwitter  સાથેની ટ્વિટ્સ ટ્રેન્ડ કરી રહી હતી. ટ્વિટરના સંખ્યાબંધ કર્મચારીઓ #LoveWhereYouWorked હેશ ટેગ અને સેલ્યુટ કરતા હોય એવી ઈમોજી મૂકીને ટ્વિટર છોડવા મક્કમ હોવાનું પણ લખી રહ્યા છે.

વિશ્વના સૌથી ધનિક માણસ એલન મસ્કે ટ્વિટર ખરીદી ત્યારથી કંઈક ને કંઈક ડખા ચાલ્યા જ કરે છે. મસ્કને રોજ નવો તુક્કો સૂઝે છે તેથી ટ્વિટરમા રોજ નવું કમઠાણ મંડાય છે. આવા જ એક તુક્કામાં મસ્કે ટ્વિટરના કર્મચારીઓને ઈ-મેલ ફટકારીને ધમકી આપી દીધેલી કે, ટ્વિટરમાં રહેવું હોય તો આકરી મહેનત કરવી પડશે, તૂટી જવાય એટલું ને વધારે કલાક કામ કરવું પડશે. એ તૈયારી હોય તો રહેજો, બાકી ત્રણ મહિનાનો પગાર લઈને ચાલતી પકડો. 

મસ્કની ધમકીના જવાબમાં ટ્વિટરના સંખ્યાબંધ કર્મચારીઓએ સાગમટે રાજીનામાં ધરી દેતાં મોટો ડખો થઈ ગયો. મસ્કે તેનાથી વિચલિત થયા વિના ટ્વિટરની તમામ ઓફિસોને ૨૧ નવેમ્બર ને સોમવાર લગી તાળાં મારી દેવાનું એલાન કરી દીધું. ટ્વિટરે સત્તાવાર રીતે કર્મચારીઓને મોકલેલા મેલમાં કર્મચારીઓને ઓફિસ બંધ કરવાના નિર્ણયની જાણ તો કરી જ છે પણ  કડક ચેતવણી પણ આપી છે. 

મીડિયામાં ટ્વિટર દ્વારા મોકલાયેલા ઈ-મેલના સ્ક્રીન શોટ ફરતા થયા છે. આ મેલમાં તાત્કાલિક અસરથી ઓફિસ બિલ્ડિંગને બંધ કરવાની અને ઓફિસમાં પ્રવેશવા માટેના  કર્મચારીઓના બેજ ઍક્સેસ સસ્પેન્ડ કરવાની માહિતી અપાઈ છે. સાથે સાથે ગર્ભિત ચીમકી પણ અપી છે કે,  સોશિયલ મીડિયા, મીડિયા અથવા કોઈ પણ જગ્યાએ કંપનીની કોઈ પણ માહિતી આપવાનું કે  તેની ચર્ચા કરવાનું ટાળો. મસ્કે આ ઈ-મેલ દ્વારા આડકતરી ધમકી જ આપી દીધી છે કે, કોઈ પણ કર્મચારી કંપનીની વાતો બહાર પાડશે તો તેને ઘરભેગો કરી દેવાશે. 

ટ્વિટરના કર્મચારી પણ જીદે ચડેલા છે તેથી તેમણે પણ મસ્કની ધમકીની ઐસીતૈસી કરીને ધડબડાટી બોલાવી છે. ટ્વિટરના કર્મચારીઓ સોશિયલ મીડિયા પર #RIPTwitter હેશ ટેગ સાથે મચી પડયા છે. આરઆઈપી એટલે રેસ્ટ ઈન પિસ. અંગ્રેજીમાં કોઈ ગુજરી જાય ત્યારે તેના આત્માને શાંતિ મળે એ માટે આરઆઈપી લખાય છે. ટ્વિટરના કર્મચારીઓ આડકતરી રીતે ટ્વિટર હવે મરી પરવારી છે એમ કહીને તેને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. મજાની વાત એ છે કે, ટ્વિટરના કર્મચારીઓ મસ્ક સામેના જંગ માટે ટ્વિટરના પ્લેટફોર્મનો જ ઉપયોગ કરી રહ્યા છે. ટ્વિટરના બીજા યુઝર્સ પણ તેમને સાથ આપીને ટ્વિટ કરી રહ્યા હોવાથી #RIPTwitter સાથેની ટ્વિટ્સ ટ્રેન્ડ કરી રહી હતી. ટ્વિટરવા સંખ્યાબંધ કર્મચારીઓ #LoveWhereYouWorked હેશ ટેગ અને સેલ્યુટ કરતા હોય એવી ઈમોજી મૂકીને ટ્વિટર છોડવા માટે મક્કમ હોવાનું પણ લખી રહ્યા છે.  ટ્વિટરના કેટલા કર્મચારીઓએ રાજીનામાં આપ્યાં એ સ્પષ્ટ નથી પણ તેમની સંખ્યા બે હાજરની આસપાસ હોવાનું કહેવાય છે. મસ્કે ટ્વિટરનો કબજો લીધો ત્યારે કર્મચારીઓની સંખ્યા ૩૭૦૦ની આસપાસ હતી. મસ્કે ઢગલાબંધ કર્મચારીઓને પિંક સ્લિપ આપીને ઘરનો દરવાજો બતાવી દેતાં અત્યારે ૨૯૦૦ કર્મચારીઓ જ રહી ગયા છે. હવે તેમાંથી પણ બે હજાર કર્મચારી છોડી દે તો ટ્વિટર ખાલીખમ થઈ જાય. 

મસ્ક તો ટ્વિટરમાં એન્ટ્રી કરી ત્યારથી જ મોટા પાયે કર્મચારીઓની છટણી કરીને બોજ ઘટાડવાની ફિરાકમાં જ છે. તેના ભાગરૂપે તેણે આવતાંની સાથે જ સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને લીગલ પોલિસી, ટ્રસ્ટ અને સેફ્ટી ડીપાર્ટમેન્ટ હેડ વિજ્યા ગડ્ડેની હકાલપટ્ટી કરી હતી. મસ્કે બોર્ડમાંથી જૂના ડિરેક્ટર્સને પણ રવાના કરી દીધા હતા. એ પછી મસ્કે ટ્વિટર ઇન્કોર્પોરેશનમાંથી લગભગ ૪૦૦ કર્મચારીને રવાના કરી દીધા. ભારત સહિતના ઘણા દેશોમાં તો ટ્વિટરના આખા સેલ્સ સ્ટાફને છૂટો કરી દેવાયો હતો. ટ્વિટરમાં વર્ક ફ્રોમ હોમ સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવાયું હતું.  મસ્કના આ પગલાના કારણે હાહાકાર મચેલો હતો જ ત્યાં મસ્કે બીજો ફટકો મારવાની તૈયારી કરી નાંખી હતી. મસ્કે ગયા ગુરુવારે કર્મચારીઓને ઇ-મેઇલ કરેલો કે,  તમે ઓફિસમાં કે ઓફિસે જઇ રહ્યા હો તો પણ ઘરે પાછા જતા રહેજો. કંપની તમને શુક્રવારે સવારે ૯ વાગ્યા સુધીમાં તમારે કામ પર આવવાનું છે કે નહીં તે અંગે જાણ કરી દેશે. એ વખતે મસ્કે બીજા ૪૦૦ કર્મચારીને રવાના કરી દેવાયા હતા. મોટા ભાગના લોકોને તો અડધી રાત્રે મેલ મોકલીને છૂટા કરાયાની જાણ કરાઈ હતી. 

કર્મચારીઓને આ ફટકાની કળ વળે એ પહેલાં આ અઠવાડિયે મસ્કે કર્મચારીઓને નવો ઈ-મેલ કર્યો કે, ટ્વિટર ૨.૦ બનાવવા માટે દરેક કર્મચારીએ આકરી મહેનત કરવી પડશે. 

દિવસમાં વધારે કલાક સુધી કામ કરવું પડશે. કર્મચારીએ કલાકો સુધી મહેનત કરવી પડશે અથવા ત્રણ મહિનાનો પગાર લઈને કંપની છોડી દેવી પડશે. આ ઈ-મેલના કારણે મસ્કનો ઈરાદો મોટા ભાગના કર્મચારીઓને છૂટા કરી દેવાનો છે એ સ્પષ્ટ થઈ ગયું હતું. બાકી હતું તે ટ્વિટરના કર્મચારીઓને એક ફોર્મ ભરવાનું કહેવાયું. 

આ ફોર્મમાં કામ કરવાની નવી શરતો લખેલી છે. કર્મચારીઓને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે, જે કર્મચારી ફોર્મ નહીં ભરે ને ફોર્મ ભર્યા પછી કામની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેને ત્રણ મહિનાનો પગાર આપીને રવાના કરી દેવાશે. આ કારણે કર્મચારીઓ ફફડી ગયેલા ને  પોતાનો વારો પડી જાય એ પહેલાં સાગમટે જ રાજીનામાં ધરી દીધાં. 

અત્યારે જે માહોલ છે તેમાં મસ્ક નમતું જોખવા તૈયાર નથી. સામે કર્મચારીઓએ પણ બાંયો ચડાવી લીધી છે તેથી સામસામી યુધ્ધરેખા અંકાઈ ગઈ છે ને ટ્વિટરનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે.

 યુઝર્સને ચિંતા છે કે મસ્કની જીદના કારણે ટ્વિટરનાં પાટિયાં ના પડી જાય પણ વિશ્લેષકોનું માનવું છે કે, આ લડાઈમાં અંતે મસ્કની જ જીત થશે. તેનું કારણ એ કે, ટ્વિટરના બધા કર્મચારી રાજીનામાં ધરી દે એવી શક્યતા નથી. મસ્ક ૭૫ ટકા સ્ટાફને રવાના કરવા માગે છે એ જોતાં બે હજાર કર્મચારી છોડી દે ને ૮૦૦ કર્મચારી જ રહે તો પણ ટ્વિટર ચાલી જ શકે ને એ સંજોગોમાં મસ્કનું ધાર્યું થયેલું ગણાય, તેની જીત કહેવાય. 

માન કે ટ્વિટરના બધા કર્મચારી રાજીનામાં ધરી દે તો કામચલાઉ રીતે  ટ્વિટરને તાળાં મારવાં પડે પણ અમેરિકામાં અત્યારે બેરોજગારીની જે સ્થિતી છે એ જોતાં નવા માણસો શોધવા અઘરા નથી. મસ્ક આઉટસોર્સિંગ કરીને પણ ટ્વિટરને ધમધમતી રાખી શકે. મસ્ક ગણતરીના દિવસોમાં નવા માણસો શોધીને પણ ટ્વિટરને બંધ ના થવા દે એ જોતાં મસ્ક જ ફાયદામાં રહેશે. 

ટ્વિટર ખરીદ્યા પછી ટેસ્લાના શેર તૂટયા

મસ્ક ટ્વિટરમાં ધડબડાટી બોલાવી રહ્યા છે તેનું કારણ એ છે કે, ટ્વિટરના કારણે મસ્ક પોતાના બીજા ધંધા પર ધ્યાન આપી શકતા નથી. 

મસ્ક ટેસ્લા સહિતના બીજા ધંધા પર ધ્યાન આપી શકાય એ માટે વહેલામાં વહેલી ટ્વિટરની સિસ્ટમનું રીસ્ટ્રક્ચરિંગ કરવા માગે છે. મસ્ક ટ્વિટરમાં વ્યસ્ત થઈ જતાં ટેસ્લાના રોકાણકારમાં ચિંતા છે. 

ટેસ્લાના શેર પર તેની અસર વર્તાવા માંડી છે. મહિનામાં ટેસ્લાનો શેર લગભગ ૧૭ ટકા ઘટી ગયો છે. 

ટેસ્લાનો શેર ૨૨૦ ડોલરથી ઘટીને ૧૮૭ ડોલર પર આવી ગયો છે. આ રીતે જ ટેસ્લાના શેરના ભાવ ઘટતા રહે તો ટ્વિટરના કારણે મસ્ક ના ઘરનો રહે ન ઘાટનો. આ સ્થિતી ના આવે તેથી મસ્કને ઉતાવળ છે. 

મસ્કે સત્તાવાર નિવેદનમાં આ કબૂલાત કરીને કહેલું કે, ટ્વિટરને ટેઈકઓવર કર્યા પછી  હું શક્ય તેટલી વહેલી તકે તેનું રીસ્ટ્રક્ટરિંગ કરવા માંગુ છું કે જેથી હું મારી અન્ય કંપનીઓને પણ સમય આપી શકું.

મસ્ક માટે ટ્વિટર ખોટનો સોદો

મસ્ક બિઝનેસમેન છે અને ટ્વિટરનો સોદો આર્થિક રીતે તેના માટે ખોટનો સોદો છે. મસ્કે ૪૩ અબજ ડોલરની તોતિંગ રકમ ખર્ચીને ખોટ કરતી કંપની ટ્વિટર ખરીદી છે. 

ટ્વિટરની ૨૦૨૧માં આવક ૫.૧ અબજ ડોલર હતી જ્યારે લગભગ ૨૨ કરોડ ડોલરની ખોટ કરી હતી. કોઈ પણ બિઝનેસમેન આવી ખોટ કરતી કંપની ના ખરીદે કેમ કે અત્યારે ટ્વિટરમાંથી રોકાણના વ્યાજનાં નાણાં પણ નથી નિકળતાં. ઉલટાનું દર મહિને ઘરના ઉમેરવા પડે છે. 

જો કે મસ્કે ટ્વિટર તેના પ્રભાવના કારે ખરીદી છે. ટ્વિટરના દુનિયાભરમાં અત્યારે ૩૩ કરોડ સક્રિય યુઝર્સ હોવાનું કહેવાય છે. મસ્ક તેમનો ઉપયોગ કરીને ધંધો વધારવા માગે છે. મસ્ક ટ્વિટર પર મૂવી અને ગેઈમ્સ લાવીને જંગી કમાણી કરવા માગે છે. મસ્કે એ માટે જ બ્લુ ટીકના ૮ ડોલર ખંખેરવાન સ્કીમ મૂકી છે.

Gujarat
English
Magazines