બોલિવૂડી ખાન ત્રિપુટી પછડાઈ રહી છે, સાઉથના હીરો પાસે તાજગી - નવા અંદાજ
- બ્રહ્માસ્ત્રએ સાબિત કર્યું છે કે ફિલ્મ જોનારાઓનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે, દમદાર સ્ક્રિપ્ટ અને ભરપૂર મનોરંજન આપતી ફિલ્મો ચાલે છે
- ખાન ત્રિપુટીની ફિલ્મો પછડાઈ રહી છે ને બીજી તરફ સુપરસ્ટાર્સ ના ગણાતા હોય એવા કલાકારોની ફિલ્મો ચાલી રહી છે. આ વરસે સારો વકરો કરનારી ફિલ્મોમાં ખાન ત્રિપુટીમાંથી કોઈની ફિલ્મ નથી. તેના બદલે દમદાર સ્ક્રીપ્ટ કે પછી ભરપૂર મનોરંજન આપતી ફિલ્મો ચાલે છે. કાશ્મીર ફાઈલ્સમાં કોઈ સ્ટાર જ નહોતા પણ સબ્જેક્ટ જોરદાર હતો. ભૂલ ભૂલૈયા ૨ કોમેડીના કારણે ચાલી તો બ્રહ્માસ્ત્ર એકદમ નવા વિષયના કારણે છવાઈ ગઈ.
રણવીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ સફળ થતાં બોલીવુડમાં ભારે રાહતની લાગણી છે. આ ફિલ્મે ૩૫૦ કરોડની કમાણી કરીને લાંબા સમય પછી બોલીવુડને સારા દિવસો દેખાડયા છે. 'બ્રહ્માસ્ત્ર' જંગી બજેટમાં બનેલી ફિલ્મ છે. ૪૧૦ કરોડનું આંધણ કરીને બનાવાયેલી સાઈ-ફાઈ મૂવી ધીરે ધીરે નફા તરફ આગળ વધી રહી છે. 'બ્રહ્માસ્ત્ર' હજુ અડીખમ છે એ જોતાં બહુ જલદી નફો પણ કરી લેશે.
'બ્રહ્માસ્ત્ર'ની સફળતાએ ફરી એક વાર સાબિત કર્યું છે કે, ભારતમાં ફિલ્મ જોનારાંના ટેસ્ટ બદલાઈ ગયા છે અને લોકો હવે પૈસા વસૂલ થતા હોય તો જ થીયેટરમાં જઈને પૈસા ખર્ચવા તૈયાર છે. થોડાંક વરસો પહેલાં સ્ટારના નામે લોકો ફિલ્મ જોવા જતા પણ એ સમય હવે પૂરો થઈ ગયો છે. ભારતમા કોરોના પહેલાંના દોઢેક દાયકા સુધી હિન્દી ફિલ્મો પર ખાન ત્રિપુટીનું રાજ હતું. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનના નામના સિક્કા પડતા હતા.
હવે એવો સમય આવી ગયો છે કે આ ખાન ત્રિપુટીની ફિલ્મો પછડાઈ રહી છે ને બીજી તરફ સુપરસ્ટાર્સ ના ગણાતા હોય એવા કલાકારોની ફિલ્મો ચાલી રહી છે. આ વરસે સારો વકરો કરનારી ફિલ્મોમાં ખાન ત્રિપુટીમાંથી કોઈની પણ ફિલ્મ નથી. તેના બદલે દમદાર સ્ક્રીપ્ટ કે પછી ભરપૂર મનોરંજન આપતી ફિલ્મો ચાલે છે. આ વરસે સૌથી જોરદાર કમાણી કાશ્મીર ફાઈલ્સની છે કે જેમાં કોઈ સ્ટાર જ નહોતા પણ સબ્જેક્ટ જોરદાર હતો. ભૂલ ભૂલૈયા ૨ કોમેડીના કારણ ચાલી તો બ્રહ્માસ્ત્ર એકદમ નવા વિષયના કારણે છવાઈ ગઈ. ગંગુબાઈ કાઠિયાવાડી પણ સારી ચાલી કેમ કે તેમાં પણ અલગ વિષય હતો.
હિન્દી ફિલ્મોમાં ખાન ત્રિપુટીના દબદબાના દિવસો પૂરા થઈ ગયા છે એ વાત તેમની ફિલ્મોના વકરા પરથી જ દખાય છે. બોલીવુડમાં આમિર ખાન મિસ્ટર રીલાયેબલ અને મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાય છે. આમિર બે વરસે એક મૂવી કરે પણ જોરદાર જ કરે એવી માન્યતા છે. આ ફોર્મ્યુલાના કારણે આમિર ટકેલો છે પણ 'લાલ સિંહ ચઢ્ઢા' સુપર ફ્લોપ થતાં આમિરની આબરૂના પણ ધજાગરા થઈ ગયા છે. લાલસિંહ ચઢ્ઢા ૧૮૦ કરોડનાં બજેટમાં બનેલી ફિલ્મ હતી પણ ફિલ્મ ૫૦ કરોડ રૂપિયાની કમાણી પણ ના કરી શકી. એક જમાનામાં આમિરની ફિલ્મો પહેલા બે દાડામાં જ ૫૦ કરોડ તો કમાવી આપતી ત્યારે આ તો આખી ફિલ્મનો ધંધો એટલો નથી.
શાહરૂખ ખાનની છેલ્લા બે વર્ષમાં કોઈ ફિલ્મ આવી નથી પણ એ ક્યારનોય નવરો થઈ ગયેલો છે. કોરોના પહેલાંના બે-ત્રણ વર્ષ દરમિયાન આવેલી શાહરૂખની ફિલ્મોના બુરા હાલહવાલ થયા હતા. શાહરૂખની સારી ચાલી હોય એવી છેલ્લી ફિલ્મ રોહિત શેટ્ટીની દિલવાલે હતી કે જે ૨૦૧૫માં આવેલી. દિલવાલેએ ૩૭૬ કરોડ રૂપિયાનો દમદાર બિઝનેસ કરેલો. એ પછી શાહરૂખનાં વળતાં પાણી શરૂ થયાં. ૨૦૧૬માં આવેલી ફેન અને ડીય. જીંદગી બંને ચાલી નહોતી.
૨૦૧૭ની રઈસ, જબ હેરી મેટ સેજલ બંને પણ પછડાઈ હતી. ૨૦૧૮માં આવેલી અનુષ્કા શર્મા સાથેની ઝીરો બોક્સ ઓફિસ પર પણ ઝીરો સાબિત થયેલી. આ વર્ષે આવેલી રોકેટ્રી, લાલસિંહ ચઢ્ઢા અને બ્રહ્માસ્ત્ર એમ ત્રણ મૂવીમાં શાહરૂખે કેમીયો એટલે કે મહેમાન કલાકાર તરીકે કામ કર્યું છે.
આ ત્રણમાંથી પણ બ્રહ્માસ્ત્ર જ ચાલી છે જ્યારે બાકીની બે ફિલ્મોએ નિરાશ કર્યા છે. ૨૦૨૩માં શાહરૂખની પઠાણ આવવાની છે ને તેના પર શાહરૂખની કારકિર્દીનો મદાર છે પણ અત્યારનો ટ્રેન્ડ જોતાં શાહરૂખ ચાલે એવી શક્યતા ઓછી છે. ખાન ત્રિપુટીમાં સૌથી ખરાબ હાલત સલમાન ખાનની થઈ છે. છેલ્લા એક દાયકાથી સલ્લુભાઈનો બોક્સ ઓફિસ પર દબદબો હતો પણ સલ્લુભાઈના પણ વળતાં પાણી થયાં છે. સલમાને છેલ્લે સુપર હીટ મૂવી પાંચ વર્ષ પહેલાં ૨૦૧૭માં આવેલી. ૨૦૧૭ની ટાઈગર જિંદા હૈ બોક્સ ઓફિસ પર પાંચસો કરોડ કરતાં વધારેનો વકરો કરીને સાચા અર્થમાં ટાઈગર સાબિત થયેલી પણ એ પછી સલમાનની એક પણ ફિલ્મ ચાલી નથી.
સલમાનની ૨૦૧૯માં આવેલી ભારત અને દબંગ થ્રી નફામાં હતી પણ સલમાનની ફિલ્મ ટંકશાળ પાડે એ માન્યતા તૂટી ગયેલી. ૨૦૨૧માં રાધે ફિલ્મ આવી ને આ ફિલ્મે બાકી હતું એ બધું પૂરું કરી નાંખ્યું. ૧૮૦ કરોડના જંગી બજેટમાં બનેલી રાધેનો વકરો ૨૦ કરોડ પણ નહોતો. એ પછી સલમાનની પોતાના બનેવી આયુષ શર્મા સાથેની ફિલ્મ અંતિમની પણ ખરાબ હાલત થઈ ગઈ હતી. મહેશ માંજરેકર જેવા સફળ ડિરેક્ટર હોવા છતાં આ ફિલ્મની કમાણી ૬૦ કરોડની આસપાસ છે.
રાધે અને અંતિમ ધબોનારાયણ થતાં સલમાનના નામે બોક્સ ઓફિસ પર સિક્કા પડે છે એ ભ્રમ ભાંગી ગયો છે. સલમાનનો મદાર હવે બે ફિલ્મો પર છે. આ વર્ષે આવનારી કભી ઈદ, કભી દિવાલી અને નવા વર્ષની શરૂઆતમાં આવનારી ટાઈગર થ્રી પર સલમાને કરોડો રૂપિયાનો દાવ લગાવ્યો છે. આ ફિલ્મો સલમાનનું ભાવિ નક્કી કરશે.
બોલીવુડમાં ચોથો ખાન સૈફ અલી ખાન છે. સલમાન, શાહરૂખ ને આમિરની જેમ સૈફને કોઈ સુપરસ્ટાર માનતું નથી પણ ખાન્સની વાત નિકળે ત્યારે તેનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. સલમાન, શાહરૂખ ને આમિર કરતાં સૈફ વધારે શાણો સાબિત થયો છે. સૈફની હીરો તરીકેની ફિલ્મો ધબોનારાયણ થવા માંડી પછી તેણે સમજદારી બતાવીને હીરો બનવાના ધખારા છોડીને વિલન સહિતના દમદાર રોલ પર ધ્યાન કેન્દ્રિત કર્યંા છે. વચ્ચે વચ્ચે તેની હીરો તરીકેની ફિલ્મો આવે છે ને પણ એ ચાલતી નથી. સૈફ અલી ખાન-રાની મુખરજીની બંટી ઔર બબલી ટુ, જવાની જાનેમન વગેરે ફિલ્મો નથી જ ચાલી. અલબત્ત બાઝાર, લાલ કપ્તાન જેવી ફિલ્મો અને વેબ સીરિઝ તાંડવમાં સૈફે સારા રોલ કર્યા તેમાં સાવ પતી ગયો નથી.
ખાન ત્રિપુટીની ફિલ્મો ચાલતી નથી કેમ કે તેમની ફિલ્મો બિબાંઢાળ હોય છે. બ્રહ્માની જેમ એકદમ અલગ ટ્રીટમેન્ટ કે કાશ્મીર ફાઈલ્સની જેમ દમદાર સબ્જેક્ટના બદલે ખના ત્રિપુટી વરસોથી એક જ પ્રકારની અદાઓ ને એક્ટિંગ કર્યા કરે છે. આ ત્રિપુટીના દરેક ખાનની પોતાની ફોર્મ્યુલા છે ને સમય બદલાયો પણ આ ફોર્મ્યુલા બદલાતી નથી. લોકો આ ફોર્મ્યુલાથી ને એક જ પ્રકારની એક્ટિંગથી કંટાળ્યા છે.
ખાન ત્રિપુટીની સરખામણીમાં સાઉથના હીરો પાસે તાજગી છે. નવી અદાઓ અને નવા અંદાજ છે. કમલ હસન જેવા જૂના જોગીએ પણ વિક્રમ ફિલ્મમાં બિલકુલ નવો અંદાજ રજૂ કરીને સૌને ખુશ કરી દીધા. રણવીરે અને આલિયાએ પણ બ્રહ્માસ્ત્રમાં એ જ કર્યું છે ને આ કારણ જ નવી પેઢીએ તેમને વધાવી લીધા છે.
વરસના છેલ્લા ક્વાર્ટરમા ઘણા સ્ટાર્સની કસોટી
૨૦૨૨ના વરસનું છેલ્લુ ક્વાર્ટર શરૂ થવા આડે બહુ દિવસો બચ્યા નથી. આ ક્વાર્ટરમાં કેટલીક સારી ફિલ્મો રીલીઝ થવાની છે તેથી બોલીવુડ માટે છેલ્લે છેલ્લે સારા દિવસો આવશે એવી આશા છે. આ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાનાની વિકાસ બહલ નિર્દેશિત ગુડબાય, અક્ષય કુમાર અભિનીત રામસેતુ, ઈન્દ્રકુમારની અજય દેવગન અને રકુલ પ્રિત સિંહને ચમકાવતી થેન્ક ગોડ, મલયાલમ ભાષાની યાદગાર ફિલ્મ દૃશ્યમ ૨ની હિન્દી રીમેઈક, સિધ્ધાર્થ મલહોત્રાની યોધ્ધા, સૂરજ બરજાત્યાની અમિતાભ બચ્ચનને ચમકાવતી ઉંચાઈ, રોહિત શેટ્ટીની રણવીર સિંહ, જેકલીન ફર્નાન્ડિઝ અને પૂજા હેગડે અભિનીત સર્કસ સહિતની મૂવી રીલીઝ થશે.
સપ્ટેમ્બરના છેલ્લી વીકમાં પણ આર. બાલ્કીની ચૂપઃ રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ, મધુર ભંડાકરની બબલી બાઉન્સર અને સાઉથની ફિલ્મની રીમેઈક વિક્રમ વેધા રીલીઝ થશે. વિક્રમ વેધામાં સૈફ અલી ખાન અને રીતીક રોશન છે.
હિન્દી ફિલ્મોમાં અજય દેવગન, રણવીર સિંહ સહિતના સ્ટાર્સ પણ ચાલતા નથી. છેલ્લા ક્વાર્ટરમાં આ સ્ટાર્સની પણ કસોટી છે. આ કહેવાતા સ્ટાર્સ પણ ખાન ત્રિપુટીના રસ્તે તો નથી ને તેનો ફેંસલો થશે.