ટોસ, ડીઆરએસ, બોલઃ પાકિસ્તાનીઓને ભારતની સફળતાની ઈર્ષા
Updated: Nov 18th, 2023
- પાકિસ્તાનના ઓલરાઉન્ડ વસીમ અકરમે પણ કહેવું પડયું છે કે આવી વાતો સાંભળીને અમને શરમ આવે છે, આવો બકવાસ કરીને પાકિસ્તાનીઓને હાંસીને પાત્ર ન બનાવો
- વર્લ્ડકપ શરૂ થયો ત્યારથી પાકિસ્તાનમાં ક્રિકેટ એક્સપર્ટ્સ બની બેઠેલા ભૂતપૂર્વ ક્રિકેટરો ભારતની જીત પર પાણીમાંથી પોરા કાઢતા હોય એમ વાહિયાત વાતો કરી રહ્યા છે. હસન રઝાએ ભારતને અલગ બોલ અપાતો હોવાનો અને ભારતને ફાયદો કરાવવા માટે ડીસિઝન રીવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં છેડછાડ કરાતી હોવાનો બકવાસ કરેલો. હવે સિંકદર બખ્તે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટોસ ઉછાળવામાં ચીટિંગ કરતો હોવાનો આડકતરો આક્ષેપ કર્યો છે. પાકિસ્તાની ક્રિકેટરો આડકતરી રીતે સ્થાપિત કરવા માગે છે કે, ભારત પોતાની તાકાત કે ખેલાડીઓના દમદાર પ્રદર્શનના જોરે નથી જીત્યું પણ અંચઈ કરીને જીતે છે.
વન ડે વર્લ્ડકપની ફાઈનલમાં ભારત વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાની ટક્કરનો તખ્તો તૈયાર છે ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોને ભારતની સફળતાની ઈર્ષા થઈ રહી છે. ભારત આ વર્લ્ડકપમાં એકદમ છવાઈ ગયું છે અને હરીફ ટીમોને તક આપ્યા વિના તેમનો ખુરદો કાઢી નાંખે એ પાકિસ્તાનના ક્રિકેટરોથી સહન થતું નથી. આ કારણે વર્લ્ડકપ શરૂ થયો ત્યારથી પાકિસ્તાનમાં ક્રિકેટ એક્સપર્ટ્સ બની બેઠેલા ભૂતપૂર્વ ક્રિકેટરો ભારતની જીત પર પાણીમાંથી પોરા કાઢતા હોય એમ વાહિયાત વાતો કરી રહ્યા છે.
હસન રઝા તેમાં મુખ્ય છે કે જેણે ભારતને અલગ બોલ અપાતો હોવાનો અને ભારતને ફાયદો કરાવવા માટે ડીસિઝન રીવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં છેડછાડ કરાતી હોવાનો બકવાસ કરેલો. હવે સિંકદર બખ્તે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટોસ ઉછાળવામાં ચીટિંગ કરતો હોવાનો આડકતરો આક્ષેપ કર્યો છે. બખ્તનું કહેવું છે કે, રોહિત શર્મા ટોસ ઉછાળતી વખતે ચાલાકી કરે છે. રોહિત સિક્કાને એ રીતે ઉછાળે છે કે જેથી દૂર જઈને પડે અને હરીફ ટીમનો કેપ્ટન શું આવ્યું છે એ જોઈ ના શકે, હરીફ કેપ્ટન સિક્કાને જોવા જાય એ પહેલાં જ રોહિત સિક્કો ઉઠાવી લે છે અને પોતાને માફક આવે એ પ્રકારનો નિર્ણય જાહેર કરી દે છે.
બખ્તની વાત સાવ હાસ્યાસ્પદ અને વાહિયાત છે. પાકિસ્તાનના મહાન ઓલરાઉન્ડર વસિમ અકરમ સુધ્ધાંએ કહેવું પડયું છે કે, આવી વાતો સાંભળીને અમને શરમ આવે છે. આ બકવાસ કરીને તમે તો મજાકનું પાત્ર બનો જ છો પણ લોકોની નજરમાં અમે પાકિસ્તાનીઓ પણ હાંસીને પાત્ર બની રહ્યા છીએ.
વસિમ અકરમે હસન રઝાના લવારા વિશે પણ આવો જ મત વ્યક્ત કરેલો. એ સ્વાભાવિક હતું કેમ કે હસન રઝાની વાતો સાવ મોં-માથા વિનાની હતી. રઝાએ સૌથી પહેલાં દાવો કરેલો કે, ભારતને ફાયદો કરાવવા માટે ડીઆરએસમાં છેડછાડ કરાય છે. રઝાએ દક્ષિણ આફ્રિકા સામે રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટો લીધી તેનું ઉદાહરણ આપતાં કહેલું કે, વેન ડર દૂસેં સામે ડીઆરએસ લેવાયો ત્યારે આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કેમ કે જાડેજાનો બોલ લેગ સ્ટમ્પ પર પડીને મિડલ સ્ટમ્પ પર જશે એવું બતાવાયેલું.
હવે કોઈ લેફ્ટ આર્મ સ્પિનરનો બોલ લેગ સ્ટમ્પ પર પડીને મિડલ સ્ટમ્પ પર કઈ રીતે જઈ શકે ? મારા મતે આ બાબતોને ચેક કરવી જોઈએ કેમ કે ડીઆરએસ સાથે છેડછાડ થઈ રહી છે. હસન રઝાનો દાવો હતો કે, ભારતમાં મેચ રમાતી હોય ત્યારે હંમેશાં એવું થાય છે. ૨૦૧૧ના વર્લ્ડકપમાં સચિન તેંડુલકર સઈદ અજમલના બોલ પર સ્પષ્ટ રીતે આઉટ હોવા છતાં ડીઆરએસમાં છેડછાડ કરીને તેને આઉટ નહોતો અપાયો.
હસન રઝાએ શ્રીલંકાને ભારતે માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ કરીને ભવ્ય જીત મેળવી પછી ભારતીય ટીમને અપાતા બોલ સામે પણ શંકા વ્યક્ત કરીને તપાસની માગણી કરી હતી. હસન રઝાનું કહેવું હતું કે, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝ આ કેવી બોલિંગ કરી રહ્યા છે ? હું પણ એક સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો હતો. એ વખતે બોલ રીવર્સ સ્વિંગ થતો હતો પણ અહીં તો કશુંક અલગ જ થઈ રહ્યું છે. મને લાગે છે કે, બોલ બદલી નંખાય છે. ખબર પડતી નથી કે, ભારતીય બોલરોને બોલ આઈસીસી આપે છે કે બીસીસીઆઈ આપે છે. આઈસીસીએ ભારતીયોને અપાતા બોલ અંગે તપાસ કરવાની જરૂર છે.
વસિમ અકરમે તો એ વખતે પણ કહેલું કે, હું છેલ્લા કેટલાક દિવસોથી આ વાતો સાંભળી રહ્યો છું અને મને તેમની વાતો હાસ્યાસ્પદ લાગી રહી છે. આ લોકોનું દિમાગ ઠેકાણે નથી. એ લોકો પોતાની તો બેઈજ્જતી કરાવી જ રહ્યા છે પણ સાથે સાથે આખી દુનિયા સામે અમારી પણ બેઈજ્જતી કરાવી રહ્યા છે.
આ તો પાકિસ્તાના કહેવાતા ક્રિકેટ એક્સપર્ટ્સ એવા બે ભૂતપૂર્વ ક્રિકેટરોએ કરેલા બકવાસની વાત કરી પણ આ પ્રકારની વાહિયાત વાતો વર્લ્ડકપ શરૂ થયો ત્યારથી ચાલે છે. ભારત પહેલી મેચથી જ સંપૂર્ણ પ્રભુત્વ સાથે રમ્યું છે અને ભારતની દરેક જીત સાથે પાકિસ્તાનના આ કહેવાતા એક્સપર્ટ્સ કંઈક નવું ગતકડું લઈ આવે છે. આડકતરી રીતે એ લોકો એવું સ્થાપિત કરવા માગે છે કે, ભારત પોતાની તાકાત કે ખેલાડીઓના દમદાર પ્રદર્શનના જોરે નથી જીત્યું પણ અંચઈ કરીને જીતે છે.
પાકિસ્તાનના કહેવાતા ક્રિકેટ એક્સપર્ટ્સની વાતો એ વાતનો પુરાવો છે કે, ભારત ગમે તે માને પણ પાકિસ્તાનીઓને ભારતની સફળતા પચતી નથી, પાકિસ્તાનીઓની માનસિકતા હળાહળ ભારત વિરોધી છે. ભારત ઉપરાછાપરી મેચો જીતીને ચેમ્પિયનની જેમ રમી રહ્યું છે તેનાથી તેમને મરચાં લાગી રહ્યાં છે.
ભારતની સફળતા તેમના ઘા પર મીઠું ભભરાવવા જેવી છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તો સાવ ધોળકું ધોળીને હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો કરીને લીગ સ્ટેજમાંથી જ ફેંકાઈને ઘરભેગી થઈ ગઈ પણ ભારત જીત પર જીત મેળવી રહ્યું છે ને રવિવારે વર્લ્ડકપ પણ જીતી જાય તો કહેવાય નહીં. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોથી આ બધું જોયું જતું નથી.
પાકિસ્તાનમાં પણ વસિમ અકરમ અને શોએબ જેવા ક્રિકેટરો ભારતની સફળતાને વખાણે છે. પાકિસ્તાનની ટીવી ચેનલોને એવા ક્રિકેટરોની જરૂર નથી તેથી સિકંદર બખ્ત અને હસન રઝા જેવા બહુ નહીં ચાલેલા ક્રિકેટરોને પકડી પકડીને બેસાડી દીધા છે કે જે ભારતની સામે ઝેર ઓક્યા કરે છે. સિકંદર બખ્ત ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી રમેલો. ઈમરાન ખાનના સમકાલિન સિકંદરનો રેકોર્ડ એવો પ્રભાવશાળી નથી કેમ કે બખ્ત માત્ર ૨૬ ટેસ્ટ રમ્યો છે.
હસન પોતે બહુ ક્રિકેટ રમ્યો હોય એવો દેખાવ કરે છે પણ વાસ્તવમાં હસન રઝા તો બખ્તથી પણ ગયેલો છે કેમ કે માત્ર ૭ ટેસ્ટ ને ૧૬ વન ડે રમ્યો છે. જો કે દરેક દેશમાં ક્રિકેટ કોમેન્ટરીમાં સૂંઠના ગાંગડે ગાંધી થયેલા લોકો બેસી ગયા છે. સિકંદર બખ્ત અને રઝા પણ તેમાંથી જ છે. ટીવી ચેનલોને ભારત વિરોધી માનસિકતા ધરાવતા પાકિસ્તાનીઓને ખુશ રાખવા છે તેથી તેમની દુકાન ચાલ્યા કરે છે.
પાકિસ્તાની ક્રિકેટરો ઐશ્વર્યા-નીના ગુપ્તા સામે ગંદી કોમેન્ટ્સના વિવાદમાં
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો ભારતીય અભિનેત્રીઓ વિશે ગંદી ને અશ્લીલ કોમેન્ટ્સના વિવાદમાં ફસાયેલા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય વિશે અત્યંત હલકી અને નીચ કક્ષાની કોમેન્ટ કરતાં કહેવું કે, ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરો ને પછી પ્રમાણિક અને સંસ્કારી બાળકો પેદા થાય એવી અપેક્ષા રાખો એ શક્ય નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ રીતે જ વર્તી રહ્યું છે.
રઝાકે આ કોમેન્ટ કરી ત્યારે શાહિદ આફ્રિદી અને ઉમર ગુલ પણ તેની બાજુમાં બેઠા હતા. બંનેએ આ વાત પર તાળીઓ પાડી હતી અને હસ્યા પણ હતા. શોએબ અખ્તરે આ હરકત બદલ ત્રણેય ક્રિકેટરોને ઝાટકી નાંખ્યા હતા. રઝાકના લવારાનો આફ્રિદી અને ગુલે વિરોધ કરવો જોઈતો હતો એવું સ્પષ્ટ શબ્દોમાં અખ્તરે કહેલું. આ મુદ્દે ભારે પસ્તાળ પડયા પછી રઝાકે માફી માગી છે.
રઝાકની હલકી કોમેન્ટનો વિવાદ તાજો છે ત્યારે રમીઝ રાજા ભારતીય એક્ટ્રેસ નીના ગુપ્તા અને વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સના સંબંધો વિશે કરાતી ખરાબ કોમેન્ટ પર હસતો હોય એવો વીડિયો વાયરલ થયો છે. એક ટીવી શોમાં એક મહિલા કોમેડિયને કહેલું કે, હું ક્રિકેટ મેચો જોઉં છું પણ રિચાર્ડ્સના નીના સાથેના સંબધો વિશે જાણ્યા પછી મારું દિલ તૂટી ગયેલું. એ વખતે મેં લખેલું કે, જો લડકિયાં ખુદ કો કહતી હૈં મલિકા-એ-આલિયા, ઉ કો ફિર મિલતા હૈ મિસ્ટર કાલિયા............
નીના-રિચાર્ડ્સની દીકરી મસાબાએ આ હરકત બદલ રમીઝા રાજાને ઝાટકી કાઢયો છે.
1992માં ભારતે ઈમરાનની પાકિસ્તાની ટીમને સપોર્ટ કરેલો
૧૯૯૨ના વર્લ્ડકપમાં ભારત ફેંકાઈ ગયેલું જ્યારે પાકિસ્તાન શરૂઆતની હાર પછી ફરી બેઠું થઈને સેમી ફાઈનલ લગી પહોંચી ગયેલું. એ વખતે સુનિલ ગાવસકર સહિતના ભારતીય ક્રિકેટરોએ ભારતીય ચાહકોને અપીલ કરેલી કે, ભારતીયોએ પાકિસ્તાની ક્રિકેટ ટીમને સપોર્ટ કરવો જોઈએ કેમ કે પાકિસ્તાન ગમે તેમ તો પણ ભારતનો નાનો ભાઈ છે. વર્લ્ડકપની સેમી ફાઈનલમાં પ્રવેશનારી એક માત્ર એશિયન ટીમ પાકિસ્તાનની હતી તેથી એશિયન ટીમ વર્લ્ડકપ જીતે એ માટે બધા એશિયન દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કરવો જોઈએ.
ઈમરાન ખાને વર્લ્ડકપ જીત્યા પછી આ વાતનો ઉલ્લેખ કરીને ગાવસકર સહિતના ભારતીય ક્રિકેટરોનો આભાર માન્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો ભારતીયો જેવી મોટાઈ નથી બતાવી શક્યા. એ લોકો ભારતને સપોર્ટ કરવાના બદલે ભારતની સફળતાને નાની બતાવવાનાં ફાંફાં મારીને વિકૃત આનંદ માણી રહ્યા છે.