Get The App

અરુણાચલને સાઉથ તિબેટ ગણાવવાના ચીનના નિરર્થક પ્રયાસ

Updated: May 17th, 2025

GS TEAM

Google News
Google News
અરુણાચલને સાઉથ તિબેટ ગણાવવાના ચીનના નિરર્થક પ્રયાસ 1 - image


- અખંડ ભારતનો મહત્ત્વનો ભાગ રહેલા અરુણાચલની વિવિધ જગ્યાઓના નામ બદલવાની ચીનની આડોડાઈ હજી પણ ચાલુ છે

- ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સની નવી યાદીમાં અરુણાચલના પાંચ ગામ, 15 પહાડ અને ટેકરીઓ, 4 ખીણ, બે નદીઓ અને એક તળાવ સહિત કુલ 27 જગ્યાઓને નવા નામ અપાયા : લદાખની જેમ અરુણાચલમાં પણ ઘુસીને જમીન પચાવી પાડવાના મનસુબા સર થતા નથી એટલે જગ્યાઓના નામ અને નકશા બદલીને ભારતને દબાવવાનો કારસો : 1912થી શિમલા કરારમાં આડા ફાટેલા ચીન મેકમોહન લાઈનથી દક્ષિણે આવેલા અરુણાચલને પોતાનો ભાગ ગણાવી રહ્યો છે

ચીને તાજેતરમાં ફરી એક વખત અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થાનોના નામ બદલવાનો નફ્ફટાઈભર્યો અને નિરર્થક પ્રયાસ કર્યો છે. ચીને આ વખતે અરુણાચલ પ્રદેશની ૨૭ જગ્યાઓના નામ બદલ્યા છે. તેણે આ વખતે પાંચ ગામ, ૧૫ પહાડો, ચાર ખીણ, બે નદીઓ અને એક તળાવના નામ બદલ્યા છે. ચીન દ્વારા આ તમામ જગ્યાના નામ ચીની એટલે કે મેંડેરિન ભાષામાં રાખવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, ચીન દ્વારા બદલવામાં આવેલા આ તમામ નામની જાહેરાત ચીનના મુખપત્ર સમાન ગ્લોબલ ટાઈમ્સ અખબારમાં જાહેર કરવામાં આવ્યા છે.  

આ અંગે ભારત દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભારતે જણાવ્યું કે, ચીનનો આ નિરર્થક પ્રયાસ છે. 

ચીન ભલે વારંવાર અરુણાચલ પ્રદેશના વિવિધ ભાગના નામ બદલવાનો પ્રયાસ કરે પણ અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે. 

આમ જોવા જઈએ તો સમયાંતરે અરુણાચલના વિવિધ પ્રદેશોના નવા નામ જાહેર કરવા તે ચીનની મેલી મુરાદ ઘણા વખતથી ચાલી આવી છે. ભારત અને દુનિયા જાણે છે કે, અતિક્રમણ કરવું તે ચીનની જૂની આદત છે અને તે અવાનવાર પોતાના પાડોશીઓ સાથે આવું કરતો રહે છે. અહીંયા એક વાત સ્પષ્ટ છે અને કદાચ નોંધવા લાયક છે કે, જ્યારે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધતી હોય અને દુનિયા ભારતના વખાણ કરતી હોય ત્યારે ચીન આવી આડોડાઈ કરીને ભારતને ભીંસમાં લેવા પ્રયાસ કરતો જ હોય છે. ઘણી વખત પાકિસ્તાન સાથેની મિલિભગતને પગલે પણ બંને મોરચેથી ચીન અને પાકિસ્તાન ભારતને કનડગત કરવા આવા પ્રયાસ કરતા જ હોય છે. જાણકારો માને છે કે, ઓપરેશન સિંદુર દ્વારા ભારતે પાકિસ્તાનની જે હાલત કફોડી કરી નાખી છે તેમાં થોડો ફેરફાર કરવા અને પોતાના પાલતુ પાકિસ્તાનને રાજી કરવા માટે ચીને આ નાપાક કામગીરી કરી છે.

ચીનની આડોડાઈ જોઈએ તો આ પહેલો પ્રયાસ નથી. આ પહેલાં તેણે પાંચ વખત આવા પ્રયાસ કર્યા છે. આ તેની પાંચમી યાદી છે જેમાં તેણે અરુણાચલના વિવિધ સ્થાનોને નવા નામ આપવાનો પ્રયાસ કર્યો છે. ૨૦૧૭માં ચીનની મંત્રાલય દ્વારા છ સ્થાનોના નામ બદલવામાં આવ્યા હતા. 

ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૧માં ૧૫ સ્થાનોના નામ બદલીને તેની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૨૩ એપ્રિલમાં ચીને ૧૧ સ્થાનોના નામ બદલી કાઢયા હતા. તેની આ ત્રીજી યાદી પણ વૈશ્વિક ધોરણે જારી કરી હતી. 

આ સ્થિતિ ચિંતાજનક એટલે હતી કે, તેમાં ચીને અરુણાચલની રાજધાની ઈટાનગરની નજીકના શહેરનું નામ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે પણ ચીને પોતાના મંત્રાલય દ્વારા એક યાદી જાહેર કરી હતી.

 આ યાદીમાં તેણે અરુણાચલ પ્રદેશના ૩૦ સ્થાનોની માહિતી આપી હતી જેને નવા નામ આપવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, ચીન અરુણાચલ પ્રદેશના ૯૦,૦૦૦ વર્ગ કિ.મી વિસ્તારને પોતાનો પ્રદેશ ગણાવે છે. તે આ વિસ્તારને ચીની ભાષામાં ઝંગનાન તરીકે પણ ઓળખાવે છે તો ક્યારેક અરુણાચલ પ્રદેશ પણ કહે છે તો ક્યારેક તેને દક્ષિણ તિબેટ તરીકેની ઓળખ આપીને નકશામાં બતાવે છે. તેના કેટલાક નકશામાં અરુણાચલનું નામ બદલાયેલું નથી. તેમ છતાં સમયાંતરે તે ભારતીય વિસ્તારમાં આવેલા અરુણાચલ અને તેના વિવિધ વિસ્તારોને પોતાના ગણાવે છે. તે અરુણાચલના વિવિધ વિસ્તારોને ચીની નામ આપીને આ વિવાદને નવેસરથી ચગાવવા માગે છે.

ચીનનો આ વિવાદ અત્યારનો નથી. ચીનની આ આડોડાઈ એક શતાબ્દી જૂની છે. અંદાજે ૧૧૧ વર્ષ પહેલાંથી ચીને અરુણાચલ માટે વિવાદ શરૂ કરેલો છે. તે વખતે તિબેટ અને બ્રિટિશ ભારત વચ્ચે સરહદ હતી. 

આ મુદ્દે ૧૯૧૪માં શિમલા સંમેલનમાં સહમતી બની હતી. આ સંમેલનને અધિકારિક રીતે ચીન, તિબેટ અને ગ્રેટ બ્રિટનનું સંમેલન કહેવામાં આવતું હતું. શિમલા સંમેલનમાં ચીનનું પ્રતિનિધિત્વ તે વખતના ચીની ગણરાજ્યના એક દૂત દ્વારા કરવામાં આવ્યું હતું. 

તેમને મહાદૂત પણ કહેવાતા હતા. ૧૯૧૨માં કિંગ રાજવંશના પતન બાદ તેમને ચીનને મહાદૂત બનાવાયા હતા. ત્યારબાદ ૧૯૪૯માં સામ્યવાદી સરકાર અસ્તિત્વમાં આવી જે આજે પણ અકબંધ છે. શિમલા કરારથી ચીન આડોડાઈ કરતું આવ્યું છે. તેણે ત્યારે પણ જણાવ્યું હતું કે, તિબેટને આંતરરાષ્ટ્રીય સમજૂતી કરવાનો કે કરાર કરવાનો કોઈ અધિકાર નથી. 

તેણે ત્યારે આ સંમેલન અને સરહદી કરારનો વિરોધ કર્યો હતો. તે વખતે મુખ્ય ચર્ચાકર્તા હેનરી મેકમોહન હાજર હતા. તેમના નામ ઉપરથી જ ત્રણેય દેશો વચ્ચેની સરહદને મેકમોહન લાઈન કહેવામાં આવી હતી. 

આ સરહદ ભૂતાનની પૂર્વ સરહદથી શરૂ કરીને ચીન-મ્યાંમાર સરહદ ઉપર ઈસુ રઝી સુધી ખેંચાયેલી હતી. ચીન મેકમોહન લાઈનની દક્ષિણે આવેલા અરુણાચલ પ્રદેશ ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે. તે પોતાના દાવાને સમર્થન આપવા માટે તવાંગ અને લ્હાસાના મઠ વચ્ચેના ઐતિહાસિક સંબંધોની પણ વાતો રજૂ કરે છે. તે અરુણાચલને સાઉથ તિબેટ જ માને છે અને પોતાનો દાવો કરે છે.

વૈશ્વિક સ્તરે જાણકારો ચીનની આ કામગીરીને દબાણની રાજનીતિ ગણાવી રહ્યા છે. તેઓ બેઈજિંગ પ્રોપેગેન્ડા હેઠળ કામગીરી થતી હોવાનું માને છે. ભારત તરફથી કોઈ અરુણાચલમાં જાય અથવા તો ભારતીય નેતા કે કોઈ સેલેબ્રિટી અરુણાચલની મુલાકાત કરે કે તેના વિશે કોઈ વાત રજૂ કરે ત્યારે ચીન નારાજગી વ્યક્ત કરતા નિવેદનો કરતું હોય છે. તે વારંવાર ભારતીય નેતાઓને અરુણાચલ ન જવા માટે પણ ધમકીઓ ઉચ્ચારતું રહેતું હોય છે. ૨૦૧૭માં દલાઈ લામા દ્વારા અરુણાચલ પ્રદેશની મુલાકાત લેવામાં આવી તેનો વિરોધ કરવા અને આકરો સંદેશ આપવા માટે ચીને નામ બદલવાના પ્રોપેગેન્ડા શરૂ કરી દીધા હતા. તેવી જ રીતે ૨૦૨૧માં તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ રાજ્યની વિધાનસભાના એક કાર્યક્રમમાં અતિથિ તરીકે પહોંચ્યા ત્યારે ચીને વૈશ્વિક ધોરણે કાગારોળ મચાવી હતી. તેવી જ રીતે વિન્ટર ગેમ્સ અને અન્ય ગેમ્સમાં અરુણાચલના ભારતીય એથલિટોના વીઝા જારી કરવામાં પણ ચીન આનાકાની અને આડોડાઈ કરતું જોવા મળ્યું છે. તેના કારણે જ ચીન ભારતના અરુણાચલ અને તેની આસપાસના પ્રદેશોને નવા નામ આપવાના પ્રયાસ કરે છે. તેવી જ રીતે બેઈજિંગ દ્વારા દક્ષિણ ચીન સાગરમાં આવેલા ટાપુઓ અને તેની આસપાસના વિસ્તાર ઉપર પોતાનો કબજો હોવાના દાવા કરે છે. 

ચીન દ્વારા કથિત ઐતિહાસિક અન્યાયની વાતોને પોતાની વિદેશ નીતિનો ભાગ બનાવી લેવાયો છે. તેના થકી જ તે દુનિયાના વિવિધ પ્રદેશોને ખાસ કરીને પોતાના સરહદોને સમાંતર આવેલા પ્રદેશોને પોતાનો જ ભાગ ગણાવે છે. તેની આર્થિક મજબૂતી અને લશ્કરી તાકાતને કારણે પણ તે પોતાના આવી આક્રમક વિદેશનીતિને વળગીને લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે. 

એક ચીની રિસર્ચરે આપેલા અહેવાલો બાદ ચીને ધતિંગ શરૂ કર્યા 

ચીનમાં ૨૦૧૦માં ઈન્સ્ટિટયૂટ ઓફ સર્વે એન્ડ જિયોફિઝિક્સ ઓફ ચાઈનિઝ એકેડેમી ઓફ સાયન્સીસના એક સંશોધક હાઓ જિયોગુંગ દ્વારા અરુણાચલના વિવિધ પ્રદેશો માટે એક સંશોધન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. તેણે ભૌગોલિક વિવિધતાઓ અને બાબતોના આધારે અભ્યાસ હાથ ધર્યા હતા. તેણે સતત ૧૫ વર્ષ અરુણાચલ ઉપર રિસર્ચ કરીને તેના સંશોધન, ફિલ્ડવર્ક, કાર્ટોગ્રાફી, ટોપોનામી, જિયોગ્રાફી, ઈથનોગ્રાફી અને સર્વેના આધારે અરુણાચલનો નકશો અને તેના વિવિધ પ્રદેશોના નામ બદલવાની પદ્ધતિ વિકસાવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ હતો વિવિધ પ્રદેશોને ચીની નામ આપવા કારણે કે તત્કાલિન નકશામાં જગ્યાઓના નામ નહોતા. તેણે આ કોર્ટોગ્રાફી દ્વારા ૨૦૧૪માં પોતાનો એક નવો નકશો તૈયાર કર્યો હતો. તેમાં તેણે અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગને પોતાના દેશનો ભાગ ગણાવ્યા હતા. મે ૨૦૧૫માં નરેન્દ્ર મોદી જ્યારે ચીનના પ્રવાસે ગયા હતા ત્યારે ચીને પોતાના નેશનલ ટીવીમાં આવા નકશા ચલાવવાનો પ્રોપેગેન્ડા પણ કર્યો હતો. ત્યારબાદ ૨૦૨૦માં પણ ચીને પોતાની મેલી મુરાદ પુરી કરતો એક નકશો જારી કર્યો હતો. ત્યારબાદ ૨૦૨૩માં અકસાઈ ચીન અને અરુણાચલના વિવિધ ભાગને પોતાના જણાવતો નકશો પણ ચીને જારી કર્યો હતો. ભારતે દર વખતે આ પ્રોપેગેન્ડાને ફગાવી દીધા હતા. 

સત્યને ક્યારેય તોડી મરોડીને  બદલી શકાય જ નહીં

ચીન દ્વારા ભારતીય પ્રદેશોના નામ બદલવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને ભારતે વખોડી કાઢયો છે. ભારત સરકારે આકરા શબ્દોમાં ચીનની ઝાટકણી કાઢી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીને જે રીતે અરુણાચલના વિવિધ સ્થાનોના નામ બદલવાનો પ્રયાસ કર્યો છે તે અયોગ્ય અને અસ્વીકૃત છે. અરુણાચલ ભારતનો અવિભાજ્ય ભાગ છે. ભારતે આકરા શબ્દોમાં જણાવ્યું કે, અમે જોઈએ છીએ કે, ચીન સતત ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશના નામ બદલવાનો વાહિયાત પ્રયાસ કરી રહ્યું છે. ભારત સૈદ્ધાંતિક રીતે આવા પ્રયાસોને ફગાવી દઈએ છીએ. માત્ર કોઈ જગ્યાનું નામ બદલવામાં આવે તેનાથી બધું બદલાઈ જતું નથી. ચીન જેવો દેશ અરુણાચલની જગ્યાઓના નામ બદલે એટલે બધું બદલાઈ જાય નહીં. અરુણાચલ ભારતનો અભિન્ન અંગ હતું, હાલમાં પણ છે અને કાયમ રહેશે.

Tags :