Get The App

સલમાનને જેલમાંથી મોતની ધમકી, કાયદાના શાસન સામે સવાલ

Updated: Mar 16th, 2023

GS TEAM


Google News
Google News
સલમાનને જેલમાંથી મોતની ધમકી, કાયદાના શાસન સામે સવાલ 1 - image


- જેલની હવા ખાઈ રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ખૂલ્લેઆમ ટીવી ચેનલ પર એક્ટર સલમાન ખાનને ધમકી આપતા ખળભળાટ મચ્યો છે

- બિશ્નોઈ જે સ્ટાઈલમાં ધમકી આપી રહ્યો છે એ દેશના કાયદા અને પોલીસ બંનેની મજાક ઉડાવનારી છે. બિશ્નોઈ ગેંગસ્ટર છે અને પંજાબી ગાયક તથા કોંગ્રેસના નેતા સિધ્ધુ મૂસેવાલાની હત્યાનો આરોપી છે. એક હત્યાનો આરોપી જેલમાં બેઠાં બેઠાં ઈન્ટરવ્યુ આપે અને દેશના ટોચના ફિલ્મ સ્ટારને મારી નાંખવાની ધમકી આપે તેનાથી વધારે શરમજનક કંઈ ના કહેવાય.

પંજાબી ગાયક સિધ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં જેલની હવા ખાઈ રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ખુલ્લેઆમ ટીવી ચેનલ પર આવીને એક્ટર સલમાન ખાનને ધમકી આપતાં ખળભળાટ મચ્યો છે.  બિશ્નોઈ જેલમાં બંધ છે ને જેલમાં બેઠાં બેઠાં એ નેશનલ ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપે તેના કારણે પંજાબ સરકારની આબરૂના ધજાગરા થઈ જ ગયા છે. તેમાં વળી તેણે સલમાનને ધમકી આપી તેમાં આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચગ્યો છે. 

લોરેન્સે અલ્ટિમેટમ આપ્યું છે કે, સલમાન ખાન બિશ્નોઈ જ્ઞાાતિનાં લોકો માટે પવિત્ર મનાતા કાળિયારની હત્યા કરીને બિશ્નોઈ સમાજનું અપમાન કર્યું છે. બિશ્નોઈ સમાજમાં આ હત્યાના કારણે સલમાન સામે આક્રોશ છે. તેની સામે કેસ નોંધાયો ને તેને સજા થઈ પણ તેણે માફી માગી નથી. આ હત્યા બદલ સલમાન માફી માગે કે પછી પરિણામો ભોગવવા તૈયાર રહે. સલમાન અમારી દેવીના મંદિરે આવે, માથું નમાવીને માફી માગે ને અમારો સમાજ માફ કરી દેશે તો હું કશું નહી કરું. બાકી સલમાનને સજા આપવા માટે હું કોઈના પર નિર્ભર નથી.

બિશ્નોઈએ સલમાનની હત્યા કરી દેવાશે એવું સ્પષ્ટ નથી કહ્યું પણ તેણે જે શબ્દો વાપર્યા છે તેનો અર્થ એ જ થાય કે, સલમાન ખાન માફી નહીં માગે તો તેને પતાવી દેવાશે. બિશ્નોઈએ કહ્યું છે કે, આજે નહીં તો કાલે, પોતે સલમાનના ઘમંડને ચકનાચૂર ચોક્કસ કરશે.

સલમાન ખાન તથા તેના પિતા સલીમખાનને મોતની ધમકી આપતા પત્ર મોકલવા બદલ  મુંબઈ પોલીસે ગયા વરસના જૂનમા કેસ નોંધેલો. આ પત્રમાં લખાયેલું કે, મૂસેવાલા જૈસા કર દૂંગા. મતલબ કે, મૂસેવાલાની હત્યા કરાઈ હતી એ રીતે હત્યા કરી નાંખીશ. આ પત્ર લોરેન્સ બિશ્નોઈએ મોકલેલો એવું મનાતું હતું પણ લોરેન્સે પોતે કોઈ ધમકીનો પત્ર મોકલ્યો હોવાનો ઈન્કાર કર્યો છે. તેનો મતલબ નથી કેમ કે લોરેન્સે સલમાનને ખતમ કરવાની આડકતરી ધમકી આપી જ દીધી છે.

ઈન્ટરવ્યૂમાં લોરેન્સે પોતે મૂસેવાલાની હત્યા નહીં કરાવી હોવાની રેકર્ડ પણ વગાડી છે. મૂસેવાલાની હત્યા કેનેડામાં રહીને ગેંગ ચલાવતા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે કરાવી હોવાનો દાવો કરીને લોરેન્સે કહ્યું છે કે, મૂસેવાલા વિરોધી ગેંગને મદદ કરતો હતો તેથી પોતે પણ ઈચ્છતો હતો કે તેનું બોર્ડ પતાવી દેવાય. આ કારણે જ પોતાને મૂસેવાલાની હત્યાના કાવતરાની ખબર હોવા છતાં પોતે કશું બોલ્યો નહોતો. 

ભારતમાં ફિલ્મસ્ટાર્સને ધમકી મળે તેમાં નવું કશું નથી. બિશ્નોઈની ધમકી સાચી જ હોય એવું પણ નથી. મૂળ હરિયાણાનો લોરેન્સ બિશ્નોઈ ઉત્તર ભારતમાં ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક ચલાવે છે. લોરેન્સની ગેંગ ઉત્તર ભારતમાં સૌથી મોટી ગેંગ મનાય છે. લોરેન્સની ગેંગમાં ૭૦૦ કરતાં વધારે શૂટર્સ હોવાનું કહેવાય છે. બિશ્નોઈ એ રીતે મોટો ગુંડો છે ને વરસોથી સલમાનને પતાવી દેવાની ધમકી આપે છે. સલમાનની જોધપુરમાં જ હત્યા કરાશે એવી ફિશિયારી પણ લોરેન્સ મારી ચૂક્યો છે પણ સલમાન ચુસ્ત સુરક્ષા વચ્ચે જીવે છે તેથી બિશ્નોઈ તેનું કશું બગાડી શક્યો નથી. 

જો કે સવાલ ધમકીનો નથી પણ આ દેશમાં કાયદાનું શાસન છે કે નહીં તેનો છે. બિશ્નોઈ જે સ્ટાઈલમાં ધમકી આપી રહ્યો છે એ દેશના કાયદા અને પોલીસ બંનેની મજાક ઉડાવનારી છે. બિશ્નોઈ પોતે જ એક ગેંગસ્ટર છે અને હત્યાનો આરોપી છે. સિધ્ધુ મૂસેવાલા પંજાબી ગાયક ઉપરાંત કોંગ્રેસનો નેતા પણ હતો. તેની ધોળા દિવસે હત્યા કરી દેવાઈ હતી. બિશ્નોઈ સામે તેની હત્યા કરાવવનો આરોપ છે. 

એક હત્યાનો આરોપી જેલમાં બેઠાં બેઠાં ઈન્ટરવ્યુ આપે અને દેશના ટોચના ફિલ્મ સ્ટારને મારી નાંખવાની ધમકી આપે તેનાથી વધારે શરમજનક કંઈ ના કહેવાય. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારમાં બેઠેલા લોકોએ તો બિશ્નોઈની ધમકી પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એ લોકો મૂસેવાલાની ધોળા દિવસે થયેલી હત્યાને તો રોકી ના જ શક્યા પણ બિશ્નોઈ બીજી હત્યાની ધમકી આપી રહ્યો છે તેને પણ રોકી શકતા નથી.

બિશ્નોઈ સલમાનનો ન્યાય કરવાની વાત કરીને આ દેશની ન્યાયવ્યવસ્થાને પણ પડકારી રહ્યો છે. સલમાને અપરાધ કર્યો છે કે નહીં ને કર્યો હોય તો તેણે કરેલો અપરાધ કેટલો મોટો છે એ નક્કી કરવા કોર્ટ છે જ. સલમાનનું શું કરવું એ કોર્ટે નક્કી કરવાનું છે ત્યારે અહીં તો એક ગેંગસ્ટર તેનો ન્યાય કરવા બેસી ગયો છે.

આ દેશમાં જેલો સમાજ માટે ખતરનાક લોકોને પૂરવા માટે બનાવાઈ છે પણ જેલોમાં બંધ કરાયા પછી પણ આ ખતરનાક લોકો ધમકીઓ આપ્યા કરતા હોય તો લોકો કઈ રીતે શાંતિથી જીવી શકે એ સવાલ થવો જોઈએ. બિશ્નોઈ ધમકી આપી શકે છે કેમ કે તેને ખબર છે કે, આ ધમકી બદલ તેને કશું થવાનું નથી.

આ ઘટનાએ બીજી એક વાત તરફ પણ ધ્યાન દોર્યું છે કે, આપણી જેલોમાં ગુનેગારોને રોકવાની તાકાત નથી. જેલોમાં એ હદે ભ્રષ્ટાચાર છે કે જેની પાસે પૈસો ને પાવર છે એ તેનો ઉપયોગ કરીને મસ્ત મજાની જીંદગી જીવ્યા કરે છે. તેને જેલમા હોય કે બહાર હોય, કોઈ ફરક પડતો નથી.  

આ સ્થિતી એક રાજ્યની નથી. આ પહેલાં ઉત્તર પ્રદેશમાં ગેંગસ્ટર કમ રાજકારણી મુખ્તાર અહમદ અંસારીનો પુત્ર અબ્બાસ અંસારી જેલમાં જ પોતાની પત્ની નિખત બાનો સાથે જેલમા જ રંગરેલિયાં મનાવતો ને ક્રાઈમ નેટવર્ક ચલાવતો ઝડપાયો હતો. દિલ્હીની તિહાર જેલમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના જલસાની વાતો તો આપણે સાંભળીએ જ છીએ. 

આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ બધાં રાજ્યોમાં આ જ હાલત છે. આ ગંભીર બાબત કહેવાય કેમ કે જેલો એ કાયદો અને વ્યવસ્થાનો ભાગ જ છે. બિશ્નોઈ જેવા ગુનેગાર જેલમાંથી ધમકી આપે તેનો મતલબ એ થાય કે, દેશની કાયદો અને વ્યવસ્થામાં ખામી છે.

કાળિયારના શિકાર પછી સલમાન ઉભી પૂંછડીએ ભાગેલો

બિશ્નોઈએ  સલમાન ખાનને પાઠ ભણાવવાની ધમકી આપી છે એ રાજસ્થાનમાં કાળિયારનો શિકાર કરવાના કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા થઈ છે. ૨૦૧૮માં જોધપુરની સેશન્સ કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી તેની સામે સલમાને રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી છે તેથી અત્યારે કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

આ કેસ ૨૩ વર્ષ જૂનો છે. રાજસ્થાનમાં ૧૯૯૮માં 'હમ સાથ સાથ હૈં'  ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ, નીલમ અને સતિષ શાહ જંગલમાં શિકારે ગયેલાં. સલમાન આણિ મંડળીએ ૨૬ સપ્ટેમ્બરથી  ૨ ઓક્ટોબર દરમિયાન બે ચિંકારા તથા એક કાળિયાર હરણનો શિકાર કર્યો હતો.  

કાળિયારને બિશ્નોઈ જાતિનાં લોકો પવિત્ર માને છે તેથી ગુંડા બિશ્નોઈ ગામ પાસે સલમાને કાળિયારનો શિકાર કર્યો હોવાની ખબર પડતાં લોકોનાં ટોળાં ઉમટવા માંડેલો.  ડરીને સલમાન ભાગેલો ત્યારે ટોળાએ તેનો પીછો પકડેલો. સલમાને બંદૂક દેખાડીને લોકોને ભગાડી મૂકેલાં.

પોલીસ પહેલાં સલમાન સામે કેસ નોંધવા તૈયાર નહોતી પણ બિશ્નોઈ જ્ઞાાતિનો આક્રોશ જોયા પછી રાજકીય દબાણ આવતાં સકેસ નોંધાયો.  આ ઘટનાના પાંચ દાડા પછી સલમાનની ધરપકડ થઈ પણ જામીન પર છૂટી ગયેલો. ૨૦૦૬માં પહેલા કેસનો ચુકાદો આવ્યો તેમાં ચિંકારાની હત્યા બદલ સલમાનને એક વર્ષની સજા થઈ હતી. ૨૦૦૬માં કાળિયારની હત્યાના કેસમાં કોર્ટે  સલમાનને પાંચ વર્ષની સજા ફટકારતાં ફરી સલમાનને જેલમાં ધકેલી દેવાયો હતો. ત્રણ દિવસ પછી સલમાન જામીન પર છૂટેલો.  

આ સજા સામે સલમાને અપીલ કરી હતી. ૨૦૧૬ના ઓગસ્ટમાં રાજસ્થાન હાઈકોર્ટે સલમાનની સજા રદ કરી નાંખી હતી. હાઈકોર્ટે ચુકાદો આપેલો કે, જે પણ પ્રાણી મર્યાં એ સલમાનની લાયસંસવાળી ગનથી મર્યાં તેના પુરાવા નથી તેથી સજા ના કરાય. હાઈકોર્ટે સલમાનને બધા કેસોમાં છોડી મૂકેલો.  

રાજસ્થાન સરકારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારતાં નવેમ્બર, ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને રદ કરીને  સલમાન સામેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા ફરમાન કરેલું. જાન્યુઆરી ૨૦૧૭માં સલમાન આર્મ્સ એક્ટને લગતા કેસોમાં નિર્દોષ છૂટી ગયેલો પણ ૨૦૧૮માં તેને પાંચ વર્ષની સજા થઈ હતી. આ કેસમાં બીજાં બધાં નિર્દોષ છૂટેલાં જ્યારે સલમાનને જ સજા થઈ છે.

Tags :