Get The App

સરહદ વિવાદ : પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે અમેરિકાએ આગ ચાંપી !

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
સરહદ વિવાદ : પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે અમેરિકાએ આગ ચાંપી ! 1 - image


- કોઈપણ ભોગે અફઘાનિસ્તાનનું બગરામ એરબેઝ લેવા માટે અમેરિકા દ્વારા જાતભાતના અખતરા કરવામાં આવી રહ્યા છે

- અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આવેલી 2,600 કિ.મીની ડુરંડ લાઈન ઉપર અનેક જગ્યાએ ભીષણ ગોળીબાર થયો અને સામસામો તોપમારો પણ કરવામાં આવ્યો. બંને પક્ષો વચ્ચે થયેલી આ વર્તમાન સમયની સૌથી મોટી હિંસક અથડામણ છે : પાકિસ્તાનનો દાવો છે કે, આ તમામ ઠેકાણાઓનો ઉપયોગ પાકિસ્તનમાં આતંકવાદ ફેલાવવા માટે કરાતો હતો. કેટલાક ટ્રેનિંગ સેન્ટર હતા અને કેટલાક આતંકી લોન્ચપેડ હતા. આ તમામનો નાશ પણ કરવામાં આવ્યો છે. તેના થકી પાકિસ્તાનમાં વકરી રહેલા આતંકવાદને નાથવામાં મદદ મળશે : સાઉદી અરબ, કતાર, ઈરાન જેવા દેશોએ વચ્ચે પડીને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને શાંતિ જાળવવા અને સંયમ જાળવવા અપીલ કરી છે.

દુનિયામાં ઘણા દેશો વચ્ચે સર્જાયેલું હિંસા અને યુદ્ધનું વાતાવરણ ક્યાંક શાંત થતું જાય છે તો ક્યાંક વકરતું જાય છે અને ક્યાંક નવા યુદ્ધના મંડાણ થતા હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો જંગ અટક્યો છે ત્યાં હવે વધુ એક સંઘર્ષ શરૂ થયેલો દેખાય છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન હવે સામ સામે આવી ગયા છે. બંને દેશો વચ્ચેનો સરહદ મુદ્દો અને અન્ય સમસ્યા હવે હિંસક હુમલાનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. ગત અઠવાડિયાથી આ સંઘર્ષની શરૂઆત થઈ હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આવેલી ૨,૬૦૦ કિ.મીની ડુરંડ લાઈન ઉપર અનેક જગ્યાએ ભીષણ ગોળીબાર થયો અને સામસામો તોપમારો પણ કરવામાં આવ્યો. બંને પક્ષો વચ્ચે થયેલી આ વર્તમાન સમયની સૌથી મોટી હિંસક અથડામણ છે. 

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ગત શનિવારે રાત્રે અંદાજે ૧૦ વાગ્યાની આસપાસ સંઘર્ષ શરૂ થયો. કહેવાય છે કે, અફઘાનિસ્તાનના તાલિબાની લડવૈયાઓએ તેમની અને પાકિસ્તાનની સંયુક્ત સરહદ ઉપર પાકિસ્તાની સેનાને ટાર્ગેટ કરીને હુમલા શરૂ કરી દીધા. કહેવાય છે કે, પાકિસ્તાનીઓ દ્વારા ગુરુવારે કાબુલ ઉપર કરવામાં આવેલા હવાઈ હુમલાનો બદલો લેવા માટે તાલિબાની લડવૈયાઓએ પાકિસ્તાની સેનાને ટાર્ગેટ કરી હતી. તેના પગલે સામસામે ગોળીબાર શરૂ થયા અને સ્થિતિ વિસ્ફોટક બની ગઈ. પાકિસ્તાને આ હવાઈ હુમલાની કે અન્ય હુમલાની જવાબદારી લીધી નહોતી પણ અડકતરી રીતે કહ્યું હતું કે, વધતા જતા આતંકવાદથી પોતાને બચાવવાનો તેનો મૂળભૂત અધિકાર છે. 

તાલિબાનો દ્વારા ઘણી જગ્યાઓએ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ખૈબર પખ્તુન્વાના અંગૂર અડ્ડા, બાજૌર, કુર્રમ, દીરા અને ચિત્રાલ તથા બલુચિસ્તાનમાં બહરામ ચાહ ખાતે હુમલા કરાયા હતા. તાલિબાની સરકારે દાવો કર્યો હતો કે, સરહદે થયેલી આ હિંસક અથડામણમાં પાકિસ્તાનના ૫૮ સૈનિકો માર્યા ગયા હતા જ્યારે ૩૦ જેટલા ઘાયલ થયા હતા. બીજી તરફ ૯ તાલિબાની લડવૈયા પણ માર્યા ગયાના અહેવાલ છે. પાકિસ્તાન તેની આદત પ્રમાણે ધડમાથા વગરની વાતો કરે છે. તે ક્યારેક કહે છે કે, ૨૩ સૈનિકો માર્યા ગયા છે. બીજી તરફ કહે છે કે, તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ ઉપરાંત પાકિસ્તાને ૨૦૦થી વધારે તાલિબાની આતંકીઓ અને સંદિગ્ધ સૈનિકોને માર્યા છે. હજી સાચો આંકડો સામે આવ્યો નથી. 

પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે, સરહદે તાલિબાનોના ઘણા ઠેકાણા નષ્ટ કવરામાં આવ્યા છે. ખાસ કરીને અફઘાનિસ્તાનની સરહદે દુશ્મનોના ૨૧ ઠેકાણા તોડી પાડીને તેના ઉપર કબજો જમાવાયો છે. પાકિસ્તાનનો દાવો છે કે, આ તમામ ઠેકાણાઓનો ઉપયોગ પાકિસ્તનમાં આતંકવાદ ફેલાવવા માટે કરાતો હતો.

પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તાજેતરમાં સરહદ ઉપર જે પણ બન્યું છે તે જણાવે છે કે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર દ્વારા આતંકવાદીઓ મદદ કરવામાં આવી રહી છે અને તેના કારણે જ સરહદે સ્થિતિ ગરમાયેલી રહે છે. પાકિસ્તાને કહ્યું કે, તાલિબાનો દ્વારા જે હિંસા કરવામાં આવી તે નિંદનીય છે. પાકિસ્તાનનો દાવો છે કે, પાકિસ્તાની સેનાએ તાલિબાનો અને અફઘાનિસ્તાનની સેનાના હુમલનો મજબૂત જવાબ આપ્યો છે. પાકિસ્તાની જવાનોએ સરહદે આવેલી અફઘાનિસ્તાનની ઘણી ચોકીઓ નષ્ટ કરી દીધી છે અને આતંકવાદીઓના ઠેકાણા પણ તોડી પાડયા છે. તેના કારણે આતંકીઓને ભાગવાની અને તાલિબાનોને પીછે હઠ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ અફઘાનિસ્તાને જણાવ્યું કે, સ્થિતિ કાબુમાં છે. કતાર અને સાઉદી જેવા મિત્ર દેશોએ અમને યુદ્ધ રોકવાની અપિલ કરી તેથી ફાયરિંગ અટકાવાયું હતું. અમારા લડવૈયાઓ સરહદની સામેની તરફ જઈને બધું જ કબજે કરવા સક્ષમ છે અને તે સમયે આ કામ કરી પણ લીધું હોત. પાકિસ્તાનમાં સરહદે ઘણી ખાના ખરાબી થઈ છે પણ તે આ વાત સ્વીકારશે નહીં.

જાણકારોના મતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જે હિંસા થઈ અથવા તો સંઘર્ષ ચાલી રહ્યો છે તેની પાછળ ઘણાબધા કારણો જવાબદાર છે. તેમાં એક કારણ એવું આવે છે કે, ગત ગુરુવારે પાકિસ્તાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તેના કારણે ગિન્નાયેલા અફઘાનિસ્તાને દબલો લેવાનું નક્કી કર્યું હતું. તાલિબાની સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, અફઘાનિસ્તાનના સામાન્ય બજારમાં અને સરહદ પાસેના એક પ્રાન્તમાં પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા. 

તેણે અફઘાનિસ્તાનની સંપ્રભુતાને હાની પહોંચાડવાનો પ્રયાસ કર્યો તેના કારણે અફઘાનિસ્તાને બદલો લીધો હતો. પાકિસ્તાનનું કહેવું છે કે, અફઘાનિસ્તાન દ્વારા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા આતંકી સંગઠનને આશરો આપવામાં આવ્યો છે અને આ આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાનમાં આતંક ફેલાવાય છે. આતંકીઓને ડામવા માટે જ પાકિસ્તાને હુમલો કર્યો હતો. બંને એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.

પાકિસ્તાને હાલમાં જે અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો તેનું મોટું કારણ અમેરિકાને માનવામાં આવે છે. અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનને બગરામ એરબેઝ આપવા માટે સમજાવવામાં આવ્યું હતું, દબડાવવામાં આવ્યું હતું પણ અફઘાનિસ્તાન તેના માટે તૈયાર થયું નહોતું. અફઘાનિસ્તાનમાં બે દાયકા જેટલો સમય રહ્યા બાદ અમેરિકા સેના એકાએક પાછી ફરી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ શરૂ થયું તેની પહેલાં અમેરિકા પોતાની મોટાભાગની વસ્તુઓ ત્યાં રાખીને જ જતા રહ્યા હતા. બાકીના સાધનો અને હથિયારોથી તેને ફરક પડતો નથી પણ અમેરિકાને બગરામ એરબેઝની ખૂબ જ જરૂરી છે. તેના માટે તે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યું હોય તેવું લાગે છે. અફઘાનિસ્તાનના નેતાઓનો આરોપ છે કે, તેમણે અમેરિકાની વાત ન માની તેના કારણે જ તે પાકિસ્તાન થકી હુમલા કરાવી રહ્યા છે.  બીજી તરફ પાકિસ્તાને પંજાબ પ્રાન્તમાં રહેતા અફઘાન લોકોને ખદેડી કાઢયા હતા. તાજેતરમાં પાકિસ્તાને ૧૨૩ અફઘાની લોકોને પકડી લીધા અને તેમણે પ્રત્યાર્પણ કેન્દ્રમાં મોકલી દીધા. આ પહેલાં એપ્રિલમાં પાકિસ્તાને ૪૨,૦૦૦ અફઘાનિસ્તાનીઓને હાંકી કાઢયા હતા. બીજી તરફ આ બંને દેશોના સંઘર્ષને જોઈને અન્ય કેટલાક દેશોમાં ચિંતાનું વાતાવરણ છે. ખાસ કરીને સાઉદી અરબ, કતાર, ઈરાન જેવા દેશોએ વચ્ચે પડીને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને શાંતિ જાળવવા અને સંયમ જાળવવા અપિલ કરી છે. 

પાકિસ્તાન સમજદારી દાખવીને વાતચીતના રસ્તા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે. શાંતિ અને સ્થિરતા વધારવા માટે જે પણ સ્થાનિક સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે તેને સાઉદી સમર્થન આપે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન શાંતિ જાળવશે તો તેમના લોકોની સ્થિરતા અને સમૃદ્ધિ માટે જ હશે. તેનાથી બંને દેશોને જ ફાયદો થવાનો છે. 

ભારતે હવે બંને પાડોશીઓના વિવાદથી દૂર રહેવાની અને સાવચેત રહેવાની જરૂર

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલા હિંસક અથડામણનો સમય ખૂબ જ સુચક છે. ખાસ કરીને બંને દેશો વચ્ચે તાજેતરમાં જે હિંસા થઈ તે માત્ર જોખમી નહીં પણ ગંભીર કહી શકાય તેવી અથડામણ હતી. તાલિબાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારતના પ્રવાસે હતા ત્યારે પાકિસ્તાને હુમલો કરવાની આડોડાઈ કરી અને આ સંબંધો બગાડવાનો પ્રયાસ કર્યો. ભારતે જે રીતે મુત્તાકી અને તેમના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. તેમની સાથે બેઠક કરી અને તેમને ભરપૂર સન્માન આપ્યું. પાકિસ્તાનને આ સંબંધો કુણા થવા અને આગળ વધવા અંગે જોખમ લાગી રહ્યું છે. તેના પેટમાં તેલ રેકાડું છે અને તેણે સરહદે છમકલું કરી નાખ્યું. 

ભારતે જણાવ્યું હતું કે, કાબુલમાં જે ફેરફાર આવ્યો છે તેને સામાન્ય કરવામાં ભારત દ્વારા મદદ કરવામાં આવશે. 

બંને દેશોને આતંકવાદ કનડી રહ્યો છે. બંને દેશોએ સાથે મળીને આતંકવાદનો અંત આણવાનો પ્રયાસ કરવો જોઈએ. ભારત અને અફઘાનિસ્તાન હવે સંયુક્ત રીતે આતંકવાદને નાથવા માટે કામ કરશે. પહલગામ હુમલા પછી પણ અફઘાનિસ્તાને જે રીતે ભારતને મદદ કરી તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. ભારતે જે રીતે અફઘાનિસ્તાનને આવકાર્યું અને મદદની ખાતરી આપી તેની સાથે કામગીરી કરવાની વાત કરી જેના પગલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હશે.

હાલમાં સરેરાશ એવું લાગી રહ્યું છે કે, ભારતને કનડવા માટે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની સરહદે આતંકવાદી ઘુસાડવામાં આવે છે. જાણકારોને એક જ ભય છે કે, જો આ ઘટના રોકવામાં નહીં આવે તો અન્ય દેશોને પણ વ્યાપક અસર પડશે.

Tags :