Get The App

અન્યાય જોઈને ઉછરેલો છોકરો ન્યાયતંત્રના સર્વોચ્ચ શિખરે

Updated: May 15th, 2025

GS TEAM

Google News
Google News
અન્યાય જોઈને ઉછરેલો છોકરો ન્યાયતંત્રના સર્વોચ્ચ શિખરે 1 - image


- દેશના નવા સીજેઆઈ બીઆર ગવઈનું બાળપણ અમરાવતીની ઝુંપડપટ્ટીમાં પસાર થયું જ્યાં અનેક દુષણો વ્યાપ્ત હતા

- ઝુંપડપટ્ટીની સરકારી સ્કુલમાં ભણતર અને માતાના સંસ્કારોનું ગણતર ભૂષણ ગવઈના ચારિત્ર્યનો આધાર બન્યું : બીઆર ગવઈના પિતા રામકૃષ્ણ ગવઈ દિગ્ગજ દલિત નેતા હતા, તેઓ સાંસદ અને ત્રણ રાજ્યોના રાજ્યપાલ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા હતા : આર્ટિકલ 370 રદ કરવી, ઈલેક્ટોરલ બોન્ડ રદ કરવા અને રાજ્યોમાં ચાલતી બુલડોઝર સંસ્કૃતિ ઉપર લગાવ લગાવતા મહત્ત્વના નિર્ણયો લેનારી ખંડપીઠનો ભાગ રહ્યા છે બીઆર ગવઈ

જસ્ટિસ બી આર ગવઈ દેશના ૫૨માં ચિફ જસ્ટિસ પદે બિરાજમાન થયા છે. દેશના ન્યાયતંત્રની સુરક્ષા, સાચવણી અને સાતત્યતાની જવાબદારી હવે તેમના ખભે આવી છે. 

બુધવાર ૧૪ મેના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તેમને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પદે શપથ લેવડાવ્યા. સીજેઆઈ સંજીવ ખન્નાનો કાર્યકાળ ૧૩મેના રોજ પૂરો થતા તેઓ નિવૃત્ત થયા હતા અને બી આર ગવઈ નવા સીજેઆઈ બન્યા હતા. સીજેઆઈ ખન્નાનો કાર્યકાળ સાત મહિનાનો હતો. નવા નિમાયેલા સીજેઆઈ ગવઈને કાર્યકાળ છ મહિનાથી થોડો વધારે રહેશે. ૨૪ મે ૨૦૧૯ના રોજ સુપ્રીન કોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણુક પામનારા ગવઈ સીજેઆઈ પદેથી ૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ નિવૃત્ત થશે.

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૬૦ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. અહેવાલો પ્રમાણે તેમનું બાળપણ અમરાવતીના ફ્રીઝરાપુરની ઝુંપડપટ્ટીમાં પસાર થયું હતું. તેઓ સાતમા ધોરણ સુધી સરકારી શાળામાં ભણ્યા હતા. તેઓ ઝુંપડપટ્ટી પાસે આવેલી નગરપાલિકાની મરાઠી શાળામાં અભ્યાસ કરતા હતા. તેમના પિતા રામકૃષ્ણ સૂર્યભાન ગવઈ સામાજિક કાર્યકર અને નેતા હતા. તેઓ જાણીતા આંબેડકરવાદી નેતા અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(ગવઈ)ના સંસ્થાપક હતા. તેમના અનુયાયીઓ અને સમાજના લોકો તેમને દાદાસાહેબ કહીને બોલાવતા હતા. પિતા સામાજિક આગેવાન અને રાજકીય નેતા હોવાથી દરરોજ ઘણા લોકોની ઘરમાં આવનજાવ રહેતી હતી. બીઆર ગવઈના માતાનો મોટાભાગનો સમય મહેમાનોના ચાપાણી અને ભોજન પાછળ જ પસાર થતો હતો. આ દરમિયાન ભૂષણના પિતા રામકૃષ્ણ ગવઈ રાજકારણમાં વધારે પ્રવૃત્ત થયા અને અમરાવતીથી સાંસદ તરીકે પણ ચૂંટાયા.

 આ સિવાય તેઓ ૨૦૦૬થી ૨૦૧૧ સુધીમાં બિહાર, સિક્કિમ અને કેરળના રાજ્યપાલ તરીકે પણ રહ્યા હતા. તત્કાલીન યુપીએ સરકાર સાથે પણ તેમનું જોડાણ હતું. 

ઉલ્લેખનીય છે કે, બીઆર ગવઈના ભાઈ ડો. રાજેન્દ્ર ગવઈ પણ રાજકારણ સાથે જોડાયેલી વ્યક્તિ છે. તેઓ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(આઈ)ના રામદાસ આઠવલે સાથે કેટલાક સમય માટે જોડાયા હતા. 

ત્યારબાદ તેમણે જોડાણ તોડી કાઢયું હતું. તેમણે આપીઆઈના વિવિધ જૂથોને એકજૂથ કરીને મોટી પાર્ટી બનાવવા પ્રયાસ કર્યા હતા પણ સફળ રહ્યા નહોતા. દરેક નેતાને પોતાનો એકડો મોટો કરવો હતો. તેના પગલે રાજેન્દ્ર ગવઈ અલગ થયા અને આઠવલેને છોડીને કોંગ્રેસ સાથે જોડાઈ ગયા. આઠવલેએ ત્યારે ભાજપ સાથે જોડાણ કરી લીધું. 

ઉલ્લેખનીય છે કે, બીઆર ગવઈનું બાળપણ મોટાભાગે માતાને મદદ કરવામાં અને તેમની છત્રછાયામાં જ પસાર થયું છે. તેમના પિતા સામાજિક અને રાજકિય આગેવાન હોવાથી તેઓ મોટાભાગે ઘરથી દૂર રહેતા. તેના કારણે તેમની માતા કમલાતાઈને ચિંતા રહેતી કે બાળકો ખોટા રસ્તે ન ચડી જાય. 

તેઓ સતત બાળકોને સાચવતી અને સંસ્કાર આપતી હતી. સમગ્ર ઘરની જવાબદારી કમલાતાઈએ ઉપાડેલી હતી. ગવઈ પોતાની માતાને ઘરકામમાં મદદ કરતા હતા. 

ભોજન બનાવવું, વાસણ ધોવા, ભોજન પિરસવું, ખેતરમાં કામ કરવું, ખેતરમાં પાણી વાળવું જેવા બધા જ કામ ઘરના મોટા દીકરા તરીકે ભૂષણ સંભાળી લેતા હતા. કમલતાઈએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઘરનો મોટો દીકરો હોવાના કારણે ભૂષણ ખૂબ જ પરિપક્વ છે. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન સૈનિકો પણ તેમના નાનકડા મકાનમાં આવતા, ભોજન કરતા અને ભૂષણ આ કામમાં પરિવારની મદદ કરતો હતો. 

કમલાતાઈ આજે પણ અમરાવતીના કોંગ્રેસ નગર વિસ્તારમાં પોતાના નાનાકડા મકાનમાં રહે છે. તેઓ પોતાના પુત્રના સંઘર્ષ અને સફળતાની વાતો કરતી રહે છે.   

ભૂષણ રામકૃષ્ણ ગવઈ તેમના પરિવાર સાથે અમરાવતીમાં ઝુંપડીમાં રહેતા હતા. તેમ છતાં તેમની પાસે સારા ઘરના વ્યક્તિઓ મિત્રતા રાખતા કારણ કે તેમનું ચરિત્ર્ય ઉત્તમ હતું. તેમણે અમરાવતીમાંથી શાળાકિય અભ્યાસ પૂરો કર્યા બાદ નાગપુર વિશ્વવિદ્યાલયથી બીએ એલએલબીની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ૧૬ માર્ચ ૧૯૮૫ના રોજ બાર એસોસિયેશનના સભ્ય બન્યા હતા. 

તેમણે પોતાની કેરિયરની શરૂઆત ૧૯૮૫થી વકીલ તરીકે કરી હતી. તેઓ ૧૯૮૭માં સિનિયર એડવોકેટ અને પૂર્વ એડવોકેટ જનરલ તથા હાઈકોર્ટના ન્યાયાધિશ સ્વર્ગસ્થ રાજા એસ. ભોંસલેની સાથે કામ કરતા હતા. 

તેમણે ૧૯૮૭થી ૧૯૯૦ સુધી વ્યક્તિગત રીતે હાઈકોર્ટમાં વકીલાત કરી હતી. ૧૯૯૦માં તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠમાં પ્રેક્ટિસ કરી. તેઓ નાગપુર નગરનિગમ, અમરાવતી નગરનિગમ અને અમરાવતી યુનિવર્સિટીના વકીલ હતા.

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ઓગસ્ટ ૧૯૯૨થી જુલાઈ ૧૯૯૩ સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના સહાયક સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર હતા. ૧૭ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ તેમને નાગપુર ખંડપીઠના સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ ૧૪ નવેમ્બર ૨૦૦૩ના રોજ તેઓ બોમ્બે હાઈકોર્ટના એડિશન મેજિસ્ટ્રેટ બન્યા. ૧૨ નવેમ્બર ૨૦૦૫ના રોજ તેઓ ન્યાયાધિશ બન્યા. આ દરમિયાન તેમણે મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખંડપીઠોના તમામ પ્રકારના કેસની સુનાવણી કરી.

ગવઈ ૨૪ મે ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે નિમાયા. 

છેલ્લાં છ વર્ષોમાં તેમણે લગભગ ૭૦૦થી વધુ ખંડપીઠોમાં ભાગ લીધો. તેમણે ૩૦૦ જેટલા ચુકાદા લખ્યા. ૨૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ બીઆર ગવઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધિશ તરીકે નિયુક્ત કરવાને મંજુરી આપવામાં આવી. તેઓ ૧૪ મેના રોજ દેશના ૫૨મા મુખ્ય ન્યાયાધિશ બન્યા. તેઓ દેશના બીજા દલિત ચીફ જસ્ટિસ બન્યા છે. 

પિતાના સપનાને એક પુત્રએ સાકાર કરી બતાવ્યું

દીકરા એક દિવસ તું ચીફ જસ્ટિસ બનીશ... પોતાના પિતાના આ શબ્દોએ એક પુત્રએ સાકાર કરી બતાવ્યા. સમાજ સેવક અને દલિત રાજકારણમાં સક્રિય એક વ્યક્તિનું સપનું હતું કે, તેમનો પુત્ર દેશના બંધારણીય પદમાં આવતા ન્યાયતંત્રના સર્વોચ્ચ સ્થાન ઉપર બિરાજમાન થાય. પિતાના આ સપનાને આંખોમાં આંજીને બીઆર ગવઈએ અથાક મહેનત કરી, નીતિમત્તાને ક્યારેય આંચ ન આવવા દીધી અને સમાજ, દેશ તથા ન્યાય પ્રત્યેની પોતાની જવાબદારી સાથે ક્યારેય બાંધછોડ ન કરી. વાત એવી છે કે, આમ્બેડકરના સાથી અને આમ્બેડકરી નેતા તરીકે જાણીતા આર એસ ગવઈના પુત્ર બી આર ગવઈ નવા સીજેઆઈ બન્યા છે પણ તેની પાછળ સપનું આરએસ ગવઈનું છે. આરએસ ગવઈ પોતે વકીલાત કરવા માગતા હતા પણ તેઓ સમાજસેવા અને રાજકારણમાંથી મુક્ત થઈ શક્યા જ નહીં. તેઓ લો સ્કૂલમાં અભ્યાસ માટે ગયા હતા પણ બીજા વર્ષ પછી તેઓ આગળ વધી શક્યા જ નહીં. તેથી તેમણે પોતાના પુત્રને જવાબદારી સોંપી કે તે સપનું પૂરું કરે. ગવઈને તેમના પિતાએ કહ્યું હતું કે, દીકરા સમાજને તારે મારા કરતા વધારે યોગદાન આપવાનું છે. તારે એક દિવસ ચીફ જસ્ટિસ બનાવું છે. 

કદાચ એ દિવસ જોવા હું હાજર નહીં રહી શકું. તેમના પિતાની વાત પણ સાચી પડી અને સપનું પણ સાચું પડયું. જસ્ટિસ ગવઈને સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે પ્રમોટ કર્યાના ચાર વર્ષ પહેલાં ૨૦૧૫માં જ આરએસ ગવઈનું અવસાન થઈ ગયું હતું. ૧૪ મે ૨૦૨૫ના રોજ તેમણે પિતાનું સપનું પૂરું કરતા ચીફ જસ્ટિસ પદે શપથ લીધા.

દેશના ઘણા મહત્ત્વપૂર્ણ ચુકાદાઓમાં જસ્ટિસ ગવઈનું યોગદાન રહ્યું

સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે જસ્ટિસ ગવઈ ઘણા મહત્ત્વપૂર્ણ ચુકાદાઓમાં સંકળાયેલા છે. ખાસ કરીને બંધારણના આર્ટિકલ ૩૭૦ને રદ કરવાનો ચુકાદો હોય કે પછી ઈલેક્ટોરલ બોન્ડ રદ કરવાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો હોય, ગવઈ આ ચુકાદાઓની ખંડપીઠનો ભાગ રહી ચુક્યા છે. 

રાજ્યો દ્વારા ગેરકાયદો બાંધકામો ઉપર ચલાવાતા બુલડોઝરોની કામગીરીને અટકાવતા અને રાજ્યોની બુલડોઝર સંસ્કૃતિને અટકાવવાનો મહત્ત્વનો ચુકાદો આપનાર બેન્ચના પણ તેઓ સભ્ય હતા. રાજ્યોને રાષ્ટ્રપતિની યાદીમાં અનુસુચિત જાતીઓના ઉપવર્ગિકૃત કરવાનો અધિકાર આપ્યો હતો જેના કારણે આ જ્ઞાાતીઓને જાહેર રોજગાર, સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતનો લાભ મળી શકે. આ સિવાય મનીષ સિસોદિયાના જામીન કેસમાં પણ જસ્ટિસ ગવઈના ચુકાદાએ વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને મજબૂતી આપી હતી. તેમણે એ ખંટપપીઠનું પણ નેતૃત્વ કર્યું હતું જેણે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડની આરોપી પેરારિવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. 

કેજી બાલકૃષ્ણન દેશના પહેલા દલિત ચીફ જસ્ટિસ

બીઆર ગવઈ દેશના બીજા દલિત ચીફ જસ્ટિસ તરીકે નિમાયા છે. તેમની પહેલાં ૨૦૦૭માં જસ્ટિસ કે જી બાલકૃષ્ણન ચીફ જસ્ટિસ તરીકે નિમાયા હતા. સુપ્રીમ કોર્ટમાં તેમની નિમણુક ૨૦૦૦ની સાલમાં થઈ હતી. તેમની નિમણુક દ્વારા જ ન્યાયતંત્રમાં અને સુપ્રીમ કોર્ટમાં ઉંચા પદ ઉપર દલિત વ્યક્તિઓના પ્રવેશ અને પદાધિકારની શક્યતાઓ ઉજળી હોવાની છાપ ઊભી થઈ હતી. તેઓ ૨૦૦૭થી ૨૦૧૦ સુધી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત રહ્યા હતા. દલિત સમુદાય માટે કેજી બાલકૃષ્ણનની નિમણુક માઈલસ્ટોન સમાન સાબિત થઈ હતી. તેમણે સીજેઆઈ તરીકે સામાજિક ન્યાય, સામાજિક સુરક્ષા, અનામત અને માનવાધિકાર જેવા મુદ્દે ઘણા મહત્ત્વનવા અને દૂરોગામી ચુકાદા આપ્યા હતા.

Tags :