For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અજીત-વિજયના સમર્થકો ઝગડયા, સાઉથમાં સ્ટારભક્તિ સામાન્ય

Updated: Jan 14th, 2023

Article Content Image

- ભૂતકાળમાં એમ.જી. રામચંદ્રન અને શિવાજી ગણેશન બેમાંથી કોણ મોટો સ્ટાર તેની સ્પર્ધા ચાલતી હતી : બંનેના સમર્થકો વચ્ચે હિંસક અથડામણો સામાન્ય હતી

- આપણને ફિલ્મ સ્ટાર પાછળનું આ ગાંડપણ જોઈને નવાઈ લાગે પણ સાઉથમાં આ નવી વાત નથી. સાઉથમાં કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ એ ચારેય ભાષામાં દરેક સ્ટારની પોતાની ફેન્સ ક્લબ છે. આ ફેન્સ ક્લબમાં બસો-પાંચસો નહીં પણ હજારો સભ્યો હોય છે. રજનીકાન્ત ફેન્સ એસોસિએશનના જ રજિસ્ટર્ડ થયેલા 50 હજાર સભ્યો છે.

થોડા સમય પહેલાં 'તમિલ રોકર્ઝ' નામે વેબ સીરીઝ આવેલી. તમિલ ફિલ્મોના સ્ટાર અરૂણ વિજયને ચમકાવતી ફિલ્મોની પાયરસી આધારિત 'તમિલ રોકર્ઝ' ક્રાઈમ થ્રિલર હતી પણ વેબ સીરિઝમાં બે ફિલ્મ સ્ટાર્સના ચાહકો એટલે કે ફેન્સની દુશ્મનીની પણ વાત હતી. પોતાના મનપસંદ સ્ટારની ફિલ્મને હિટ કરાવવા ને તેના હરીફ સ્ટારની મૂવીને ફ્લોપ કરાવવા ફેન્સ હિંસા આચરવા સહિત કંઈ પણ કરવાની હદે જઈ શકે છે એ ફિલ્મમાં બતાવાયેલું.  આ વેબ સીરિઝ ઘણાંને અવાસ્તવિક લાગેલી. ફિલ્મ સ્ટાર બધાંને પસંદ હોય પણ તેના કારણે મારામારી કરવા સુધીની હદે ફેન્સ જાય એ વાત ગુજરાતી દર્શકોને હજમ નહોતી થઈ. 

ચેન્નાઈમાં ગુરૂવારે મધરાતે 'તમિલ રોકર્ઝ'માં બતાવાયેલી સ્ટોરી સાચી લાગે એવી ઘટના બની ગઈ. તમિલનાડુમાં અજીત કુમાર અને થલપતિ વિજય બંને સુપરસ્ટાર ગણાય છે. આ અઠવાડિયે અજીતની 'થુનિવુ' અને વિજયની 'વારિસુ' ફિલ્મ રીલીઝ થઈ છે. અજીત અને વિજયની ફિલ્મ એક જ દિવસે રીલીઝ થઈ હોય એવું આઠ વર્ષ પછી બનેલું. ચેન્નાઈના જાણીતા રોહિણી થીયેટરમાં બંને ફિલ્મો બતાવાઈ રહી છે તેથી બંનેના ચાહકો મૂવી જોવા ઉમટી પડેલા. ચાહકોમાં અજીત મોટો સુપરસ્ટાર કે વિજય તેની ચર્ચા શરૂ થઈ ને તેનો અંત મારામારીમાં આવ્યો. 

અજીત અને વિજયના ફેન્સ એકબીજા પર તૂટી પડયા. ચાહકોએ પોતાના પસંદગીના સ્ટારના હરીફ સ્ટારની ફિલ્મનાં પોસ્ટર ફાડી નાખ્યાં ને તેને તોડીને તેની લોખંડ-લાકડાની પટ્ટીઓનો ઉપયોગ એઅકબીજાની ધોલાઈ કરવા માટે કર્યો. આ મારામારીમાં કેટલાંયનાં માથાં ફૂટયાં ને પોલીસે આવીને લાઠીચાર્જ કરવો પડયો. બંને સ્ટારના સમર્થકોએ પોલીસ સાથે પણ મારામારી કરી તેમાં ઘણા પોલીસ પણ ઘાયલ થઈ ગયા છે. આ મારામારી અને હિંસાના વીડિયો અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યા છે. તેના કારણે સોશિયલ મીડિયા પર પણ બંનેના સમર્થકો વચ્ચે જંગ છેડાઈ ગયો છે. 

આપણને ફિલ્મ સ્ટાર પાછળનું આ ગાંડપણ જોઈને નવાઈ લાગે પણ સાઉથમાં આ નવી વાત નથી. સાઉથમાં કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ એ ચારેય ભાષામાં દરેક સ્ટારની પોતાની ફેન્સ ક્લબ છે. આ ફેન્સ ક્લબમાં બસો-પાંચસો નહીં પણ હજારો સભ્યો હોય છે. રજનીકાન્ત ફેન્સ એસોસિએશનના જ રજિસ્ટર્ડ થયેલા ૫૦ હજાર સભ્યો છે. હવે નવા સભ્યો લેવાતા નથી, બાકી રમતાં રમતાં પાંચ-દસ લાખ પર આંકડો પહોંચી જાય. આ ફેન્સ ક્લબ કે ફેન્સ એસોસિએશનની પોતાની વેબસાઈટ્સ છે ને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે. તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. 

રજનીકાન્તનું તો ઉદાહરણ આપ્યું પણ વિક્રમ, કમલ હસન, સૂર્યા, વિજય, અજીત વગેરે તમામ તમિલ સ્ટાર્સની આવી ક્લબ છે. તેલુગુમાં પણ ચિરંજીવી, પવન કલ્યાણ, જુનિયર એનટીઆર, પ્રભાસ, રવિ તેજા, રામચરણ તેજા, અલ્લુ અર્જુન સહિતના તમામ સ્ટાર્સની જંગી ફેન ક્લબ્સ છે. આ જ હાલત કન્નડ અને મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં છે. પોતાના સ્ટારની મૂવી રીલીઝ થાય એટલે તેને સુપર હીટ બનાવવા આ આર્મી ઉતરી પડે છે. 

મનપસંદ સ્ટારની ફિલ્મનું ટ્રેલર કે ટીઝર રીલીઝ થાય તો પણ એ ટ્રેન્ડ કરવા માંડે છે. આ આર્મી સ્ટારને સપોર્ટની સાથે સાથે બીજા સ્ટારની મૂવીને ફ્લોપ કરાવવા પણ પૂરી તાકાત લગાવી દે છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તેથી સોશિયલ મીડિયા પર જોરદાર જંગ ચાલતો જ રહે છે. બે સ્ટારની મૂવીની ટક્કર થાય ત્યારે એકબીજાનાં માથાં પણ ફોડે છે. 

સાઉથની ફિલ્મોમાં આ વરસોનો ટ્રેન્ડ છે. ભૂતકાળમાં તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રન અને શિવાજી ગણેશન બેમાંથી કોણ મોટો સ્ટાર તેની સ્પર્ધા ચાલતી. બંનેના સમર્થકો વચ્ચે હિંસક અથડામણો સામાન્ય હતી. ડીએમકેના કરૂણાનિધી પણ ફિલ્મ રાઈટર હતા ને તેમની પણ ફેન ક્લબ હતી. એમજીઆર અને કરૂણાનિધી એક જ પાર્ટીમાં હતા ત્યારે પણ બંનેના સમર્થકો મારામારી કરતા હતા. જયલલિતા, સરોજાદેવી, જાનકીના સમર્થકો વચ્ચે પણ મારામારી થતી. 

આંધ્ર પ્રદેશમાં પણ એનટીઆર એટલે કે એન.ટી. રામારાવ અને એએનઆર એટલે કે અક્કીનેની નાગેશ્વર રાવના સમર્થકો વચ્ચે જંગ જામતો. એએનઆર નાગાર્જુનના પિતા છે. પછીની પેઢીમાં ચિરંજીવી અને નંદમૂરિ બાલકૃષ્ણના સમર્થકોમાં મારામારી ચાલતી. ચિરંજીવી અને પવન કલ્યાણ તો સગા ભાઈ છે છતાં બંનેના સમર્થકો એકબીજાનાં માથા ફોડે છે. 

સાઉથમાં સ્ટાર્સ માટે એ હદે ગાંડપણ છે કે લોકો ફિલ્મ સ્ટાર્સને ભગવાન માનીને જ પૂજે છે. આ કારણે જ ફિલ્મ સ્ટાર્સ રાજકારણમાં સૌથી વધારે સફળ સાઉથમાં જ થયા છે. તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રન ૧૯૭૭થી સળંગ દસ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. જયલલિતાની એમજીઆર સાથે સફળ જોડી હતી. તમિલ પ્રજાએ જયલલિતાના સ્ટારડમને પણ વધાવીને તેમને પણ ચાર વાર મુખ્યમંત્રી બનાવ્યાં. 

તમિલનાડુની જેમ આંધ્ર પ્રદેશમાં પણ એનટીઆરનો એવો જ દબદબો હતો. એનટીઆરની લોકપ્રિયતા એવી હતી કે, તેલુગુ દેશમ પાર્ટી બનાવ્યાના એક જ  વર્ષ પછી યોજાયેલી આંધ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનટીઆરની પાર્ટીને બે તૃતિયાંશ બહુમતી મળેલી. વિધાનસભાની ૨૯૪ બેઠકોમાંથી ૨૦૨ બેઠકો જીતીને એનટીઆરે વરસોથી જામેલી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાંખેલાં. 

એનટીઆર ચૂંટણી પ્રચાર માટે પોતાના ચૈતન્ય રથમમાં નિકળ્યા હતા. આખા આંધ્ર પ્રદેશનો લગભગ ૭૫ હજાર કિલોમીટરનો પ્રવાસ તેમણે કરેલો. એનટીઆરને જોવા માટે લાખોની ભીડ ઉમટતી. હજારો લોકો તો સ્વયંભૂ જ એનટીઆરની યાત્રામાં સાથે જોડાયા હતા. એનટીઆરની એક ઝલક માટે ધક્કામુકી થાય ને લોકો મરી જાય એવી ઘટનાઓ પણ બનેલી છતાં એનટીઆર માટેનો ભક્તિભાવ ઓછો થયો નહોતો. 

એનટીઆરના પગલે ચાલીને આંધ્ર અને તેલંગાણામાં ચિરંજીવી અને પવન કલ્યાણ બંને ભાઈ રાજકારણમાં આવ્યા છે. બંનેને એનટીઆર જેવી સફળતા નથી મળી પણ તેમની સભાઓમાં પણ લાખો લોકો ઉમટે જ છે.

તમિલનાડુમાં પણ ઘણા સ્ટાર્સ રાજકારણમાં આવ્યા છે. રજનીકાન્ત પર પણ ફેન્સનું રાજકારણમાં આવા માટે જોરદાર દબાણ હતું તેથી રજનીકાન્તે રાજકારણમાં આવવાનું એલાન પણ કરી નાંખેલું. રજની પછી પાણીમાં બેસી ગયો એ અલગ વાત છે પણ એ છતાં તેના સમર્થકો રજનીએ બનાવેલા પક્ષને છોડીને ગયા નથી. રજનીના સંગઠનમાં લાખો સભ્યો છે અને બિન રાજકીય રીતે કામ કરે જ છે. રજનીનો વિચાર બદલાય ને રાજકારણમાં આવવાનું નક્કી કરે તો તેના માટે પ્લેટફોર્મ તૈયાર જ રખાયું છે. 

આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ સાઉથમાં ફિલ્મ સ્ટાર્સને પૂજવાની પરંપરા વરસોથી છે. તેના કારણે હિંસા થાય, લોકો મરાય તેનાથી ચાહકોને કોઈ ફરક પડતો નથી. આપણે ત્યાં લોકો ધર્મમાં મગ્ન બનીને ભગવાનને પૂજે એ રીતે સ્ટારની પૂજા થયા જ કરે છે.  આ સ્ટાર ભક્તિનું કારણ એ છે કે, લોકો ફિલ્મ સ્ટાર પડદા પર જે રોલ કરે તેને ગંભીરતાથી લે છે. ફિલ્મોમાં સ્ટારની જે ઈમેજ હોય એવી જ રીતે એ અંગત જીવનમાં પણ હશે એવું માનીને લોકો તેમને પૂજે છે. 

સાઉથમાં તમામ ટોચની એક્ટ્રેસનાં મંદિર 

વરસો પહેલાં સાઉથની ફિલ્મોની સુપરસ્ટાર ખુશ્બુ સુંદરનું મંદિર બનાવાયું ત્યારે સૌને આશ્ચર્ય થયેલું પણ સાઉથમાં આ ટ્રેન્ડ વરસોથી ચાલે છે. તેલુગુ ફિલ્મોના સૌથી મોટા સુપરસ્ટાર મનાતા એન.ટી. રામારાવે તેમની કારકિર્દીમાં ભગવાનના રોલ વધારે કર્યા.

 લોકો તેમને ભગવાન માનીને પૂજતા અને તેમનાં મંદિર બનાવેલાં. તમિલ ફિલ્મોના સુપરસ્ટાર એમ.જી.રામચંદ્રનનું પણ મંદિર બનેલું છે. 

સાઉથનાં લોકો ઘણી એક્ટ્રેસને દેવી માનીને પૂજે છે ને તેમનાં પણ મંદિર બનાવ્યાં છે. કાજલ અગ્રવાલ, નયનતારા, નમિતા, હંસિકા મોટવાણી, નિધી અગ્રવાલ, નગમા, પૂજા ઉમાશંકર વગેરે હાલની એક્ટ્રેસનાં પણ મંદિર બનાવાયેલાં છે.

મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સ પોતાનાં મંદિર ને તેમાં પોતાની મૂર્તિ મૂકાય બને તેનાથી ખુશ થાય છે પણ રજનીકાન્તે પોતાના ચાહકોને પોતાની મૂર્તિ મૂકતાં રોક્યા હતા. બેંગલુરૂમાં બસ ડ્રાઈવર તરીકે કામ કરનારા રજનીકાન્ત તમિલ સિનેમાના અત્યાર સુધીના સૌથી મોટા સુપરસ્ટાર ગણાય છે. રજનીના ફેન્સ દ્વારા કર્ણાટકના કોલારમાં મંદિર બનાવવાનું નક્કી કરાયું ત્યારે રજનીએ પોતાના બદલે મહાદેવનું મંદિર બનાવવા કહ્યું હતું. આ કારણે કોલારમાં ભવ્ય કોટિલિંગેશ્વર મંદિર બન્યું કે જેમાં સહસ્ત્રલિંગ છે. આ મંદિરમાં રોજ રજનીતકાન્તના સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ માટે પ્રાર્થના તથા આરતી કરાય છે.

Gujarat